Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તુમ ક્યા જાનો, એક મચ્છર ક્યા-ક્યા કર સકતા હૈ

તુમ ક્યા જાનો, એક મચ્છર ક્યા-ક્યા કર સકતા હૈ

Published : 20 August, 2026 08:45 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

મચ્છરથી થતા રોગો જ નહીં, એને નાથવા માટેના ઉપાયો પણ અનેક રીતે માનવજાત પર માઠી અસરો પહોંચાડે છે ત્યારે જાણીએ ઓછામાં ઓછા નુકસાન સાથે મૉસ્કિટોથી પીછો છોડાવવા માટે શું થઈ શકે એ

તુમ ક્યા જાનો, એક મચ્છર ક્યા-ક્યા કર સકતા હૈ

તુમ ક્યા જાનો, એક મચ્છર ક્યા-ક્યા કર સકતા હૈ


માત્ર બેથી ૧૦ મિલીમીટરની સાઇઝના મચ્છરને આપણે હળવાશમાં લઈએ છીએ, પરંતુ દર વર્ષે વિશ્વભરમાં એ સાતથી ૧૦ લાખ લોકોનાં મોતનું કારણ બને છે. વર્ષે સરેરાશ ૧૦થી ૧૫ કરોડ 
લોકો મચ્છરે ફેલાવેલા રોગોના ઇન્ફેક્શનનો ભોગ બને છે. ૧ લાખ અબજ જેટલા‍ મચ્છરો પૃથ્વીના લગભગ દરેક ખૂણે ફેલાયેલા છે અને એને નાથવા વિશેની જાગૃતિ ફેલાય એ માટે દર વર્ષે ૨૦ ઑગસ્ટે મચ્છર દિવસ મનાવાય છે. આજે વર્લ્ડ મૉસ્કિટો ડે નિમિત્તે એક ડોકિયું કરીએ મચ્છરોએ માણસો પર ફેલાવેલી માયાજાળમાં. મચ્છરથી થતા રોગો જ નહીં, એને નાથવા માટેના ઉપાયો પણ અનેક રીતે માનવજાત પર માઠી અસરો પહોંચાડે છે ત્યારે જાણીએ ઓછામાં ઓછા નુકસાન સાથે મૉસ્કિટોથી પીછો છોડાવવા માટે શું થઈ શકે એ

હિના પટેલ
feedbackgmd@mid-day.com
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ ૨૦૨૪માં વિશ્વભરમાં અંદાજે ૨૮.૨ કરોડ મલેરિયાના કેસ નોંધાયા હતા અને ૬.૧૦ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આફ્રિકન રીજનમાં જ વિશ્વના મલેરિયાના આશરે ૯૪ ટકા કેસ એટલે કે ૨૬.૫ કરોડ કેસ અને ૯૫ ટકા મૃત્યુ એટલે કે ૫.૭૯ લાખ મૃત્યુ નોંધાયાં હતાં. 
ડેન્ગીની વાત કરીએ તો WHOના જણાવ્યા મુજબ ૨૦૨૪માં વિશ્વભરમાં ૧.૪૩ કરોડથી વધુ ડેન્ગીના કેસ નોંધાયા હતા અને ૧૦,૫૭૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ડેન્ગીના અત્યાર સુધીનાં સૌથી ઊંચાં નોંધાયેલાં સ્તરોમાંનું એક હતું. દર વર્ષે વિશ્વભરમાં આશરે ૧૦ કરોડ લોકોમાં લક્ષણોવાળું ડેન્ગી ઇન્ફેક્શન થાય છે, જ્યારે આશરે ૩૦ કરોડ લોકોમાં લક્ષણો વગરનું ઇન્ફેક્શન થાય છે. આ આંકડાઓ પરથી સમજાય છે કે મચ્છરજન્ય રોગો માત્ર વ્યક્તિગત નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ મોટો જાહેર આરોગ્ય પડકાર છે.
મચ્છર દ્વારા માત્ર મલેરિયા અને ડેન્ગી જ નહીં; ચિકનગુનિયા, યલો ફીવર, વેસ્ટ નાઇલ ફીવર, જૅપનીઝ એન્સેફલાઇટિસ, લિમ્ફેટિક ફિલેરિયાસિસ અને એના જેવાં ડઝનેક ઇન્ફેક્શન્સ ફેલાય છે. આ તમામ ચેપોનો સરવાળો કરીએ તો મચ્છરોએ ફેલાવેલા ત્રાસથી અંદાજે ૧૦થી ૧૫ કરોડ લોકો હેરાન થાય છે.  
ખાતમો કરવાનાં 
સાધનો પણ જોખમી
સ્વાભાવિક છે કે આવા મચ્છરોનો બનેએટલો ઝડપથી ખાતમો કરવા માટે માનવજાતે જાતજાતના ઉપાયો શોધી કાઢ્યા છે. ઘરમાં મચ્છર દેખાય એટલે આપણે તરત મચ્છર અગરબત્તી, કૉઇલ, સ્પ્રે કે લિક્વિડ વેપોરાઇઝરનો સહારો લઈએ છીએ, પરંતુ મચ્છરથી બચવા માટે માત્ર એને ભગાડવા કે મારવા પૂરતું નથી. ઘરમાં મચ્છર ક્યાંથી આવે છે, પાણી ભરાઈ રહેતી કઈ નાની જગ્યાઓ એના માટે પ્રજનનનું સ્થળ બની શકે છે, કેટલાક લોકોને મચ્છર વધુ કેમ કરડે છે અને મચ્છર કરડ્યા પછી કયાં લક્ષણોને ગંભીરતાથી લેવાં જોઈએ એ જાણવું પણ એટલું જ જરૂરી છે. સાથે જ મચ્છર ભગાડવા માટે આપણે રોજબરોજ જે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પણ જરૂરી છે. આ નાનકડા જીવથી બચવા માટે રોજિંદા જીવનમાં કઈ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણીએ.
સાવચેતી કઈ રીતે રાખશો?
મચ્છરજન્ય રોગોથી બચવા માટે બે જ ઉપાય છે. એક તો મચ્છર આપણને ન કરડે એની સાવચેતી રાખવી અને બીજું, મચ્છરની ઉત્પત્તિ અટકાવવી. આપણે બધા જ ઘરમાં મચ્છર ભગાવવા માટે કૉઇલ, અગરબત્તી, ઇલેક્ટ્રિક લિક્વિડ મૉસ્કિટો વેપોરાઇઝર કે સ્પ્રેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મચ્છરજન્ય રોગોથી બચવું જરૂરી છે, પરંતુ આ પ્રોડક્ટ્સનો ઉપયોગ યોગ્ય રીતે અને સાવચેતી સાથે કરવો પણ એટલું જ જરૂરી છે. આ વિશે સિનિયર ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. સંજીવ મહેતા કહે છે, ‘મચ્છર ભગાવવા માટે કૉઇલ કે અગરબત્તી સળગાવીએ ત્યારે એમાંથી નીકળતો ધુમાડો શ્વાસ મારફત ફેફસાં સુધી પહોંચે છે. એમાં સૂક્ષ્મ કણો અને અન્ય પદાર્થો હોય છે જે ખાસ કરીને બંધ રૂમમાં લાંબા સમય સુધી શ્વાસમાં જાય તો શ્વસનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. ઇલેક્ટ્રિક લિક્વિડ મૉસ્કિટો વેપોરાઇઝરમાં લિક્વિડને ગરમ કરવામાં આવે છે અને એમાં રહેલું મચ્છર ભગાડનાર રસાયણ હવામાં છોડાય છે. એમાં કૉઇલની જેમ દહનનો ધુમાડો નથી, છતાં એનો ઉપયોગ પણ પ્રોડક્ટ પર આપેલી સૂચના મુજબ કરવો જોઈએ. સ્પ્રેમાં પણ મચ્છરનાશક રસાયણો હોય છે એટલે એનો ઉપયોગ યોગ્ય માત્રામાં અને સાવચેતીથી કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી મચ્છરથી બચવા માટે ફિઝિકલ બૅરિયર અપનાવવા વધુ સારું છે. આખી બાંયનાં કપડાં અને લાંબું પૅન્ટ પહેરવું, રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છર મારવાનું ઇલેક્ટ્રિક રૅકેટ વાપરવું અને બારી-બારણાં પર મચ્છરજાળી લગાવવી જેવા ઉપાયો મચ્છરને શરીર સુધી પહોંચતાં અટકાવવામાં મદદ કરે છે. જો કૉઇલ કે અગરબત્તીનો ઉપયોગ કરવો પડે તો રૂમમાં હવાની અવરજવર રહે એનું ધ્યાન રાખવું. ખાસ કરીને બંધ રૂમમાં કૉઇલ કે અગરબત્તી સળગાવીને એની સામે સૂવાનું ટાળવું. સ્પ્રેનો ઉપયોગ કરતી વખતે જરૂર કરતાં વધારે સ્પ્રે ન કરવું. વધુ સ્પ્રે કરવાથી મચ્છર વધુ ઝડપથી મરી જાય એવું જરૂરી નથી, પરંતુ હવામાં રસાયણનું પ્રમાણ વધી શકે છે. સ્પ્રે સીધું શ્વાસમાં ન જાય એનું ધ્યાન રાખવું અને ચહેરા તરફ ક્યારેય સ્પ્રે ન કરવું. ઇલેક્ટ્રિક લિક્વિડ મૉસ્કિટો વેપોરાઇઝરનો ઉપયોગ કરતી વખતે પણ પ્રોડક્ટ પર આપેલી માત્રા અને ઉપયોગની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. રૂમમાં તાજી હવાની અવરજવર રહે એનું પણ ધ્યાન રાખવું. મચ્છરથી બચવા માટે માત્ર મચ્છર મારવાની પ્રોડક્ટ્સ પર આધાર રાખવાને બદલે મચ્છર ઘરમાં ન આવે અને પેદા ન થાય એ રોકવું સૌથી મહત્ત્વનું છે. ઘરનાં બારી-બારણાં પર જાળી લગાવવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવાથી કેમિકલ આધારિત પ્રોડક્ટ્સની જરૂરિયાત પણ ઘટાડી શકાય છે.’
મચ્છરોની ઉત્પત્તિ કઈ 
રીતે અટકાવવી?
મચ્છરની ઉત્પત્તિ અટકાવવાનો સૌથી અસરકારક રસ્તો છે મચ્છરને ઈંડાં મૂકવા માટે પાણી ન મળવા દેવું. મચ્છર ખાસ કરીને પાણીમાં અથવા પાણીની નજીક પ્રજનન કરે છે. એથી ઘરમાં અને આસપાસની નાની-નાની જગ્યાઓ પણ તપાસવી જરૂરી છે.
 ફૂલનાં કૂંડાની નીચેની પ્લેટમાં પાણી ભરાવા ન દો.
 બાલદી, ડબ્બા, બૉટલ, નારિયેળની છાલ જેવી વસ્તુઓમાં પાણી ભરાઈ રહે તો ખાલી કરો.
 કૂલરનું પાણી નિયમિત રીતે ખાલી કરીને સાફ કરો.
 પાણીની ટાંકી અને ડ્રમને ઢાંકીને રાખો.
 ટેરેસ, બાલ્કની કે બગીચામાં વરસાદી પાણી ભરાઈ ન રહે એનું ધ્યાન રાખો.
અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત પાણી ભરાઈ શકે એવી તમામ વસ્તુઓ ખાલી કરીને સાફ કરો.
તમને પણ મચ્છર વધુ કરડે છે?
મચ્છરો કોઈ વ્યક્તિને યાદ રાખીને કે જોઈને કરડતા નથી, પરંતુ શરીરમાંથી મળતા કેટલાક કુદરતી સંકેતો એમને અમુક લોકો તરફ વધુ આકર્ષે છે. આપણે શ્વાસ છોડીએ ત્યારે બહાર આવતો કાર્બન ડાયૉક્સાઇડ, શરીરની ગરમી અને શરીરની ગંધ જેવા સંકેતો મચ્છરોને માણસ સુધી પહોંચવામાં મદદ કરે છે. કસરત કે શારીરિક શ્રમ પછી પરસેવો અને શરીરની ગરમી વધે ત્યારે કેટલાક લોકો મચ્છર માટે વધુ આકર્ષક બની શકે છે. પરસેવામાં રહેલાં કેટલાંક રસાયણો અને ત્વચાની કુદરતી ગંધ પણ વ્યક્તિ પ્રમાણે અલગ હોય છે એટલે કેટલાક લોકો તરફ મચ્છર વધુ આકર્ષાઈ શકે છે.
કેટલાક સંશોધનમાં ‘O’ બ્લડગ્રુપ ધરાવતા લોકો તરફ ખાસ કરીને એડીસ આલ્બોપિક્ટસ મચ્છરનું આકર્ષણ વધુ જોવા મળ્યું છે. જોકે માત્ર બ્લડગ્રુપના આધારે કોઈ વ્યક્તિને મચ્છર વધુ કરડે એવું કહી શકાય નહીં. એવી જ રીતે એક નાના અભ્યાસમાં બિયર પીધા પછી મચ્છરનું આકર્ષણ વધેલું જોવા મળ્યું હતું, પરંતુ એને મચ્છર કરડવાનું મુખ્ય કારણ માનવું યોગ્ય નથી. એટલે તમને જ મચ્છર વધુ કરડે છે તો એનું એક જ કારણ નથી. તમારા શરીરની ગંધ, પરસેવો, ગરમી, શ્વાસ અને અન્ય કુદરતી પરિબળોનું સંયોજન એની પાછળ હોઈ શકે છે.
મલેરિયા-ડેન્ગીનાં લક્ષણો સમજો
મચ્છર કરડ્યા પછી તાવ આવે તો એને સામાન્ય વાઇરલ ફીવર માનીને અવગણવું નહીં. મલેરિયામાં સામાન્ય રીતે તાવ, માથાનો દુખાવો અને ઠંડી કે ધ્રુજારી જેવાં લક્ષણો જોવા મળે છે. ગંભીર સ્થિતિમાં ખૂબ નબળાઈ, મૂંઝવણ, શ્વાસ લેવામાં તકલીફ, આંચકી, કમળો કે નાક-દાંતનાં પેઢાંમાંથી અસામાન્ય રક્તસ્રાવ થઈ શકે છે. આવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડેન્ગીમાં અચાનક હાઈ ફીવર, માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, સ્નાયુ-સાંધામાં તીવ્ર દુખાવો, ઊબકા અને શરીર પર ચકતાં થઈ શકે છે. ડેન્ગીમાં પેટમાં તીવ્ર દુખાવો થવો, વારંવાર ઊલટી થવી, નાક કે પેઢાંમાંથી લોહી આવવું, ખૂબ નબળાઈ કે અસામાન્ય બેચેની લાગવી જેવા ચેતવણીના સંકેતો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે ડેન્ગીમાં ગંભીર સ્થિતિના સંકેતો ઘણી વખત તાવ ઊતર્યા પછી દેખાઈ શકે છે એટલે તાવ ઓછો થયો એટલે જોખમ ટળી ગયું એવું માનવું નહીં. બન્નેમાં લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે ડૉક્ટરની સલાહથી જરૂરી ટેસ્ટ કરાવવી જોઈએ.
મૉસ્કિટો  ડે કેમ ઊજવાય છે?
મચ્છર સામેની લડાઈમાં એક સમય એવો હતો જ્યારે વૈજ્ઞાનિકોને એ પણ સંપૂર્ણ રીતે સમજાયું નહોતું કે મલેરિયા માણસ સુધી કેવી રીતે પહોંચે છે. ૧૮૯૭માં બ્રિટિશ ડૉક્ટર અને વૈજ્ઞાનિક સર રોનાલ્ડ રૉસે શોધી કાઢ્યું હતું કે મલેરિયાનો પરોપજીવી મચ્છરના શરીરમાં વિકાસ કરે છે અને મચ્છર એના ફેલાવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ શોધે મલેરિયાને સમજવાની અને એના નિયંત્રણની દિશામાં મોટો ફેરફાર કર્યો. રૉસને આ શોધ માટે ૧૯૦૨માં ફિઝિયોલૉજી અથવા મેડિસિનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમની આ મહત્ત્વપૂર્ણ શોધની યાદમાં દર વર્ષે ૨૦ ઑગસ્ટે વર્લ્ડ મૉસ્કિટો  ડે ઊજવવામાં આવે છે.



મચ્છરો વિશે જાણવા જેવું 
 દુનિયામાં ૩૭૦૦થી વધુ મચ્છરની જાતિઓ જોવા મળે છે, પરંતુ તમામ જાતિઓ માણસોમાં રોગ ફેલાવતી નથી. 
 મચ્છરની મોટા ભાગની જાતિઓમાં માદા મચ્છર જ માણસોને કરડે છે કેમ કે એને ઈંડાંના વિકાસ માટે લોહીની જરૂર પડે છે, જ્યારે નર મચ્છર લોહી ચૂસતા નથી અને મુખ્યત્વે છોડમાંથી મળતા રસ પર આધાર રાખે છે.
 મચ્છરની પાંખો એક સેકન્ડમાં આશરે ૩૦૦થી ૬૦૦ વખત ફફડે છે જેના કારણે એનો જાણીતો અવાજ સંભળાય છે. જોકે આટલી ઝડપથી પાંખો ફફડાવવા છતાં મચ્છરની ઊડવાની ઝડપ ઘણી ઓછી હોય છે.
 સામાન્ય મચ્છરનું આયુષ્ય બેથી ૪ અઠવાડિયાંનું હોય છે. માદા મચ્છરો લાંબુ જીવે છે, જ્યારે નર મચ્છર ઓછું.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 08:45 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK