બાળક સોશ્યલ મીડિયાના સકંજામાં કેદ થઈ રહ્યો છે ત્યારે તેના સંસ્કારોને જાળવવાનું કામ પ્રાચીન ગુરુકુળ પરંપરાના અભ્યુદયથી સંભવ છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આપણી આર્ય સંસ્કૃતિના પાયા એટલા મજબૂત છે કે અનેક આક્રમણો પછીયે એ ટકી ગઈ છે. બેશક, બદલાયેલા પ્રવાહ વચ્ચે એ જર્જરિત અચૂક થઈ છે. આજ સુધી આપણા દેશની ધરોહરની મહેક અકબંધ છે કારણ કે સંસ્કરણનો પાયો મજબૂત હતો. આપણે ત્યાં સેંકડો વર્ષો સુધી બાળકોને ગુરુકુળમાં ભણાવવામાં આવતાં. બાળક ગરીબ હોય કે રાજામહારાજાનો કુંવર હોય, ભણવા માટે તેણે પરિવારથી દૂર ગુરુકુળમાં જવું પડતું અને ગુરુઓની નિશ્રામાં તમામ શિસ્તનું પાલન કરીને રહેવું પડતું. હું પોતે હૉસ્ટેલમાં રહ્યો છું. ઘણા સમાજના અગ્રણીઓ ગુરુકુળ કે હૉસ્ટેલમાં રહીને ભણ્યા છે અને તેમના વ્યક્તિત્વમાં એ વર્ષોએ એક જુદો જ નિખાર અનુભવ્યો છે.
આજે જ્યારે પરિવારો નાના થતા જાય છે અને માતા-પિતા બન્ને વર્કિંગ છે અને વ્યસ્ત છે. બાળક સોશ્યલ મીડિયાના સકંજામાં કેદ થઈ રહ્યો છે ત્યારે તેના સંસ્કારોને જાળવવાનું કામ પ્રાચીન ગુરુકુળ પરંપરાના અભ્યુદયથી સંભવ છે. ગુરુકુળ સિસ્ટમ બાળકને સર્વાંગી વિકાસની તક આપે છે. જવાબદારીઓ પણ આપે છે અને એને પૂરી કરવાની સભાનતા પણ આપે છે. ભણતર સાથે ગણતર અને ચણતર પણ ગુરુકુળ પરંપરાની ખાસિયત છે. હું પોતે હૉસ્ટેલમાં ભણ્યો છું જ્યાં હું કલ્ચરલ સેક્રેટરી હતો. સ્પોર્ટ્સ સેક્રેટરી હતો. બુક્સનું કામ જોતો. સંસ્થાના પૈસા કેમ બચે એ વિચારતો. ત્યાં દોઢસો વિદ્યાર્થીઓ મારી સાથે હતા તો ૧૪૯ મારા કલ્યાણ મિત્રો બન્યા, કારણ કે ત્યાંનું વાતાવરણ પણ એવું હતું. હું બહુ દૃઢતાપૂર્વક માનું છું કે આર્ય સંસ્કૃતિનો એ સ્પાર્ક ફરી જન-જનમાં વહેતો કરવો હોય તો આવી રહેલી પેઢીને કમ્પલ્સરી ધાર્મિક હૉસ્ટેલ કે ગુરુકુળમાં રહેવાની ફરજ પાડો. દરેક મંદિર અને દેવસ્થાન પાસે એક ગુરુકુળ હોવું જ જોઈએ અને એના માટે સારામાં સારી કેળવણીના પર્યાયો પણ હોવા જોઈએ. તો જ ફરી એક વાર ભારત માટે આપણે સોને કી ચિડિયાનો નિઃસંકોચ ઉલ્લેખ કરી શકીશું.
ADVERTISEMENT
- પરેશ શાહ (મહારાષ્ટ્ર ગૌસેવા આયોગમાં મેમ્બર અને સમસ્ત મહાજનમાં ટ્રસ્ટી એવા લેખક લગભગ સોળેક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે અને શિક્ષણ, મેડિકલ, સંસ્કરણ, અન્નદાન જેવાં ઘણાં કાર્યો સાથે જોડાયેલા છે.)


