Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રાજસ્થાનના કિલ્લાઓ આપણને ઉત્તરાધિકારીના આયોજન વિશે શું શીખવે છે?

રાજસ્થાનના કિલ્લાઓ આપણને ઉત્તરાધિકારીના આયોજન વિશે શું શીખવે છે?

Published : 06 July, 2026 02:25 PM | IST | Mumbai
Priyanka Acharya

પ્રશ્ન એ છે કે સમજદાર પરિવારો અને સફળ ઉદ્યોગસાહસિકો આટલા અગત્યના વિષય પ્રત્યે કેમ ઉદાસીન રહે છે?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


રાજસ્થાનના ભવ્ય કિલ્લાઓમાં પ્રવેશતાં જ બે વિશેષ સ્થળ ધ્યાન ખેંચતાં હોય છે : દીવાને આમ અને દીવાને ખાસ. દીવાને આમમાં રાજાઓ પ્રજાને સંબોધતા, જ્યારે દીવાને ખાસ માત્ર અત્યંત મહત્ત્વપૂર્ણ, અંગત અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે અનામત રહેતું.

આ ઐતિહાસિક વ્યવસ્થામાં આજના પરિવારો અને બિઝનેસ માટે પણ એક મહત્ત્વનો સંદેશ છુપાયેલો છે.



જો આપણને એમ લાગતું હોય કે આપણો પરિવાર ‘દીવાને ખાસ’ની જરૂર હોય એટલો ખાસ છે તો આપણે વારસદારનું આયોજન કરવાનું અનિવાર્ય બની જાય છે. એ જ રીતે જો આપણો બિઝનેસ આપણું જીવનભરનું સર્જન હોય તો એના માટે સુવ્યવસ્થિત ઉત્તરાધિકારીનું આયોજન કરવું એ આપણી જવાબદારી છે.


ખેદપૂર્ણ છે કે આજે પણ લોકો વારસદાર અને ઉત્તરાધિકારીનું આયોજન કરતા નથી. પ્રાઇસવૉટરહાઉસકૂપર્સના તાજેતરના ફૅમિલી બિઝનેસ સર્વે મુજબ ભારતમાં લગભગ ૩૬ ટકા પારિવારિક બિઝનેસ પાસે ઉત્તરાધિકારીને લગતી સ્પષ્ટ યોજના નથી. અન્ય અભ્યાસો દર્શાવે છે કે ૫૦ ટકાથી પણ ઓછા બિઝનેસ પરિવારો સત્તાવાર રીતે ઉત્તરાધિકારીનું આયોજન ધરાવે છે. વૈશ્વિક સ્તરે તો માત્ર લગભગ ૩૦ ટકા પારિવારિક બિઝનેસ જ સફળતાપૂર્વક બીજી પેઢી સુધી પહોંચે છે, જ્યારે ત્રીજી પેઢી સુધી ટકી રહેતા બિઝનેસની સંખ્યા માત્ર દસથી ૧૫ ટકા જેટલી છે.

પ્રશ્ન એ છે કે સમજદાર પરિવારો અને સફળ ઉદ્યોગસાહસિકો આટલા અગત્યના વિષય પ્રત્યે કેમ ઉદાસીન રહે છે?


મોટા ભાગે કારણો આર્થિક નથી પરંતુ માનસિક અને વર્તણૂક સંબંધિત હોય છે. ઘણા સ્થાપકોને લાગે છે કે હજી ઘણો સમય બાકી છે. કેટલાકને નિયંત્રણ ગુમાવવાનો ભય સતાવે છે, જ્યારે કેટલાક માટે આ વિષય ભાવનાત્મક હોવાથી એની ચર્ચા કરવી મુશ્કેલ લાગે છે. ઉપરાંત જે નિર્ણય આજે તાત્કાલિક લાગતો નથી એને પાછળ ધકેલી દેવાની માનવીય વૃત્તિ પણ જવાબદાર છે.

જોકે ઉત્તરાધિકારીનું આયોજન ન કરવું એ એક મોટું જોખમ છે. યોગ્ય વારસદારના આયોજનના અભાવે પરિવારમાં મતભેદ, મનભેદ, કાનૂની મુશ્કેલીઓ અને આર્થિક અનિશ્ચિતતા ઊભી થઈ શકે છે. બીજી તરફ ઉત્તરાધિકારીના આયોજન વિના બિઝનેસમાં નેતૃત્વની ખાલી જગ્યાની સમસ્યા રહે છે, કામકાજમાં અવરોધ આવે છે, કર્મચારીઓમાં અસલામતી ઊભી થાય છે અને બિઝનેસના મૂલ્યમાં ઘટાડો થવાનું જોખમ રહે છે.

દાયકાઓની મહેનતથી ઊભો કરેલો બિઝનેસ માત્ર અનુમાનના આધારે આગળ ન વધવો જોઈએ. જેમ રાજાઓ પોતાના રાજ્યના વારસદારની પસંદગી અને તૈયારી ખૂબ વિચારપૂર્વક કરતા હતા તેમ જ આજના પરિવારો અને ઉદ્યોગસાહસિકોએ પણ પોતાની સંપત્તિ, મૂલ્યો અને બિઝનેસના ભવિષ્ય માટે સ્પષ્ટ આયોજન કરવું જોઈએ.

આ માટે પાંચ સરળ પગલાં ઉપયોગી બની શકે છે : સમયસર ચર્ચા શરૂ કરો, માલિકી અને સંચાલન વચ્ચે સ્પષ્ટ ભેદ રાખો, વસિયતનામું, નૉમિનેશન
અને અન્ય જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો, આગામી નેતૃત્વને માર્ગદર્શન અને તાલીમ આપો તથા કાનૂની, નાણાકીય અને ગવર્નન્સ સંબંધિત બાબતોમાં નિષ્ણાતોની સલાહ લો.

આપણા પરિવારો અને આપણો બિઝનેસ પણ દીવાને ખાસ જેટલી વિશેષ કાળજી અને દૂરંદેશીને લાયક છે.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 02:25 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK