પોતાના આરક્ષણવિરોધી વિચારોને કારણે ખૂબ ગાજેલો NEET-UGનો સ્ટુડન્ટ હર્ષ દુબે કરશે નેતૃત્વ
હર્ષ દુબે
મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા માટેની નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ત્રણ વાર આપી ચૂકેલા હર્ષ દુબેએ જંતર મંતર પર ક્વોટા-સિસ્ટમમાં સુધારાની માગણી સાથે શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન કરવાની પરવાનગી માગી હતી એને મંજૂરી આપી દેવામાં આવી છે. અનામત હટાઓ આંદોલન અને આર્થિક આધાર પર અનામત લાગુ કરવાની માગણી માટે ૨૧ ઑગસ્ટે સવારે ૧૦ વાગ્યે દિલ્હીના જંતર મંતર પર એક વિશાળ વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે, જેનું આયોજન વિદ્યાર્થી નેતાઓ હર્ષ દુબે અને ઠાકુર શિવમ સિંહની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમની માગણી અનામત-પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવે અને એને ફક્ત આર્થિક આધાર પર અનામત લાગુ કરવામાં આવે એવી છે.
એક પત્રમાં હર્ષ દુબેએ કહ્યું હતું કે અમારો વિરોધ અનામતનો નથી પરંતુ ખરા ગરીબ અને લાયક વિદ્યાર્થીઓ સુધી લાભ પહોંચે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે. અગાઉ તેણે ક્વોટા-સિસ્ટમની ટીકા કરતાં કહ્યું હતું કે જે વિદ્યાર્થી માઇનસ ૪૦ માર્ક મેળવે તેની પાસે સારવાર કરાવવા માટે કોણ જશે?
ADVERTISEMENT
પરમિશન મળ્યા બાદ વિડિયો-મેસેજમાં હર્ષ દુબેએ કહ્યું હતું કે ‘આંદોલન માટે પરવાનગી મળી ગઈ છે. હવે ૨૧ ઑગસ્ટે આપણે મોટી સંખ્યામાં જંતર મંતર પર એકઠા થઈએ અને સરકાર સુધી આપણી વાત પહોંચાડીએ.’
