Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઇન્ડિયન ઇકૉનૉમીનાં આયર્ન લેડી નિર્મલા સીતારમણ

ઇન્ડિયન ઇકૉનૉમીનાં આયર્ન લેડી નિર્મલા સીતારમણ

Published : 01 February, 2026 03:22 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આજે સતત નવમી વખત બજેટ રજૂ કરનારાં ફાઇનૅન્સ મિનિસ્ટરે એક સમયે લંડનના હોમ-ડેકોર સ્ટોરમાં સેલ્સવુમન તરીકે કામ કર્યું છે ખબર છે?

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ


આજે સતત નવમી વખત બજેટ રજૂ કરનારાં ફાઇનૅન્સ મિનિસ્ટરે એક સમયે લંડનના હોમ-ડેકોર સ્ટોરમાં સેલ્સવુમન તરીકે કામ કર્યું છે ખબર છે? અને એ ખબર છે કે તેમના પતિ અને તેમનો પરિવાર કૉન્ગ્રેસી છે? પ્રેગ્નન્ટ થયાં ત્યારે સંતાનનો જન્મ પોતાના દેશમાં થાય એવો તેમનો આગ્રહ, એટલે પતિને મનાવીને ઇંગ્લૅન્ડ છોડીને ભારત પાછાં આવી ગયાં : રાષ્ટ્રીય મહિલા આયોગનાં મેમ્બર બન્યા પછી દેશ માટે કશુંક કરવાની તેમની ભાવના પ્રબળ બની અને ૨૦૦૬માં BJPમાં જોડાઈ ગયાં. અને રેસ્ટ ઇઝ હિસ્ટરી...

૨૦૧૯થી સતત નવમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરનારાં દેશનાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની વાતો છેલ્લા એક વીકથી શરૂ થઈ ગઈ છે પણ તેમની પર્સનલ લાઇફ વિશે ક્યાંય કશું લખાતું નથી. અત્યાર સુધીમાં તેમણે જે બજેટ આપ્યાં અને એ બજેટની શું ખાસિયત હતી એ વિશે પણ વાતો થાય છે, પણ કોઈ માઈના લાલે એ નથી લખ્યું કે દેશની ત્રીજા નંબરની સર્વોચ્ચ સત્તા પર બેઠાં હોવા છતાં ફાઇનૅન્સ મિનિસ્ટરની એકની એક દીકરીનાં મૅરેજ કોઈ રિસૉર્ટ કે આલીશાન પૅલેસમાં નહીં પણ પોતાના ઘરે જ થયાં હતાં. કોઈએ એ પણ નથી કહ્યું કે એ મૅરેજમાં બન્ને પક્ષેથી માત્ર સો-સો વ્યક્તિઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હા, આ હકીકત છે. દેશ માટે રૂપિયો ક્યાંથી આવશે એની ચિંતા કરતાં નિર્મલા સીતારમણ એ વાતનો પણ વિચાર કરતાં રહે છે કે પોતાના ઘરમાંથી એક પણ રૂપિયો ખોટી રીતે ખર્ચાવો ન જોઈએ.



આજે તેમની પાસે સરકારનો આલીશાન બંગલો છે અને એ બંગલાનું લાઇટ બિલ કેન્દ્ર સરકાર ભરે છે અને એ પછી પણ એ બંગલાના એક પણ રૂમની લાઇટ જરૂરિયાત વિના ચાલુ રાખવી નહીં એવી સ્પષ્ટ સૂચના નિર્મલાજીએ પોતાના સ્ટાફને આપી છે. BJPના અગત્યના પદ પર હોવાથી કાર્યકરો તેમને ત્યાં નિયમિત રીતે આવતા રહે છે પણ કાર્યકરોને પણ સ્પષ્ટ સૂચના છે કે જો કામ ફોનથી પૂરું થતું હોય તો રૂબરૂ આવવાની તસ્દી લેવી નહીં અને અપેક્ષા રાખવી નહીં કે ફાઇનૅન્સ મિનિસ્ટરના બંગલા પર શાંતિથી જમી લેવાશે. નિર્મલા સીતારમણનો આ સ્વભાવ દેશના સર્વોચ્ચ નેતા એવા નરેન્દ્ર મોદીની કેળવણીની કમાલ તો છે જ પણ સાથોસાથ તેમના પરિવારની ગળથૂથી પણ છે.


૧૯પ૯ની ૧૮ ઑગસ્ટે તામિલનાડુના મદુરાઈના તામિલ આયંગર બ્રાહ્મણ ફૅમિલીમાં જન્મેલાં નિર્મલા સીતારમણના પપ્પા નારાયણન સીતારમણ રેલવે-કર્મચારી હતા તો મમ્મી સાવિત્રીબહેન ઘર સંભાળતાં. રેલવેની ટ્રાન્સફરેબલ જૉબના કારણે નિર્મલાજીનું નાનપણ તામિલનાડુનાં અનેક શહેરોમાં પસાર થયું. તમને જાણીને નવાઈ લાગશે પણ નિર્મલાજીએ બારમા ધોરણ સુધીનો પોતાનો અભ્યાસ અલગ-અલગ છ શહેરોની સેન્ટ્રલ સ્કૂલમાં લીધો હતો. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું, નિર્મલાજીને એક નાની બહેન છે જેનું નામ સીતા છે.

બન્ને દીકરીઓ ખૂબ ભણે અને જીવન શિસ્તબદ્ધ રીતે જીવે એવું વાતાવરણ નિર્મલાજીને ઘરમાંથી જ મળ્યું તો સાથોસાથ વાંચનનો શોખ પણ તેમને નાનપણથી જ મળ્યો. મમ્મી-પપ્પાને વાંચવાનો શોખ એટલે જ્યારે પણ એકબીજાને કંઈ ગિફ્ટ આપવાની આવે તો ગિફ્ટમાં પુસ્તકો જ આપવામાં આવે. નિર્મલાજીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વાંચનના પોતાના શોખને કારણે જ તેમની ડિબેટિંગ સ્કિલ એટલે કે તર્કશક્તિનો વિકાસ થયો. આ જ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે અમને નાનપણથી જ સમજાવવામાં આવ્યું હતું કે માણસ તેનાં કપડાં કે દેખાવથી નહીં પણ જ્ઞાનથી ઓળખાવો જોઈએ. કદાચ આ જ કારણ હશે કે નિર્મલા સીતારમણજી હંમેશાં હૅન્ડલૂમ સાડીમાં જોવા મળે છે.


નિર્મલાજીએ તિરુચિરાપલ્લીની સીતાલક્ષ્મી રામસ્વામી કૉલેજમાંથી ઇકૉનૉમિક્સમાંથી ગ્રૅજ્યુએશન પૂરું કર્યું અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પછી માસ્ટર્સ અને MPhil કરવા દિલ્હી આવ્યાં. યાદ રહે, આ કોઈ નાનીસૂની વાત નથી. દક્ષિણ ભારતના એક રૂઢિચુસ્ત પરિવારમાંથી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ભણવા આવવું એ બહુ મોટો નિર્ણય હતો અને નિર્મલાજીને એમાં સપોર્ટ પપ્પાનો હતો. તેમને વિશ્વાસ હતો કે દીકરી ચોક્કસપણે પોતાની કારકિર્દી બનાવશે. પપ્પાના આ વિશ્વાસને દીકરીએ ઉજાગર તો કર્યો પણ સાથોસાથ જીવનસાથી પણ આ જ યુનિવર્સિટી દ્વારા મેળવ્યો.

મન અલગ, દિલ એક

નિર્મલા સીતારમણ જ્યારે યુનિવર્સિટીમાં હતાં ત્યારે તેમની મુલાકાત પહેલી વાર ડૉ. પરકલા પ્રભાકર સાથે થઈ જે ધીમે-ધીમે દોસ્તીમાં ફેરવાઈ અને એ પછી ૧૯૮૬માં તેમણે મૅરેજ કર્યાં. નિર્મલાજીએ જેમની સાથે મૅરેજ કર્યાં એ ડૉ. પરકલા પ્રભાકરનો પરિવાર વર્ષોથી કૉન્ગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે. ખુદ પરકલા કૉન્ગ્રેસના મેમ્બર રહ્યા છે તો નિર્મલાજીનાં સાસુ આંધ્ર પ્રદેશમાં કૉન્ગ્રેસનાં વિધાનસભ્ય હતાં, જ્યારે તેમના સસરા કૉન્ગ્રેસની સ્ટેટમાં ગવર્નમેન્ટમાં પ્રધાનપદ પર રહી ચૂક્યા છે.

નિર્મલાજીની વિચારધારા ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે મેળ નહોતી ખાતી પણ એ સમયે પણ તે કૉન્ગ્રેસની વિચારધારા સાથે સહમત નહોતાં. એવું જ અત્યારે ડૉ. પરકલાનું છે. આજે જ્યારે પતિ-પત્ની દાળભાત અને ખીચડી-કઢી જેવા વિષય પર એકબીજા સાથે બાખડી પડે છે ત્યારે આ દંપતી આદર્શ કપલની જેમ એકબીજાના વિચારો અને ઓપિનિયનને પૂરું માન-સન્માન આપે છે. પરકલા પ્રભાકર પણ ઇકૉનૉમિસ્ટ છે. સ્વાભાવિક રીતે એક જ ફીલ્ડ હોવાથી બન્ને પાસે પોતપોતાનાં મંતવ્ય હોવાનાં. અત્યારે પણ ઘણી વાર એવું બને કે ડૉ. પરકલા આર્થિક નીતિઓ બાબતે સરકારની ટીકા કરે અને ડાઇનિંગ ટેબલ પર એ વિષય પર ઉગ્ર ચર્ચા થાય; પણ એ ચર્ચા માત્ર નીતિઓ પૂરતી સીમિત રહે, અંગત સંબંધોમાં એ ક્યાંય દરાર બનતી નથી.

નિર્મલાજી અને ડૉ. પરકલાને એક દીકરી છે, જેનું નામ વાંગ્મયી છે. વાંગ્મયીએ જર્નલિઝમમાં માસ્ટર્સ કર્યું છે. આર્ટિકલની શરૂઆતમાં જે મૅરેજની વાત થઈ એ મૅરેજ વાંગ્મયીનાં જ હતાં. તમારી જાણ ખાતર, મમ્મી દેશનાં ફાઇનૅન્સ મિનિસ્ટર, દીકરી પોતે એક સમયની ટોચની જર્નલિસ્ટ અને પપ્પા કૉન્ગ્રેસના જૂના સદસ્ય અને એ પછી પણ વાંગ્મયીનાં મૅરેજમાં એક પણ મીડિયા-હાઉસના માલિકને નિમંત્રણ નહોતું મોકલવામાં આવ્યું.

હવેનું જીવન લંડનનું

મૅરેજ પછી ડૉ. પ્રભાકર લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં PhD કરવા માટે ગયા ત્યારે તેમની સાથે નિર્મલાજી પણ ત્યાં સ્થાયી થયાં. નિર્મલાજીએ ત્યાં એક પણ કામ કરવામાં શરમ કે સંકોચ નથી રાખ્યો અને એ તમામ કામ તેમણે નિષ્ઠાપૂર્વક કર્યાં.

લંડનના બહુ જાણીતા હૅબિટૅટ નામના હોમ-ડેકોર સ્ટોરમાં તે સેલ્સવુમન તરીકે પણ રહ્યાં તો પ્રાઇસ વૉટરહાઉસ કૂપર્સ નામની કંપનીમાં સિનિયર મૅનેજર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી. થોડો સમય માટે તેમણે લંડનમાં BBC વર્લ્ડ સર્વિસમાં પણ કામ કર્યું.

હૅબિટૅટમાં પોતે જ્યારે જૉબ કરતાં હતાં ત્યારે એક વર્ષે તેમણે ક્રિસમસ સમયમાં રેકૉર્ડબ્રેક સેલ કર્યું, જેના માટે કંપનીએ તેમને લંડનમાં બેસ્ટ સેલ્સપર્સન તરીકે સન્માનિત પણ કર્યાં હતાં.

વર્ષ આવ્યું ૧૯૯૧ અને પ્રભાકર કપલ ઇન્ડિયા પાછું આવ્યું. કાયમ માટે. આ કાયમ માટે પાછા આવવાનું કારણ સાંભળશો તો તમે છક રહી જશો, ગૅરન્ટી.

દીકરીનો જન્મ વતનમાં

આજે મોટા ભાગનાં કપલ ઇચ્છતાં હોય છે કે તેમના બાળકનો જન્મ વિદેશમાં થાય જેથી તેને તમામ પ્રકારની સુવિધાઓ મળે. ખાસ કરીને પશ્ચિમના દેશો સાથે જોડાયેલા કપલની તો આ જ માનસિકતા હોય છે, પણ નિર્મલાજીની વાત જુદી હતી.

૧૯૯૦માં પ્રેગ્નન્સી સમયે તેમણે નિર્ણય કર્યો કે તેમના સંતાનનો જન્મ વતનમાં, પરિવારના સભ્યો વચ્ચે થાય અને ડૉ. પ્રભાકરે તેમની વાતને સહર્ષ સ્વીકારી અને ૧૯૯૧ની પહેલી મેએ વાંગ્મયીનો જન્મ ચેન્નઈમાં થયો. આ જે આખો ગાળો હતો એ નિર્મલાજીની પર્સનલ લાઇફમાં પણ ઘણા ઉતારચડાવ લાવનારો હતો તો દેશ માટે પણ એવો જ સમય હતો. આ એ જ વર્ષ અને એ જ પિરિયડ જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ અને આ એ જ પિરિયડ જે સમયે દેશના અર્થતંત્રમાં ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી અને વિદેશી કંપનીઓ અને ધિરાણ માટે દ્વાર ખોલવામાં આવ્યાં.

વાંગ્મયીના જન્મ પછી થોડો સમય માટે નિર્મલાજીએ બ્રેક લીધો અને પછી પતિ સાથે હૈદરાબાદ સેટલ થયાં અને ત્યાં ‘સેન્ટર ફૉર પબ્લિક પૉલિસી સ્ટડીઝ’માં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે જોડાયાં અને એ પછી ૨૦૦૩થી ૨૦૦પના વર્ષ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગનાં મેમ્બર તરીકે જવાબદારી સંભાળી. આ એ સમયગાળો હતો જે સમયમાં નિર્મલાજીના મનમાં દેશ માટે કશુંક કરવાની ભાવના પ્રબળ બનવા માંડી હતી.

દીકરી વિશે થોડું...

ડૉ. પ્રભાકર અને નિર્મલા સીતારમણની દીકરી વાંગ્મયીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી લિટરેચરમાં બૅચલર્સ કર્યું અને એ પછી તેણે અમેરિકાની નૉર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીમાં જર્નલિઝમમાં માસ્ટર્સ કર્યું. વાંગ્મયી ‘ધ હિન્દુ’માં કામ કરી ચૂકી છે.

૨૦૨૩ના જૂન મહિનામાં બૅન્ગલોરમાં તેનાં મૅરેજ થયાં, જે ટિપિકલ શાસ્ત્રોક્ત વિધિથી સાદગી સાથે થયાં હતાં. મમ્મી જે સ્તરનું સ્થાન ભોગવે છે એ પછી પણ દીકરી શક્ય હોય ત્યાં સુધી મીડિયા સામે આવતી નથી. લાઇમલાઇટથી પર રહેવા માગતી દીકરી મોટા ભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનો પ્રવાસ કરતી રહે છે. અત્યારે તે પુસ્તક લખવા માટે સનાતનના અમુક કાળ પર રિસર્ચ કરે છે.

રાષ્ટ્ર પ્રથમની નીતિ

૨૦૦૬માં નિર્મલા સીતારમણે BJP જૉઇન કર્યું. નિર્મલાજી પર સુષમા સ્વરાજનો જબરદસ્ત પ્રભાવ રહ્યો. સુષમા સ્વરાજ પણ નિર્મલાજીના વ્યક્તિત્વ અને તેમની લૉજિકલ ડિબેટના મુદ્દાથી ખૂબ પ્રભાવિત હતા. સુષ્મા સ્વરાજે જ તેમને સક્રિય રાજકારણમાં આવવા માટે પ્રોત્સાહન આપ્યું અને ભારતીય જનતા પાર્ટીની ‘નૅશન ફર્સ્ટ’ની નીતિ નિર્મલાજીને પ્રભાવિત કરી ગઈ.

૨૦૦૩થી ૨૦૦પ દરમિયાન નિર્મલાજી રાષ્ટ્રીય મહિલા આયોગનાં સભ્ય હતાં જ. આ સમયગાળા દરમિયાન તેમણે ગ્રાઉન્ડ લેવલ પર પુષ્કળ કામ કર્યું અને દેશની રાજકીય સ્થિતિને નજીકથી જોઈ, જેના કારણે તેમના મનમાં એ વાત દૃઢ બની કે જો સુધારા કરવા હશે તો આગળ આવવું પડશે, જો નવું ભારત જોઈતું હશે તો એની માટે આગેવાની લેવી પડશે. ૨૦૦૬માં BJP જૉઇન કર્યા પછી થોડા જ સમયમાં પાર્ટીમાં પણ નિર્મલાજી પૉપ્યુલર થવા માંડ્યાં, જેના માટે તેમની તર્કબદ્ધ દલીલો બહુ જવાબદાર હતી.

શબ્દોની પસંદગી અને દલીલમાં મૂકવામાં આવતા મુદ્દાઓ જોઈને BJPએ માત્ર ચાર જ વર્ષમાં તેમને પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યાં અને ટીવી-ડિબેટ્સે તેમને હીરો બનાવવાનું કામ કર્યું. ભલભલાને પરસેવો છોડાવી દેવાની અને ચમરબંધીની પણ બોલતી બંધ કરી દેવાની તેમની ક્ષમતા જોઈને નરેન્દ્ર મોદીથી લઈને નીતિન ગડકરી જેવા પાર્ટીના સિનિયર નેતાઓનું પણ ધ્યાન તેમના તરફ ખેંચાયું અને પહેલા જ વર્ષે તેમને હૈદરાબાદથી દિલ્હી બોલાવી લેવામાં આવ્યાં.

દિલ્હી નિર્મલાજીને જબરદસ્ત ફળ્યું. દિલ્હી આવ્યાનાં ત્રણ જ વર્ષમાં પાર્ટીએ તેમને લોકસભાની ટિકિટ આપી અને ૨૦૧૪ની મોદી સરકારમાં નિર્મલા સીતારમણ પહેલી વાર ફાઇનૅન્સ મિનિસ્ટર (રાજ્ય કક્ષાનાં) બન્યાં. યાદ રહે, આ નિર્મલાજીનો ટ્રેઇનિંગ પિરિયડ હતો, તેમને પણ અણસાર નહીં હોય કે આવતા સમયમાં આ જ જવાબદારી તેમને સંપૂર્ણપણે સોંપાવાની છે. ઍનીવેઝ, વાત કરીએ ૨૦૧૭ની. નરેન્દ્ર મોદી અને BJP આ આયર્ન લેડી અને તેમની ક્ષમતાને બરાબર ઓળખી ગયાં હતાં એટલે ૨૦૧૭માં તેમને ભારતનાં પ્રથમ પૂર્ણ સમયનાં મહિલા ડિફેન્સ મિનિસ્ટર બનાવવામાં આવ્યાં. યાદ રહે, ઇન્દિરા ગાંધી પછી આ પદ સંભાળનાર એ દેશનાં એકમાત્ર મહિલા છે.

૨૦૧૯માં ફરીથી લોકસભા ઇલેક્શન આવ્યું અને નિર્મલા સીતારમણ ફરી જીત્યાં અને મોદી સરકારમાં તેમને દેશનાં પહેલાં પૂર્ણ સમયનાં મહિલા ફાઇનૅન્સ મિનિસ્ટર બનાવ્યાં, જે આજ સુધી એટલે કે છેલ્લાં આઠ બજેટથી લગાતાર ચાલુ છે અને આજે તે દેશનું નવમું બજેટ રજૂ કરશે.

એક સામાન્ય રેલવે-કર્મચારીની દીકરી, ઘરમાં કૉન્ગ્રેસી માહોલ અને એ પછી પણ પોતાની ઓળખને અકબંધ રાખીને સેંકડો સિદ્ધિઓ હાંસલ કરનારાં નિર્મલા સીતારમણ અત્યાર સુધીમાં ફૉર્બ્સની ‘વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં બાર વખત આવી ગયાં છે અને એ પછી પણ તેમને સૌથી વધારે ગમતું કોઈ કામ હોય તો જાતે રસોઈ બનાવીને કોઈને જમાડવું. હા, નિર્મલાજીને રસોઈ બનાવવાનો શોખ છે અને તેમના ફેવરિટ ટીવી-શોમાં પણ કુકરી શો પહેલા નંબરે આવે છે. નિર્મલાજીને રસોઈ બનાવતાં તેમનાં મમ્મી-પપ્પા બન્નેએ શીખવ્યું છે. નિર્મલાજી આજે પણ માને છે કે કુકિંગથી મોટું સ્ટ્રેસ-બસ્ટર બીજું કંઈ નથી.

કુછ પર્સનલ... 

નિર્મલાજીને ભારતીય ક્લાસિકલ મ્યુઝિકનો ખૂબ શોખ છે. તે પોતે પણ ક્લાસિકલ મ્યુઝિકનાં જાણકાર છે.

કુકિંગ પછી રીડિંગ તેમનો બીજો ફેવરિટ શોખ. ઇકોનોમિક્સ જ નહીં, લિટરેચરથી લઈને સનાતન ધર્મનાં પુસ્તકો, શાસ્ત્રોનો પણ તેમણે અભ્યાસ કર્યો છે અને આજે પણ કરતાં રહે છે.

નિર્મલાજી હંમેશાં તમને હૅન્ડલૂમ સાડીમાં જ જોવા મળે. આ સાડીઓ પણ તે સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવાના હેતુથી પહેરે છે.

સવારે ૬ વાગ્યે તેમનો દિવસ શરૂ થાય છે. સૌથી પહેલાં યોગ અને મેડિટેશન કરે અને એ પછી તે ન્યુઝપેપર વાંચે. 

બજેટ નહીં, બહીખાતા...

વર્ષોથી આપણે ત્યાં બજેટ બ્રીફકેસમાં લાવવાની પરંપરા રહી છે, જે બ્રિટિશરોની નકલ છે. ૨૦૧૯માં પોતાના પહેલા જ બજેટ વખતે નિર્મલા સીતારમણે એ પરંપરા અને નકલ તોડી અને બ્રીફકેસને બદલે લાલ રંગના કપડામાં વીંટાળેલું ‘બહીખાતા’ રજૂ કર્યું.

બહીખાતામાં વપરાયેલું એ લાલ કપડું તેમની મમ્મીની સાડીમાંથી લેવામાં આવ્યું હતું અને એ બહીખાતાની ડિઝાઇન તેમનાં દાદીએ તૈયાર કરી હતી.

સીતારમણ હાઇલાઇટ્સ

પોતાનાં અગાઉનાં આઠ બજેટમાં કઈ-કઈ ખાસ વાતને નિર્મલા સીતારમણે આવરી લીધી હતી એ જાણવા જેવું છે.

૧. કૉર્પોરેટ ટૅક્સમાં ઐતિહાસિક ઘટાડો : ૨૦૧૯માં પોતાના પહેલા બજેટ પછી અર્થતંત્રને વેગ આપવા કૉર્પોરેટ ટૅક્સ ૩૦ ટકાથી ઘટાડીને ૨૨ ટકા કર્યો, જેને આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ટૅક્સસુધારો માનવામાં આવે છે. આ ઘટાડાને લીધે વિદેશી રોકાણ વધ્યું.

૨.  નવી ટૅક્સ અરેન્જમેન્ટ: ૨૦૨૦માં તેમણે ટૅક્સપેયર પાસે ‘વૈકલ્પિક ટૅક્સ વ્યવસ્થા’ રજૂ કરી જેમાં ટૅક્સ-સ્લૅબ ઘટાડવામાં આવ્યા હતા, જે ત્યાર પછી ૨૦૨૩માં વધુ ઍટ્રૅક્ટિવ બનાવીને ૭ લાખ સુધીની આવકને ટૅક્સ-ફ્રી કરી.

૩. આત્મનિર્ભર ભારત પૅકેજ (કોવિડ સમય - 2020-’21): કોરોના દરમિયાન જ્યારે આખું વિશ્વ થંભી ગયું હતું ત્યારે તેમણે ૨૦ લાખ કરોડનું આર્થિક પૅકેજ જાહેર કર્યું. એ બજેટમાં ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ અને વૅક્સિનેશન માટે જંગી રકમ ફાળવવામાં આવી હતી.

૪.  બજેટનું ‘ડિજિટાઇઝેશન’: ૨૦૨૧માં તેમણે વર્ષોથી ચાલી આવતી કાગળ પર બજેટ છાપવાની પરંપરા બંધ કરી અને ભારતનું પ્રથમ ‘પેપરલેસ બજેટ’ રજૂ કર્યું અને સંસદમાં ટૅબ્લેટ લઈને આવ્યાં, જે ડિજિટલ ઇન્ડિયાનું પ્રતીક બન્યું.

૫. PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન : ૨૦૨૨ના બજેટમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ, રેલવે, ઍરપોર્ટને વેગ આપવા માટે તેમણે ‘ગતિ શક્તિ’ યોજના જાહેર કરી જેને લીધે દેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધી.

૬.  શ્રી અન્ન : ૨૦૨૩ના બજેટમાં બાજરી, જુવાર જેવા અનાજને ‘શ્રી અન્ન’ તરીકે ઓળખ આપી અને ભારતને એનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી. આ ઉપરાંત ઍગ્રિકલ્ચર ઍક્સેલરેટર ફન્ડની પણ સ્થાપના કરી.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 03:22 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK