Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કરો આગળ ધપવાનો વિરોધ, કરો બંધ કરવાની હાકલ અને બની જાઓ નેતા

કરો આગળ ધપવાનો વિરોધ, કરો બંધ કરવાની હાકલ અને બની જાઓ નેતા

Published : 31 July, 2026 01:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંસદના ચોમાસુ સત્રમાં થતા વિક્ષેપો, જંતરમંતરના વિરોધ પ્રદર્શન અને લોકશાહીમાં બંધારણીય માર્ગોના મહત્ત્વ પર ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સદ્ગુરુના વિચારોના સંદર્ભ સાથે વિશ્લેષણ.

કરો આગળ ધપવાનો વિરોધ, કરો બંધ કરવાની હાકલ અને બની જાઓ નેતા

કરો આગળ ધપવાનો વિરોધ, કરો બંધ કરવાની હાકલ અને બની જાઓ નેતા


સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાને અઠવાડિયું થઈ ગયું (આ લખાય છે ત્યારે) છે, પરંતુ વિપક્ષોના દેખાવો અને દેકારાને પરિણામે સત્ર વારંવાર સ્થગિત કરવું પડે છે. એક સપ્તાહમાં માંડ એક દિવસ જેટલો સમય પણ સત્રને ચાલવા દીધું નથી. કોઈ પણ માણસનો પોતાનો વ્યવસાય હોય કે પછી વ્યાપાર હોય, તેના કામકાજમાં આ રીતે અવરોધ સર્જવામાં આવે તો તે માણસનું લોહી ઊકળી જાય, તેનો જીવ બળી જાય; પરંતુ દેશની સંસદ ક્યાં કોઈની છે? એ ચાલે કે ન ચાલે અને ન ચાલે તો દેશને કેટલો ખર્ચ માથે પડે એ વિશે વિચારવાની કોઈની ફરજ નથી? દેશમાં હાલની પરિસ્થિતિ જોતાં તો એમ જ લાગે કે કોઈને એની પડી જ નથી. 
ચૂંટણીઓમાં મતદારોના હાથે માત ખાતા વિપક્ષી સભ્યો સંસદના સત્ર દરમ્યાન અચાનક ઊર્જાના ભંડાર બની જાય છે. જે રીતે ધાંધલધમાલ કરીને એક પછી એક સત્ર સ્થગિત કરવાની સ્થિતિ વિરોધ પક્ષો ઊભી કરી રહ્યા છે એ જોતાં લાગે છે કે આ ચૂંટેલા પ્રતિનિધિઓને સંસદનો આટલો સમય બગાડીને પોતે દેશની કેટલી કીમતી સંપત્તિ વેડફી રહ્યા છે એવો ખ્યાલ જ નથી.
જંતરમંતર પર છેલ્લા થોડા દિવસો સુધી જે ચાલ્યું એમાં આપણે જોયું કે વિદ્યાર્થીઓની એક યોગ્ય માગણીનો વિપક્ષોએ કેટલી અયોગ્ય રીતે પોતાના સ્વાર્થ ખાતર લાભ લીધો. સરકારે વિદ્યાર્થીઓની માગણીને સમયસર ન સંબોધી એનું ગેરપરિણામ સમગ્ર દેશ અને તંત્ર બધાએ ભોગવવું પડ્યું. કેટલાય વિદ્યાર્થીઓ, દેખાવકારો અને વ્યવસ્થાકર્મીઓને આ હિંસાનો શિકાર થવું પડ્યું. વિદ્યાર્થીઓના નામે ભેગા થયેલા આ જમાવડામાં જે રીતે અભદ્ર અને બીભત્સ સૂત્રોચ્ચાર થતા હતા, જે પ્રમાણમાં અસામાજિક તત્ત્વો ભળેલાં હતાં, જે પ્રમાણમાં નિષ્ફળ રાજકીય પક્ષો મરણિયા થયા હતા, જે રીતે કેટલાક વિદેશીઓ ઊલળી-ઊલળીને તદ્દન અપ્રાસંગિક માગણીઓ કરી રહ્યા હતા, જે રીતે દેશનાં પોલીસદળો પર આક્રમણ કરાઈ રહ્યાં હતાં, જે રીતે સેનાના જવાનોને ઉશ્કેરવામાં આવી રહ્યા હતા અને જે રીતે આ સમગ્ર આંદોલનને વિદેશથી આર્થિક ટેકો પૂરો પાડવામાં આવી રહ્યો હતો એ બધા જ સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા કે આ મામલો માત્ર વિદ્યાર્થી આંદોલનનો નથી; વાત કંઈક જુદી અને મોટી છે. યાદ કરો શ્રીલંકા, બંગલાદેશ, નેપાલ, મ્યાનમાર, વેનેઝુએલા... આ બધા દેશોમાં સમય-સમય પર થયેલા જનાઅક્રોશના નામે જે તસવીરો અને અહેવાલો આપણે જોયાં હતાં અને તાજેતરનાં ઘરઆંગણેનાં દૃશ્યોમાં કોઈ ફરક હતો? નહોતો. ટીવી પર હાલનાં દૃશ્યો જોતાં-જોતાં વારંવાર એમ લાગી રહ્યું હતું કે આ તો આપણે અગાઉ કેટલી વાર જોઈ ગયા છીએ. હા, તદ્દન સાચી વાત છે. દુનિયાના કેટલાક દેશો અને સંગઠનો દ્વારા જનતા અને ખાસ કરીને યુવાઓને ઉશ્કેરીને અનેક દેશોમાં અરાજકતા ફેલાવી ત્યાંની સરકારોને ઉથલાવવાનો કારસો વિશ્વસ્તરે ઘણા સમયથી ચાલી રહ્યો છે. ઉપર જે દેશોનાં નામ લીધાં એ ઉપરાંત પણ અનેક દેશો આવા પ્રપંચોના શિકાર બન્યા છે. ઈરાનનો દાખલો તો તાજો જ છે. ત્યાંના સ્થાનિકોમાં શાસકવિરોધી વૃત્તિને યેનકેન પ્રકારે પોષીને ત્યાંના શાસનને ઊથલાવી પાડવાનો અમેરિકી કારસો આજે આખી દુનિયાને કેટલી ભયંકર મુસીબતોની આગમાં હોમી રહ્યો છે માત્ર પોતાની તેલ-લાલસાને કારણે, સમૃદ્ધિની લાલચને કારણે, સત્તાના મદને કારણે!
અને એટલે જ આપણે ત્યાં જે થયું એને માત્ર વિદ્યાર્થી આંદોલન માનનારા, મનાવનારા અને કહેનારાની સમજ અને બૌદ્ધિક ક્ષમતા કે દેશ પ્રત્યેની વફાદારી આપણા જેવાની સમજની પરે છે.
આ વિરોધ-પ્રદર્શન વખતે બંધારણની દુહાઈ આપતા વિપક્ષીઓએ બંધારણના ઘડવૈયાના આવા દેખાવો વિશેના વિચારો જાણવા જેવા છે. ભારત લોકશાહી બની રહે એ માટે શું કરવું જોઈએ? આ સવાલનો જવાબ આપતાં ભારતીય બંધારણના જનક ગણાતા બાબાસાહેબ આંબેડકરે ૧૯૪૯માં બંધારણસભાની બેઠકમાં પોતાના અંતિમ વક્તવ્યમાં જે કહ્યું હતું એ જાણવા જેવું છે. તેમણે કહેલું કે આપણે સૌપ્રથમ તો એ કરવું જોઈએ કે આપણા સામાજિક અને આર્થિક ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે બંધારણીય પદ્ધતિઓને વળગી રહેવું જોઈએ. અર્થાત્‌ આપણે ક્રાન્તિની લોહિયાળ પદ્ધતિઓનો ત્યાગ કરવો જોઈએ. આપણે નાગરિક આજ્ઞાભંગ, અસહકાર અને સત્યાગ્રહની પદ્ધતિઓનો ત્યાગ કરવો જોઈએ. જ્યારે આર્થિક અને સામાજિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે બંધારણીય પદ્ધતિઓ માટે કોઈ રસ્તો બચ્યો નહોતો ત્યારે એવી પદ્ધતિઓ વાજબી હતી; પરંતુ જ્યાં બંધારણીય પદ્ધતિઓ ખુલ્લી હોય છે ત્યાં આ ગેરબંધારણીય પદ્ધતિઓ માટે કોઈ વાજબીપણું હોઈ શકે નહીં. આ પદ્ધતિઓ અરાજકતાના વ્યાકરણ સિવાય બીજું કંઈ નથી અને જેટલી વહેલી તકે એનો ત્યાગ કરવામાં આવે એટલું આપણા માટે સારું. 
લગભગ આવી જ કંઈક વાત તર્કબદ્ધ વાતો કરનારા આજના એક જાણીતા ગુરુએ કહી છે. સદ્ગુરુ તરીકે વિખ્યાત જગ્ગી વાસુદેવ કહે છે કે દેશમાં કંઈ પણ કરવા માગતા હો તો સામે વિરોધ ઊભો જ હોય. બંધની, પવનચક્કીની, અણુપ્રકલ્પની કે થર્મલ ઊર્જાની વાત કરો તો તેઓ (આ કોણ છે એ કહેવાની જરૂર નથી) વિરોધ કરશે. લોકોને પોતાનાં ઘરોમાં બધી સુવિધાઓ જોઈએ છે – ૨૪ કલાક વીજળી, પાણી, બધું જ. આનું કારણ એ છે કે આપણે માત્ર સમસ્યાની વાતો કરવી છે, ઉકેલ માટે કંઈ કરવાનું નહીં. આઝાદી પહેલાંની અસહકારની ચળવળ ત્યારના સમય માટે અનુરૂપ હતી, પરંતુ આજેય લોકોને એ હૅન્ગઓવરમાંથી બહાર નથી નીકળવું. તેમની મુલાકાત લેનારને મજાકમાં તેઓ એક સલાહ આપે છે : તમારે રાજકીય નેતા બનવું હોય તો કંઈ બનાવવાની કે કરવાની તસ્દી નહીં લેતા. રસ્તો બાંધવાની કે બંધ બાંધવાની વાત નહીં કરતા. બસ લોકોનાં ટોળાંને લઈને હાઇવે જૅમ કરી દેજો, બંધ કરવાની હાકલ કરજો અને તમે નેતા બની જશો. રાષ્ટ્રને આગળ ધપાવવું અને દેશમાં બધું બંધ કરી દેવું આ બે જુદી ટેક્નૉલૉજી છે. મને તો નવાઈ લાગે છે કે કેટલાંક રાજ્યો ‘બંધની હાકલ કરવી કે હડતાળ પાડવી’ એને પોતાનો અધિકાર માને છે! આ વૃત્તિ ન ચાલે. જે કોઈ કામ બંધ કરવાની વાત કરે એ નેતા હોઈ જ ન શકે. હું તો નાગરિકોને કહું છું કે આવા બંધનું આહવાન કરનાર કે આગળ વધવાના માર્ગમાં રોડાં નાખનાર વ્યક્તિઓને ક્યારેય પોતાના નેતા ન ગણજો.
લગભગ પોણોસો વર્ષ પહેલાં ડૉ. આંબેડકરે કહેલા અને સદ્ગુરુના આ શબ્દોનું સામ્ય ચોંકાવી દે એવું છેને?! 


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK