Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગુજરાતી હાસ્યલેખકોના ગ્રુપફોટોમાં લૉન્ગ કોટ પહેરીને ઊભેલા એકમાત્ર લેખક જ્યોતીન્દ્ર દવે

ગુજરાતી હાસ્યલેખકોના ગ્રુપફોટોમાં લૉન્ગ કોટ પહેરીને ઊભેલા એકમાત્ર લેખક જ્યોતીન્દ્ર દવે

Published : 21 November, 2026 01:23 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

નાનપણમાં મારા બાળમિત્રો પાસેથી તેમ જ અન્ય મનુષ્યો મારફત માહિતી ભેગી કરી એમાં મારી કલ્પનાના રંગો પૂરી મુંબઈ વિશે મેં કૈંક આ પ્રકારના ખ્યાલ બાંધ્યા હતા.

ગઈ કાલ બની ગયેલી મુંબઈની વિક્ટોરિયા અને હજી અડીખમ ઊભેલો રાજાબાઈ ટાવર.

ચલ મન મુંબઈનગરી

ગઈ કાલ બની ગયેલી મુંબઈની વિક્ટોરિયા અને હજી અડીખમ ઊભેલો રાજાબાઈ ટાવર.


‘મુંબઈમાં એવાં ઊંચાં મકાનો છે કે અગાસીએ પહોંચતાં બે દિવસ થાય, પણ કેટલાંક મકાનમાં જાદુગર રહેતા હોય છે. તે આપણને એક સ્ટૂલ પર બેસાડીને અડધી મિનિટમાં અગાસીએ લઈ જાય છે. મુંબઈમાં ચોપાટી કરીને એક જગા છે, જ્યાં જમીન પરની રેતીમાંથી પૂરી અને બટાટા નીકળે છે અને મુંબઈનો રાજા દરરોજ સાંજે પોતાની વહુ સાથે આવીને ચોપાટી પરની રેતીમાંથી પૂરી અને બટાટા વીણી કાઢી એ ખાય છે અને ત્યાં આવેલા નાનાં છોકરાંઓને એમાંથી થોડો ભાગ આપે છે. મુંબઈના રસ્તાઓ એટલા લીસા હોય છે કે ત્યાં ટ્રામ નામની ગાડી દોડે છે એને ઘોડા કે બળદની પણ જરૂર પડતી નથી. પોતાની મેળે જ એ રસ્તા પરથી સરી જાય છે. મુંબઈમાં કોઈ દહાડો રાત પડતી જ નથી. સૂરજ આથમે એટલે દરેક માણસ પોતાના ઘરમાં કૈંક ચાંપ દાબે છે, એટલે એની મેળે સૂરજ જેટલું જ તેજ બધે પથરાઈ જાય છે. મુંબઈમાં મોટરો એટલી બધી છે કે દરરોજ ૫૦ માણસો મોટર નીચે કચરાઈ જાય છે, અને માણસો પણ એટલા બધા છે કે એક વાર મોટર તળે કચરાયેલો માણસ બીજી વાર કચરાતો નથી. તો પણ દરરોજ મોટર તળે છૂંદાવા માટે રોજ ૫૦ માણસો મળી રહે છે. નાનપણમાં મારા બાળમિત્રો પાસેથી તેમ જ અન્ય મનુષ્યો મારફત માહિતી ભેગી કરી એમાં મારી કલ્પનાના રંગો પૂરી મુંબઈ વિશે મેં કૈંક આ પ્રકારના ખ્યાલ બાંધ્યા હતા.’

આ શબ્દો જેમાં છપાયા છે એ પુસ્તક થોડા દિવસ પહેલાં લગભગ અકસ્માતે હાથમાં આવ્યું. એતેના લેખક વિશે ઘણું જાણતો હતો, તેમનાં કેટલાંક પુસ્તકો વાંચીને ક્યારેક ખડખડાટ તો ક્યારેક જે છે જ નહીં એવી મૂછમાં હસ્યો હતો, પણ તે લેખકે એક આખું પુસ્તક મુંબઈ વિશે લખ્યું છે એની જાણ નહોતી. તે લેખક એટલે આપણી ભાષાના અનન્ય અને અદ્વિતીય હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે. યોગાનુયોગ તો જુઓ; જ્યોતીન્દ્રભાઈનો જન્મ ૧૯૦૧માં, આ વરસે એ ઘટનાને ૧૨૫ વરસ પૂરાં થયાં. હા, ગુજરાતી સાહિત્ય માટે જ્યોતીન્દ્રભાઈ એક અનન્ય હાસ્યકાર, અદ્ભુત વક્તા, નાટક, સંગીત, કાવ્યશાસ્ત્રના અઠંગ જાણકાર તો હતા જ, પણ સૌથી વધુ તો તેઓ એક ઘટના હતા. કોઈએ સાચું જ કહેલું કે ઘણા લોકો ‘મને હસવું આવે છે’ એમ કહેવાને બદલે ‘મને જ્યોતીન્દ્ર આવે છે’ એમ કહે છે. કવિ નર્મદની જેમ જન્મ સુરતમાં, પણ જ્યોતીન્દ્રભાઈ ખીલ્યા અને ખૂલ્યા તો મુંબઈમાં.



આપણા આ શહેરનું નામ ‘મુંબઈ’ કઈ રીતે પડ્યું? સાધારણ માન્યતા છે કે આ નામ પડ્યું મુંબાદેવી પરથી, પણ જ્યોતીન્દ્રભાઈ તદ્દન નવી જ વાત લઈ આવે છે. કહે છે : ‘સુરતા અને મુંબા નામની બે ગાયિકાઓ એક વાર મોગલ શહેનશાહ (અકબર, બાબર, કે હુમાયુ, કે બીજો કોઈ એ જાણવાની જરૂર નથી)ના દરબારમાં આવી. શહેનશાહ પેટના દર્દથી પીડાતા હતા અને વૈદ્ય અને હકીમોના ઉપચાર કરવા છતાં તેમના પેટનું દર્દ મટતું નહોતું. સુરતાએ દીપક રાગ આરંભ્યો. દીપક રાગથી સાંભળનારના દિલમાં અગ્નિ પ્રગટે છે એમ સંગીતશાસ્ત્રના જાણકારો કહે છે. એ પ્રમાણે બાદશાહના દિલમાં અગ્નિ પ્રગટ્યો. એ અગ્નિ વધતો-વધતો તેમના પેટ સુધી પહોંચ્યો અને એણે મંદ પડેલા જઠરાગ્નિને પ્રદીપ્ત કર્યો. જઠરાગ્નિ પ્રદીપ્ત થતાં બાદશાહના પેટનું દર્દ મટી ગયું અને તેણે ખુશ થઈ એ વેળા બીજા જ નામે ઓળખાતું શહેર સુરતાને ઇનામ તરીકે આપ્યું. એ સુરતાના નામ પરથી શહેરનું નામ સુરત પડ્યું. સુરતા તો પોતાને મળેલી જાગીરનો સહર્ષ સ્વીકાર કરી ચાલતી થઈ, પણ આ તરફ બાદશાહના દિલમાં લાગેલી આગ કોઈ પણ ઉપાયે ઓલવાઈ નહીં. બરફ નાખેલા પાણીની એક ગાગર તેણે પૂરી કરી તોયે. ત્યારે મુંબાએ બાદશાહ સમક્ષ બેસી મલ્હાર રાગનો આરંભ કર્યો. પહેલા જ આલાપ સાથે બાદશાહના દિલમાંથી નીકળતો ધુમાડો બંધ થયો. બીજા આલાપે અગ્નિ ઠંડો થયો અને પછી તો તેના દિલમાં ઠંડક-ઠંડક થઈ રહી. આ અપૂર્વ ચમત્કાર જોઈ બાદશાહે રાજી થઈ  સુરતની દક્ષિણે આવેલું આખું જંગલ મુંબાને જાગીર તરીકે આપી દીધું. મુંબાએ જઈને એ જંગલી પ્રાણીઓને પોતાના સંગીતથી મુગ્ધ કરી વશ કર્યાં અને પછી પોતાના રૂપથી જાતજાતના પુરુષોને આકર્ષી સ્થિર કર્યા અને ધીરે-ધીરે એ જંગલ મટી સમૃદ્ધ શહેર બન્યું. મુંબા ઉપરથી એનું નામ ‘મુંબાઈ’ પડ્યું. સુરત અને મુંબઈમાં આજે પણ સંગીત વગેરે લલિતકલાનો જે શોખ જોવામાં આવે છે તે સુરતા અને મુંબા તથા તેની જોડે આવેલી બહેનપણીઓને જ આભારી છે.’ છે ને મજા પડે એવી વાત!


આ પુસ્તક લખાયું ત્યારે મુંબઈમાં જે વાહનો હતાં એ વિશે જ્યોતીન્દ્રભાઈ લખે છે : ‘વાહનોની દુનિયામાં ટૅક્સી તથા ગાડીનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. ખાનદાન, ધનાઢ્ય અને કુલીન ગણાતા કુટુંબ સાથે એને સરખાવી શકાય. બસ સામાન્ય નોકરિયાત વર્ગ જેવી અને ટ્રામ તથા ટ્રેન સમાજના નીચલા થર જેવી છે. ટૅક્સી તથા ગાડી સ્વતંત્ર છે, એને કોઈ જાતનાં બંધન નડતાં નથી. એ સર્વત્ર વિચરી શકે છે અને એનો આશ્રય લેનારને એના પાકીટનો ભાર હલકો કરી સ્વતંત્રતાનો સ્વાદ ચખાડે છે. બસને તો નિયત કરેલા માર્ગે જવાનું હોય છે અને પોતાને શરણે આવનારા પાસેથી નક્કી કરેલી રકમ કરતાં વધારે પૈસા એનાથી પડાવી શકાતા નથી. ટ્રામ અને ટ્રેનને પણ નક્કી કરેલા માર્ગે અને એ પણ પ્રણાલિકા સમાન પાટાને આધારે જ જવાનું હોય છે. હલકામાં હલકો મનુષ્ય પણ એની માલિકીનો દાવો કરી શકે છે. મુંબઈની ગાડીઓ બીજાં શહેરોની ગાડીઓ જેવી હોતી નથી. સગરામ, એક્કા, ઇત્યાદિ કનિષ્ઠ પ્રકારની ગાડીઓ બિલકુલ હોતી જ નથી, પણ બધી જ વિક્ટોરિયાઓ હોય છે. વિક્ટોરિયા નામ શા પરથી પડ્યું હશે એ વિશે ચોક્કસ કહી શકાતું નથી. પરંતુ એક ગાડીવાળાના કહેવા પ્રમાણે વિક્ટોરિયા રાણી જ્યારે મુંબઈ આવેલાં ( ક્યારે, એની તેને કે બીજા કોઈને ખબર નથી) ત્યારે આવી જ ગાડીમાં આખો વખત ફર્યાં હતાં. આ પરથી એનું નામ વિક્ટોરિયા પડ્યું, પરંતુ મને લાગે છે કે વિક્ટોરિયા શબ્દ Victory પરથી આવેલો છે. વિક્ટોરિયા હાંકનારાઓ ઘરાક સાથે હંમેશાં લડતા જ હોય છે અને એ લડાઈઓમાં વિજય તેમને જ વરે છે. આથી એમના વાહનનું નામ ‘વિક્ટોરિયા’ રાખવામાં આવ્યું છે.

દાયકાઓ પહેલાંના અને આજના મુંબઈગરાઓનાં જીવનમાં કાંઈ ફેર પડ્યો છે? આજની સ્થિતિ તો આપણે જાણીએ છીએ. દાયકાઓ પહેલાંની સ્થિતિ વિશે જ્યોતીન્દ્રભાઈ શું કહે છે? ‘મુંબઈમાં સહકુટુંબ રહેનારાઓ પણ કેટલાક એવા હોય છે જેમને કુટુંબ સાથે પા કલાક વાતચીત કરવાનો સમય અઠવાડિયામાં ભાગ્યે જ એક વાર મળી શકે છે. પરામાં રહેતા એક સદ્ગૃહસ્થને તો ક્યાંય સુધી તેમનો નાનો પુત્ર ઓળખતોય નહોતો. તેઓ એક નાટક કંપનીના ભાગીદાર હતા એ ઉપરાંત રૂનો અને શૅરનો સટ્ટો કરતા. સવારના વહેલા ઊઠીને કૈંક કાચુંકોરું ખાઈ લઈ, ૪-૫ વર્ષનો છોકરો ઊઠે એ પહેલાં એ રિહર્સલ માટે મુંબઈ ઊપડી જતા. ત્યાંથી શૅર અને રૂના ભાવતાલની ખબર કાઢવા શૅરબજારમાં તથા અન્યત્ર જતા. રાતે નાટકશાળામાં જતા અને છેલ્લી લોકલમાં ઘેર પાછા ફરતા. તે પાછા આવે એ પહેલાં તેમનો પુત્ર ઊંઘી ગયો હોય. રવિવારે અને ખેલ ન હોય એવા દિવસે – મંગળ અને ગુરુવારે – છોકરો તેમને જોઈ શકતો. અને તે તેમને અઠવાડિયામાં ૨-૩ દિવસ આવી જનારા પરોણા માનતો.’


જ્યોતીન્દ્રભાઈએ મુંબઈના લોકોની વાત કરી છે એમ એનાં જાણીતાં સ્થળોની વાત પણ કરી છે. રાજાબાઈ ટાવર વિશે કહે છે : ‘આનું નામ ટાવર છે, પણ સ્થાપત્યકલાના અભ્યાસીઓ કહે છે કે મૂળ એ મિનારો હતો. મોગલ બાદશાહના જમાનામાં કુતુબમિનારની સ્પર્ધામાં એની રચના કરવામાં આવી હતી, પણ પાલખ બાંધવા માટે લાકડાં પૂરતા પ્રમાણમાં ન મળવાથી એની રચના અધવચ્ચેથી અટકાવવી પડી. ત્યાર પછી મુંબઈના રાજાના હાથમાં એ આવ્યો અને તેણે એનો ઉપયોગ સ્ત્રી-કેદીઓને રાખવા માટે કર્યો. એ ઉપરથી એનું નામ રાજાબાઈ ટાવર પડ્યું. ટાવર ઑફ લંડનમાં જેમ રાજકેદીઓ રાખવામાં આવતા એમ આ ટાવરમાં પણ બાઈકેદીઓને પૂરવામાં આવતી.’

પણ હવે વધારે વખત મુંબઈ વિશેના આ પુસ્તકની માહિતીને પૂરી રાખી શકાય નહીં. જ્યોતીન્દ્રભાઈના હાસ્યલેખો ‘રંગતરંગ’ નામના પુસ્તકના ૬ ભાગમાં પ્રગટ થયેલા. તેમાંના ચોથા ભાગમાંના બધા લેખો મુંબઈને કેન્દ્રમાં રાખીને લખાયેલા છે. આ પુસ્તક ૧૯૪૧માં પહેલી વાર છપાયું હતું. એ પછી ફરી છપાયું હોય એવું જાણવા મળતું નથી. કોઈ લાઇબ્રેરીમાંથી ભૂલેચૂકે મળી જાય તો હે પ્રિય વાચક! તમે પણ અમારી સાથે ગાજો: ‘છીંડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ!’ 


જ્યોતીન્દ્ર દવે અને મુંબઈ અને હજી અડીખમ ઊભેલો રાજાબાઈ ટાવર.

અર્વાચીન ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ કવિ કોણ? એવા સવાલના જવાબરૂપે આપણી સામે એક કરતાં વધુ નામ આવે. શ્રેષ્ઠ નવલકથાકાર કોણ, શ્રેષ્ઠ વાર્તાકાર કોણ એવા પ્રશ્નોના જવાબ વિશે પણ એકમતિ સાધવી મુશ્કેલ, પણ ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ હાસ્યકાર કોણ એવા સવાલનો માત્ર એક જ જવાબ હોઈ શકે: જ્યોતીન્દ્ર દવે. ૧૯૦૧ની ૨૧ ઑક્ટોબરે હરિહરશંકર દવે અને ધનવિદ્યાગૌરીને ઘરે જ્યોતીન્દ્રભાઈનો જન્મ થયો. એ પહેલાં જન્મેલો કોઈ ગુજરાતી હાસ્યકાર જ્યોતીન્દ્રભાઈની બરોબરી કરી શકે એમ નથી. ૧૯૮૦ની ૧૦ સપ્ટેમ્બરે જ્યોતીન્દ્રભાઈનું અવસાન થયું એ પછી પણ આજ સુધીમાં તેમની બરોબરી કરી શકે એવો બીજો કોઈ હાસ્ય-લેખક આપણી ભાષાએ જોયો-જાણ્યો નથી. જ્યોતીન્દ્રભાઈ આપણી ભાષાના અપૂર્વ હાસ્યકાર જ નહીં અદ્વિતીય હાસ્યકાર પણ છે.

ટૂંકી વાર્તાના લેખકો વિશે મેક્સિમ ગોર્કીએ કહેલું કે બધા વાર્તાકારો ગોગોલના ‘ઓવરકોટ’માંથી ટપકી પડ્યા છે. (‘ઓવરકોટ’ એ ગોગોલની એક પ્રખ્યાત વાર્તાનું નામ છે.) જ્યોતીન્દ્રભાઈ ઓવરકોટ તો નહીં, પણ જાહેરમાં હંમેશાં ‘લૉન્ગ કોટ’ પહેરતા. એટલે તેમના અનુગામી હાસ્યલેખકો માટે આપણે કહી શકીએ કે એ બધા જ્યોતીન્દ્રભાઈના લૉન્ગ કોટમાંથી ટપકી પડ્યા છે. ગુજરાતી ભાષાના સર્વકાલીન હાસ્યકારોનો એક ગ્રુપફોટો પાડવાનો હોય તો એમાં લૉન્ગ કોટ પહેરીને ઊભા રહેવાનું માન એક માત્ર જ્યોતીન્દ્રભાઈને જ મળે. બાકીના બધા હાસ્યકારોમાંથી કોઈએ હાફ કોટ, કોઈએ કફની-લેંઘો અને થોડાકે તો હાફ પૅન્ટ પહેરીને તેમનાથી થોડે દૂર બેસવું પડે.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 01:23 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK