Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દિવાળી પછી ઍસિડિટી અને બ્લોટિંગની તકલીફ થઈ હોય તો પીઓ રાઇસ પેજ

દિવાળી પછી ઍસિડિટી અને બ્લોટિંગની તકલીફ થઈ હોય તો પીઓ રાઇસ પેજ

Published : 12 November, 2026 03:59 PM | Modified : 12 November, 2026 04:24 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

પેટ ફ્લૅટ દેખાય એ માટે આલિયા ભટ્ટ જે નુસખો અજમાવી રહી છે એ તમે પણ તહેવારોની ઉજવણી પછી થતી પેટની ગરબડને દૂર કરવા માટે અપનાવી શકો છો. રાઇસ પેજને રાઇસની કાંજી પણ કહેવાય છે જે આપણા ભાતના ઓસામણ જેવું જ, છતાં થોડુંક જુદું છે.

 રાઇસ પેજ

રાઇસ પેજ


પેટ ફ્લૅટ દેખાય એ માટે આલિયા ભટ્ટ જે નુસખો અજમાવી રહી છે એ તમે પણ તહેવારોની ઉજવણી પછી થતી પેટની ગરબડને દૂર કરવા માટે અપનાવી શકો છો. રાઇસ પેજને રાઇસની કાંજી પણ કહેવાય છે જે આપણા ભાતના ઓસામણ જેવું જ, છતાં થોડુંક જુદું છે.બીમારીમાંથી ઊભા થતા લોકો કે બાળકોને આપવામાં આવતો આ ખોરાક કઈ રીતે ફાયદાકારક છે એ સમજીએ

દિવાળી પતી ગઈ અને નવું વર્ષ શરૂ તો થઈ ગયું; પણ દિવાળીની પાર્ટીઓમાં મહાલીને, તળેલાં ફરાળ ખાઈને, મસ્ત મીઠાઈઓ આરોગીને અને રાત્રિજાગરણો કરી-કરીને શરીરની અને ખાસ કરીને પેટની હાલત ખરાબ થવી એકદમ નૉર્મલ છે. તહેવારો તો પૂરી રીતે ઊજવવા જ જોઈએ, પણ એને કારણે જે તકલીફો ઊભી થાય એના ઉપાયો પણ ઘરગથ્થુ મળી જાય તો એનાથી રૂડું કંઈ નથી. જૂનું એટલું સોનું એમ કહેવાય છે, જેમાં જૂની વાનગીઓ સામેલ થાય જ છે. નાનાં બાળકોને આપણે દાળના પાણી અને ભાતના ઓસામણથી ખોરાક શરૂ કરીએ છીએ ત્યારે આપણને એમ હોય છે કે એ પેટમાં નરવું રહે અને પચવામાં હલકું હોય તો તેને સારું રહે. જોકે આ પ્રકારનો પ્રયોગ મોટા થયા પછી આપણે આપણી જાત પર કર્યો નથી. હાલમાં સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે લોકોને રેકમેન્ડ કર્યું હતું કે તમારે પેટ એકદમ ફ્લૅટ દેખાડવું હોય તો રાત્રે અડધો કપ રાઇસ પેજ પીઓ, આલિયા ભટ્ટ પણ એ પીએ છે તો તમે પણ પીઓ. આજે જાણીએ આ રાઇસ પેજ છે શું?



રાઇસ પેજ એટલે રાઇસનું સૂપ એમ સમજી શકાય. આ સાંભળીને જ જાણકાર લોકો કહેશે કે અરે, આ તો આપણું ભાતનું ઓસામણ, બીજું શું? રાઇસ પેજ કે ભાતનું ઓસામણ આમ તો બન્ને સરખું જ છે એમ કહી શકાય. બન્નેમાં ફક્ત એ ફરક છે કે ઓસામણમાં ભાતને ગાળીને ફક્ત એનું પાણી કાઢવામાં આવે છે, પણ પેજમાં ભાત પણ એ પાણી સાથે ખાઈ લેવાય છે. ઓસામણમાં ઘણાબધા ભાતનો સ્ટાર્ચ એકઠો થયેલો હોય છે જ્યારે પેજ થોડી પાતળી હોય, કારણ કે થોડાક જ ભાતને ઉકાળીને એનું સૂપ જેવું બનાવી લીધું હોય છે. એવું સમજી શકાય કે રાઇસ પેજ એટલે ભાતનો પાતળો સૂપ. એમાં સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે ફક્ત મીઠું અને તાજો ક્રશ કરેલો કાળાં મરીનો પાઉડર ઉમેરવાનું કહ્યું હતું તથા રાત્રે જમ્યા પછી અડધો કપ પીવાનું સજેશન કર્યું હતું. એનાથી પેટ સપાટ કેવી રીતે દેખાય અને કઈ રીતે એ ફાયદાકારક છે એ સમજીએ.


ફાયદો

રાઇસનું આ પીણું પચવામાં ખૂબ જ હળવું હોય છે એટલે રાત્રે લઈ શકાય. મોટા ભાગે માંદગી પછી, પાચનક્રિયા નબળી હોય કે ટાઇફૉઇડ, ઝાડા-ઊલટી જેવી તકલીફો થઈ હોય ત્યારે એ લેવાતું હોય છે. વૃદ્ધો અને નાનાં બાળકો માટે આ ઉત્તમ આહાર છે. એ જઠર અને આંતરડાં પર ભાર મૂક્યા વગર સરળતાથી પચી જાય છે. એમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે નબળાઈ દૂર કરીને શરીરને તાત્કાલિક ઊર્જા પૂરી પાડે છે. આ બધી જ પરિસ્થિતિમાં ફક્ત ઓસામણ કે રાઇસની પેજ કે કાંજી જ આપવામાં આવે છે, એની સાથે બીજો કોઈ ખોરાક આપવામાં આવતો નથી. અહીં વયસ્ક લોકોને એમ નથી કહ્યું કે તમારે જમવું નહીં. જમ્યા પછી અડધો કપ એ પીવાની વાત કરવામાં આવી છે એટલે એનું કામ અને એના ફાયદા થોડા જુદા પડે છે.


કઈ રીતે કરે કામ?

રાઇસ પેજમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ હોય છે. એ એક ખાસ પ્રકારનો કાર્બોહાઇડ્રેટ છે જે સામાન્ય સ્ટાર્ચથી અલગ હોય છે. ભાત કે બટાટાને રંધાયા પછી ઠંડા કરવામાં આવે, જેમ કે ફ્રિજમાં રાખીને ફરી ખાવામાં આવે, તો એમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચનું પ્રમાણ વધી જાય છે. આ સિવાય કાચાં કેળાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચનો ઉત્તમ સ્રોત છે. ભાતની જેમ ઓટ્સમાં પણ એ મળી આવે છે. રાઇસ પેજ વયસ્ક લોકોએ શા માટે લેવું એ વિશે જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘સામાન્ય સ્ટાર્ચનું આપણા નાના આંતરડામાં સરળતાથી પાચન થઈ જાય છે અને એ ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે, પરંતુ રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ નાના આંતરડામાં પચતો નથી અને અપાચિત સ્વરૂપમાં મોટા આંતરડા સુધી પહોંચે છે. મોટા આંતરડામાં પહોંચ્યા પછી રેઝિસ્ટન્ટ સ્ટાર્ચનું ત્યાં રહેલા સારા બૅક્ટેરિયા દ્વારા ફર્મેન્ટેશન થાય છે. આ પ્રક્રિયાથી શૉર્ટ-ચેઇન ફૅટી ઍસિડ્સ બને છે. એ આંતરડાંના કોષો માટે મુખ્ય ખોરાક છે. એ આંતરડાંની દીવાલોને મજબૂત બનાવે છે અને સોજો કે બળતરા ઘટાડવામાં મદદ કરે છે. રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવે છે. એ નાના આંતરડામાં પચીને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અચાનક વધારતો નથી. એ પચવામાં વાર લગાડે છે અને લાંબા સમય સુધી પેટ ભરાયાની અનુભૂતિ કરાવે છે જેનાથી વારંવાર ખાવાની ઇચ્છા થતી નથી અને કૅલરીનું સેવન નિયંત્રણમાં રહે છે. એ પ્રી-બાયોટિક તરીકે કામ કરે છે એટલે કે એ પેટના સારા બૅક્ટેરિયાને પોષણ આપે છે અને માઇક્રોબાયોમને સ્વસ્થ રાખે છે.’

કોણે લેવાય અને કોણે નહીં?

રાઇસ પેજ એક હોમ રેમેડી સાબિત થઈ શકે છે. કોણે આ રાઇસ પેજ લેવું જોઈએ? એ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘જે લોકોને બ્લોટિંગ અને ગૅસની તકલીફ ખૂબ રહેતી હોય, સાંજ પડ્યે પેટ એકદમ ફૂલી જતું હોય, જે લોકોને સૅલડ-શાક કે વધુ ફાઇબરયુક્ત પદાર્થોથી ગૅસ થતો હોય કે ભારે લાગતું હોય તે લોકો આ રેમેડી કરી શકે. દિવાળી પછી બૅક ટુ નૉર્મલ લાઇફમાં આવવા માટે આ પેજ ઉપયોગી થઈ શકે છે. એનું સેવન એકાદ અઠવાડિયા સુધી દરરોજ રાત્રે કરવું, પણ જેમને કબજિયાત રહેતી હોય એ લોકોએ આ પેજ લેવું નહીં. આ એક પ્રકારની ઠંડક આપનારી વસ્તુ છે. ઍસિડિટી હોય અથવા પેટમાં બળતરા થતી હોય ત્યારે રાઇસ પેજ પીવાથી પેટને ઠંડક મળે છે, પણ જેમને કબજિયાત છે તેમણે રાઇસ પેજ લેવું નહીં. તેમને એ નુકસાનકારક સાબિત થઈ શકે છે.’

ત્વચા અને વાળ માટે ગુણકારી

રાઇસ પેજ ન્યુટ્રિશન અને સાયન્સની દૃષ્ટિએ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. રાઇસ પેજમાં વિટામિન B, વિટામિન E અને વિવિધ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ તત્ત્વો ત્વચાના કોષોને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે અને ત્વચાને યુવાન રાખે છે તથા વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. એને પીવાને બદલે જ્યારે સ્કિન અને વાળ પર લગાડવામાં આવે ત્યારે એનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા પર જામેલા મૃત કોષો દૂર થાય છે અને ચહેરા પર કુદરતી ચમક આવે છે. એ ત્વચાનો સોજો અને બળતરા શાંત કરે છે. જો ત્વચા પર સૂર્યનાં કિરણોથી બર્નિંગ, ખીલ કે લાલાશ હોય તો રાઇસ પેજ લગાવવાથી ઠંડક મળે છે અને સોજો ઘટે છે. એ એક ઉત્તમ નૅચરલ ટોનર તરીકે કામ કરે છે જે ત્વચાનાં ખુલ્લાં છિદ્રોને ટાઇટ કરવામાં મદદ કરે છે. એ વાળ પર લગાવવાથી વાળ સ્મૂધ, સિલ્કી અને ચમકદાર બને છે. એ ખોડો ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.

પેટની ગરબડને ઠીક કરવાના બીજા ઘરગથ્થુ ઉપાયો

દિવાળી પછી આવેલા બ્લોટિંગ, ઍસિડિટી, ગૅસને દૂર કરવા માટે રાઇસ પેજ સિવાયના બીજા પણ એના જેટલા જ અકસીર ઇલાજ જાણીએ ધ્વનિ શાહ પાસેથી.

આ બધા જ ઉપાય એકસાથે કરવાના નથી. રાઇસ પેજ ન લો તો એને બદલે નીચેનામાંથી કોઈ પણ એક ઉપાય એક અઠવાડિયા સુધી કરી શકાય.

૧. સવારે ઊઠીને તરત જ એક ગ્લાસ આખા ધાણાનું પાણી લઈ શકાય. રાત્રે એક ચમચી ધાણા એક ગ્લાસ પાણીમાં પલાળો અને એ પાણી પી લો અથવા એક ચમચી ધાણા એક ગ્લાસ પાણીમાં સવારે જ ઉકાળી લો અને એ પાણી થોડું ઠંડું કરીને પીઓ.

૨. એક ચમચી ઇસબગુલને એક ગ્લાસ છાશ સાથે બપોરે અને રાત્રે જમ્યા પહેલાં લેવું.

૩. સવારે ઊઠીને તરત સફેદ કોળાનો જૂસ એક નાનો ગ્લાસ લઈ શકાય.

- જિગીષા જૈન

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 04:24 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK