Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નથી સમજ્યા તો સમજીને મને સમજાવવું પડશે

નથી સમજ્યા તો સમજીને મને સમજાવવું પડશે

Published : 01 February, 2026 01:38 PM | IST | Mumbai
Hiten Anandpara

આંખ એટલી બોલકી હોય છે કે પ્રસન્નતા, લજ્જા, સંકેત, ઉદાસી, વિરહ, એકલતા વગેરે ભાવો છૂટા પાડી શકાય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કેટલાંક સંવેદન સમજની બહાર હોય છે. એ અનાયાસ જન્મે છે. એ માટે કોઈ વિશેષ પ્રયાસ કે આયાસ નથી કરવો પડતો. સ્ત્રી ગર્ભ ધારણ કરે એટલે કુદરતી રીતે જ તેનામાં બાહ્ય અને આંતરિક ફેરફાર થવા લાગે. ગર્ભનું બાળક પેટમાં લાત મારે એ સંવેદન પુરુષ ક્યારેય અનુભવી ન શકે. બાળકનો જન્મ થાય ત્યારે માતા તેને પહેલી વાર હાથમાં લે એ ક્ષણોની દિવ્યતા અને ભવ્યતા અનેરી હોય છે. પ્રસૂતિનો પડકાર ઝીલ્યા પછી મળતું આ પરિણામ જિંદગીને એક નવો અર્થ બક્ષે છે. પત્નીમાંથી માતા તરીકેનું શ્રેષ્ઠ પ્રમોશન છે. આ અનુભૂતિ સાર્વત્રિક હોવા છતાં વ્યક્તિગત છે. ઉર્વીશ વસાવડા લખે છે...

ફરી એ જ પડકાર અમને મળ્યો છે



નવો એક અવતાર અમને મળ્યો છે


ન સમજાયું શાને અમારા જ ઘરમાં

અતિથિનો સત્કાર અમને મળ્યો છે


સત્કાર સમારંભોની મોસમ જામી છે. હવે લગ્નવિધિમાં સામાન્ય રીતે ઘરના સ્વજનો જ હોય અને રિસેપ્શનમાં બધાને આમંત્રણ આપવામાં આવે  છે જેથી મિત્રો, બિઝનેસ-વર્તુળ બધાંને આવરી લેવાય. નવી પેઢીની નિર્ણાયકશક્તિ પ્રશંસનીય છે. તેઓ બધું પોતે જ પ્લાનિંગ કરી શકે એવા સક્ષમ છે. પોતાની પસંદ-નાપસંદ વિનાસંકોચે કે છોછ વગર વ્યક્ત કરી શકે છે. દરેક પેઢીએ કેટલાંક લક્ષણો દાર્શનિક રીતે બદલાતાં જોવા મળે છે. રોમૅન્ટિક બયાની માટે પહેલાંના સમયમાં શાયરીઓનો સહારો લેવો પડતો. હવે એમાં ફાસ્ટ-ફૂડ જેવાં ઇમોજિસ આવી ગયાં છે. આપણે પારંપરિક અભિવ્યક્તિની મીઠાશ અશોક જાની ‘આનંદ’ની પંક્તિમાં માણીએ...

તમે જે ઢબથી આંખો ઢાળો છો લજ્જાઈને દિલબર

હું સમજું આ ગગન આખું સતત એથી પ્રભાવિત છે

અમે તો સાવ અંધારે સતત અટવાઈને ચાલ્યા

તમે જો આંખ ખોલો તો અમારો પથ પ્રકાશિત છે

આંખો પાસે પોતાની ભાષા હોય છે. સારો ફોટોગ્રાફર ફોટો પાડે તો આંખમાં વિવિધ અર્થચ્છાયા જોવા મળે. આંખ એટલી બોલકી હોય છે કે પ્રસન્નતા, લજ્જા, સંકેત, ઉદાસી, વિરહ, એકલતા વગેરે ભાવો છૂટા પાડી શકાય. જીભ પાસે શબ્દોનો સથવારો છે, આંખ પાસે સંવેદનનો સધિયારો છે. સંખ્યામાં બે હોવા છતાં આંખો જ્યારે એકલતા મહેસૂસ કરે ત્યારનો ભાવ પ્રવીણ શાહની પંક્તિઓમાં પડઘાય છે...

હોય ટોળે તોય ગુપચુપ લાગશે

એકલા એ જણ વિશે પૂછો નહીં

વાત પોતાની રીતે સમજી જજો

વાક્યમાંના પણ વિશે પૂછો નહીં

મોટી પાર્ટીમાં અજાણ્યા લોકોની હાજરીમાં ઘણી વાર એકલું-એકલું લાગતું હોય છે. એમાં પણ આપણો સ્વભાવ હળવા-ભળવામાં ઉદાસીન વલણ ધરાવતો હોય ત્યારે એવો પ્રશ્ન પણ થાય કે આપણે અહીં શું કામ છીએ. સેંકડો લોકો આજુબાજુ હોવા છતાં એક-એક સેકન્ડ કાઢવી ભારે પડી જાય. મોબાઇલમાં માથું નાખીને શાહમૃગની જેમ છુપાઈ શકીએ, પણ કેટલો વખત? એમાં પણ રોજિંદી સમસ્યાઓ કસોટી કરવા બેઠી હોય ત્યારે પ્રસંગની મજા અળપાઈ જાય. રતિલાલ સોલંકી હકારાત્મક અભિગમ અપનાવે છે... 

તું તો કહે છે કે હળાહળ ઝેર, પણ

હું તો કહું રસધાર છે આ જિંદગી

અવસર સમજ પ્રત્યેક પળ ને જો પછી

આનંદ અપરંપાર છે આ જિંદગી

દુઃખ જીવનનો સ્થાયી ભાવ છે. જેઓ લાંબી માંદગીનો શિકાર બને તેમના માટે શ્વાસની લડત દોહ્યલી થઈ પડે. આવા સમયમાં બે જ પર્યાય હોય છે : કાં તો જીવનને કોસવાનું ચાલુ રાખો અથવા જીવનને સ્વીકારવાનું શરૂ કરો. નકારાત્મક રટણ આપણી જાણ બહાર એવા સંજાગો ઘડતું જાય જ્યાં દુઃખની તીવ્રતામાં વધારો જ થવાનો. આપણો વિશ્વાસ ડગે પછી વેદનાને તો જોઈતું મળી જાય. સુરેશ પરમાર ‘સૂર’ નિવારણ શોધવાનો પ્રયાસ કરે છે...

તરતો નથી એકેય પથ્થર રામ-નામ પર

શ્રદ્ધા જ જ્યાં ડૂબી ગઈ, વિશ્વાસ શબ્દમાં

કોઈ નિવારણ ‘સૂર’ની શંકાનું લાવજો

એને સમજ પડતી નથી કંકાસ શબ્દમાં

લાસ્ટ લાઇન

તમે સમજ્યા છો જે કંઈ એ મને સમજાવવું પડશે

નથી સમજ્યા તો સમજીને મને સમજાવવું પડશે

      સમજતા જે હતા ક્યારેક કે સમજું છું હું સઘળું

      હવે સમજી રહ્યા છે કે મને સમજાવવું પડશે

કરીને રાખજો તૈયાર યાદી એક એની પણ

મળીને રૂબરૂ જે-જે મને સમજાવવું પડશે

      હજી હમણાં સુધી તો આપણે બન્ને હતા એક જ

      હવે એક જ છીએ કે બે? મને સમજાવવું પડશે

ખરેખર તો નથી પૂરેપૂરો હું એને સમજાયો

અહીં જે એમ સમજે છે – ‘મને સમજાવવું પડશે’

- બાબુલાલ ચાવડા ‘આતુર’

ગઝલસંગ્રહ : શબ્દ પણ બોલ્યા વિના

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 01:38 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK