Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૯૧ વર્ષની ઉંમરે પણ હાંફ્યા વગર સેવાના માર્ગે ચાલી રહ્યાં છે આ બા

૯૧ વર્ષની ઉંમરે પણ હાંફ્યા વગર સેવાના માર્ગે ચાલી રહ્યાં છે આ બા

Published : 05 February, 2026 01:07 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

કાંદિવલીમાં રહેતાં ૯૧ વર્ષનાં મંજુલા દોશીની. તેમના જીવન અને ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિ વિશે જાણીને તમને ખયાલ આવી જશે કે મંજુલાબહેનની આ ફિલોસૉફી તેમના જીવનમાંથી જ આવેલી છે.

રસોઈ બનાવી રહેલાં, સીવણકામ કરી રહેલાં મંજુલા દોશી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ દહાણુકરવાડી, કાંદિવલીનાં સ્થાપક છે

રસોઈ બનાવી રહેલાં, સીવણકામ કરી રહેલાં મંજુલા દોશી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ દહાણુકરવાડી, કાંદિવલીનાં સ્થાપક છે


કામ કરવું હોય તેને ૧૦૦ કારણો પણ ઓછાં પડે અને કામ ન કરવું હોય તેના માટે એક બહાનું પણ પૂરતું છે. ઘણા એવા વડીલો છે જેઓ ઉંમરનું બહાનું આગળ ધરીને જીવનમાં નવી પ્રવૃત્તિ કે કામ કરવામાં આળસ દાખવતા હોય છે. તેમના માટે કાંદિવલીમાં રહેતાં મંજુલા દોશી અરીસા સમાન છે

શરીરને ઉંમર છે, આત્માને ઉંમર નથી. તમારો આત્મા જો મજબૂત હોય તો ઉંમર સાથે કોઈ કનેક્શન જ નથી. આપણા લોકોની આદત પડી ગઈ છે કે કામ ન કરવું હોય, પ્રમાદને શરીરમાં લાવવો હોય, છટકબારી કાઢવી હોય ત્યારે ઉંમરનાં બહાનાં કાઢો. મારી ઉંમર થઈ; હવે મારાથી આમ ન થાય, તેમ ન થાય. જોકે આ ભવમાં માનવશરીર મળ્યું છે તો એનો ઉપયોગ કરી લો, આગલા ભવમાં શું મળશે ખબર નથી... આ ફિલોસૉફી છે કાંદિવલીમાં રહેતાં ૯૧ વર્ષનાં મંજુલા દોશીની. તેમના જીવન અને ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિ વિશે જાણીને તમને ખયાલ આવી જશે કે મંજુલાબહેનની આ ફિલોસૉફી તેમના જીવનમાંથી જ આવેલી છે.



મંજુલાબહેન ખૂબ જ ધાર્મિક વૃત્તિનાં છે. દરરોજ સવારે ચાર વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી તેઓ સામાયિક કરે છે જેમાં મંત્રજાપ, સ્વાધ્યાય, ધ્યાન, આત્મચિંતન, સ્તવન કરવાનાં હોય. એ સિવાય તેઓ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ દહાણુકરવાડી, કાંદિવલીનાં સ્થાપક છે. હાલમાં તેઓ પ્રેસિડન્ટ તરીકે કાર્યરત છે એટલે દરરોજ સવારે સાડાનવથી બાર વાગ્યા સુધી તેઓ ઉપાશ્રયમાં સેવા આપવા માટે જાય છે. એમાં સાધુસંતોની સેવાશુશ્રૂષા કરવાની હોય, ગોચરી (આહાર), પાણી કે રહેવાની વ્યવસ્થામાં મદદરૂપ થવાનું હોય, કોઈ બીમાર હોય તો તેમની માવજત કરવાની હોય, કોઈ ધર્મસાધનામાં અવરોધ આવતો હોય તો એને દૂર કરવામાં મદદ કરવાની હોય. એ સિવાય પણ બીજી બધી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ આયોજિત થતી હોય એની વ્યવસ્થા જોવાની હોય. આ સંઘ બનાવવા પાછળનો ઉદ્દેશ જણાવતાં તેઓ કહે છે, ‘મારા સંજોગો એવા હતા કે હું દીક્ષા લઈ ન શકી, પણ જેમણે લીધી છે તેમના માર્ગને સરળ બનાવવા હું સેવા આપું છું. કોઈ ભવમાં મને દીક્ષા મળે એવા મનમાં અંદરખાને ભાવ ખરા. ઉંમરના હિસાબે મારો પૌત્ર ધવલ મને દરરોજ સવારે ઉપાશ્રયમાં મૂકી જાય અને બપોરે ઘરે લઈ જવા આવી જાય.’


મંજુલાબહેન આ ઉંમરે પણ સમય સાથે તાલ મેળવીને ચાલવાનું ચૂક્યાં નથી. યુટ્યુબ પર તેમની પોતાની ચૅનલ છે જે તેમણે કોરોનાકાળમાં શરૂ કરેલી. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને બપોર દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે હું આયુર્વેદિક ઉપચાર, ધર્મનું જ્ઞાન, જીવન કઈ રીતે જીવવું એ સંબંધિત વિડિયો બનાવું છું. હું કોઈ સ્ક્રિપ્ટ તૈયાર નથી કરતી. કોઈ પણ એક વિષય નક્કી કરીને કૅમેરા સામે બોલવાનું શરૂ કરી દઉં. મા સરસ્વતીની મારા પર એટલી કૃપા છે. વિડિયો શૂટ કરવાથી લઈને એને અપલોડ કરવાનું કામ પણ હું પોતે જ કરું છું. મારા દીકરાનો દીકરો હર્ષ અને દીકરીનો દીકરો હેનિલ બન્નેએ આ કામમાં મને બહુ પ્રેરણા આપી છે. તેમણે જ મને બધું શીખવાડ્યું. ક્યાંક અટકું તો તરત મારી મદદ કરે. હવે તો એટલું ફાવી ગયું છે કે કોઈની મદદ લેવી પડતી નથી.’

આ ઉંમરે પણ શારીરિક તંદુરસ્તી જાળવાયેલી હોવા વિશે વાત કરતાં મંજુલાબહેન કહે છે, ‘૩૦થી ૪૦ વર્ષની ઉંમર સુધીમાં મને ટીબી, પૅરૅલિસિસ બધું જ થઈ ચૂક્યું છે; હાથ-પગ પણ ભાંગી ચૂક્યા છે. જોકે પચાસ વર્ષની ઉંમર પછીથી હું સંપૂર્ણ રીતે આયુર્વેદિક દવા પર છું. છેલ્લાં ૪૦ વર્ષથી મને કોઈ બીમારી થઈ નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. હું ત્રણ દવા રેગ્યુલરલી ખાઉં છું. એક દવા એવી છે જે આખા દિવસમાં તમે જે ખોરાક ખાઓ એને સરખી રીતે પચાવી દે. એટલે એ કફ, વાયુ અને પિત્તને નિયંત્રિત કરે. બીજો એક પાઉડર લઉં છું જે ખાવાથી રોજેરોજ કિડની સાફ થઈ જાય છે. યુરિનનો પ્રૉબ્લેમ કોઈ દિવસ થાય નહીં. એક પાઉડર દૂધની સાથે લેવાનો છે જે મારાં હાડકાંને મજબૂત કરે છે. મેં મારી યુટ્યુબ ચૅનલ પર આ દવાઓ વિશે માહિતી આપેલી છે. બીજું, મને લોકોના મળેલા આશીર્વાદ અને ભગવાન પરની મારી શ્રદ્ધા મને જીવન જીવવા માટે બળ આપે છે.’


જીવનના શરૂઆતના દિવસોના સંઘર્ષને યાદ કરતાં મંજુલાબહેન કહે છે, ‘હું દોઢ વર્ષની હતી ત્યારે મારા પપ્પા ગુજરી ગયેલા. એ જમાનામાં તો વિધવા સ્ત્રીઓને બહુ દુઃખ વેઠવું પડતું. હું મામાના ઘરે મોટી થઈ છું. ૯ વર્ષની ઉંમરે હું મમ્મી સાથે ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા જતી. મારું ભણતર સાતમી ચોપડી સુધીનું જ છે. ૧૭ વર્ષની ઉંમરે મારાં લગ્ન થઈ ગયેલાં. હું ૨૨ વર્ષની થઈ ત્યાં તો મારે ત્રણ સંતાનો થઈ ગયેલાં. મારા પતિ મનસુખલાલ કાપડની મિલમાં કામ કરતા. આખી જિંદગી તેમણે એ એક જ નોકરી કરી છે. સંતાનો મોટાં થાય એમ ખર્ચ વધે એટલે ઘરમાં આર્થિક ટેકો આપવા માટે મેં સીવણકામ, એમ્બ્રૉઇડરી, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવી વગેરે જેવાં કામો શીખ્યાં. રાતના સમયે જે સમય મળે એમાં હું આ બધું શીખતી. એ શીખીને પછી મેં પોતાના ક્લાસિસ લેવાનું શરૂ કર્યું. લગભગ ૧૫ વર્ષ સુધી મેં આ કામ કર્યું. મને સીવણકામ એટલું ગમે છે કે અત્યારે સીલાઈ મશીન નથી તેમ છતાં હાથેથી નાનું-મોટું સીવવાનું કામ હોય એ કર્યા કરું. જમવાનું પણ હું બનાવી શકું. મને એમાં જરાય થાક લાગે નહીં.’

સંતાનો મોટાં થયા પછી મંજુલાબહેન ધાર્મિક અને માનવસેવાનાં કાર્યો તરફ વળ્યાં. આ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘આજથી ૫૦ વર્ષ પહેલાં મેં ધાર્મિક શિક્ષણ સમિતિ અને મહાસંઘ સાથે જોડાઈને મુંબઈના વિવિધ વિસ્તારોમાં જઈને પાઠશાળા શરૂ કરાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. એ સમયે એટલી પાઠશાળાઓ નહોતી. હું પોતે લોકોને ભણાવવા માટે જતી. એ દરમિયાન મારી મુલાકાત અનેક ગરીબ અને મધ્યમવર્ગીય મહિલાઓ સાથે થઈ. તેમની એક જ ફરિયાદ હતી કે ખર્ચાઓને પહોંચી નથી વળાતું. એટલે તેમને આર્થિક રીતે પગભર કરવા માટે ટૂર-કંપનીઓ સાથેના મારા કૉન્ટૅક્ટ્સનો ઉપયોગ કરીને મેં આ બહેનોને નાસ્તા બનાવવાનું કામ અપાવ્યું. બહેનો થેપલાં, ખાખરા, અથાણાં વગેરે બનાવીને મને આપી જાય અને એ ટૂરવાળાઓને પહોંચાડવાની જવાબદારી મારી હતી. એ માટે ક્યારેક દાદર જવું પડે, વિક્ટોરિયા ટર્મિનસ જવું પડે. આ કામમાં મારા પતિએ પણ મારી બહુ મદદ કરી છે. આ પાછળનો મારો ઉદ્દેશ એટલો જ હતો કે જેવી પરિસ્થિતિ મારી મમ્મીએ જોઈ, મેં જોઈ એ આ બહેનોને ન જોવી પડે.’

મંજુલાબહેને તેમના જીવનમાં કરેલાં સમાજકલ્યાણનાં કામોની યાદી ઘણી લાંબી છે, જેના વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘મેં જૈનોનાં ધાર્મિક સ્થળોની જાત્રાઓ પણ કરાવી છે. ટૂર-કંપની સાથે મળીને હું ૨૦૦-૨૫૦ લોકોને જાત્રાએ લઈ જતી અને એમાં ૧૦ લોકો એવા રાખું જેમાં કોઈ ચાલી શકતું ન હોય, કોઈ જોઈ ન શકતું હોય, કોઈને પૅરૅલિસિસ હોય. યાત્રા દરમિયાન તેમની સેવા કરવાની જવાબદારી મારી રહેતી અને એમાં યાત્રા પર આપણી સાથે આવેલા યુવાનો મને મદદ કરે. સાથે-સાથે ૩૦-૩૫ વર્ષે વિધવા થયેલી મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનું કામ પણ કરેલું છે, કારણ કે મેં પોતે મારી મમ્મીનું વિધવા જીવન જોયું છે. જો એ મહિલા ભણેલી હોય તો નોકરી અપાવું, તેને બ્યુટીપાર્લર કે સીવણકામ શીખવું હોય તો એમાં મદદ કરું. સાવ જ કંઈ ન આવડતું હોય તો તેની પાસેથી નાસ્તા બનાવડાવું અને એને વેચવાનું કામ કરું. આ કામ મેં લગભગ ૨૦ વર્ષ કર્યું.’

સમાજસેવામાં આટલા પ્રવૃત્ત રહેવા પાછળનું કારણ જણાવતાં મંજુલાબહેન કહે છે, ‘મારી મા મરવા પડી ત્યારે હું તેની સેવા કરવા પણ નહોતી જઈ શકી. પરિસ્થિતિ જ એવી હતી. જોકે મરવાના આગલા દિવસે મારી મા મને સપનામાં આવેલી. તેણે મને કીધેલું કે તું આ ત્રણ વાતનું ધ્યાન રાખીશ તો તારા જીવનમાં ક્યારેય એકલતા નહીં આવે. તેણે મને કીધેલું કે દુખિયાના દુઃખની વાતો સુખી ન સમજી શકે, સુખી જો સમજે બધું તો દુઃખ વિશ્વમાં ન ટકે. એટલે સૌથી પહેલાં તો તારી પાસે કોઈ પોતાનું દુઃખ લઈને આવે તો તેને સાંભળજે, તું તેની વાત સાંભળીશ અને તેને જે હાશકારો થશે કે મારી કોઈએ વાત સાંભળી એ મોટામાં મોટું પુણ્ય છે; બીજું એ કે જેની મા નથી તેની મા બનજે; દીકરી નથી તેની દીકરી બનજે અને જેની બહેન નથી તેની બહેન બનજે; ત્રીજું એ કે માર્ગ ભૂલેલાનો તું હાથ ઝાલજે. મેં મારા જીવનમાં આવેલી આવી સાત કન્યાઓનાં કન્યાદાન કરેલાં છે. આ દીકરીઓ એવી હતી જેમાં કોઈની મા ઓરમાન હોય, કોઈએ લવમૅરેજ કર્યાં હોય, કોઈ અનાથ છે.’

મંજુલાબહેન અત્યારે તેમના સૌથી મોટા દીકરા સાથે રહે છે. પરિવાર વિશે જણાવતાં મંજુલાબહેન કહે છે, ‘મારે બે દીકરા કલ્પેશ અને જયેશ તેમ જ દીકરી જસ્મિના છે. અમે ચાર પેઢી સાથે રહીએ છીએ. મારાં મોટાં દીકરો-વહુ, તેમનાં બે દીકરા અને બે વહુ અને તેમના દીકરાઓ સાથે હું રહું છું. ચારેય પેઢીમાં સંસ્કારનું બીજ એવું છે કે બધાય એકબીજાને સમજીને જીવન જીવી શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 01:07 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK