Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણી આસપાસ બની રહેલા અકલ્પનીય અપરાધોના કિસ્સાઓ સમાજ સામે ગંભીર પડકાર

આપણી આસપાસ બની રહેલા અકલ્પનીય અપરાધોના કિસ્સાઓ સમાજ સામે ગંભીર પડકાર

Published : 09 July, 2026 01:51 PM | Modified : 09 July, 2026 01:52 PM | IST | Mumbai
Jayesh Chitalia

આવા માણસો? આવા વિચારો? આવો ગુસ્સો? આવું કૃત્ય? આવી હિંસા?

ફાઇલ તસવીર

PoV

ફાઇલ તસવીર


જેણે આખા જગતને માથે લીધું છે એવા સાઇબર અપરાધોની આપણે ગયા વખતે ચર્ચા કરી. જોકે આપણા દેશમાં હાલ સાઇબર ક્રાઇમ સિવાયના ફિઝિકલ અપરાધો પણ જે ઢબથી કે જે કારણસર વધી રહ્યા છે એ દિલ, દિમાગ અને માનવીય લાગણીતંત્રને ચકરાવે ચડાવી દે એવા છે. આવા અપરાધોને ક્યાંક અપવાદ કહી શકાય; પરંતુ સવાલ કે ચિંતાનો વિષય અપવાદ કરતાં અપરાધના પ્રકારો, કારણો, સંજોગો અને માણસોની માનસિકતાનો વધુ બનતો જાય છે.

ચાલો, આ અપરાધોની કેટલીક ઝલક સાથે વાતને માંડીએ.



લોકલ ટ્રેનમાં વરસાદના સમયે ટ્રેનનો દરવાજો બંધ કરવાના મામલે થયેલા ઝઘડામાં એક યુવાને બીજા યુવાનની હત્યા કરી નાખી, પોતાને લવ-મૅરેજ કરવાં હતાં પણ પરિવારે અરેન્જ્ડ મૅરેજ કરાવવા તેના માટે છોકરો પસંદ કરીને સગાઈ કરાવી દીધી એટલે યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી મંગેતરને ખીણમાં ધક્કો મારીને ખતમ કરી નાખ્યો, ૭૦ વર્ષથી વધુ વયનાં એક વૃદ્ધા દેરાસરોમાંથી ચોરી કરતાં ઝડપાયાં, અયોધ્યાના રામ મંદિરમાં દાનપેટીમાંથી રોકડ અને અન્ય સંપત્તિની ચોરીના કિસ્સા બહાર આવ્યા, ત્યાર બાદ અન્ય મંદિરોમાં પણ આવી ચોરીના કેસ બહાર આવવા લાગ્યા.


આવા અસાધારણ અથવા રૅર કહી શકાય એવી સત્ય ઘટનાના સમાચારોની અહીં વાત પૂરી થતી નથી. આ શ્રેણીમાં વધુ સમાચારો કહે છે : પેમેન્ટનો બનાવટી સ્ક્રીનશૉટ દેખાડીને ગઠિયાએ વેપારીને ઠગ્યો, NEET-UGની પરીક્ષાનું પેપર લીક થયા બાદ ટીચર્સ માટે લેવાતી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET)ની પરીક્ષાનું પેપર પણ લીક થયું, મોબાઇલના વિવાદમાં એક યુવાન પર ચપ્પુથી કાતિલ હુમલો, એક શહેરના પોલીસ-સ્ટેશનમાં ઇન્ટર્ન તરીકે જોડાયેલા યુવાને પોલીસ-સ્ટેશનમાંથી ૩૨ હથિયારો ચોરીને બારોબાર વેચી માર્યાં, ગર્લફ્રેન્ડે પોતાને સોશ્યલ મીડિયામાં બ્લૉક કરતાં ક્રોધે ભરાયેલા પ્રેમીએ ગર્લફ્રેન્ડને કારમાં બેસાડીને કાર બ્લાસ્ટ કરી દીધી.

દેખ તેરે સંસાર કી હાલત...


યે ક્યા હો રહા હૈ? આ શું ચાલી રહ્યું છે આપણા સમાજમાં? અપરાધોના આ કેવા કિસ્સાઓ? કેવા પ્રકાર? લોકોનાં કેવાં વિચાર અને વર્તન? આવા અનેક સવાલો આવી ઘટનાઓમાંથી સર્જાઈ શકે. આવા સમાચારોને કોઈ અપવાદરૂપ કિસ્સા કહેતું હોય તો પણ સામે સવાલ થઈ શકે કે કેટલા અપવાદ? આ તો માત્ર ઝલક જોઈ. વાસ્તવમાં અપરાધોની દુનિયામાં આવા વિચિત્ર અને ઍબ્નૉર્મલ કહી શકાય એવા કિસ્સા વધી રહ્યા છે.

ઉપર જણાવેલા સમાચારો સત્તાવાર છે અને અખબારોમાં પ્રગટ થયેલા છે. આપણે સૌએ વાંચ્યા પણ હશે, એની ચર્ચા પણ કરી છે; પરંતુ શું આવા સમાચારોનાં કારણો જાણ્યાં? નહીં. આપણને થશે કે આપણે શું કામ છે એનાં કારણો જાણીને? આપણે એનું કોઈ વિશ્લેષણ કર્યું? ના, આપણને થાય કે મારે શું જરૂર છે એમ કરવાની? આવું તો દેશભરમાં બનતું રહે છે.

ક્રાઇમ-અપરાધોની દુનિયા સતત વિસ્તરતી જાય છે, કલ્પના બહારના વિકૃત અપરાધો થવા લાગ્યા છે. આ બધા વિશે વાંચી-સાંભળીને આપણે બહુ-બહુ તો ક્યાંક કહેતા હોઈશું કેવો જમાનો આવ્યો છે? ભગવાનને પણ ફરિયાદ કરતા હોઈશું કે દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન... શું આ સિવાય આપણે કંઈ ન કરી શકીએ?

મહિલાઓ ઉપરાંત હવે પુરુષો સાથે પણ

મહિલાઓના સશક્તીકરણની વાતો ભલે થતી, પણ તેમની સાથે થતા અપરાધોનું પ્રમાણ ઘટ્યું છે એમ કહી શકાય એમ નથી. એનું સ્વરૂપ ક્યાંક બદલાયું હોઈ શકે. બાકી તેમના પરના અત્યાચાર, શારીરિક શોષણ, ઑફિસમાં કે જાહેર સ્થળોમાં હૅરૅસમેન્ટ સહિતના અનેક ગુનાઓ છાપે કે પોલીસના ચોપડે ચડે કે ન ચડે પણ થતા રહે છે. બીજી બાજુ અત્યાર સુધી આવા અપરાધો માત્ર મહિલાઓ સાથે થતા જે હવે પુરુષો સાથે પણ થવા લાગ્યા છે. દહેજના કાયદા બદલાયા બાદ સ્ત્રીઓનો ચોક્કસ વર્ગ પુરુષોને બ્લૅકમેઇલ કરતો અને ત્રાસ આપતો થયો છે. આ ઉપરાંત મહિલાઓ દ્વારા પુરુષોને ફસાવવાની-સતાવવાની પ્રવૃત્તિ પણ સતત વધતી રહી છે. જોકે અહીં વાત સ્ત્રી કે પુરુષ સામેના અપરાધોની નથી, માનવી સામેના અપરાધોની છે કેમ કે આ અમાનવીય કૃત્યો માણસો જ કરતા રહ્યા છે. આ અમાનવીય માનસ ક્યાંથી, કઈ રીતે અને શા માટે વિકસતું હશે? સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? માણસોના મનને, વિચારોને અને વર્તનને આખરે શું થઈ ગયું છે?

સામાજિક સ્તરે ઊંડો અભ્યાસ જરૂરી

આવા કિસ્સાઓને માત્ર પોલીસ-ઍક્શન સાથે કે કોર્ટમાં કેસો કરી સજા આપીને છોડી દેવાની બાબત ગણીને વાત પૂરી થઈ ગઈ અને ન્યાય થઈ ગયો એવું માનીને સ્વીકારી લેવી જોઈએ નહીં. સામાજિક સ્તરે આનો ઊંડો અને ગંભીર અભ્યાસ થવો જોઈએ, જે આ સમસ્યા-અપરાધોનાં મૂળ સુધી પહોંચે અને એના માનસિક સ્તરના ઉપાયો સમાજને આપે; કારણ કે આ અપરાધો કેવળ બહારના લોકો સાથે થાય છે એવું પણ નથી; ઘરોમાં-પરિવારોમાં પણ થાય છે, સગાંસંબંધીઓમાં પણ થાય છે. પતિ તેની પત્નીની મરજી વિના તેની સાથે સેક્સ કરે એ પણ અત્યાચાર-શોષણ અને અપરાધ ગણાય. હવે ફિઝિકલના સ્થાને ઑનલાઇન ઍક્સ્ટૉર્શનના અને સેક્સ્ટૉર્શનના કિસ્સા પણ વધતા જાય છે.

વિવાદ થાય ત્યારે દલીલો ટાળો, કારણ કે...

લોકલ ટ્રેનમાં વરસાદમાં દરવાજા બંધ કરવાના મામલે થયેલી હત્યાના કેસ બાદ લોકજાગૃતિ માટે ફરતા થયેલા મેસેજમાં કહેવાયું કે કોઈની પણ સાથે વિવાદ થાય તો દલીલોમાં ઊતરવું જ નહીં, કારણ કે આપણને ખબર નથી હોતી કે કયો માણસ પોતાના માથામાં (અને ગજવામાં) શું લઈને ફરી રહ્યો છે. સાવ નાની બાબત જીવન-મરણનું કારણ બની શકે છે જે બન્નેના પરિવારો અને સમાજ માટે સૌથી દુખદ અને કરુણ બાબત કહેવાય. માણસોનો ક્રોધ અને અહંકાર ક્યારે એની ચરમસીમાએ પહોંચીને જાનનું જોખમ બની જાય એ હાલના કાળમાં કળવું કઠિન બનતું જાય છે.

સમાજ સામે બહુ મોટો પડકાર

છેલ્લે હાલમાં સમગ્ર દેશમાં સૌથી હૉટ ચર્ચામાં છે એ સિયા અને કેતન તેમ જ ચેતન પ્રકરણમાં તો એક પછી એક એવી સ્ટોરી બહાર આવી રહી છે જેના પરથી વેબ-સિરીઝ કે ફિલ્મ ન બને તો જ નવાઈ. માણસ તેના જીવનમાં પોતાની ઇચ્છા વિરુદ્ધ બનતી કે તેના પર લદાતી ઘટનાઓમાં જ્યારે વિરોધ નથી કરી શકતો ત્યારે કઈ હદ સુધી વિચારે છે અને જાણતાં-અજાણતાં હોશ ખોઈ બેસીને અક્ષમ્ય અપરાધ કરી નાખે છે એનો આ વેધક અને અકલ્પ્ય કિસ્સો કહી શકાય જે આજના સમયમાં અગાધ રહસ્યો ધરાવતા માનવીના મન વિશે વધુ રિસર્ચ અને સાઇકોલૉજિકલ અભ્યાસ માગી લે છે. સમાજમાં અપરાધો વધતા રહે એવા માહોલને સર્જનારી અનેક બાબતો વિવિધ માધ્યમો મારફત બની જાય છે ત્યારે કેવળ પોલીસ કે કાયદાની અદાલતોથી કામ નહીં ચાલે. વર્તમાન સમાજ અને ભાવિ પેઢી સામે આ બાબત બહુ મોટો પડકાર બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 01:52 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK