જોકે આપણું મગજ ભૂતકાળનાં દુખોને ભૂલીને માત્ર સારી યાદો જ કેમ યાદ રાખે છે? ભૂતકાળની આ હૂંફનો ઉપયોગ કરીને આજના ભાગદોડભર્યા જીવનને વધુ અર્થપૂર્ણ અને સંતુલિત કેવી રીતે બનાવવું? આ સવાલોના જવાબ અનુભવી સાઇકોલૉજિસ્ટ અવનિ નાગડા પાસેથી સમજીએ.
પ્રતીકાત્મક તસવીર
આત્મારામ ભીડેનો હમારે ઝમાને મેં...વાળો નૉસ્ટાલ્જિક ડાયલૉગ માત્ર ટીવી પૂરતો સીમિત નથી રહ્યો, યુવાનોનો રિયલ-લાઇફ મૂડ બની ગયો છે. ૯૦ના દાયકાનું સંગીત, જૂની ગેમ્સ અને બાળપણની યાદો તરફ પાછા વળવું એ મગજનું એક સાઇકોલૉજિકલ સેફ્ટી-બબલ છે. આજના સ્ટ્રેસભર્યા યુગમાં મગજ આપણને ડિપ્રેશનથી બચાવવા માટે ભૂતકાળની યાદોને સેફ્ટી શીલ્ડ તરીકે કેમ વાપરે છે એ જાણીએ
કાજલ રામપરિયા
ADVERTISEMENT
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે જ્યારે પણ ચશ્માં સરખાં કરીને ગંભીર મોઢે ‘હમારે ઝમાને મેં તો ઐસા હોતા થા...’ બોલે છે ત્યારે આપણને હસવું આવી જાય છે, બરાબરને? પણ ક્યારેય વિચાર્યું છે કે આજે પચીસથી ૪૦ વર્ષની વયજૂથમાં પહોંચેલા આપણામાંથી મોટા ભાગના લોકો પણ અંદરથી થોડા-થોડા આત્મારામ ભીડે બની રહ્યા છે? નાઇન્ટીઝનાં સૉન્ગ્સ સાંભળીને અત્યારની મિલેનિયલ્સને જે અદ્ભુત શાંતિ અને કમ્ફર્ટ ફીલ થાય છે એ આજના ટ્રેન્ડી મ્યુઝિકમાં નથી મળતી. અઠવાડિયાના અસહ્ય થાક પછી અચાનક બાળપણની સુપરમારિયો ગેમ રમવાનું, કૅરમ-લુડો જેવી બોર્ડગેમ બહાર કાઢવાનું કે પછી જૂનાં કાર્ટૂન્સ અને સિરિયલો જોવાનું મન થાય છે. આવું કોઈ એક કે બે વ્યક્તિ સાથે નથી થઈ રહ્યું! પોતાની કારકિર્દી અને ભવિષ્યની સતત ભાગદોડમાં વ્યસ્ત પચીસથી ૪૦ વર્ષની આખી પેઢી પોતાના ફ્રી ટાઇમમાં આધુનિક ગ્લૉસી મનોરંજન કરતાં ભૂતકાળની સાદી વસ્તુઓ તરફ વધુ આકર્ષાઈ રહી છે. મનોવિજ્ઞાનની ભાષામાં આ વર્તનને નૉસ્ટાલ્જિક સેફ્ટી-બબલ કહેવામાં આવે છે. જોકે અહીં પ્રશ્ન એ થાય છે કે આપણું મન અચાનક ‘હમારે ઝમાને મેં...’ના વિચારો કરીને ભૂતકાળ તરફ કેમ ભાગવા લાગે છે? શું આ માત્ર જૂની મીઠી યાદોને તાજી કરવાનો શોખ છે કે પછી સતત દોડતા મગજની કોઈ ઊંડી માનસિક જરૂરિયાત? હકીકતમાં નૉસ્ટાલ્જિયા એ માત્ર ભૂતકાળનો અફસોસ કે સાદી યાદ નથી. જ્યારે વર્તમાન સમયની ચિંતા, અનિશ્ચિતતા અને માનસિક થાક અસહ્ય બની જાય છે ત્યારે આપણું મગજ આપોઆપ આપણને એક એવા કમ્ફર્ટ ઝોનમાં લઈ જાય છે જ્યાં બધું જ સુરક્ષિત, પરિચિત અને પ્રેમથી ભરેલું હતું. આ મગજનું એક સાઇકોલૉજિકલ સેલ્ફ-ડિફેન્સ મેકૅનિઝમ હોઈ શકે છે જે આપણને ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીને ઘટાડવામાં મદદરૂપ બને છે,
જોકે આપણું મગજ ભૂતકાળનાં દુખોને ભૂલીને માત્ર સારી યાદો જ કેમ યાદ રાખે છે? ભૂતકાળની આ હૂંફનો ઉપયોગ કરીને આજના ભાગદોડભર્યા જીવનને વધુ અર્થપૂર્ણ અને સંતુલિત કેવી રીતે બનાવવું? આ સવાલોના જવાબ અનુભવી સાઇકોલૉજિસ્ટ અવનિ નાગડા પાસેથી સમજીએ.
નૉસ્ટાલ્જિયા સેફ્ટી-બબલ એટલે શું?
આપણું મગજ જ્યારે સતત તનાવ કે માનસિક થાક અનુભવે છે ત્યારે એ આપોઆપ એવા અનુભવોની શોધ કરે છે જ્યાં બધું જ એને પહેલેથી ખબર હોય અને સુરક્ષા મળે. ભૂતકાળની મીઠી યાદો મગજ માટે ભાવનાત્મક ફર્સ્ટ-એઇડ બૉક્સની જેમ કામ કરે છે જે તનાવ અને ઍન્ગ્ઝાયટીની ક્ષણોમાં મનને અસ્થાયી સ્થિરતા અને સુરક્ષાની અનુભૂતિ કરાવે છે.
શા માટે લોકોને એમાં રહેવું ગમે છે?
પચીસથી ૪૦ વર્ષના વયજૂથનો એવો તબક્કો છે જ્યાં વ્યક્તિ જીવનના સૌથી સક્રિય અને માનસિક રીતે પડકારજનક સમયમાંથી પસાર થાય છે. વર્તમાન સમયની એવી કેટલીક કડવી વાસ્તવિકતાઓ લોકોને ભૂતકાળનો આશરો લેવા મજબૂર કરે છે. સૌથી પહેલું કારણ કારકિર્દી અને મોંઘવારીનું દબાણ છે. આ લોકો પર સતત સારું પર્ફોર્મ કરવાનો અને આર્થિક સ્થિરતા મેળવવાનો ભારે તનાવ હોય છે. આ દોડધામમાંથી થાકીને મગજ બાળપણના એ સમય તરફ ભાગે છે જ્યાં કોઈ જવાબદારીઓ નહોતી અને જીવન સાવ નિર્દોષ હતું. બીજું મોટું પરિબળ સોશ્યલ મીડિયા પર થતી અવિરત સરખામણી છે. બીજાની ઝાકમઝોળ જિંદગી જોઈને વ્યક્તિને મનમાં સતત ‘હું પાછળ રહી ગયો’ એવી ફીલિંગ આવે છે જેને લીધે અસંતોષ અને ઇનસિક્યૉરિટી અનુભવાય છે. આવા સમયે ભૂતકાળની વાત તમને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં કોઈ રેસ નહોતી અને લોકો વચ્ચે સરખામણી પણ બહુ ઓછી થતી. અત્યારે હાઇપરકનેક્ટિવિટી હોવા છતાં લોકો અંદરથી ઊંડી એકલતા અનુભવે છે, ૨૪ કલાક ઑનલાઇન રહેવા છતાં ફિઝિકલી કોઈ સાથે કનેક્ટ થઈ શકતા નથી. જૂની યાદો લોકોને એ સમયની યાદ અપાવે છે જ્યાં સાથે મળીને રમવાની મજા અને મિત્રો સાથેની નિખાલસ વાતોની હૂંફ મળતી હતી. સંબંધોની બદલાતી અપેક્ષાઓ મનને થકવી દે છે જેને લીધે સંબંધો અસ્થિર લાગવા માંડે છે. બાળપણની યાદોમાં પરિવારનો નિઃસ્વાર્થ પ્રેમ અને સુરક્ષાની એવી લાગણી છુપાયેલી હોય છે જે મનને તરત જ શાંતિ અને રાહત આપે છે.
જૂનાં દુખો કેમ ભૂલી જવાય છે?
આપણને સ્કૂલની મસ્તી યાદ રહે છે પણ એ સમયે પરીક્ષા વખતે અનુભવાયેલો અસહ્ય તનાવ કેમ યાદ રહેતો નથી એ વિશે ક્યારેય વિચાર કર્યો છે? સાઇકોલૉજીની ભાષામાં આ ઘટનાને મેમરી ફિલ્ટરિંગ અથવા રોઝી રેટ્રોસ્પેક્શન કહે છે. આપણું મગજ ભૂતકાળને કૅમેરાના રૉ ફુટેજની જેમ નથી સાચવતું. એ એને એડિટ કરે છે. નકારાત્મક અનુભવોની તીવ્રતાને સમયની સાથે ઘટાડી દે છે અને સારી વાતોને સાચવી રાખે છે. જો મગજ ભૂતકાળના સ્ટ્રેસ અને દુખોને યાદ રાખે તો વ્યક્તિ ક્યારેય આગળ વધી શકે નહીં. મગજનો મુખ્ય હેતુ વ્યક્તિને જીવંત રાખવાનો અને આશાવાદી બનાવવાનો છે તેથી એ સારી મેમરીઝને સ્ટોર કરશે જેથી એ વર્તમાનમાં અનુભવાતા સ્ટ્રેસ સામે લડી શકે.
આ ક્યારે નુકસાનકારક બને?
થોડા સમય માટે ભૂતકાળમાં જીવવું એ ખરેખર સ્ટ્રેસ-બસ્ટર છે, પણ જો એ તમારું કાયમી સરનામું બની જાય તો ખતરનાક નીવડી શકે છે. નવી જવાબદારીઓ કે નિર્ણયો લેવાથી બચવા માટે ભૂતકાળની યાદોનો ઉપયોગ કરવો, હવે તો બધું ખરાબ જ છે અને પહેલાં જ સારું હતું એવું વિચારીને વર્તમાનના જીવનની સ્થિતિને સ્વીકાર ન કરી શકવું, નવા લોકોને મળવાને બદલે માત્ર જૂની યાદોમાં જ સમય વિતાવવો આ બધાં જ પરિબળો વ્યક્તિના માનસિક વિકાસને અટકાવી દે છે.
શું તમે આ સેફ્ટી-બબલમાં છો?
નીચેનામાંથી કેટલી બાબતો તમારા જીવનમાં બને છે?
અઠવાડિયાના થાક પછી અચાનક ૯૦ના દાયકાનું પ્લેલિસ્ટ કે જૂનાં કાર્ટૂન્સ જોવાનું મન થવું.
સોશ્યલ મીડિયા કે કામના સ્ટ્રેસ વચ્ચે અચાનક બાળપણના રવિવાર યાદ આવવા.
વર્તમાનની કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે ‘પહેલાં કેટલું સારું હતું’ એવો વિચાર તરત જ આવવો.
નવી લોકોને મળવા કે નવા ટ્રેન્ડ્સ અપનાવવા કરતાં જૂના મિત્રો અને જૂની આદતોમાં જ વધુ કમ્ફર્ટ અનુભવવો.
જો તમે આમાંથી ૩ કે એથી વધુ બાબતોમાં હા અનુભવો છો તો તમારું મગજ વર્તમાનના તનાવ સામે નૉસ્ટાલ્જિયા સેફ્ટી બબલનો ઉપયોગ કરીને તમને પ્રોટેક્ટ કરી રહ્યું છે. આ સાયન્સ છે કે હવે તમારે આ સ્થિતિમાંથી બહાર નીકળવું જોઈએ.
ભૂતકાળમાં વહી ન જવાય એ માટે શું કરવું?
પ્લગ-ઇન અને પ્લગ-આઉટ ટેક્નિક : નૉસ્ટાલ્જિયાનો હેતુ ભૂતકાળમાં અટકી જવાનો નથી, એ યાદોમાંથી ઊર્જા મેળવીને આજના જીવનને મજબૂત બનાવવાનો છે. તમે જ્યારે પણ જૂનાં ગીતો સાંભળો કે જૂની ફિલ્મો જુઓ તો એને એક વિરામ તરીકે લો. ગીત કે રમત પૂરી થાય એટલે મનમાં સ્પષ્ટતા રાખો કે આ મારો રિફ્રેશમેન્ટ ટાઇમ હતો, હવે મારે વર્તમાન જીવનમાં પાછા ફરવાનું છે.
૫-૪-૩-૨-૧ ગ્રાઉન્ડિંગ એક્સરસાઇઝ : મન જ્યારે ભૂતકાળમાં ખૂબ ઊંડે ઊતરી જાય ત્યારે વર્તમાનમાં પાછા આવવા માટે સૌથી પહેલાં આસપાસની પાંચ વસ્તુ જુઓ, ૪ વસ્તુને સ્પર્શ કરો, ૩ પ્રકારના અવાજ સાંભળો, બે ચીજની સ્મેલને અનુભવો અને એક ચીજનો સ્વાદ માણો. આ પદ્ધતિ મગજને પ્રેઝન્ટ મોમેન્ટમાં લઈ આવે છે.
ઓલ્ડ કનેક્શનને પ્રેઝન્ટમાં જીવંત કરો : માત્ર ભૂતકાળને યાદ કરવાને બદલે એ મૂલ્યોને આજના જીવનમાં લાવો. જો બાળપણમાં પરિવાર સાથે રમવાની મજા આવતી હતી તો આજે ડિજિટલ સ્ક્રીન બંધ કરીને પરિવાર કે મિત્રો સાથે કૅરમ, લુડો કે અંતાક્ષરી જેવી રમતો રમો.
આજને આવતી કાલનો નૉસ્ટાલ્જિયા બનાવો : આજે તમે જે ક્ષણો જીવી રહ્યા છો એ જ આવનારાં ૧૦ કે ૨૦ વર્ષ પછી તમારો નૉસ્ટાલ્જિયા બનવાની છે. જો આજે તમે સતત તનાવમાં રહેશો તો ભવિષ્યમાં યાદ કરવા માટે કંઈ સુંદર નહીં હોય.
