અનુસ્નાતક તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના હિસ્સા સમી આ રેસિડન્સી દરમિયાન તેઓ હૉસ્પિટલોમાં કામનો અનુભવ મેળવે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મહારાષ્ટ્રની સરકારી મેડિકલ કૉલેજોમાં રેસિડન્સી કરી રહેલા અનુસ્નાતક તબીબી વિદ્યાર્થીઓની સ્થિતિ વિશે થયેલા એક સર્વેની વિગતો ગયા અઠવાડિયે બહાર આવી છે. અનુસ્નાતક તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના હિસ્સા સમી આ રેસિડન્સી દરમિયાન તેઓ હૉસ્પિટલોમાં કામનો અનુભવ મેળવે છે. મહારાષ્ટ્રની અઢાર સરકારી મેડિકલ કૉલેજોમાં રેસિડન્ટ ડૉક્ટરોને અસલામતીભરી અને અનહાઇજિનિક સ્થિતિમાં કામ કરવું પડે છે. કેટલીય વાર દરદીઓના સ્વજનોના આક્રમક વર્તનનો પણ તેઓ ભોગ બને છે. આ હૉસ્પિટલોમાં નિયમ પ્રમાણેની સલામતી જોગવાઈઓ નથી. તેમને સમયસર સ્ટાઇપેન્ડ નથી મળતું. આ બધાને કારણે સતત તાણ વચ્ચે રહેતા આ યુવા તબીબો દરદીઓની સમસ્યાના ઉકેલ અને સંભાળના કામમાં એકધ્યાન કેવી રીતે રહી શકે?
આ સ્થિતિએ મને થોડા સમય પહેલાં વાંચેલી એક સફળ અને જાણીતા તબીબની મુલાકાત યાદ આવી ગઈ. તેમણે કહેલું કે કિશોર વયે તેમણે મેડિકલ ફીલ્ડમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમના પરિવારજનોએ તેમને ખૂબ ચેતવ્યા હતા અને વાર્યા પણ હતા. સાંભળીને નવાઈ લાગે પરંતુ જે યુવાઓ મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે તેમની જિંદગી જોઈએ તો પેલાં તબીબના સ્વજનોની કન્સર્ન સમજી શકાય. અન્ય વિદ્યાશાખાઓ કરતાં ઘણી જ કપરી અને ડિમાન્ડિંગ છે તબીબી વિદ્યાશાખા. સ્કૂલના શિક્ષણ પછી કમ સે કમ આઠથી દસ વર્ષ બાદ એક ડૉક્ટર કારકિર્દીની શરૂઆત કરી શકે છે, જ્યારે એક એન્જિનિયર એના કરતાં ચારથી પાંચ વર્ષ વહેલો કમાતો થઈ જાય છે. વાણિજ્યના ક્ષેત્રમાં પણ લગભગ આવું શક્ય છે. વળી શિક્ષણકાળ દરમિયાન પણ તબીબી વિદ્યાર્થીઓને આપવો પડતો સમય અને કરવી પડતી મહેનત પ્રમાણમાં ઘણાં આકરાં છે.
ADVERTISEMENT
વળી જે રેસિડન્ટ ડૉક્ટરોને કૉલેજની હૉસ્ટેલમાં જગ્યા ન મળી હોય તેમણે ભાડે જગ્યા લઈને બીજે ક્યાંક રહેવું પડે. ત્યાંથી આવ-જા કરવામાં સમય-શક્તિ વેડફવાં પડે એ વધારાનાં. વળી એનો ખર્ચ પણ ભોગવવો પડે. આ બધા વચ્ચે તબીબી સેવામાં ધ્યાન કેન્દ્રિત કરવાનું તેમને માટે કેટલું કપરું બની શકે!
મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD)એ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને તબીબી શિક્ષણ વિભાગના પ્રધાને પણ આ સ્થિતિની ગંભીરતાની નોંધ લઈ એ વિશે નક્કર પગલાં લેવાની તૈયારી દર્શાવી છે પરંતુ થાય ત્યારે ખરું.
- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)


