રૂઢિવાદી મુસ્લિમ પરિવારમાંથી આવેલી સૂફિયા સૂફીએ 69 દિવસમાં 4,167 કિમી દોડીને કન્યાકુમારીથી કાશ્મીર સુધીની સફર પૂર્ણ કરી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમની પ્રેરણાદાયી સફર અનેક મહિલાઓ માટે પ્રેરણા બની છે.
દોડી-દોડીને એક નવો જ ઇતિહાસ રચી રહી છે આ રાજસ્થાની મહિલા
રૂઢિવાદી મુસ્લિમ પરિવારમાં ઊછરેલી ૩૯ વર્ષની સૂફિયા સૂફીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું ૪૧૬૭ કિલોમીટરનું અંતર ૬૯ દિવસની અંદર દોડીને પાર કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. માત્ર સ્વસ્થ રહેવા દોડવાનું શરૂ કરનારી સૂફિયા ક્યારે અને કેવી રીતે ભારતની ‘આયર્ન લેડી ઑફ અલ્ટ્રા-રનિંગ’ બની ગઈ એની રોચક દાસ્તાન જાણીએ
રમતગમતના ક્ષેત્રે અનેક ખેલાડીઓ દેશનું ગૌરવ વધારી રહ્યા છે ત્યાં જ કેટલાક વીરો કે વીરાંગનાઓ એવાં પણ છે જે માત્ર મેડલ્સ માટે નહીં પરંતુ પોતાના અડગ સંકલ્પ અને અસાધારણ સાહસ માટે ઓળખાય છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની છે રાજસ્થાનની દોડવીર સૂફિયા સૂફીની. તાજેતરમાં જ છઠ્ઠો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે નોંધાવીને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારીથી શરૂ કરીને ઉત્તરમાં છેક કાશ્મીર સુધીની અંદાજે ૪૧૬૭ કિલોમીટરની દોડ તેણે માત્ર ૬૮ દિવસ ૨૩ કલાકમાં પૂરી કરી. આમ માત્ર એક વિશ્વવિક્રમ નહીં પરંતુ વિશ્વનો સૌથી અનોખો વિક્રમ તેણે સ્થાપ્યો છે. આજે જાણીએ કોણ છે આ સૂફિયા સૂફી અને કેવાં છે એનાં રેકૉર્ડબ્રેક સાહસો.
ADVERTISEMENT
રાજસ્થાની દોડવીર
૧૯૮૭માં રાજસ્થાનના અજમેરમાં રહેતા એક મધ્યમ વર્ગના શિક્ષક રફીક અહમદને ત્યાં એક દીકરીનો જન્મ થયો. શિક્ષક પિતા અને હોમ મૅનેજર માતા શહનાઝ ખાનને ત્યાં જન્મેલી તે દીકરીનું નામ રાખવામાં આવ્યું સૂફિયા. સામાન્ય રીતે રૂઢિવાદી મુસ્લિમ પરિવારમાં નૃત્ય, સંગીત કે રંગમંચ પર્ફોર્મન્સને મહત્ત્વ આપવામાં આવતું નથી. ઊલટાનું સંતાનો એ તરફ ન પડે એ માટેની જરૂરી તકેદારી લેવામાં આવે છે. જોકે સૂફિયાને બાળપણથી જ નૃત્ય અને રંગમંચ આકર્ષતાં હતાં. પિતા શિક્ષક હોવાને કારણે ખોટા રૂઢિવાદને પોષવા કરતાં તેમણે દીકરીના રસના વિષયોને મહત્ત્વ આપવું વધુ બહેતર સમજ્યું. સૂફિયા ભારતીય નૃત્યશૈલી કથક શીખવા માંડી. સાથે જ રંગમંચ પર્ફોર્મન્સ પણ તેને ખૂબ આકર્ષતું. રમત-ગમતમાં તેને કોઈ ખાસ રસ નહોતો. જોકે સૂફિયા માત્ર ૧૬ વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થયું અને આખા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. કહેવાય છે કે આખું જગત ભલે હારી જાય પણ એક મા ક્યારેય હારતી નથી. પતિના અવસાનની દુખદ ઘટના પછી આખા પરિવારની જવાબદારી માતા શહનાઝ પર આવી પડી. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ શહનાઝ ખાને હંમેશાં એટલી કાળજી રાખી કે તેનાં બાળકોનું શિક્ષણ અધૂરું ન રહી જાય, કારણ કે સૂફિયાના પિતા રફીક અહમદ ચાહતા હતા કે દીકરી સૂફિયા ભવિષ્યમાં ડૉક્ટર બને. જોકે દીકરીનું મન કંઈક ઑર જ ચાહતું હતું. બાળપણથી જ સૂફિયાને નૃત્ય સાથે બીજું પણ કંઈક ખૂબ આકર્ષાતું હતું - આકાશમાં ઊંચે-ઊંચે ઊડતાં વિમાનો.
