Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પીડા શક્તિ બની અને પડકારો પગથિયાં

પીડા શક્તિ બની અને પડકારો પગથિયાં

Published : 03 June, 2026 11:38 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

૫૪ વર્ષનાં રીટા ગોસ્વામીએ અકસ્માતમાં એકમાત્ર સંતાનને ગુમાવ્યા બાદ અડગ ધૈર્ય, સાહસ અને અવિરત પ્રયાસોથી દીકરીના અધૂરા અભ્યાસને પૂર્ણ કરીને જ્યોતિષશાસ્ત્ર, ફેસ-રીડિંગ, અંકશાસ્ત્ર નાડીપરીક્ષણ અને હીલિંગ સાયન્સમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી

દીકરી પરિતાની તસવીર સાથે રીટા ગોસ્વામી

I CAN

દીકરી પરિતાની તસવીર સાથે રીટા ગોસ્વામી


સંતાનને ગુમાવવું કોઈ પણ માતા-પિતા માટે અસહ્ય છે. એમાંય એકમાત્ર સંતાન ભરયુવાનીમાં અકસ્માતમાં જીવ ખોઈ બેસે એ આઘાતજનક ઘટના છે. એ આઘાતમાંથી ઊભરીને તેના જ અધૂરા સ્વપ્નને પૂર્ણ કરવા માટે કાળજું કઠણ કરવું પડે. ચેમ્બુરના તિલકનગરમાં રહેતાં ૫૪ વર્ષનાં રીટા ગોસ્વામીએ દીકરીને ગુમાવ્યા બાદ તેના સ્વપ્નને જીવનનું ધ્યેય બનાવી દીધું. દીકરી જે વિષયોનો અભ્યાસ કરી રહી હતી એ જ વિષયો સાથે તેમણે PhDની ડિગ્રી મેળવીને સમાજ સમક્ષ નારીશક્તિનો પરિચય આપ્યો છે. 

દીકરીના છેલ્લા શબ્દો



ગોસ્વામી દંપતીની એકની એક દીકરી પરિતા માત્ર ૨૧ વર્ષની હતી. કિક-બૉક્સિંગમાં તેણે નૅશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે સિલેક્ટ થઈ ગઈ હતી. સ્ટેટ લેવલની ફર્સ્ટ ફીમેલ કોચ હતી. કિક-બૉક્સિંગની રેફરી અને જજ પણ હતી. રમતગમત ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના અભ્યાસમાં પણ તેની રુચિ હતી. રીટાબહેન કહે છે, ‘અમારા ઘરમાં જ શિવમંદિર છે. માંડવીમાં પાંચસો વર્ષ જૂનું રાણેશ્વર મંદિર અગાઉ મારા સસરા અને હાલમાં દિયર સંભાળે છે. આધ્યાત્મિક વાતાવરણમાં ઉછેર થયો હોવાથી પરિતાને મહાદેવજી પર ખૂબ શ્રદ્ધા હતી. તેના પપ્પા શિવપૂજા અને લગ્નવિધિ કરાવવા જાય છે. પરિતા તેના પપ્પા સાથે લગ્ન અને પૂજા-પાઠમાં મંત્રોચ્ચાર કરતી. મિત્રવર્તુળમાં જાતે હવન કરાવતી. ધર્મ પ્રત્યે આસક્તિ જોઈને અમે તેને હીલિંગ સાયન્સ, જ્યોતિષશાસ્ત્ર, નાડીપરીક્ષણ, ફેસ-રીડિંગ, પુષ્ટિ ઉપચાર, ન્યુમરોલૉજી, સ્ફટિક ઉપચાર વગેરે વિષયોમાં PhD કરવા પ્રોત્સાહિત કરી. જોકે તે હંમેશાં એમ જ કહેતી કે ‘મમ્મી, હીલિંગ તારો વિષય છે. લોકોની પીડાને તું સારી રીતે સમજી શકીશ. તને ચહેરો વાંચતાં પણ આવડે છે. અભ્યાસ તારે કરવો જોઈએ.’ હું કહેતી, આ કંઈ મારા ભણવાની ઉંમર છે? જોકે ભગવાનને કંઈક જુદું જ મંજૂર હતું.’


૨૦૨૪ની ૨૦ જુલાઈની ગોઝારી ઘટનાને યાદ કરતાં રીટાબહેન આગળ કહે છે, ‘એ દિવસે વરસાદ હતો. તેનો ફોન આવ્યો, મમ્મી શિવને મળવા જાઉં છું. બાબુલનાથનાં દર્શને જાય ત્યારે શિવને મળવા જાઉં છું એમ બોલતી. મેં ના પાડી કે આજે રહેવા દે, આપણે સાથે જઈશું. રમતના કારણે તેને હાથમાં ઈજા થઈ હતી અને એકાદશીનો ઉપવાસ હતો આથી શરીરમાં નબળાઈ હતી. તેનો મિત્ર સ્કૂટર પર અંધેરી રેલવે-સ્ટેશન છોડવા આવતો હતો. પરિતા પાછળ બેઠી હતી. જોગેશ્વરી હાઇવે નજીક સ્કૂટરને ટક્કર લાગી અને વરસાદના કારણે સ્લિપ થઈ ગયું. આ અકસ્માતમાં પરિતા ઑન ધ સ્પૉટ મૃત્યુ પામી અને તેનો મિત્ર ગંભીર રીતે ઘવાયો. તેના છેલ્લા શબ્દો હતા, શિવને મળવા જાઉં છું. પળવારમાં અમારો હસતોરમતો માળો વિંખાઈ ગયો. આ ઘટનાએ જીવનને તહસનહસ કરી નાખ્યું.’

જીવનની મકસદ


દીકરીના અવસાન પછી જીવનમાં ખાલીપો છવાઈ ગયો. પરિતાના શબ્દો વારંવાર કાનમાં ગુંજ્યા કરતા. ગોસ્વામી દંપતી અસહ્ય પીડામાંથી પસાર થઈ રહ્યું હતું. રીટાબહેન વારંવાર ડિપ્રેશનમાં ચાલ્યાં જતાં. કમલેશભાઈની પીડા પણ ઓછી નહોતી. પીડામાંથી ઊભરવામાં બન્નેએ એકમેકને મદદ કરી. મૂળ કચ્છ માંડવીના દશનામ ગોસ્વામી સમાજનાં રીટાબહેન માટે ડૉક્ટરેટની ડિગ્રી મેળવવી સરળ નહોતી. અડગ ધૈર્ય, મજબૂત મનોબળ અને અવિરત પ્રયાસથી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. મિત્રો અને સગાં-સંબંધીઓએ ટેકો આપ્યો. રીટાબહેને દુ:ખને હેતુમાં પરિવર્તિત કર્યું. તેઓ કહે છે, ‘સ્ત્રી ધારે તો પથ્થરમાંથી પાણી કાઢી શકે. પીડા શક્તિ બની શકે અને પડકારો પગથિયાં બની શકે છે. પરિતા મને ભણવા માટે પ્રોત્સાહિત કરતી હતી. દીકરીના અધૂરા સ્વપ્નને જીવવાની મકસદ બનાવી દીધી. કાળજું કઠણ કરીને આગળની સફર શરૂ કરી. આ જર્નીમાં વર્ષો પહેલાંની ઘટનાએ ઈંધણ પૂરું પાડ્યું. ૧૯૯૨નાં મુંબઈ રમખાણોને કારણે મારું શિક્ષણ પણ અવરોધાયું હતું. ઉંમરની મર્યાદાઓને તોડી અભ્યાસ શરૂ કર્યો.’

ડૉક્ટરેટની પદવી મળી

ધ્યેય સ્પષ્ટ હોય, લડી લેવાની હિંમત હોય ત્યારે રસ્તા આપોઆપ ખૂલે છે. પરિતા અમેરિકાની સેન્ટ્રલ ક્રિશ્ચન યુનિવર્સિટીની ઓશિવરાસ્થિત શાખામાંથી અભ્યાસ કરતી હતી. નાણાકીય, સામાજિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કરી રહેલાં રીટાબહેને દીકરી જ્યાં ભણતી હતી ત્યાં વાત કરી. ફી ભરેલી હતી આથી સેન્ટરે એ જ ફીમાં રીટાબહેનને કોર્સ કરવાની મંજૂરી આપી. ઇન્ફિનિટ હીલિંગ સેન્ટરનાં ડૉ. અવનિ રાજધ્યક્ષના માર્ગદર્શનમાં ડિસેમ્બર ૨૦૨૫માં તેમણે સફળતાપૂર્વક હીલિંગ સાયન્સમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. જ્યોતિષ, અંકશાસ્ત્ર, નાડીપરીક્ષણ, ફેસ-રીડિંગ, આધ્યાત્મિક પદ્ધતિથી ઉપચાર, હાથથી ચક્ર ઉપચાર, સ્વપ્ન વિશ્લેષણ, ધ્વનિ ઉપચાર, દૈવી સંહિતા, હસ્તલેખન ટિપ્સ, સ્ફટિક ઉપચાર, વાસ્તુશાસ્ત્ર, કુંડળી હસ્તરેખા જેવી પચીસ પદ્ધતિઓ તેમના કૌશલ્યના ક્ષેત્રમાં સામેલ છે. હાલમાં તેઓ એ જ સેન્ટરમાં અસિસ્ટન્ટ તરીકે કાર્યરત છે. કામકાજમાં વ્યસ્ત રહેવાથી દુ:ખ હળવું થયું છે. પ્રૅક્ટિકલ અનુભવ બાદ તેઓ પોતાનું સેન્ટર ખોલવા માગે છે. રીટાબહેનનું મિશન સ્પષ્ટ છે, લોકોને અર્થપૂર્ણ અને આધ્યાત્મિક રીતે જીવન જીવવામાં મદદ કરવી. કમલેશભાઈ પૂજા-પાઠ ઉપરાંત દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ કરે છે. તેમણે ફિઝિક્સ વિષય સાથે બૅચલર ઑફ સાયન્સ (BSc) કર્યું છે. 

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 11:38 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK