૧૦૦ સીટમાંથી ૬૦ સીટ જ્યારે અનામતના નામે વહેંચાઈ જતી હોય એ સમયે જનરલ કૅટેગરીના વિદ્યાર્થીઓનો રિઝર્વેશન હટાઓ આંદોલનનો મુદ્દો યોગ્ય ગણવો કે નહીં?
રિઝર્વેશનમાં રિફૉર્મ ક્યા યે મુમકિન હૈ?
પેપર-લીકના વિરોધમાં થયેલા આંદોલનને મળેલા વિજય પછી હવે શ્રેષ્ઠ ટકાવારી બાદ પણ પાછળ રહી જતા જનરલ કૅટેગરીના વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા પર ‘રિઝર્વેશન હટાઓ આંદોલન’ નામની નવી ઝુંબેશ શરૂ કરી છે. રિઝર્વેશનમાં બદલાવની તરફેણ કરતા આ આંદોલનના સપોર્ટમાં સોશ્યલ મીડિયા પર ૧૦ જ દિવસમાં ૫૯ લાખથી વધુ ફૉલોઅર્સ જોડાયા છે અને ૨૧ ઑગસ્ટે ફરી એક વાર આરક્ષણમાં રિફૉર્મની માગણી સાથે વિદ્યાર્થીઓ જંતર મંતર ગ્રાઉન્ડ પર આંદોલન કરવાના છે. એક તરફ જનરલ કૅટેગરીના વિદ્યાર્થીઓની વ્યથા છે તો બીજી તરફ સદીઓથી સમાજની ઘૃણાનો ભોગ બનેલા દલિત સમાજની વરવી વાસ્તવિકતાઓ, અન્યાય અને પીડાની કથા છે. આરક્ષણનો ઇતિહાસ, આરક્ષણની જરૂરિયાત અને આરક્ષણને લગતા આંકડાઓ સાથે બન્ને પક્ષના અગ્રણીઓના અભિપ્રાયોની વિગતવાર ચર્ચા પ્રસ્તુત છે
ભારતમાં અનામતની શરૂઆત પાછળ ઐતિહાસિક અન્યાયને દૂર કરવાનો અને સામાજિક સુધારાનો હેતુ હતો. ભારતમાં સદીઓ સુધી એક મોટો વર્ગ શિક્ષણ, સંપત્તિ અને સત્તાના અધિકારોથી વંચિત રહ્યો. અસ્પૃશ્યતા અને જ્ઞાતિપ્રથાને કારણે સમાજના નીચલા સ્તરના લોકોને ભારે શોષણ વેઠવું પડ્યું. ડૉ. બાબાસાહેબ આંબેડકર અને બંધારણસભાએ જ્યારે શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ (SC/ST) માટે અનામતની જોગવાઈ કરી ત્યારે તેમનો ઉદ્દેશ પછાત વર્ગોને થોડા સમય માટે સહારો આપીને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો. શરૂઆતમાં પછાત વર્ગોને સક્ષમ બનાવવા માટે અનામત દેશના હિતમાં હતી, કારણ કે એનાથી સામાજિક સંતુલન ઊભું થતું હતું. જોકે જે અનામત ઔષધ તરીકે લાવવામાં આવી હતી એ હવે વિષ બની ગઈ છે. અનામત સમાજને જોડવાને બદલે જ્ઞાતિઓને વિભાજિત કરે છે. પ્રતિભા અને યોગ્યતાને નજરઅંદાજ કરવાથી દેશના વિકાસ અને સરકારી તંત્રની કાર્યક્ષમતાને ભારે નુકસાન થાય છે. જે રાષ્ટ્ર ગુણવત્તાને બદલે જ્ઞાતિને પ્રાધાન્ય આપે એ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકતું નથી. રાજકારણીઓએ અનામતને પોતાના સ્વાર્થ માટે વોટ ખરીદવાનું સાધન બનાવી દીધી છે. કોઈ પણ રાજકીય પક્ષમાં અનામત બંધ કરવાની કે એમાં સુધારા કરવાની હિંમત નથી, કારણ કે દરેકને પોતાની વોટબૅન્ક તૂટવાનો ડર છે. જનરલ કૅટેગરીનો યુવાન સારા ટકા લાવવા છતાં વંચિત રહે છે અને અનામત વર્ગનો ઉમેદવાર ઓછા ટકાએ સીટ મેળવી જાય છે. આને પ્રતિભા પર અત્યાચાર ગણી શકાય. આ અન્યાય અને હતાશાને કારણે જનરલ કૅટેગરીના તેજસ્વી યુવાનો દેશ છોડીને વિદેશ તરફ ભાગી રહ્યા છે જે ભારત માટે મોટું નુકસાન છે. સમાજમાં એકતા અને દેશનો સાચો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે જ્ઞાતિમુક્ત સમાજ બનાવીશું અને અનામતને જાતિવાદના રાજકારણમાંથી મુક્ત કરીને માત્ર સાચા ગરીબો અને જરૂરિયાતમંદો પૂરતી જ મર્યાદિત કરીશું.
આ શબ્દો છે ક્રાન્તિકારી સંત સ્વામી સચ્ચિદાનંજીના, જેમણે વિવિધ પુસ્તકોમાં આરક્ષણ માટેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ જ વિચારધારાનો પડઘો તાજેતરમાં સોશ્યલ મીડિયા પર આકાર લઈ રહેલા રિઝર્વેશન હટાઓ આંદોલનમાં સંભળાઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર ૧૦ દિવસમાં લગભગ ૫૯ લાખથી વધુ લોકોએ આ પેજને ફૉલો કરીને પોતાનો સપોર્ટ દર્શાવ્યો છે. મુદ્દો નવો નથી. અનામતનો વિરોધ આ પહેલાં પણ થતો રહ્યો છે. સમાજની વર્ણવ્યવસ્થાને કારણે જે દલિત સમાજ હજારો વર્ષોથી અન્યાયનો ભોગ બન્યો છે, શિક્ષણથી વંચિત રહ્યો છે એને સમાન તક મળે અને એનું પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રમાં હોય અને જાતિભેદ દૂર થાય એ આશયથી રાજકારણ, શિક્ષણ અને સરકારી નોકરીઓમાં રિઝર્વેશનની બંધારણીય જોગવાઈ કરવામાં આવી હતી. કાયદાકીય રીતે રિઝર્વેશનની શું વ્યવસ્થા છે અને કયા સંજોગોમાં એનું અમલીકરણ શરૂ થયું હતું અને આજે આરક્ષણનો વિરોધ કરનારા અને સપોર્ટ કરનારાઓ શું તર્ક આપી રહ્યા છે એ વિષય પર વિગતવાર ચર્ચા કરીએ અને અત્યંત પેચીદા એવા આ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ.
ADVERTISEMENT
વાઇરલ પ્રોટેસ્ટ
સૌથી પહેલાં આરક્ષણનો આ મુદ્દો નીકળ્યો છે કારણ કે જનરલ કૅટેગરીના કેટલાક વિદ્યાર્થીઓએ આરક્ષણમાં રિફૉર્મ લાવવાના ઉદ્દેશ સાથે ૨૧ ઑગસ્ટથી જંતર મંતર પર પ્રોટેસ્ટ પર બેસવાની જાહેરાત કરી છે. આ કોઈ રાજકીય પક્ષ કે પ્રસ્થાપિત નેતાનું આંદોલન નથી પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, એન્જિનિયરો, ડૉક્ટરો અને સામાન્ય વર્ગના મધ્યમવર્ગીય યુવાનોનો એક સ્વયંસ્ફુરિત ડિજિટલ આક્રોશ છે જે હવે ગ્રાઉન્ડ પર આવવાની તૈયારીઓ કરી રહ્યો છે. આ વિદ્યાર્થીઓનો મુખ્ય તર્ક એ છે કે લાયકાતને જ એકમાત્ર માપદંડ બનાવવો જોઈએ, જન્મ કે જાતિને નહીં. આજે પણ આર્મ્ડ ફોર્સ, ઇન્ડિયન ક્રિકેટ ટીમ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) વગેરેમાં આરક્ષણ નથી; પરંતુ મેડિકલ, એન્જિનિયરિંગ, સિવિલ સર્વિસમાં યોગ્યતાના આધારે નહીં પણ જાતિના આધારે છૂટથી પ્રવેશ મળી જાય એ કેટલું યોગ્ય છે? ‘મહેનતનું સન્માન થાય, ઓળખનું નહીં’ આ સંદેશ સાથે શરૂ થયેલા આ અભિયાન સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે દરેક પૉલિસી સમય સાથે બદલાય એમ હવે રિઝર્વેશનની પૉલિસીમાં પણ બદલાવ આવે. તેમણે રિઝર્વેશનની પૉલિસીમાં પાંચ પ્રકારના બદલાવોની માગણી કરી છે જે નીચે મુજબ છે:
૧. ઇન્કમ-બેઝ્ડ રિઝર્વેશન આપો : ગરીબીને કોઈ જ્ઞાતિ નથી હોતી અને દરેક ગરીબના બાળકને પણ સરખી તકોનો અધિકાર છે એટલે એ કૅટેગરીના લોકોને આરક્ષણ મળવું જોઈએ.
૨. વન ફૅમિલી, વન રિઝર્વેશન, વન ટાઇમ : જ્ઞાતિના આધારે અનામતનો અધિકાર પહેલી જનરેશનને મળે ત્યાં સુધી ઠીક છે, પરંતુ એક વાર રિઝર્વેશનનો લાભ લઈ લીધા પછી સરકારી નોકરીથી લઈને શિક્ષણ સુધીમાં વારંવાર પેઢી દર પેઢી રિઝર્વેશન લઈ શકવાની મોકળાશ ન મળવી જોઈએ.
૩. મિનિમમ સ્ટાન્ડર્ડ્સ ફૉર એવરીવન : દરેક એક્ઝામમાં અમુક મિનિમમ પાસિંગ માર્ક હોવા જ જોઈએ. રિઝર્વેશનનો લાભ લેનાર અને જનરલ કૅટેગરી વચ્ચે દસથી ૨૦ ટકાથી વધારે કટ-ઑફમાં અંતર ન હોવું જોઈએ. જો આરક્ષણ ધરાવતો વિદ્યાર્થી એમાં ક્વૉલિફાય ન થાય તો રિઝર્વેશનની સીટ જનરલ કૅટેગરીના સ્ટુડન્ટ્સને મળવી જોઈએ.
૪. રિઝર્વેશનના નામે ચાલતું પૉલિટિક્સ બંધ કરો : પૉલિટિકલ પાર્ટીઓએ પોતાના મૅનિફેસ્ટો કે ભાષણમાં રિઝર્વેશનને વધારવાનું વચન આપવાની બાબત કાનૂની અપરાધ બનવો જોઈએ. અત્યારે ૫૦ ટકા કાસ્ટ-બેઝ્ડ રિઝર્વેશનની લિમિટને કોઈએ ઓળંગવી ન જોઈએ. દર ૧૦ વર્ષે રિઝર્વેશનનો લાભ લેનારા લોકોના સોશ્યલ અને ઇકૉનૉમિકલ સ્ટેટસનો રિવ્યુ થવો જોઈએ. દર થોડાક સમયે રિઝર્વેશનનો અધિકાર ધરાવતા લોકોનું લિસ્ટ અપડેટ થતું રહેવું જોઈએ. જે જ્ઞાતિઓ હવે બૅકવર્ડ નથી એમને આ લિસ્ટમાંથી બાકાત કરવી જોઈએ.
૫. સનસેટ ક્લોઝ : કોઈ પણ પૉલિસી કાયમી ન હોઈ શકે. સરકારી સ્કૂલોને બહેતર બનાવવાની, ત્યાંની શિક્ષણ અને શૈક્ષણિક માળખાકીય સુવિધાઓને સુધારવા માટેની એક ટાઇમલાઇન બનાવીને કામ કરવું જોઈએ અને શિક્ષણમાં રિઝર્વેશનને કારણે જે અસમાનતા ઊભી થાય છે એ દૂર થવી જોઈએ.
રિઝર્વેશન હટાવવાની ડિમાન્ડ કરતા વિદ્યાર્થીઓએ પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર આ ડિમાન્ડ્સ રજૂ કરી છે. આમાંથી કેટલું શક્ય છે એ તો આગળ નિષ્ણાતો કહેશે, પરંતુ એ પહેલાં રિઝર્વેશન પાછળના રોચક ઇતિહાસ વિશે વાત જરૂરી છે.
અનામત આવી ક્યાંથી?
અનામતનો મુદ્દો ભારતીય સ્વતંત્રતાસંગ્રામ અને સામાજિક ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એક છે જેને સમજવા માટે આપણે બ્રિટિશકાળમાં જવું પડે. બ્રિટિશ સરકારે પોતાની ભાગલા પાડો ને રાજ કરોની નીતિના ભાગરૂપે ૧૯૦૯માં મુસ્લિમો માટે અને ૧૯૧૯માં સિખ, ખ્રિસ્તી માટે અલગ મતક્ષેત્રની જોગવાઈ કરી હતી. અલગ મતક્ષેત્ર એટલે એક એવું ક્ષેત્ર જ્યાં માત્ર એ જ ચોક્કસ સમુદાયનો ઉમેદવાર ઊભો રહી શકે અને તેને મત આપવાનો અધિકાર પણ માત્ર એ જ સમુદાયના મતદારને હોય. એ પછી ૧૯૩૦થી ૧૯૩૨ દરમ્યાન લંડનમાં ૩ ગોળમેજી પરિષદો યોજાઈ. આ પરિષદોમાં ડૉ. બી. આર. આંબેડકરે દલિતોના હકની રજૂઆત કરી. ડૉ. આંબેડકરનું માનવું હતું કે હજારો વર્ષોના સામાજિક અત્યાચાર અને અસ્પૃશ્યતામાંથી દલિતોને મુક્ત કરવા માટે તેમને સ્વતંત્ર રાજકીય સત્તા મળવી જરૂરી છે. તેથી તેમણે દલિતો માટે અલગ મતક્ષેત્રની માગણી કરી. જોકે બીજી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગયા બાદ બ્રિટિશ વડા પ્રધાન રામસે મૅક્ડોનલ્ડે ૧૯૩૨ની ૧૬ ઑગસ્ટે કમ્યુનલ અવૉર્ડની જાહેરાત કરી. આ અવૉર્ડ હેઠળ દલિતોને ‘અલગ લઘુમતી સમુદાય’ તરીકે માન્યતા આપવામાં આવી અને તેમને અલગ મતક્ષેત્રનો અધિકાર આપવામાં આવ્યો. આ જોગવાઈ મુજબ દલિતોને બે વાર મત આપવાનો અધિકાર મળતો હતો. એક, પોતાના દલિત ઉમેદવારને ચૂંટવા માટે અને બીજો, સામાન્ય બેઠકના ઉમેદવારને ચૂંટવા માટે.
મહાત્મા ગાંધી એ સમયે પુણેની યેરવડા સેન્ટ્રલ જેલમાં કેદ હતા. તેમને જ્યારે આ અવૉર્ડની ખબર પડી ત્યારે તેમણે એનો સખત વિરોધ કર્યો. ગાંધીજીનું માનવું હતું કે અલગ મતક્ષેત્ર આપવાથી દલિત સમાજ હિન્દુ સમાજથી કાયમ માટે અલગ થઈ જશે, આનાથી અસ્પૃશ્યતા નાબૂદ થવાને બદલે કાયમી બની જશે અને હિન્દુ સમાજના ટુકડા થઈ જશે. ગાંધીજીએ આ નિર્ણયના વિરોધમાં ૧૯૩૨ની ૨૦ સપ્ટેમ્બરે યેરવડા જેલમાં જ આમરણ ઉપવાસ શરૂ કર્યા. ગાંધીજીની તબિયત દિવસો જતાં લથડવા લાગી, જેને કારણે દેશભરમાં ભારે ચિંતા અને રાજકીય દબાણ ઊભું થયું. પંડિત મદન મોહન માલવીય, સી. રાજગોપાલાચારી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને ઘનશ્યામદાસ બિરલા જેવા નેતાઓએ ડૉ. આંબેડકર અને ગાંધીજી વચ્ચે સમાધાન કરાવવા મધ્યસ્થી શરૂ કરી. ડૉ. આંબેડકરે સામાજિક શાંતિ ખાતર સમાધાન માટે સંમતિ આપી. પુણેની યેરવડા જેલમાં જ ગાંધીજીના પ્રતિનિધિઓ અને ડૉ. આંબેડકર વચ્ચે ૧૫૬ કલાકની ચર્ચા પછી પૂના કરાર માટે ૧૯૩૨ની ૨૪ સપ્ટેમ્બરે ઐતિહાસિક બેઠક થઈ અને એમાં જે નિર્ણયો લેવાયા એને પૂના કરાર નામ મળ્યું. આ બેઠકમાં ડૉ. આંબેડકરે અલગ મતક્ષેત્રની માગણી જતી કરીને બદલામાં સંયુક્ત મતક્ષેત્રમાં જ દલિતો માટે ‘અનામત બેઠકો’ રાખવાનું નક્કી થયું. બ્રિટિશ સરકારે અલગ મતક્ષેત્રમાં દલિતોને ૭૧ બેઠકો આપી હતી, પરંતુ પૂના કરાર હેઠળ સંયુક્ત મતક્ષેત્રમાં પ્રાંતીય વિધાનસભાઓમાં અનામત બેઠકો વધારીને ૧૪૭ અને કેન્દ્રીય ધારાસભામાં ૧૮ ટકા બેઠકો કરવામાં આવી. આ રીતે ગાંધીજીના ઉપવાસ અને ડૉ. આંબેડકરની સમજાવટથી ‘અલગ મતક્ષેત્ર’ રદ થઈને ‘અનામત પ્રથા’ના રૂપમાં રૂપાંતરિત થઈ જે પાછળથી બંધારણસભાએ સ્વીકાર્યું અને બંધારણના ભાગ ૧૬ (કલમ ૩૩૦ અને ૩૩૨) હેઠળ લોકસભા અને વિધાનસભાઓમાં SC અને ST માટે તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ થઈ. જોકે અહીં બંધારણના ઘડવૈયાઓએ રાજકીય અનામત ૧૦ વર્ષની મુદત સાથે અને જરૂર હોય તો મુદત વધારવાની વ્યવસ્થા સાથે આપવાનું શરૂ કર્યું હતું. જોકે ૧૯૬૦માં પહેલી મુદત પૂરી થયા પછી સત્તા પર રહેલા રાજકીય પક્ષો બંધારણીય સુધારાઓ કરી-કરીને મુદતને લંબાવતા રહ્યા. અત્યારે પણ ૨૦૩૧ સુધી એ મુદત વધારાઈ છે.
એજ્યુકેશનમાં અનામત
શિક્ષણમાં અનામત કેવી રીતે આવી એ ઘટના તો રાજકીય અનામત કરતાં પણ વધુ જાણવા જેવી છે. ૧૯૫૦માં ૨૬ જાન્યુઆરીએ બંધારણ લાગુ થયું ત્યારે બંધારણીય કલમ ૧૬(૪) અંતર્ગત સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ હતી, પરંતુ શૈક્ષણિક અનામત માટે બંધારણમાં કોઈ વાત નહોતી. શિક્ષણમાં અનામત લાવવા પાછળ એક ઐતિહાસિક કોર્ટકેસ નિમિત્ત બન્યો. બન્યું એવું કે ૧૯૫૦માં આજના તામિલનાડુ અને ત્યારના મદ્રાસ રાજ્યમાં બ્રિટિશકાળથી ચાલતા એક કાયદા અનુસાર મેડિકલ અને એન્જિનિયરિંગ કૉલેજોમાં જ્ઞાતિઆધારિત સીટો વહેંચવામાં આવતી હતી. ચંપકમ્ દોરાઈરાજન નામની એક બ્રાહ્મણ મહિલાને મેડિકલ કૉલેજમાં વધુ માર્ક હોવા છતાં પ્રવેશ ન મળ્યો, કારણ કે તેમની જ્ઞાતિનો ક્વોટા પૂરો થઈ ગયો હતો. તેમણે આ નીતિને હાઈ કોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારી. ૧૯૫૧માં સુપ્રીમ કોર્ટે મદ્રાસ સરકારના આ જ્ઞાતિઆધારિત ઑર્ડરને રદ કર્યો. કોર્ટે કહ્યું કે આ આદેશ ધર્મ કે જ્ઞાતિના આધારે શિક્ષણસંસ્થાઓમાં ભેદભાવ ન કરવાનું સૂચન કરતી બંધારણની કલમ ૨૯(૨) અને સમાનતાનો અધિકાર આપતી બંધારણની કલમ ૧૫નું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો તામિલનાડુ સહિત દેશભરમાં ભારે વિરોધ થયો અને રાજકીય હલચલ મચી ગઈ. એ સમયની પંડિત જવાહરલાલ નેહરુની સરકારે દબાણમાં આવીને કોર્ટના ચુકાદાને પલટાવવા અને સામાજિક રીતે પછાત વર્ગોના શિક્ષણ માટે રસ્તો સાફ કરવા બંધારણમાં સુધારો કરવાનો નિર્ણય લીધો. જૂન ૧૯૫૧માં ભારતીય સંસદે પ્રથમ બંધારણીય સુધારો (1st Constitutional Amendment Act, 1951) પસાર કર્યો અને બંધારણમાં કલમ ૧૫(૪) ઉમેરી. આ સુધારા દ્વારા સરકારને એવો ખાસ અધિકાર મળ્યો કે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમ જ SC અને STના ઉત્થાન માટે શિક્ષણસંસ્થાઓને અનામત આપી શકે છે. આ રીતે ભારતમાં શિક્ષણક્ષેત્રે અનામતની સત્તાવાર અને કાયદાકીય શરૂઆત થઈ.
અહીં એ પણ સમજવું જોઈએ કે અનામતનો મૂળ ઉદ્દેશ સામાજિક અસમાનતા, છૂત-અછૂત અને સદીઓથી વંચિત રહેલા સમુદાયોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો અને એના માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, કારણ કે પછાતને કાયમી પછાત રાખવાની માનસિકતા એ સમયના દેશના ઘડવૈયાઓની નહોતી.
આજની વાસ્તવિકતા
૧૯૫૦ અને ૧૯૫૧માં જે થયું એ આજે ક્યાં પહોંચ્યું છે એને પણ આંકડાકીય રીતે સમજીએ. અત્યારે કેન્દ્ર સરકારના નિયમો મુજબ પછાત વર્ગો (OBC ૨૭ ટકા, SC ૧૫ ટકા, ST ૭.૫ ટકા) માટે ૪૯.૫ ટકા અને જનરલ કૅટેગરીના ઇકૉનૉમિકલી વીકર સેક્શન (EWS) માટે ૧૦ ટકા મળીને કુલ ૫૯.૫ ટકા અનામત છે. બાકીની ૪૦.૫ ટકા સીટો અનરિઝર્વ્ડ ઓપન મેરિટ અથવા જનરલ કૅટેગરી માટે છે જેમાં મેરિટના આધારે તમામ કૅટેગરીના ઉમેદવારો પ્રવેશ મેળવી શકે છે. દાખલા તરીકે જો કોઈ કૉલેજમાં કુલ ૧૦૦ સીટો હોય તો ૧૫ સીટો SC, ૮ સીટો ST, ૨૭ સીટો OBC અને ૧૦ સીટો EWS માટે અનામત રહેશે; જ્યારે બાકીની ૪૦ સીટો પર જનરલ સહિત તમામ વર્ગના વિદ્યાર્થીઓ માત્ર પોતાના માર્ક્સના આધારે પ્રવેશ મેળવશે. આ આંકડા કેન્દ્ર સરકાર હેઠળ આવતી IIT, IIMS, UPSC, કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને કેન્દ્ર સરકારની નોકરીઓ માટે લાગુ કરાય છે; પરંતુ રાજ્ય સરકારો મુજબ આ આંકડા અને ટકાવારી બદલાય છે.
અનામતને કારણે વિદ્યાર્થીઓ સાથે કેવો અન્યાય થયો છે એ વિષય પર NEET-UGની પરીક્ષા આપનારો મેડિકલનો વિદ્યાર્થી અને આજકાલ દરેક ન્યુઝ-ચૅનલની ડિબેટમાં પૂરા આક્રોશ સાથે વાત કરતો હર્ષ દુબે ‘મિડ-ડે’ને કહે છે, ‘હું પોતે ખેડૂત પરિવારનો છું અને ભયંકર ગરીબી વચ્ચે દિવસ-રાત ભણીને અહીં સુધી પહોંચ્યો છું. તમે ખૂબ મહેનત કરો એ પછી પણ જો તમારા કરતાં ઓછા માર્ક્સ મેળવનારા લોકો આગળ નીકળી જાય અને તમે રહી જાઓ, કારણ કે તમે અમુક જ્ઞાતિમાં નથી જન્મ્યા એની પીડા શું હોય એનો અંદાજ જનરલ કૅટેગરીનો સ્ટુડન્ટ જ લગાવી શકે. બંધારણ સમાનતાનો અધિકાર આપે છે તો અમારી સાથે અન્યાય શું કામ? અમે જનરલ કૅટેગરીમાં જન્મ્યા એ જ અમારી ભૂલ? આરક્ષણ પાછળનો હેતુ સારો હતો, પરંતુ હવે એ હેતુનો દુરુપયોગ થઈ રહ્યો છે. આજે પણ ગામોમાં ખરેખર ગરીબી અને જાતિવાદનો ભોગ બનેલા સ્ટુડન્ટ્સ સુધી આરક્ષણના લાભ નથી પહોંચી રહ્યા, પરંતુ તમામ સુખ-સગવડો ધરાવતા અમુક જ પરિવારો વારંવાર આરક્ષણનો લાભ લઈ રહ્યા છે.’
જાતિવાદ અને આરક્ષણનું કનેક્શન?
યુથ ફૉર ઇક્વાલિટી નામની સંસ્થા સાથે જોડાઈને રિઝર્વેશન રિફૉર્મની દિશામાં છેલ્લાં પાંચ વર્ષથી કામ કરી રહેલી અને અત્યારે સોશ્યલ મીડિયા પર શરૂ થયેલા રિઝર્વેશન હટાઓ આંદોલનનો પણ હિસ્સો એવી ઑથર, રાઇટર, ડૉક્ટર નેહા દાસ કહે છે, ‘આરક્ષણને લઈને બહુબધાં જુઠ્ઠાણાં ફેલાવવામાં આવ્યાં છે. તમે લોકોને કહેતાં સાંભળ્યું હશે કે આરક્ષણ જાતિવાદને કારણે છે એટલે જાતિવાદ હટાવી દો તો આરક્ષણની જરૂર જ નહીં રહે, પરંતુ સૌથી વધારે જાતિવાદ તો આરક્ષણ મળ્યું છે એ જ જાતિઓ આપસમાં ફેલાવે છે. આ હું નહીં પણ ડેટા કહે છે. જેમ કે મધ્ય પ્રદેશ બાર અસોસિએશનનો એક સર્વે કહે કે SC/ST ઍક્ટનો કેસ ૮૧ ટકા OBC વર્ગના લોકો પર જ લાગતો હોય છે. ૨૦૧૧માં લગભગ ૧૬૦૦ ગામોનો રૉબર્ટ ઑફ કૅનેડી સેન્ટરે એક અભ્યાસ કર્યો જેમાં તેમણે જોયું કે ૯૯ ટકા ઊંચી જાતિના દલિત પોતાનાથી નીચી જાતના દલિત સાથે બેટીવ્યવહાર નથી કરતા. ૮૯ ટકા ઊંચી જાતના દલિતો નીચી જાતના દલિતોને પાણી પીવાનું આપવાનું પણ ઉચિત નથી ગણતા. એટલું જ નહીં, ઑનર કિલિંગના કેસમાં પણ એક બાજુ ST છે અને બીજી બાજુ OBC છે. એના પછી SC અને ST કૅટેગરીના લોકો વચ્ચે પણ ઑનર કિલિંગના બનાવો અવારનવાર સાંભળવા મળતા હોય છે. પ્રોટેસ્ટન્ટ વર્ક એથિક (PEW) દ્વારા ૨૦૨૧માં થયેલો એક સર્વે કહે છે કે ઇન્ટરકાસ્ટ લગ્નમાં સૌથી વધુ રેઝિસ્ટન્સ OBC, પછી SC-STમાં આવતું હોય છે. જનરલ કૅટેગરીવાળાને ઇન્ટરકાસ્ટ લગ્નને લઈને સૌથી ઓછો પ્રૉબ્લેમ હોય છે. હવે તમે જ મને કહો કે જેઓ પોતે જ ઉચ્ચ કક્ષાનો જાતિવાદ કરી રહ્યા છે તેમને જ આરક્ષણ આપીને તમે જાતિવાદ કેવી રીતે દૂર કરશો? સૌથી તાજુબ તો ત્યારે થાય જ્યારે તેઓ આ જાતિવાદ માટે પણ બીજાને જ જવાબદાર ગણે. તેમના બધા જ પ્રૉબ્લેમનું કારણ બીજા જ બધા છે. તેમને માત્ર ત્રાહિત અને શોષિત બનીને જ રહેવું છે.’
આરક્ષણ એ કોઈ જ્ઞાતિને અપાયેલી ભેટ નથી, તેમને અપાયેલું પ્રતિનિધિત્ત્વ છે. જોકે ડૉ. નેહાની દૃષ્ટિએ આ વાત પણ અત્યારની સ્થિતિ જોતાં ખોટી સાબિત થઈ રહી છે. દાખલો આપતાં તે કહે છે, ‘૨૦૧૭માં રોહિણી કમિશનની રચના થઈ હતી એ જોવા માટે કે આરક્ષણનો લાભ કેટલાને મળ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ૯૭ ટકા OBC આરક્ષણનો લાભ માત્ર પચીસ ટકા જાતિઓ સુધી સીમિત છે. ઇન ફૅક્ટ, ૩૭ ટકા OBC જાતિઓ એવી હતી જેમના સુધી ક્યારેય આરક્ષણનો લાભ પહોંચ્યો જ નહીં. બીજો એક આંકડો જુઓ. શેડ્યુલ કાસ્ટ ટ્રાઇબમાં કુલ ૭૪૪ ટ્રાઇબ છે, પરંતુ જેટલી પણ સરકારી સ્કીમ છે એનો લાભ આ ૭૪૪માંથી માત્ર એક જ જ્ઞાતિએ લીધો છે. UPSCનો ડેટા જોશો તો તમને દેખાશે કે ત્યાં છેલ્લાં ૧૦ વર્ષમાં શેડ્યુલ ટ્રાઇબની આરક્ષિત સીટમાંથી ૪૦-૪૫ ટકા સીટ STમાં આવતી એક જ જ્ઞાતિને મળી છે. તમે જ મને કહો કે જો આરક્ષણનો લાભ અમુક જ જ્ઞાતિઓને મળી રહ્યો હોય અને બાકીની જાતિઓ મોટા પ્રમાણમાં વંચિત રહેતી હોય તો શું એમને પ્રતિનિધિત્વ મળ્યું કહેવાય? બીજું એ પણ સમજી લો કે STનું આરક્ષણ જાતિના આધારે નહીં પણ ભૌગોલિક આઇસોલેશનના આધારે આપવામાં આવ્યું હતું. અધર બૅકવર્ડ ક્લાસ (OBC)નું આરક્ષણ બૅકવર્ડનેસના ક્રાઇટેરિયાના આધારે અપાયું હતું. સોશ્યલ, એજ્યુકેશન, ઇકૉનૉમિકલ બૅકવર્ડનેસમાં જો સુધારો થયો હોય તો પણ આરક્ષણના લાભ કન્ટિન્યુ રહેવા જોઈએ? સમસ્યા એ છે કે અત્યારે આ લાભોની લાલચમાં આપણે ત્યાં બૅકવર્ડ બનવાની હોડ મચી છે. બીજી બાજુ આરક્ષણની લાલચ આપી-આપીને સરકાર પોતાનો લાભ જોઈ રહી છે. પોતાની રોજબરોજની જદ્દોજહદમાં અટવાયેલા ૩૦ ટકા જનરલ કૅટેગરીના લોકો વિશે કોઈ નથી વિચારતું. કંઈક કહેવા જાઓ તો તેમને તરત જ પ્રિવિલેજ્ડ કહીને હાથ ઝાટકી લેવામાં આવે છે. આજે સૌથી વધુ પ્રતાડિત જનરલ કૅટેગરીના સ્ટુડન્ટ્સ થઈ રહ્યા છે. અમારે માત્ર લોકોમાં આજની વાસ્તવિકતા વિશે જાગૃતિ લાવવી છે. જનરલ કૅટેગરીના લોકોએ જાગવું પડશે. આપણે ત્યાં જનરલ કૅટેગરીના ૯૦ ટકા લોકોને ખબર જ નથી કે તેમની સાથે કેવો રાજકીય ખેલ રમાયો છે. સરકાર આ મુદ્દાને હાથ નથી લગાડવા માગતી કારણ કે દલિતોની વોટબૅન્કનો પ્રશ્ન છે, પરંતુ જનરલ કૅટેગરીના લોકો પાસે પણ મતાધિકાર તો છે જ. જનરલ કૅટેગરીના લોકોએ પણ પોતાની વોટબૅન્કના પાવરથી એકપક્ષી વિચારી રહેલી સરકારને ઊંઘમાંથી ઉઠાડવાની જરૂર છે.’
આરક્ષણનો દુરુપયોગ?
આરક્ષણ ખરાબ નથી પરંતુ આરક્ષણનો દુરુપયોગ ખરાબ છે અને એ દુરુપયોગ અટકે એ મહત્ત્વનું છે એમ જણાવીને આરક્ષણ આંદોલનની ઍક્ટિવ સદસ્ય અનુરાધા તિવારી કહે છે, ‘IAS અને IPSનાં બાળકો રિઝર્વેશન યુઝ કરે એનો વિરોધ ન્યાયાલયના જજ કરી ચૂક્યા છે, પરંતુ ઍક્શન લેવાઈ? ખોટા દલિત સર્ટિફિકેટ દ્વારા લાભ લેનારા કે ખોટા કેસ થકી અન્ય જાતિના લોકોને પ્રતાડિત કરનારાઓના વિરોધમાં શું કાયદો છે આપણી પાસે? શું કામ કોઈ એવો ડેટા નથી બન્યો કે ૧૯૫૦થી આરક્ષણને કારણે અપલિફ્ટ થયેલા પરિવારો નોંધાયા હોય? શું એ પરિવારોને એ લિસ્ટમાંથી બહાર કાઢીને ખરેખર આરક્ષણની જરૂરિયાતવાળા લોકોને એમાં સામેલ કરવામાં આવ્યા છે? સામાજિક ભેદભાવ છે એટલે આર્થિક ઉત્થાનથી આરક્ષણનો હક જતો નથી એવી દલીલ કરનારાઓ ચટ ભી મેરી, પટ ભી મેરીની દિશામાં કામ કરી રહ્યા છે. નેગેટિવ માર્કિંગ, મિનિમમ કટઑફ, મિનિમમ એલિજિબિલિટી જેવી બાબતો તો આરક્ષણમાં ઉમેરાવી જોઈએને? વન ફૅમિલી, વન રિઝર્વેશનના મુદ્દાનો વિરોધ શું કામ થવો જોઈએ?’
સિક્કાની બીજી બાજુ પણ મહત્ત્વની
જનરલ કૅટેગરીના વિદ્યાર્થીઓ બદલાયેલા સમય સાથે આરક્ષણમાં બદલાવ લાવવા માટેની માગણી કરી રહ્યા છે ત્યારે આરક્ષણની જરૂરિયાત આજે પણ શું કામ છે એ વિષય પર પણ ચર્ચા થવી જ જોઈએ. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરો (NCRB) અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા અધિકૃત આંકડા દર્શાવે છે કે ભારતમાં SC & ST ઍક્ટ, ૧૯૮૯ હેઠળ નોંધાતા કેસો હજી પણ અસ્તિત્વમાં છે. ૨૦૨૦માં શેડ્યુલ કાસ્ટ સમાજ સામેના અત્યાચારના ૪૫,૯૯૫ કેસ નોંધાયા હતા, જે ૨૦૨૩માં ૫૩,૩૭૨ સુધી પહોંચ્યા હતા અને ૨૦૨૪માં ૪૮,૬૬૯ કેસ નોંધાયા હતા. બેશક, એમાં ગુનો સાબિત થયાના આંકડા ઘણા ઓછા છે. PEW રિસર્ચ સેન્ટરનો ડેટા કહે છે કે આજે પણ ભારતના લગભગ ૨૭ ટકા પરિવાર સ્વીકારે છે કે તેઓ અલગ વાસણ રાખવાં, રસોડામાં પ્રવેશ ન આપવો વગેરે કોઈ ને કોઈ સ્વરૂપે અસ્પૃશ્યતા પાળે છે. ભારતમાં જાતિવાદના નિર્મૂલન માટે આરક્ષણને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી અને જ્યાં સુધી જાતિવાદ છે ત્યાં સુધી આરક્ષણની અનિવાર્યતા છે એવું નિષ્ણાતો માને છે.
આ સંદર્ભે ડૉ. ગોવર્ધન વાનખેડેના વિચારો જાણવા જેવા છે, જેઓ તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ (TISS)માં ‘સ્કૂલ ઑફ એજ્યુકેશન’ના પ્રોફેસર અને ડીન રહી ચૂક્યા છે. ત્યાં તેમણે લાંબા સમય સુધી શિક્ષણ અને વંચિત સમાજના સામાજિક-આર્થિક વિકાસ પર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે. તેમણે ભારતમાં દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ, તેમની સોશ્યલ મોબિલિટી અને ભેદભાવ જેવા વિષયો પર વ્યાપક કાર્ય કર્યું છે. TISSમાં SC/ST સેલના લાયઝનિંગ ઑફિસર તરીકે દલિત અને પછાત વર્ગનાં બાળકોના શૈક્ષણિક અધિકારો અને કલ્યાણ માટે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સામાજિક ન્યાય અને શિક્ષણક્ષેત્રે તેમના બહોળા અનુભવને કારણે તેઓ રાષ્ટ્રીય સ્તરની પસંદગી સમિતિઓમાં સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. શિક્ષણ અને સામાજિક અસમાનતા પર તેમનાં અનેક સંશોધનપત્રો અને પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેમાંથી તેમનું જાણીતું અને ચર્ચિત પુસ્તક ‘Social Exclusion and Upward Mobility: Study of Scheduled Castes in India’ દલિત સમાજના શૈક્ષણિક વિકાસ, અનામત નીતિના પ્રભાવ અને સામાજિક પરિવર્તનને સમજવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આવું રિચ બૅકગ્રાઉન્ડ ધરાવતા ડૉ. ગોવર્ધન શું રિઝર્વેશનમાં રિફૉર્મ્સની જરૂર છે? એ પ્રશ્નના જવાબમાં સ્પષ્ટતા સાથે કહે છે, ‘પહેલાં જે નિયમો રિઝર્વેશનમાં અપાયા છે એને પૂરી ઈમાનદારી સાથે અમલમાં મુકાયા છે કે નહીં એની ચોકસાઈ કરો. તમે ગામડાંઓમાં ફરો અને વાસ્તવિક સ્થિતિ જુઓ એ પછી રિફૉર્મની વાત કરો. રિઝર્વેશન કોઈ ખેરાત નથી. માન્યું કે વંચિત જાતિઓમાં અમુક વર્ગને એનો વધુ લાભ મળ્યો છે અને અમુકને જરાય નથી મળ્યો, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે જેમને લાભ મળ્યો એ બધો જ ખોટો છે. કાર્ય જેમને લાભ નથી મળ્યો એ દિશામાં થવું જોઈએ. જાતિભેદ આપણા દેશમાં આજે પણ પ્રવર્તે છે. તમને એ ખબર છે કે રિઝર્વેશનમાં ઍડ્મિશન લઈ લીધા પછી પણ કયા સ્તરનો જાતિભેદ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં ફેસ કરે છે? IITના રિઝર્વેશન ક્વોટામાં દાખલ થયેલા ગુજરાતના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. તેને વારંવાર યાદ કરાવવામાં આવે છે કે તે રિઝર્વ ક્વોટામાંથી આવ્યો છે. તેની સાથે અલગ વ્યવહાર કરવામાં આવે છે. તેનો અન્ય વિદ્યાર્થીઓ સાથે ખુલ્લેઆમ બહિષ્કાર કરવામાં આવે છે. એ પછી પણ કહીશ કે રિઝર્વેશનની પૉલિસીને તમે આઇસોલેશનમાં વિચારી ન શકો. તમારે સર્વગ્રાહી સ્વરૂપે શું ચાલી રહ્યું છે એ જોવું પડશે. અહીં માત્ર ઇકૉનૉમિક સ્ટેટસ ઇમ્પ્રૂવ કરવાની વાત નથી, પણ સમાજમાં સતત તેમને બૅકવર્ડ અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહેલી સિસ્ટમમાં બદલાવ લાવવાની વાત છે. રિઝર્વેશન એનો જ એક ભાગ છે. ઍક્ચ્યુઅલી રિઝર્વેશનની આખી પૉલિસી જ બહુ ખરાબ રીતે અમલમાં મુકાઈ છે એ જ કારણ છે કે આજે પણ એનું પરિણામ જે સ્તર પર દેખાવું જોઈએ એ સ્તર પર દેખાયું નથી. હું અમારા ગામની ફર્સ્ટ જનરેશનની વ્યક્તિ છું જે ડૉક્ટરેટ સુધી પહોંચી છે. મને ખબર છે કે કેવી-કેવી દોજખમાંથી હું પસાર થયો છું અને સિનારિયો કંઈ બદલાયો નથી. ટૂંકમાં, રિફૉર્મની ચર્ચા ત્યારે સારી લાગે જ્યારે અમલીકરણ ઉચિત રીતે રાજનીતિથી પર ખરેખર સમાજના આ વર્ગને ઉપર લાવવાના ધ્યેય સાથે થયું હોય, જેમાં લક્ષ્ય પ્રાઇમરી એજ્યુકેશનથી જ સારું શિક્ષણ અને દરેક લેવલ પર જાતિવાદને નષ્ટ કરવાથી થયું હોય.’
આજે પણ ઊંચનીચ છે
ગાંધીનગરના Phd સ્કૉલર ગૌતમ વેગડા મૂળ સુરેન્દ્રનગર પાસે આવેલા એક નાનકડા ગામના વતની છે. અમારા ગામમાં આજે પણ દલિતોને હિન્દુ સ્મશાનભૂમિમાં પોતાના સ્વજનની અંતિમક્રિયા કરવાનો રાઇટ નથી એમ જણાવીને તેઓ કહે છે, ‘અમારામાં મૃતદેહને જમીનમાં દાટવાની પરંપરા છે, પરંતુ ગુજરાતનાં ઘણાં ગામડાંઓમાં એના માટે અમારી પાસે ખાસ વ્યવસ્થા નથી. ધારો કે અમારે અમારા મૃત સ્વજનની અંતિમયાત્રા કાઢવાની હોય તો ગામડાના મુખ્ય માર્ગમાંથી અમને જવાની અનુમતિ નથી, અમારે ઘણું ફરીને જવું પડે. સવર્ણ ગામના મુખ્ય માર્ગમાંથી પોતાના સ્વજનની અંતિમયાત્રા કાઢી શકે. એક તરફ દેશમાં રામ મંદિરની અને હિન્દુત્વની બોલબાલા છે ત્યારે આજે પણ અમારો હિન્દુ તરીકે સ્વીકાર કરીને ગામડાના મુખ્ય રામ મંદિરમાં અમને પ્રવેશનો અધિકાર નથી. જોકે અમને એની ઘેલછા પણ નથી. બીજું, અમે એની ફરિયાદ નથી કરતા. ગામડાની શાંતિ અકબંધ રહે અને અમારી સામે કોઈ જૂથ બનાવીને હિંસા ન કરે કે ખેતરમાં કામ આપવાનું બંધ ન કરે એ ડરથી કોઈ સવાલ નથી ઉઠાવતું કે કાયદા પ્રમાણે ફરિયાદ નથી કરતું. આ હું ૩૦૦૦ વર્ષથી ચાલ્યા આવતા અત્યાચારોની વાત નથી કરતો, પણ આજના સમયની વાત કરું છું. નાનપણમાં એ દૃશ્યનો હું સાક્ષી રહ્યો છું જેમાં કુટુંબના સભ્યો મૃત પશુઓને ઢસડતા હોય અને જાતિગત ધંધાનું ખાવાનું ન હોવાથી એના માંસ પર પેટ ભરવું પડ્યું હોય. મેટ્રો સિટીમાં બેસીને જાતિવાદ ભૂંસાઈ ગયો હોવાની વાત કરવી યોગ્ય નથી.’
જાતિવાદની વરવી વાસ્તવિકતા બયાન કરતું ‘વલ્ચર’ નામનું પુસ્તક લખનારા અને બ્રિટન, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આિફ્રકા (BRICS)ના સંમેલનમાં સાહિત્યના વિષયમાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા ચીન જઈ આવેલા ગૌતમભાઈ આરક્ષણમાં રિફૉર્મ વિશે કહે છે, ‘અમારા ગામની હું પહેલી વ્યક્તિ છું જે PhD કરી રહી છે અને એ પછી આજે પણ મારા સમાજનાં ભાઈબહેનોમાં પણ એ કૉન્ફિડન્સ આવવામાં સમય લાગી રહ્યો છે કે તેઓ પણ ભણીને આગળ વધી શકે છે. આરક્ષણ હતું તો હું ભણી શક્યો અને હિંમત હતી એટલે બહુ જ બધી અગવડો છતાં ટકી શક્યો. અને તમે કયા મેરિટની વાત કરો છો? તમને અંદાજ પણ છે કે જાતિવાદનો ભોગ બનેલો એક વંચિત જાતિનો બાળક કેવા સંજોગોમાંથી ઉપર આવ્યો હોય છે? તેની ટકાવારીને તમે કોઈ તમામ સુવિધાઓ અને પારિવારિક બૅકઅપમાં ભણેલા બાળકની ટકાવારી સાથે કમ્પેર જ ન કરી શકો. ધારો કે તેમને હાયર એજ્યુકેશનમાં થોડીક ઓછી ટકાવારી સાથે પણ આગળ વધવાની તક મળતી હોય એને પ્રોત્સાહન આપવાનું હોય. તમને ખબર છે કે મેડિકલ કૉલેજોમાં કે એન્જિનિયરિંગ કૉલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથે કેવો વ્યવહાર થાય છે? બીજો પ્રશ્ન એ છે કે જે પરિવારને એક વાર અનામતનો લાભ મળી ગયો છે એને ફરી વાર ન મળવો જોઈએ, કારણ કે હવે તેઓ આર્થિક રીતે સધ્ધર થઈ ગયા છે. આના માટે પણ મારે કહેવું છે કે આ વાત તદ્દન પાયાવિહોણી છે, કારણ કે આર્થિક રીતે ધારો કે નોકરી મળી ગઈ પણ એનાથી સમાજમાં લોકોનો જોવાનો નજરિયો નથી બદલાયો. એવા કિસ્સા છે કે મેરિટ કક્ષાના પેપરમાં માર્ક આવ્યા હોય અને ઇન્ટરવ્યુમાં તેમને બે, પાંચ અને ૭ માર્ક આપીને ફેલ કરી દેવામાં આવે. તેમના માટે આ અનામત જગ્યા છે જે લોકોની માનસિકતા વચ્ચે પણ તેમને આગળ વધવાની તક આપે છે. તમને ખબર છે કે ગાંધીનગરમાં પણ ઘર શોધવામાં મને ભયંકર તકલીફ પડી. છેલ્લે ગાંધીનગરમાં ઘર ન જ મળ્યું કારણ કે હું દલિત સમાજમાંથી આવું છું. છેલ્લે ગાંધીનગરના છેવાડે એક મુસ્લિમ ફૅમિલીનું રેન્ટલ ઘર મળ્યું જ્યાં અત્યારે રહું છું. સામાજિક ભેદભાવને કારણે જ આરક્ષણનો મુદ્દો ઊભો થયો છે. આજે પણ લોકોના મનમાં વિવિધ જાતિઓ માટે રહેલી ઘૃણા જ આખી સમસ્યાનું મૂળ છે ત્યારે હવે તમારા ઘરમાં એક જણે રિઝર્વેશનનનો લાભ લઈ લીધો એટલે તમે હવે બાકાત એમ કહીને એને માંડ-માંડ બરાબરીની એક તક મળી હોય એને પણ તમે છીનવી લેવાની વાત કરો છો? હું એમ નથી કહેતો કે અનંતકાળ સુધી રિઝર્વેશનને અકબંધ રાખો, પરંતુ ૩૦૦૦ વર્ષથી ચાલી આવતી ભેદભાવભરી નીતિ ૭૦ વર્ષમાં નાબૂદ નથી થઈ શકી એટલી સભાનતા રાખીને પહેલાં આ ઘૃણાભરી માનસિકતાને બદલવા પર ભાર આપો. તમે વિચાર કરો કે આજે પણ જે સમાજમાં લોકો આભડછેટના નામે કે અપવિત્ર થઈ જવાના નામે કોઈ એક સમુદાયનો પડછાયો પણ પોતાના પર ન પડે એવું માનતા હોય એ શું વગર આરક્ષણે કોઈ દલિતને નેતા તરીકે વોટ આપવાના છે? તમે વિચાર કરો કે દલિત બાળકે માટલામાંથી પાણી પીધું એ કારણસર શિક્ષક તેને મારી-મારીને અધમૂઓ કરી મૂકે અને છેલ્લે તે બાળક જીવ છોડી દે એ સમાજવ્યવસ્થામાં મારી પાસે ખૂબ પૈસા આવી જવાથી મારા માટે લોકોનો નજરિયો સમકક્ષ થઈ જશે એવું કેમ માની શકાય? આજે પણ મને જોઈને જ્યારે લોકો કહે કે અરે, તું દલિત જેવો નથી લાગતો ત્યારે મારું મન અંદરથી કચવાય છે અને આ જ ગ્રાઉન્ડ રિયલિટીના આધારે કહું છું કે અત્યારે આરક્ષણ ઘટાડવાની કે એને હટાવવાની વાત કરવી એ સંપૂર્ણ અસ્થાને છે.’
રિઝર્વેશનમાં બદલાવ શક્ય છે?
સ્વામી સચ્ચિદાનંદજીએ અનામત પ્રથામાં સુધારા માટે અમુક ચોક્કસ અને ક્રાન્તિકારી સૂચનો આપ્યાં છે. જેમ કે અનામતનો આધાર જન્મ કે જ્ઞાતિ ન હોવો જોઈએ. કોઈ પણ જ્ઞાતિ કે ધર્મની ગરીબ વ્યક્તિ અનામતની હકદાર બનવી જોઈએ. કોઈ એક પરિવારે અનામતનો લાભ લઈને આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારી લીધી હોય તો તેની પછીની પેઢીને અનામત ન મળવી જોઈએ જેથી એ જ વર્ગના ખરેખર ગરીબ લોકોને તક મળે. અનામત કાયમી ન હોવી જોઈએ. એને ચોક્કસ મુદત આપીને તબક્કાવાર નાબૂદ કરવી જોઈએ. સૌથી મહત્ત્વનું એ કે ઉચ્ચ શિક્ષણ કે સરકારી નોકરીમાં સીધા કટ-ઑફ નીચા રાખવાને બદલે પછાત અને ગરીબ બાળકોને પ્રાથમિક શિક્ષણ, હૉસ્ટેલ, પુસ્તકો અને શિષ્યવૃત્તિ આપીને સક્ષમ બનાવવા જોઈએ જેથી તેઓ ખુલ્લી સ્પર્ધામાં ટકી શકે. તમામ અનામત શ્રેણીઓમાં ક્રીમી લેયરના નિયમો વધુ સખત અને વ્યવહારુ બનાવવામાં આવે, જેથી માત્ર સાચા જરૂરિયાતમંદોને જ લાભ મળે. શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં એકંદર સીટોની સંખ્યા એટલી વધારવી જોઈએ જેથી મેરિટ ધરાવતા સામાન્ય વર્ગના યુવાનોએ દેશ છોડીને જવું કે હતાશ થવું ન પડે એ પણ એક વૅલિડ ડિમાન્ડ વિદ્યાર્થીઓ દ્વારા થતી રહી છે.
જોકે એક હકીકત એ પણ છે કે ન્યાયિક અને રાજકીય દૃષ્ટિએ રાતોરાત અનામત નાબૂદ કરવી શક્ય નથી. સંવિધાનમાં સુધારો કરવા માટે સંસદમાં સુપરમેજોરિટી જોઈએ અને કોઈ પણ રાજકીય પક્ષ વસ્તીના મોટા ભાગને નારાજ કરવાનું જોખમ લઈ શકે એમ નથી.
આરક્ષણનો લાભ લેતી જ્ઞાતિઓની સંખ્યા વધી છે?
અનામતના અધિકાર સાથેનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી લઈને આજ સુધી અનામત હેઠળ આવતી જાતિઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ૧૯૫૦માં ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મળીને કુલ જાતિઓની સંખ્યા આશરે ૭૦૦ની આસપાસ હતી. આજે એ સંખ્યા વધીને લગભગ ૧૨૦૦ થઈ ગઈ છે. OBCની સંખ્યામાં ૨૬૦૦ કરતાં પણ વધારે નવી જાતિઓ ઉમેરાઈ છે. આરક્ષણનો વિરોધ કરનારાઓનો દાવો છે કે આરક્ષણ પછીયે દલિતોની સંખ્યા વધી છે અને આજે લોકોમાં દલિત બનવાની હોડ મચી છે. જોકે આંકડા કહે છે કે જાતિઓમાં થયેલા વધારા પાછળ ૧૯૫૬માં રાજ્યોની પુનઃ રચનાને કારણે અપડેટ થયેલા ડેટા છે. બીજું, સામાજિક-આર્થિક સર્વેક્ષણો દ્વારા જે જાતિઓ પછાત હતી એમને સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય આયોગોની ભલામણથી લિસ્ટમાં ઉમેરવામાં આવી. સમય સાથે જાતિઓનું ઉપ-વર્ગીકરણ થવાથી પણ સંખ્યા વધી છે.
અટલ બિહારી વાજપેયીનો દૃષ્ટિકોણ અને સંસદનું ભાષણ
અનામતના મુદ્દે ભારતના લોકપ્રિય ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીએ ૨૦૦૩ની ૨૭ મેએ દિલ્હીમાં યોજાયેલી ‘રાષ્ટ્રીય એકતા પરિષદ’ની બેઠકમાં સંસદભવનમાં આપેલું ભાષણ શબ્દશઃ પ્રસ્તુત છે.
‘ઔર અગર આર્થિક આધાર પર રિઝર્વેશન કરના હૈ તો ફિર સબકે લિએ કર દીજિએ, ઉસ મેં ફિર સવર્ણ ભી આના ચાહિએ. ગરીબ બ્રાહ્મણ ને ક્યા બિગાડા હે? લેકિન હમ તો ગરીબ બ્રાહ્મણ કી બાત નહીં કરતે, અબ માંગ હો રહી હૈ કિ મજહબ કે આધાર પર રિઝર્વેશન હોના ચાહિએ. યહ તો સંવિધાન કે નિર્માતાઓં ને નહીં સોચા થા. રિઝર્વેશન કેવલ દલિતોં કો દિયા ગયા. મૈંને સારી કૉન્સ્ટિટ્યુઅન્ટ ઍસેમ્બલી કી બહસ પઢી હૈ, હમારે સિખ બંધુઓં કે સંબંધ મેં એક અપવાદ કિયા ગયા થા. ઔર ઉસ સમય કે હમારે રાષ્ટ્રીય નેતાઓં ને કહા થા કિ યહ અપવાદ ઝરૂરી હૈ, ક્યોંકિ પંજાબ બટ ગયા હૈ ઔર સિખ અપને-અપને સ્થાન સે વંચિત હો ગએ હૈં. ઔર કિસી કે બારે મેં ઉન્હોંને કભી કલ્પના નહીં કી થી કિ મઝહબ બદલને કે બાદ ભી રિઝર્વેશન હોના ચાહિએ. ઔર અગર આર્થિક આધાર પર રિઝર્વેશન કરના હૈ તો ફિર સબકે લિએ કર દીજિએ.’
ક્રીમી લેયરનો સિદ્ધાંત
અનામત નીતિમાં ક્રીમી લેયર એક મહત્ત્વપૂર્ણ કાનૂની માપદંડ છે. જેમ દૂધની ઉપરથી મલાઈ અલગ કરી લેવામાં આવે છે એમ પછાત વર્ગમાં જે લોકો સામાજિક કે આર્થિક રીતે સક્ષમ થઈ ચૂક્યા છે તેમને અનામતના લાભથી અલગ રાખવાની આ પદ્ધતિ છે. ૧૯૯૨ના ઇન્દિરા સાહની કેસના ચુકાદા બાદ OBC વર્ગ માટે આ નિયમ લાગુ કરાયો હતો, જેમાં ૮ લાખથી વધુની વાર્ષિક આવક કે ક્લાસ-૧/ક્લાસ-૨ અધિકારી ધરાવતા પરિવારોને ક્રીમી લેયરમાં ગણીને નૉન-ક્રીમી લેયર સર્ટિફિકેટ વગર અનામતનો લાભ મળતો નથી. બીજી તરફ SC અને ST કૅટેગરીમાં ક્રીમી લેયરનો નિયમ લાગુ ન હોવાથી એ વર્ગના ધનિક અને સક્ષમ લોકોને પણ પેઢી દર પેઢી અનામત મળતી રહે છે.
ભારતનાં અનામતવિરોધી આંદોલનોનો ઇતિહાસગુજરાતનું ૧૯૮૧ અને ૧૯૮૫નું આંદોલન :
મેડિકલ કૉલેજોમાં અનામતના વિરોધમાં ૧૯૮૧માં ગુજરાતના વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા હતા, જેના ઉપક્રમે ૧૯૮૫માં માધવસિંહ સોલંકીની સરકારે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ થિયરી હેઠળ OBC અનામત વધારતાં રાજ્યભરમાં હિંસક આંદોલન થયું હતું, જેને કારણે મુખ્ય પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું.
૧૯૯૦નું મંડલ કમિશન આંદોલન : ૧૯૭૯માં મોરારજી દેસાઈની જનતા પાર્ટી સરકાર દ્વારા ભારતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઓળખ કરવા અને તેમના કલ્યાણ માટે ભલામણો આપવાના હેતુથી બી. પી. મંડલની અધ્યક્ષતામાં મંડલ કમિશન રચવામાં આવ્યું હતું. આ કમિશને આપેલા અહેવાલમાં દેશની આશરે બાવન ટકા OBC વસ્તી માટે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૭ ટકા અનામત આપવાની મુખ્ય ભલામણ કરાઈ હતી. જોકે આ રિપોર્ટ આવ્યાનાં ૧૦ વર્ષ સુધી કંઈ જ ન થયું, પરંતુ ૧૯૯૦માં ત્યારના વડા પ્રધાન વી. પી. સિંહે આ ભલામણો લાગુ કરવાની જાહેરાત કરી અને દેશભરમાં વ્યાપક વિરોધ-પ્રદર્શનો અને આંદોલનો શરૂ થયાં. ઉત્તર ભારત અને ખાસ કરીને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો. દિલ્હીના રાજીવ ગોસ્વામી નામના વિદ્યાર્થીના આત્મદાહના પ્રયાસ બાદ દેશભરમાં ડઝનબંધ વિદ્યાર્થીઓએ આત્મદાહ કર્યા હતા. જોકે ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટે ‘ઇન્દિરા સાહની કેસ’માં આ ૨૭ ટકા અનામતને બંધારણીય રીતે માન્ય રાખીને આરક્ષણમાં કેટલાંક સૂચનો કર્યાં હતાં. આ આંદોલને દેશની રાજનીતિ બદલી નાખી હતી.
૨૦૦૬નું યુથ ફૉર ઇક્વાલિટી આંદોલન : યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારમાં કેન્દ્રીય શિક્ષણસંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM) અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં ૨૭ ટકા OBC ક્વોટા લાગુ કરાતાં દેશભરના મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ યુથ ફૉર ઇક્વાલિટી હેઠળ દેશવ્યાપી હડતાળ અને વિરોધ-પ્રદર્શનો કર્યાં હતાં.
