મંગળવારે મધરાતે ટ્રેનોમાં અટવાયેલા લોકો ટ્રૅક પર ભરાયેલા પાણીમાં ચાલી ઘરે પહોંચ્યા, લોકોએ ટ્રેન રોકીને કાઢ્યો બળાપો, નાલાસોપારામાં લોકોએ ઇલેક્ટ્રિસિટી માટે કર્યું આંદોલન
નાલાસોપારાના મોટા ભાગના રેસિડેન્શિયલ એરિયા બુધવારે પણ જળમગ્ન રહ્યા હતા.
છેલ્લા થોડા દિવસથી પાલઘર, વસઈ-વિરાર તથા નાલાસોપારામાં પડતા સતત ભારે વરસાદને કારણે પાંચમા દિવસે પણ વસઈ-વિરારના લોકોએ હેરાન થવું પડ્યું હતું અને ઇલેક્ટ્રિસિટી તથા પાણી વિના રહેવું પડ્યું હતું. વિરારના અગ્રવાલ અને ગ્લોબલ સિટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલાં રહ્યાં હતાં, જ્યારે ડુંગરપાડા જેવા ઊંચાઈ પર આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને થોડી રાહત રહી હતી. તેમણે ફક્ત થોડો જ વખત ઇલેક્ટ્રિસિટી વિના રહેવું પડ્યું હતું તથા પાણી ભરાવાની પણ સમસ્યાનો સામનો નહોતો કરવો પડ્યો. નાલાસોપારામાં રોષે ભરાયેલા લોકોએ ઇલેક્ટ્રિસિટી શરૂ કરાવવા માટે રસ્તા પર આવીને નારાબાજી કરી હતી. જોકે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)નું ટ્રાન્સફૉર્મર તથા સબ-સ્ટેશન પાણીમાં ગરકાવ થયાં હોવાથી લોકોની સુરક્ષા માટે ઇલેક્ટ્રિસિટી સંપૂર્ણપણે શરૂ કરી શકાય એમ નથી અને ફરીથી નિયમિત ઇલેક્ટ્રિસિટી લોકો સુધી પહોંચાડવા માટે હજી સમય લાગી શકે એમ છે એવું MSEDCLના અધિકારીઓનું કહેવું છે. મોટા ભાગના જળમગ્ન વિસ્તારોમાં બુધવારે પણ બિલ્ડિંગોમાં લિફ્ટ બંધ રહી હતી, લોકોના પીવાના પાણીનાં ફાંફાં હતાં અને દુકાનો પણ બંધ હોવાથી ખાવા-પીવાની વ્યવસ્થા કરતાં લોકોના નાકે દમ આવી ગયો હતો. જે લોકો માટે શક્ય હતું તેઓ પ્રાઇવેટ વાહન લઈને બીજે રહેતા પોતાના સંબંધીઓના ઘરે જવા મજબૂર થયા હતા. ઇલેક્ટ્રિસિટી ન હોવાથી લોકોના મોબાઇલ પણ બંધ રહ્યા હતા અને જેમના ચાલુ હતા એમાં નેટવર્ક ન હોવાથી કોઈનો સંપર્ક કરી શકે એમ નહોતા. આ પરિસ્થિતિને કારણે વૃદ્ધો, બાળકો તથા પેશન્ટ્સને ખૂબ જ હેરાનગતિ વેઠવી પડી હતી.

ADVERTISEMENT
જળબંબાકાર રસ્તા પર બાઇક પર ટ્રિપલ સવારી.

પાણીમાં ગરકાવ રસ્તા પરથી પસાર થઈ રહેલાં વાહનો.

રસ્તા પર ભરાયેલા પાણીમાં બાઇકો ડૂબી ગઈ છે.
માણસાઈ ભૂલીને રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોએ લોકોને લૂંટ્યા
ટ્રેનો બંધ હોવાથી લોકોએ રિક્ષા, ટૅક્સી કે પછી એ રૂટ પરથી પસાર થતી ટ્રકોમાં ઘરે પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે લોકોની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી બેથી ત્રણગણાં ભાડાં વસૂલ કરવામાં આવ્યાં હોવાની ઘટનાઓ પણ બની હતી. ટ્રકમાં લિફ્ટ લેનારા લોકો પાસેથી ત્રણથી ૪ કિલોમીટર માટે ૧૦૦ રૂપિયા ઉઘરાવાયા હોવાના અનુભવ લોકોએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.
વસઈ સ્ટેશન પર લોકોએ લોકો પાઇલટને ઘેર્યો, ચર્ચગેટ જતી ટ્રેન રોકી
ભારે વરસાદને કારણે ટ્રૅક પર પાણી ભરાઈ જવાને કારણે મંગળવારે વસઈથી આગળ વિરાર તરફ કોઈ પણ ટ્રેન દોડાવાઈ નહોતી એટલે વસઈ સ્ટેશન પર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. જોકે મોડી રાતે પ્રવાસીઓનો ગુસ્સો ફૂટતાં તેમણે ચર્ચગેટ જઈ રહેલી ટ્રેનના લોકો પાઇલટને ઘેરી લીધો હતો અને ટ્રેનને ત્યાંથી ચાલવા દીધી નહોતી.
ટ્રેનો શરૂ થઈ, પણ એક-એક કલાક મોડી
બુધવારે બપોર પછી વસઈની આગળ પણ ટ્રેન-સર્વિસ શરૂ કરવામાં આવતાં લોકોને મોટી રાહત થઈ હતી. જોકે ટ્રેનોની સંખ્યા ખૂબ જ ઓછી હતી અને એક કલાક મોડી ચાલી રહી હતી. રેલવે-સ્ટેશનો પર પણ અનાઉન્સમેન્ટ કરીને વિરાર તરફ જતી ટ્રેનો મર્યાદિત હોવાથી પ્રવાસીઓને એ ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી રહી હતી.
રાતભર પગપાળા ચાલીને મુકામે પહોંચ્યા લોકો
વિરાર તરફ જતી બધી જ ટ્રેનો બંધ હોવાથી અને રસ્તા પર ભરાયેલા પાણીને કારણે અન્ય કોઈ ટ્રાન્સપોર્ટ ન મળતાં સેંકડો વસઈ-વિરારવાસીઓને પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચવાની ફરજ પડી હતી. મંગળવારે રાતે ૧૨ વાગ્યે પણ લોકો તેમના ઘરે પહોંચ્યા નહોતા. ભરાયેલા પાણીમાં ચાલીને તથા રસ્તામાં વીજળી ન હોવાથી મોબાઇલની ફ્લૅશલાઇટનો ઉપયોગ કરીને લોકો એક લાઇનમાં ચાલતા હોવાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
