પ્રખર રાજનેતા નરેન્દ્ર મોદીની આજે ૭૫મી વર્ષગાંઠ છે ત્યારે પોતપોતાના ક્ષેત્રની પ્રખર કહી શકાય એવી વ્યક્તિઓની દૃષ્ટિએ જાણીએ આ યુગપુરુષના વ્યક્તિત્વને
નરેન્દ્ર મોદી
નરેન્દ્રભાઈ સાચા અર્થમાં જન ગણ મન અધિનાયક છે : પ્રવીણ સોલંકી, નાટ્યસર્જક
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી એવા નેતા છે જે માત્ર નેતા જ નહીં, જન ગણ મન અધિનાયક છે. આપણા રાષ્ટ્રગીતની શરૂઆતની પંક્તિ જન ગણ મન અધિનાયક એવો નાયક દર્શાવે છે જે પ્રજાના મનનો સાચો પ્રતિનિધિ હોય, જનતાઓની આશાને પૂરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે અને રાષ્ટ્રને ગૌરવશાળી ભવિષ્ય તરફ દોરી જાય. નરેન્દ્રભાઈનું જીવન અને રાજકીય સફર એ જ વાતને સાબિત કરે છે. રાષ્ટ્રહિત માટે કઠોર અને દૃઢ નિર્ણય લેવાની તેમની ક્ષમતા હોય કે ગરીબ કલ્યાણની યોજનાઓ દ્વારા અંતિમ માણસ સુધી વિકાસનાં ફળ પહોંચાડવાની તેમની પ્રતિબદ્ધતા હોય - બધામાં એક અધિનાયકની ઝલક દેખાય છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ગૌરવપૂર્વક રજૂ કરવાની તેમની ઢબ તેમ જ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત જેવાં અભિયાનો દ્વારા નવા ભારતનું નિર્માણ કરવાનું સપનું તેમને સામાન્ય નેતાઓથી વિશિષ્ટ બનાવે છે. તેઓ એક એવી વ્યક્તિ છે જેમના માટે આપણે ‘જય હો’ બોલી શકીએ. નરેન્દ્રભાઈ જેવા નેતા સદીઓમાં એક થાય છે. તેમના જેવો બીજો નેતા મળવો મુશ્કેલ છે. નરેન્દ્રભાઈએ જે રીતે દેશનું નેતૃત્વ દીપાવ્યું છે એ બહુ ઓછા નેતાઓ કરી શક્યા છે. નેતૃત્વ કઈ રીતે કરવું એ જો શીખવું હોય તો નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જેવું છે. તેમણે આમ જનતાની નાડ પારખી છે. આમ જનતા સાથે કેવી રીતે વર્તવું એ તેમને સારી રીતે ખબર છે. મારી નાટકની ભાષામાં કહું તો તેઓ અભિનેતા, લેખક, દિગ્દર્શક, નિર્માતા બધું જ છે. કહેવાનો અર્થ એ કે તેઓ સર્વગુણસંપન્ન નેતા છે. મોદીએ માત્ર નેતાગીરી જ નથી કરી, મારી ભાષામાં કહું તો મોદી એટલે એક દાદાગીરી છે. મોદીએ જે રીતે પોતાનું વર્ચસ દાખવ્યું છે એ દર્શાવે છે કે ફક્ત દેશ નહીં પણ દુનિયાનું નેતૃત્વ કરવાની તેમનામાં આવડત છે. નરેન્દ્ર મોદી માટે ઘણાં બધાં વિશેષણો વાપરી શકાય, પણ એ બધાં વિશેષણોથી પર કોઈ વ્યક્તિ હોય તો તે નરેન્દ્ર મોદી જ છે. નરેન્દ્ર મોદી વિશે આપણે જેટલું બોલીએ એટલું ઓછું પડે. મોદી માત્ર વ્યક્તિ નથી, એક વ્યક્તિત્વ છે. એવું વ્યક્તિત્વ જેનાં જેટલાં વખાણ કરો એટલાં ઓછાં છે. તેમના જેવી દીર્ઘદૃષ્ટિ કોઈનામાં નથી. તે ત્રણેય કાળના જ્ઞાતા છે.
ભૂત, વર્તમાન, ભવિષ્યની દરેક રેખાઓ ઓળંગી ગયા છે. મોદી બેધડક માણસ છે. જે મોઢે હોય એ કહી શકે છે. મોદી જેટલા પણ સુધારાઓ લાવ્યા છે એ બધા વિચારપૂર્વકના છે. નરેન્દ્રભાઈને સાંભળવા એક લહાવો છે. આપણા નેતાઓને બહુ બોલતાં ફાવતું નથી અને બોલે તો પણ બફાટ વધુ કરે. મોદીભાઈ એકદમ સ્પષ્ટ ભાષામાં વાત કરે છે. જેમની સચોટ વાણી આપણને સાંભળવી ગમે એવા નેતા વેઢે ગણાય એટલા હોય છે અને એમાંથી એક મોદી છે. મોદી ખુલ્લી કિતાબ છે. ઘણા લોકોને મોદીની ભાષા બરછટ લાગે, ઘણાને તે આખાબોલા લાગે; પણ તે અધિકૃતબોલા છે. તેમના બોલવા પાછળ તર્ક હોય છે, વિતર્ક હોય છે, લૉજિક હોય છે. ઘણા બધા નેતાઓ લૉજિક વગરનું બોલે છે. તેમના કરતાં શિસ્તબદ્ધ રીતે વક્તૃત્વ હોય તો એ નરેન્દ્રભાઈનું છે. સાંપ્રતકાળના નેતાઓમાં જેમના માટે મહામાનવ વિશેષણ વાપરવું યોગ્ય હોય તે મોદી છે. જેમના વિશે આખો ગ્રંથ લખી શકાય અને એમ છતાં પાનાં ઓછાં પડે એવું કોઈ હોય તો તે મોદી છે. એમાં પણ મોદી શું છે એના કરતાં શું નથી એ જાણવું મુશ્કેલ છે. મોદી બધું જ છે. તમે તેમના વિશે શું બોલી શકો? તમે જેટલાં પણ વિશેષણો છે એ વાપરો તોય ઓછાં પડે એવી વર્તમાનમાં કોઈ વ્યક્તિ હિન્દુસ્તાનમાં હોય તો તે મોદી છે. તેમનું નામ જ નરેન્દ્ર છે, જેનો અર્થ એવો થાય કે નરમાં વસેલા ઇન્દ્ર.
મોદીસાહેબ ગરીબીમાં જીવ્યા છે એટલે ગરીબોની સમસ્યાને સમજી શકે છે : કાજલ હિન્દુસ્થાની, સોશ્યલ ઍક્ટિવિસ્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેતા નહીં પણ લીડર છે જેમને પબ્લિક ફૉલો કરે છે. મને તેમની સૌથી સારી વાત એ લાગે છે કે તેમણે લોકતાંત્રિક દેશમાં લોકોને તેમના વિચારો રજૂ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. ભૂતકાળમાં સત્તા પર એવા વડા પ્રધાનો પણ આવ્યા છે જેમની સામે કોઈ અવાજ ઉઠાવે તો તેને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે. એવામાં મોદીસાહેબની સારી વાત એ છે કે તેમનું ટૉલરન્સ-લેવલ ખૂબ સારું છે. જે તેમને પસંદ ન કરે કે તેમની આઇડિયોલૉજીના વિરોધી છે તે તેમને ગાળો આપે તો પણ મોદીજીએ તેમની સામે કોઈ દિવસ લીગલ ઍક્શન નથી લીધી, તેમની પાસે આટલી બધી સત્તા હોવા છતાં. એટલે લોકતંત્રની સ્થાપના સાચી રીતે જોવા જઈએ તો તેમણે કરી કહેવાય. એ સિવાય તેમણે દેશને આખા વિશ્વપટલ પર ગૌરવ અપાવ્યું છે જે અગાઉ ક્યારેય આ લેવલ પર જોવા મળ્યું નથી. મોદીજીને ફક્ત ભારતના નેતા તરીકે નહીં પણ ગ્લોબલ લીડર તરીકે લોકો જુએ છે. વિશ્વના બે દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય - પછી એ રશિયા-યુક્રેન કે ઈરાન-ઇઝરાયલ હોય – વડા પ્રધાન મોદીએ હંમેશાં વાતચીતથી શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ હંમેશાં વસુધૈવ કુટુંબકમનો જે સિદ્ધાંત છે એમાં માને છે જે આખી દુનિયાને એક કુટુંબ તરીકે જોવાનો ભારતીય દૃષ્ટિકોણ છે. આજે વિશ્વના દેશોમાં ભારતનું નામ સન્માનથી લેવાય છે એનું શ્રેય મોદીજીને જ જાય છે. મોદીસાહેબ જે રીતે સામાન્ય લોકોને સમજી શકે છે એ રીતે કોઈ નેતા સમજી શકતો નથી. મોદીસાહેબ પોતે એવા ફૅમિલી-બૅકગ્રાઉન્ડમાંથી આવ્યા છે જ્યાં તેમણે ઘણો આર્થિક સંઘર્ષ જોયો છે. એમ કહેવાય છે કે સોનું જેટલું તપે એટલું નિખરે તો એ રીતે મોદીજી પણ તપીને આજે અહીં સુધી પહોંચ્યા છે એટલે તેઓ સારી રીતે સમજે છે કે મૂળભૂત સ્તરે સામાન્ય લોકોની શું સમસ્યા છે. ગામડાંની મહિલાઓને ચૂલાનો ધુમાડો સહન ન કરવો પડે એ માટે તેમણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ફ્રીમાં ગૅસ-કનેક્શન આપ્યાં, બહેન-દીકરીઓને ખુલ્લામાં શૌચ કરવા ન જવું પડે એ માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘરે-ઘરે શૌચાલય બંધાવ્યાં, દીકરીઓને સરકારી યોજના દ્વારા સસ્તા દરે સૅનિટરી નેપ્કિન્સ ઉપલબ્ધ કરાવ્યાં. એટલે આ વસ્તુઓ દેખાય નાની પણ એનો પ્રભાવ ખૂબ મોટો હોય છે. આવાસ યોજના હેઠળ ગામડાંઓમાં કાચાં ઘરોમાં રહેતા પરિવારોને પાકાં ઘર આપવામાં આવી રહ્યાં છે. હું પોતે પ્રવાસ કરતી હોઉં છું અને આવા લોકોને મળતી હોઉં છું ત્યારે તેમનાં દુખો સાંભળીને ખબર પડે કે સરકારની આ બધી યોજનાઓ તેમના જીવનમાં કેવો મોટો બદલાવ લાવતી હોય છે. આયુષ્માન યોજના હેઠળ લોકોનો મફતમાં ઇલાજ થઈ રહ્યો છે. હું પીડિતો પાસેથી સાંભળું છું કે કઈ રીતે તેમનાં ઑપરેશન ફ્રીમાં થઈ રહ્યાં છે. આ કેટલી મોટી વાત છે. કોઈ પણ દેશમાં આવું શક્ય નથી. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં આટલો મોટો બદલાવ કરીને દેખાડવો કોઈ ચમત્કારથી કમ નથી. વડા પ્રધાન મોદીએ જે ડિજિટલ ઇન્ડિયાની પહેલ કરી એમાં પણ આજે જોશો તો રસ્તા પરના ફેરિયાઓ પણ ઑનલાઇન પેમેન્ટ સ્વીકારવા લાગ્યા છે. આ પણ બહુ મોટી વાત છે. હું એક ઍક્ટિવિસ્ટ છું. મહિલા સન્માન અને સુરક્ષા, લવ જેહાદ, ધર્માંતર, લૅન્ડ જેહાદના મુદ્દે કામ કરું છું. આ દિશામાં હજી કડક કાયદાઓ બનાવવાની અને એના યોગ્ય અમલની દિશામાં ઘણું કરવાનું બાકી છે. મારી આ વાત હું વડા પ્રધાન સુધી પહોંચાડવા ઇચ્છું છું. બાકી મોદીજી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે.
મોદીનો ઝુકેગા નહીંવાળો અભિગમ તેમને પરાક્રમી બનાવે છે : જય વસાવડા, લેખક અને વક્તા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ઓળખ બહુ મોટી છે અને એવી છે જે રાજકારણના ક્ષેત્રમાં ઘણાબધા લોકોને આજીવન ન મળતી હોય. મારી દૃષ્ટિએ નરેન્દ્ર મોદી એક જુદા જ પ્રકારનું વ્યક્તિત્વ છે. મને નરેન્દ્ર મોદી ગમવાનાં કારણો તેઓ હોદ્દા પર છે એ નથી. મારા માટે એ રસપ્રદ વ્યક્તિત્વ એટલા માટે છે કે ઘણીબધી બાબતોમાં તેઓ એકદમ મક્કમ હોય છે. તેઓ એવું સ્પષ્ટ માને છે કે અમુક વસ્તુઓના ખુલાસા કરવાના હોય જ નહીં, અમુક વસ્તુમાં દુનિયાને જે લાગવું હોય એ લાગે પણ ઝૂકવાનું હોય જ નહીં. તેમની જે અડગતા છે એ મને ખૂબ આકર્ષક લાગે છે. તમારે જેટલી ટીકા કરવી હોય એ કરો, મને નીચો પાડવાનો પ્રયત્ન કરવો હોય એટલે કરો; હું મારી આ વાત પર અડીખમ રહીશ. પુષ્પા ઝુકેગા નહીં જેવી ફિલ્મ તો હમણાં આવી, પણ ગુજરાતે તો ૨૦ વર્ષ પહેલાં જ નરેન્દ્ર મોદીમાં આવું વ્યક્તિત્વ જોઈ લીધેલું. તેમની પાસે જે ચાહકો છે તે લવર્સના લેવલના છે. તેમનો ઍટિટ્યુડ જ એવો હીરોઇક છે. મોદીસાહેબની બીજી વસ્તુ જે મને ગમે છે એ માર્કેટિંગની પાકી સમજ છે. આપણે ત્યાં લોકો એમ માને છે કે માર્કેટિંગ એટલે કોઈ વસ્તુ વેચવી. જોકે એવું નથી. માર્કેટિંગ એટલે તમારી પોતાની જે ખૂબીઓ છે એ એવી રીતે પ્રસ્તુત કરવી કે લોકોના મનમાં છપાઈ જાય, એક બ્રૅન્ડ બની જાય. તેમનું ટાઇમિંગ એટલું બધું પર્ફેક્ટ છે કે તેમને ખબર છે કે કઈ વસ્તુ કરવા માટે કયો યોગ્ય સમય છે. હવે ભારતના લેવલે અને પહેલાં ગુજરાતના લેવલે તેમણે સરકારી કાર્યક્રમોને પણ એટલા રસપ્રદ બનાવી દીધા હતા કે તેમને સાંભળવા માટે લોકોનાં ટોળાં આવે. પહેલાં એવું થતું કે રાજકીય કાર્યક્રમ હોય તો સેલિબ્રિટીને બોલાવવી પડે અને તેમના જોરે લોકો ખેંચાઈને આવે, કારણ કે નેતાઓને સાંભળવા તો કોણ આવે? તેમણે એવી બ્રૅન્ડ ક્રીએટ કરી છે કે તેમને જોવા અને સાંભળવા લોકો આવે. એ સિવાય તેઓ સંઘ પરિવારના બૅકગ્રાઉન્ડમાંથી આવે છે. સ્વાભાવિકપણે ઘણા લોકોના મનમાં તેમની છાપ ઉગ્ર હિન્દુત્વવાદીની છે. મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી ગાંધીયન ટાઇપના હિન્દુત્વની ઇમેજ રાખે છે. હું મારી આસ્થામાં જરાય સમાધાન ન કરું. ઉપવાસ કરું, ગીતા વાંચું; પણ એનો અર્થ એવો નહીં કે આખેઆખી નિર્ણયની પ્રક્રિયા હોય કે સંવાદની પ્રક્રિયા હોય એ ખોરવી નાખું. લોકો હિન્દુ-મુસ્લિમ ડિવાઇડ કરવાની વાત કરતા હોય ત્યારે તેમના પ્રવચનમાં કે અભિગમમાં એવું રાખે કે આપણે આ બાબતમાં પડવાની જરૂર નથી, આપણે નકામાં નિવેદનો કરવાની જરૂર નથી. એટલે તેમનો માનવકેન્દ્રી અભિગમ છે. લોકોને એવું લાગે કે મોદી અને ગાંધી બે અલગ-અલગ ધ્રુવ છે, પણ મને એવું લાગે છે કે તેઓ ગાંધીની સામાન્ય લોકો સાથે સીધો સંપર્ક રાખવાની વાતથી પ્રેરિત છે. મન કી બાતમાં તેઓ કોઈ મીડિયાને વચ્ચે રાખ્યા વગર લોકો સાથે ડાયરેક્ટ કમ્યુનિકેશન કરે છે. અગાઉ વડા પ્રધાનો એવા હતા જેઓ જનતા સામે સીધા નહોતા આવતા અને મીડિયાના માધ્યમથી ટીવી અને મૅગેઝિનમાં ઇન્ટરવ્યુ આપીને પોતાની વાત રજૂ કરતા. મોદીસાહેબે ગાંધીજીની જેમ એવું કર્યું કે હું સીધો જ પબ્લિક પાસે જઈશ. આ પણ મને તેમની બહુ યુનિક વાત લાગે છે. ઉગ્રતાની વાતો કરવાને બદલે આ રીતે લોકસંપર્ક બનાવવો. તેમને હિન્દુ હૃદયસમ્રાટ તરીકે ગુજરાતમાં બધા બિરદાવતા હતા. તેમણે રમખાણોવાળી આખી ઇમેજ તોડીને વિકાસપુરુષની ઇમેજ ક્રીએટ કરી. એ અઘરું પણ છે અને ઘણી વખત લોકોને ગમે પણ નહીં કે મને ઑલરેડી એક ધર્મના રક્ષકની ઇમેજ મળી છે એને હાથે કરીને હું શું કામ તોડું? જોકે તેમણે ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પ્રકારની છાપ ઊભી કરી. એ વસ્તુ પણ દર્શાવે છે કે તેમનો અભિગમ માનવકેન્દ્રી છે. તેમની બહુ જ સારી વાત એ છે કે તેમનું કમ્યુનિકેશન બહુ સારું છે. વ્યક્તિને પારખવામાં તેમની દૃષ્ટિ ખૂબ સૂઝપૂર્વકની છે. તેમની ભાષા, વક્તૃત્વકળા એટલી સારી છે કે ગામડામાં જાય તો ગામડાની અને વિશ્વનેતાઓની બેઠક હોય તો ત્યાં એ પ્રમાણેની ભાષા તેઓ બોલી શકે છે. આપણી પાસે એવા બહુ ઓછા રાજનેતાઓ છે જેઓ ખેલાડીઓ, વૈજ્ઞાનિકો, કલાકારો, સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા સમાજસેવક બધા સાથે વન-ટુ-વન ડાયરેક્ટ કમ્યુનિકેશન કરતા હોય. આ એક એવી વસ્તુ છે કે તેમની સામે ઝૂકવાનું મન થાય. હોદ્દાને કારણે તમને કોઈની સામે ઝૂકવાનું મન થાય ત્યારે તમારી મજબૂરી હોઈ શકે કે લાલચ હોઈ શકે, પણ મને નરેન્દ્ર મોદી સામે ઝૂકવાનું એટલા માટે ગમે છે કારણ કે તેમની હોશિયારી, તેમની તૈયારી, તેમની બુદ્ધિમત્તા, તેમની પ્રજ્ઞા, તેમનું વાંચન અને એને કારણે તેમના ઊભા થયેલા વિચારો એ બધું તેમની એક ઓજસ્વી પ્રતિભા બનાવે છે. તેમણે જીવનમાં દેશ-પરદેશમાં ખૂબ વિહાર કર્યો, ખૂબબધું વાંચ્યું. જે માણસ પ્રવાસ ખૂબ કરે અને પુસ્તકો બહુ વાંચે તેની ધાર નીકળી જાય. એ રીતે મોદીસાહેબની ધાર નીકળી ગઈ છે.