તેણે ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ અજમેરમાં જ પૂરો કર્યો અને વિમાનો પ્રત્યેનું આકર્ષણ તેને દિલ્હી સુધી લઈ આવ્યું. દિલ્હીમાં તેણે એવિયેશનનો ડિપ્લોમા કોર્સ જૉઇન કર્યો અને ત્યાર બાદ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ ખાતે ગ્રાઉન્ડ-સ્ટાફ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. કહેવાય છે કે રસના વિષયમાં કામ કરતી વ્યક્તિને કામ ક્યારેય કામ નથી લાગતું. ગ્રાઉન્ડ-સ્ટાફ તરીકે જોડાયેલી સૂફિયા આગળ જતાં ડ્યુટી ઑફિસર જેવા જવાબદારીભર્યા હોદ્દા સુધી પહોંચી. લગભગ ૧૦ વર્ષ સુધી તેણે વિવિધ ઍરલાઇન્સ અને ઍરપોર્ટ ઑપરેશન્સમાં કામ કર્યું. ઍરપોર્ટની નોકરી અને એમાંય ડ્યુટી ઑફિસર જેવી જવાબદારીની પોસ્ટમાં માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવું એ વિકલ્પ નહીં, કમ્પલ્ઝન હોય છે. જીવનની એ જ ભાગદોડ અને માનસિક તનાવ વચ્ચે કદાચ સૂફિયાને પોતાને પણ ખબર નહીં હોય કે આ દોડવું જ નજીકના ભવિષ્યમાં તેની ઓળખ અને જીવનનું ધ્યેય બની જશે.
સૂફિયા સૂફી અને અલ્ટ્રા-રનિંગ
ફિટ રહેવાની ઇચ્છા સાથે ધારો કે કોઈ વ્યક્તિ રોજિંદું દોડે તો પણ કેટલા કિલોમીટર કે કેટલો સમય? કદાચ થોડા કિલોમીટર દોડીને જ થાકી જવાય, પણ સૂફિયા રોજિંદી દોડમાં જ એવું દોડવા માંડી કે હજારો કિલોમીટરની અલ્ટ્રા-દોડને જ જીવનનું મિશન બનાવી લીધું. આજે અલ્ટ્રા-રનિંગમાં સૂફિયાના નામે એક-બે નહીં, કુલ છ વર્લ્ડ રેકૉર્ડ્સ નોંધાઈ ચૂક્યા છે.
અલ્ટ્રા-રનિંગની પ્રેરણા
અલ્ટ્રા-રનિંગ એટલે મૅરેથૉન કરતાં પણ અનેકગણી લાંબી દોડ, જેમાં ખેલાડી સતત અનેક દિવસો સુધી દોડે છે. ઊંચા-ઊંચા પહાડો, રણપ્રદેશ, જંગલો, ભારે ગરમી કે હાડ થિજાવી દેતી ઠંડી, કશું કહેતાં કશું જ તેની આ દોડને અટકાવી શકતાં નથી. સૂફિયાના રેકૉર્ડ્સ વિશે સાંભળીએ તો લાગે કે તેને બાળપણથી જ દોડવાનો શોખ હશે, પરંતુ હકીકત એના કરતાં સાવ અલગ છે. ઍરપોર્ટ પર ડ્યુટી ઑફિસર તરીકેની નોકરી એટલે સતત નાઇટ શિફ્ટમાં કામ કરવું પડે, જેને કારણે પૂરતી ઊંઘ નહોતી મળતી અને પરિણામસ્વરૂપ સૂફિયાના શરીરનું વજન અને તંદુરસ્તી બન્ને બગડવા માંડ્યાં. ધીરે-ધીરે માનસિક તનાવ પણ એટલો વધવા માંડ્યો કે સૂફિયાને લાગવું માંડ્યું જાણે તેનું રોજિંદું જીવન કોઈક મશીન બની ગયું છે.
એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે આળસ છોડીને શરીર અને મન માટે કંઈક કરવું પડશે. ઘરની નજીક આવેલા પાર્કમાં તેણે દોડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં સૂફિયા માત્ર ૩ કિલોમીટર દોડતી, પરંતુ એટલા દોડવાથી પણ તેને અદ્ભુત માનસિક શાંતિ અને આનંદ અનુભવાવા લાગ્યાં. ક્યારેક એ દિવસોને યાદ કરતાં સૂફિયા કહે છે, ‘મેં દોડવા માટે નહીં પરંતુ સ્વસ્થ રહેવા માટે દોડવાનું શરૂ કર્યું હતું, પણ થોડા જ સમયમાં દોડ મારું જીવન બની ગઈ.’
પ્રથમ મૅરથૉન અને પછી...
૨૦૧૭માં દિલ્હીમાં આયોજિત મૅરથૉનમાં તેણે પહેલી વાર હિસ્સો લીધો. હાફ મૅરથૉન દોડી અને એ અનુભવ પછી તેણે નક્કી કર્યું કે હવે પોતાની ક્ષમતાની સાચી કસોટી કરવી જોઈએ. ૨૦૧૮માં તેણે પોતાની પ્રથમ બાવન કિલોમીટરની અલ્ટ્રા-મૅરથૉન દોડવાનું નક્કી કર્યું અને એમાં પ્રથમ સ્થાન પણ મેળવ્યું. આ જીતે તેનો આત્મવિશ્વાસ અનેકગણો વધારી દીધો.
નોકરી છોડી દઉં? સૌથી મુશ્કેલ નિર્ણય
સૂફિયા પાસે સારી નોકરી હતી, નિયમિત પગાર હતો, પરિવારને પણ લાગતું હતું કે હવે જીવનમાં સ્થિરતા આવી છે. જોકે અલ્ટ્રા-રનિંગ એક એવી સ્પોર્ટ છે જેમાં લાંબી રજાઓની જરૂર પડે અને ચાલુ નોકરીએ કોઈ પણ ખેલાડી માટે વારંવાર લાંબી રજાઓ લેતા રહેવું શક્ય નથી. આખરે સૂફિયાએ લાખો લોકો જે નિર્ણય લેતાં ડરે છે એ નિર્ણય લઈ જ લીધો. અચાનક નોકરી છોડી દેવાના તેના આ નિર્ણયથી પરિવાર અને સમાજમાં ઓળખીતા બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. અનેક લોકોએ તેને કહ્યું પણ ખરું, ‘એક છોકરી હજારો કિલોમીટર રસ્તા પર દોડશે? આ તે વળી કોઈ કારકિર્દી છે?’ પરંતુ સૂફિયાને પોતાની ક્ષમતા પર વિશ્વાસ હતો. તેણે નક્કી કરી લીધું હતું કે હવે જીવન પોતાની શરતો પર જીવવું છે.
જોકે પરિવારનો વિરોધ સૂફિયા દોડે એ બાબતે નહોતો, પરંતુ તેની સલામતી વિશે બધાને ચિંતા હતી. માતા શહેનાઝ સતત ચિંતામાં રહેતી કે દીકરી
એકલી હજારો કિલોમીટર રસ્તા પર કેવી રીતે દોડશે? પરંતુ સૂફિયાએ જ્યારે પ્રથમ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો ત્યારે બધાને વિશ્વાસ થઈ ગયો કે તેનો નિર્ણય સાચો હતો.
સૂફિયાના વર્લ્ડ-રેકૉર્ડ્સ
૧. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સૌથી ઝડપી મહિલા દોડનો વિક્રમ : તેનો સૌથી પહેલો વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો હતો ૨૦૧૯માં. ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી અર્થાત્ આખા ભારતને પગપાળા પાર કરનાર સૌથી ઝડપી મહિલા તરીકે તેણે એ પ્રવાસ ૮૭ દિવસ બે કલાક ૧૭ મિનિટમાં પૂરો કર્યો હતો. ૨૦૧૯ની ૨૫ એપ્રિલે શ્રીનગરથી પોતાની દોડ શરૂ કરીને ૨૦૧૯ની ૨૧ જુલાઈએ તે કન્યાકુમારી લગભગ ૪૦૦૦ કિલોમીટર દૂર પહોંચી હતી.
૨. ભારતના ગોલ્ડન ક્વૉડ્રિલેટરલ માર્ગ પર અંદાજે ૬૦૦૦ કિલોમીટર દોડવાનો વિશ્વવિક્રમ: તારીખ હતી ૨૦૨૦ની ૧૬ ડિસેમ્બર. દિલ્હી શરૂ કરી કલકત્તા, ચેન્નઈ અને મુંબઈ થઈ ફરી દિલ્હી ૨૦૨૧ની ૬ એપ્રિલે. ૬૦૦૨ કિલોમીટરનું અંતર ૧૧૦ દિવસ ૨૩ કલાક ૨૪ મિનિટમાં પૂરું કરીને સોફિયા જ્યારે દિલ્હી પહોંચી ત્યારે એક નવો વિક્રમ તેના નામે લખાઈ ચૂક્યો હતો.
૩. મનાલીથી લેહ સુધીના અતિ ઊંચાઈવાળા માર્ગ પર સૌથી ઝડપી મહિલા દોડનો ગિનેસ રેકૉર્ડ:
આ બે રેકૉર્ડ્સ પછી ફરી આરામ નહીં, પણ સૂફિયા નીકળી પડી તેના ત્રીજા રેકૉર્ડ તરફ. સિયાચીન–કારગિલ અલ્ટ્રા-રન. વર્ષ ૨૦૨૨. સિયાચીન બેઝ-કૅમ્પથી શરૂ કરીન કારગિલ સુધી જવાના આ માર્ગ પર દોડ પૂરી કરનાર સૂફિયા પ્રથમ મહિલા હતી. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર. અહીંના પડકારો પણ સૌથી અલગ અને સૌથી ઊંચા. નહીંવત્ ઑક્સિજન, હાડ થિજાવી દેતો પવન, ઊંચાઈને કારણે થતી શારીરિક સમસ્યાઓ, એકાંત વિસ્તાર અને લશ્કરી સુરક્ષા વચ્ચે સાવ મર્યાદિત સુવિધાઓ. આ અભિયાન દ્વારા સૂફિયાએ ભારતીય સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સંદેશ આપ્યો હતો.
૪. કતર દેશના દક્ષિણ છેડેથી ઉત્તર સુધી સૌથી ઝડપથી પાર કરનાર મહિલાનો ગિનેસ રેકૉર્ડ: એ પછી તે ફરી એક નવો રેકૉર્ડ કરવા ઊપડી અને આ વખતે ભારતમાં નહીં પણ ભારત બહાર. તેણે કતરને દક્ષિણથી ઉત્તર સુધી સૌથી ઝડપથી પાર કર્યું અને આવું કરનારી પ્રથમ મહિલા તરીકે ૨૦૨૩માં પોતાનું નામ અંકિત કરાવ્યું. જાન્યુઆરી મહિનામાં શરૂ કરેલી આ સફરમાં તેણે લગભગ ૨૦૦ કિલોમીટર જેટલું અંતર માત્ર ૩૦ કલાક ૩૧ મિનિટમાં પૂરું કર્યું.
આપણે જાણીએ છીએ કે કતર એક રણપ્રદેશવાળો દેશ છે. અહીં દિવસ દરમ્યાન તાપમાન અત્યંત ઊંચું રહે છે જેને કારણે શરીરમાં પાણી અને ક્ષારનું સંતુલન જાળવવું સૌથી મોટો પડકાર હોય છે.
૫. સિયાચીન–કારગિલ જેવા અત્યંત પડકારજનક વિસ્તારોમાં ઐતિહાસિક
અલ્ટ્રા-રનનો રેકૉર્ડ: સૂફિયાએ પાંચમા રેકૉર્ડ તરીકે પોતાનું નામ અંકિત કરાવ્યું મનાલીથી લેહ સુધીની હિમાલયની કંદરાઓની સૌથી કઠિન દોડમાં. વર્ષ હતું ૨૦૨૩નું, તારીખ હતી ૨૭ ઑગસ્ટ. લગભગ ૪૮૦-૪૮૫ કિલોમીટરનું આ અંતર તેણે ૪ દિવસ બે કલાક ૨૭ મિનિટમાં પૂરું કર્યું અને ૨૦૨૩ની ૩૧મી ઑગસ્ટે મનાલી–લેહ હાઇવે પર મહિલા તરીકે સૌથી ઝડપી પગપાળા દોડનો નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો.
વિશ્વના સૌથી મુશ્કેલ હાઇવે પૈકીના આ માર્ગમાં પાંચ-પાંચ ઊંચાં હિમાલય શિખરો આવે છે. રોહતાંગ લા, બારાલાચા લા, નાકી લા, લાચુલુંગ લા અને તાંગલાંગ લા. આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ ઑક્સિજનનું પ્રમાણ સમુદ્રની સપાટી કરતાં આશરે ૪૦ ટકા જેટલું ઓછું હોય છે. ૧૭,૦૦૦ ફુટની ઊંચાઈ, ઑક્સિજનની ભારે અછત અને શૂન્યથી નીચેનું તાપમાન. બર્ફીલા પવન અને સતત ચડાણ, જેને કારણે શરીર પર અત્યંત શારીરિક દબાણ આવતું રહે. આટલી કઠિન પરિસ્થિતિમાં સતત લગભગ ૪ દિવસ દોડવું વિશ્વની અસામાન્ય સિદ્ધિઓમાંની એક છે.
સૂફિયા સૂફીની આટલી જબરદસ્ત સફળતા પાછળ માત્ર શારીરિક ક્ષમતા જ નહીં; એક સંઘર્ષમય જીવન, પરિવારનો સાથ અને પોતાની જાતને બદલવાનો દૃઢ નિશ્ચય જવાબદાર છે કારણ કે દોડવું એ માત્ર રમત નથી, એક મિશન છે. સૂફિયા માટે દોડ હવે માત્ર વિશ્વવિક્રમ બનાવવાનું સાધન નથી.
સૂફિયા સૂફીએ સાબિત કર્યું છે કે દૃઢ સંકલ્પ હોય તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. તેણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે સમાજ દ્વારા બનાવવામાં આવેલી માનસિક મર્યાદાઓ તોડવી સૌથી જરૂરી છે. મહિલાઓ જ્યારે પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે ત્યારે રસ્તાઓ આપોઆપ ખૂલવા લાગે છે. સૂફિયા યુવાનોને સંદેશ આપતાં કહે છે, ‘પોતાની મર્યાદા તોડો. સપનાં મોટાં જુઓ અને જ્યાં સુધી લક્ષ્ય ન મળે ત્યાં સુધી દોડતા રહો.’
