Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૪ વર્ષનો આ બૉય છે ટૅલન્ટનું પાવરહાઉસ

૪ વર્ષનો આ બૉય છે ટૅલન્ટનું પાવરહાઉસ

Published : 05 August, 2026 10:37 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

મુલુંડના ત્રિશિવ વોરાએ રુબિક્સ ક્યુબની સ્પર્ધામાં જૂનમાં ૧ ગોલ્ડ અને ૩ સિલ્વર મેડલ જીત્યા છે.

મમ્મી-પપ્પા જિનલ અને નીરજ સાથે ત્રિશિવ વોરા.

મમ્મી-પપ્પા જિનલ અને નીરજ સાથે ત્રિશિવ વોરા.


મુલુંડના ત્રિશિવ વોરાએ રુબિક્સ ક્યુબની સ્પર્ધામાં જૂનમાં ૧ ગોલ્ડ અને ૩ સિલ્વર મેડલ જીત્યા છે. આ જ વર્ષે એપ્રિલમાં પણ તેણે ૧ મિનિટ, ૩૮ સેકન્ડમાં રુબિક્સ ક્યુબ સૉલ્વ કરી નૅશનલ રેકૉર્ડ બનાવ્યો હતો. નાની ઉંમરે રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવાની અસાધારણ પ્રતિભા ધરાવતો આ રાઇઝિંગ સ્ટાર ચેસ, જિમ્નૅસ્ટિક્સ, મેન્ટલ મૅથ્સ અને ડાન્સમાં પણ રુચિ ધરાવે છે

બાળકની જિજ્ઞાસાને યોગ્ય સમયે સંતોષવામાં આવે, સમયસર તાલીમ શરૂ કરી દેવામાં આવે અને શિસ્તબદ્ધ વાતાવરણ મળે તો તેઓ નાની ઉંમરે સફળતાનાં સોપાન સર કરી શકે છે. મુલુંડના ત્રિશિવ જિનલ નીરજ વોરાએ ૪ વર્ષ બે મહિનાની ઉંમરે RSAI ઑલિમ્પિક્સમાં રુબિક્સ ક્યુબની સ્પર્ધામાં ૧ ગોલ્ડ અને ૩ સિલ્વર મેડલ જીત્યા છે. આ જ વર્ષે એપ્રિલમાં ૩ વર્ષ, ૧૧ મહિના અને ૨૯ દિવસની ઉંમરે રુબિક્સ ક્યુબ સૉલ્વિંગમાં નૅશનલ રેકૉર્ડ બનાવી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ચેસ, ડાન્સ, મેન્ટલ મૅથ્સ અને જિમ્નેસ્ટિક્સમાં પણ તેની રુચિ છે. આજકાલ મોટા ભાગનાં બાળકો મમ્મીનો મોબાઇલ લઈને ગેમ્સ રમવામાં વ્યસ્ત થઈ જાય છે, જ્યારે ત્રિશિવનો સ્ક્રીન-ટાઇમ ઝીરો છે. વિવિધ ક્લાસ, પ્રૅક્ટિસ અને નવું શીખવાની પ્રવૃત્તિઓના કારણે તેનું શેડ્યુલ પૅક્ડ રહે છે. ચાલો મળીએ આ રાઇઝિંગ સ્ટારને.



સ્પર્ધા શું હતી?
ગયા મહિને Raj Sutar Academy of Intelligence (RSAI) દ્વારા આયોજિત સ્પર્ધા વિશે માહિતી આપતાં ત્રિશિવનાં મમ્મી જિનલ કહે છે, ‘RSAI એ ભારતની અગ્રણી મેન્ટલ ડેવલપમેન્ટ એકૅડેમીઓમાંની એક છે, જે બાળકો માટે રુબિક્સ ક્યુબ, ચેસ, અબાકસ, વૈદિક ગણિત, મેન્ટલ મૅથ્સ, કોડિંગની તાલીમ આપે છે તેમ જ ઑનલાઇન અને ઑફલાઇન સ્પર્ધાઓનું આયોજન કરે છે. ત્રિશિવ બન્ને પ્રકારની સ્પર્ધામાં ભાગ લે છે. ૭-૮ જૂને RSAI વર્ચ્યુઅલ ઑલિમ્પિક્સ ૨૦૨૬ યોજાઈ હતી, જેમાં 3×3×3 રુબિક્સ ક્યુબ, 2×2 ક્યુબ અને પિરામિન્ક્સ સાથે સૉલ્વ કરવાના રીલે રાઉન્ડમાં તેને ગોલ્ડ મળ્યો છે. ત્રણેય ફૉર્મેટમાં રાઇઝિંગ ક્યુબર ચૅમ્પિયનશિપ 2026માં તેને સિલ્વર મેડલ મળ્યા છે. બે વર્ષ ૧૦ મહિનાની ઉંમરથી ક્યુબ સૉલ્વ કરવાની સફર શરૂ થઈ હતી. ત્રણ વર્ષ પાંચ મહિનાની ઉંમરમાં તેને યંગેસ્ટ ક્યુબરનો અવૉર્ડ મળ્યો હતો. ત્યારથી તે સતત જીતતો આવ્યો છે.’


રેકૉર્ડ બનાવ્યો
૨૦૨૫ની ૧૨ ઑક્ટોબરે અંધેરીમાં આયોજિત મુંબઈ ક્યુબિંગ સ્પ્રિન્ટમાં ત્રિશિવને યંગેસ્ટ ક્યુબરનો અવૉર્ડ મળ્યો હતો. એ વખતે તેની ઉંમર ૩ વર્ષ પાંચ મહિના હતી. તેણે ૪ મિનિટમાં પાંચ વખત ૩x૩x૩ ક્યુબ ઉકેલ્યા હતા. ત્યાર બાદ બીજી નવેમ્બરે થાણેમાં ક્યુબનામા દ્વારા આયોજિત કોરમ વિન્ટર ક્યુબ ચૅલેન્જમાં ૩.૩૦ મિનિટમાં પાંચ સળંગ ૩x૩x૩ ક્યુબ, ૪ મિનિટમાં પાંચ સળંગ ૨x૨ ક્યુબ અને બે મિનિટમાં પાંચ સળંગ પિરામિન્ક્સ ક્યુબ ઉકેલી તે ફરીથી યંગેસ્ટ ક્યુબરનો અવૉર્ડ જીત્યો. ૨૧ ડિસેમ્બરે ૨૦૨૫ના જુનિયર ક્યુબ અસોસિએશન દ્વારા મલાડમાં આયોજિત ગ્લોબલ ફ્યુઝન ક્યુબ સ્પર્ધામાં ૪.૨૦ મિનિટમાં મની રિલેમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ૨૩ ડિસેમ્બરે ત્રિશિવે જિનીયસ કિડ્સ મેન્ટલ સ્પોર્ટ્સ સ્પર્ધામાં ૨.૫૧ મિનિટમાં 3x3x3 ક્યુબ, ૦.૩૦ મિનિટમાં 2x2 ક્યુબ, ૦.૪૮ મિનિટમાં પિરામિન્ક્સ ક્યુબ તેમ જ પાંચ મિનિટમાં અન્ય કોયડા ઉકેલી બતાવતાં તેને વર્સેટાઇલ અવૉર્ડ મળ્યો હતો.’

આ વર્ષે પણ જીતવાનો સિલસિલો ચાલુ છે એમ જણાવતાં ત્રિશિવના પપ્પા નીરજ કહે છે, ‘૩૧ જાન્યુઆરીએ RSAI વર્ચ્યુઅલ ઑલિમ્પિક્સમાં ૨.૨૪ મિનિટમાં 3x3x3 ક્યુબ, ૦.૩૯ મિનિટમાં 2x2 ક્યુબ અને ૦.૫૪ મિનિટમાં પિરામિન્ક્સ ક્યુબ ઉકેલીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૨૫ એપ્રિલે રાઇઝિંગ ક્યુબર ચૅમ્પિયનશિપ ૨૦૨૬માં ૧.૫૦ મિનિટમાં ૩x૩x૩ ક્યુબ, ૦.૩૩ મિનિટમાં ૨x૨ ક્યુબ, ૦.૪૦ મિનિટમાં પિરામિન્ક્સ ક્યુબ અને ૩.૪૪ મિનિટમાં મિની રિલે (બધા ક્યુબમાં) સિલ્વર મેરિટ મેડલ જીત્યો. એ વખતે તેની ઉંમર ૪ વર્ષ ૭ દિવસ હતી. તાજેતરમાં ચાર વર્ષ બે મહિનાની ઉંમરે તેણે ત્રણ સિલ્વર અને એક ગોલ્ડ જીત્યા છે. અમે નોંધ્યું કે ત્રિશિવ ઝડપથી ક્યુબ સૉલ્વ કરી લે છે. આથી તેના વિડિયો બનાવી ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ માટે મોકલ્યા. ૨૦૨૬ની ૧૫ એપ્રિલે માત્ર ૩ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમરે તેણે ૧ મિનિટ અને ૩૮ સેકન્ડમાં 3×3×3 રુબિક્સ ક્યુબ ઉકેલીને એમાં પોતાનું નામ નોંધાવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. સતત પ્રયત્નો અને એકાગ્રતાથી તેને ક્યુબ ઉકેલે છે, પરિણામે અનેક ક્યુબિંગ સ્પર્ધાઓ જીતવામાં તેને સફળતા પ્રાપ્ત થઈ છે.’


દરરોજ પાંચ નવી વસ્તુઓ શીખવા માટે પ્રોત્સાહિત કરે છે પેરન્ટ‍્સ
ઐરોલીસ્થિત યુરો સ્કૂલમાં જુનિયર KGમાં ભણતો ત્રિશિવ મલ્ટિ-ટૅલન્ટેડ છે. આજનાં બાળકોને ભણતર સુધી સીમિત રાખવાને બદલે તેમની જિજ્ઞાસાને પાંખો આપવાની જરૂર છે એમ જણાવતાં જિનલ કહે છે, ‘આજકાલ નાની ઉંમરથી બાળકો મોબાઇલમાં વ્યસ્ત થઈ જાય છે. અમે હંમેશાથી ઇચ્છતાં હતાં કે ત્રિશિવનો સ્ક્રીન-ટાઇમ ઝીરો હોય અને તે રમતગમતમાં આગળ વધે. અલગ-અલગ પ્રકારનાં ટૉય સાથે રમતા-રમતાં તે રંગ અને આકારને ઓળખતો થઈ ગયો. બેઝિક કલર્સ અને લેફ્ટ-રાઇટની સમજણ વિકસે પછી બાળકો નવું શીખી શકે. ટ્રાયલ માટે રુબિક્સ ક્યુબ શીખવાના ક્લાસમાં મોકલ્યો. તેને મગજની ગેમ્સમાં રસ છે અને ગ્રાસ્પિંગ પાવર સારો છે એ જોઈને ક્યુબ સૉલ્વિંગ અને મેન્ટલ મૅથ્સમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યો. ક્યુબ સોલ્વ કરવા માટે જરૂરી ચોક્કસ અૅલ્ગરિધમ્સ યાદ રહે છે. મેન્ટલ કૅલક્યુલેશનમાં તેની રુચિ છે. ચેસ પણ સારું રમે છે. બ્રેઇન-ઍક્ટિવિટીની સાથે તે ઊછળકૂદ પણ ખૂબ કરે. સ્વિમિંગ, ફ્રી સ્ટાઇલ ડાન્સ અને જિમ્નૅસ્ટિક્સ શીખે છે. સ્કૂલના કાર્યક્રમોમાં ભાગ લે છે. ૭૦ પ્રકારની કારના લૉગો ઓળખી શકે છે. સામાન્ય રીતે જમતી વખતે મમ્મીએ બાળકોના હાથમાં મોબાઇલ આપવો પડે છે, ત્રિશિવ સ્ટોરીબુક વાંચતાં-વાંચતાં જમે છે. મૉનોટોનસ ન લાગે એવી રીતે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરીએ. સ્પર્ધાઓમાં પાર્ટિસિપેશન કરતાં ત્રિશિવના સર્વાંગી વિકાસ પર ભાર મૂકીએ છીએ. ફાઇવ ઍક્ટિવિટીનો નિયમ બનાવ્યો છે. દરરોજ પાંચ નવી વસ્તુઓ શીખવા માટે પ્રોત્સાહિત કરીએ, જેમાં વાંચનથી લઈને સર્જનાત્મક કળાનો સમાવેશ થાય છે. અમારું માનવું છે કે યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને અનુકૂળ વાતાવરણ મળે તો દરેક બાળક અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 10:37 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK