Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અદાલતના અન્યાયી ચુકાદાને તાબે ન થનારાં રખમાબાઈ જાણે કહી રહ્યાં હતાં : એવો અણઘડ હુકમ કેમ પાળવો?

અદાલતના અન્યાયી ચુકાદાને તાબે ન થનારાં રખમાબાઈ જાણે કહી રહ્યાં હતાં : એવો અણઘડ હુકમ કેમ પાળવો?

Published : 31 August, 2026 01:54 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

રખમાની મા જયંતીબાઈ ૧૭ વર્ષની હતી અને રખમા પોતે બે વર્ષની હતી ત્યારે પિતા જનાર્દનનું અવસાન થયું. રખમા આઠેક વર્ષની થઈ ત્યારે તેની માએ બીજાં લગ્ન કર્યાં ડૉ. સખારામ અર્જુન (૧૮૩૯-૧૮૮૫) સાથે.

મહાદેવ ગોવિંદ રાનડે, રખમાબાઈ, ઓગણીસમી સદીમાં બૉમ્બે હાઈ કોર્ટ, ડૉ. સખારામ અર્જુન

મહાદેવ ગોવિંદ રાનડે, રખમાબાઈ, ઓગણીસમી સદીમાં બૉમ્બે હાઈ કોર્ટ, ડૉ. સખારામ અર્જુન


એક હતી છોકરી. નહોતી તે પરી જેવી કે નહોતી રાજકુમારી જેવી. નહોતી રહેતી તે કોઈ એકદંડિયા મહેલમાં. તેનો જન્મ ૧૮૬૪માં. માતાનું નામ જયંતીબાઈ, પિતાનું નામ જનાર્દન પાંડુરંગ સાવે. કુટુંબ રહેતું હતું મુંબઈની એક ચાલની ડબલ રૂમમાં અને એ ઘર પણ તેના પિતાનું નહીં, હતું એ તો પિતાના મામાનું. તે છોકરીનું નામ રખમાબાઈ. તેના જન્મ પહેલાં જ તેની દાદીએ અને તેમની એક બહેનપણીએ તેનાં લગ્ન નક્કી કરી નાખેલાં : જો બેમાંથી એકને પેટે દીકરો અવતરે અને બીજીને પેટે દીકરી જન્મે તો તે બન્નેનાં લગ્ન નક્કી. આ પ્રથા ‘સાટું’ તરીકે ઓળખાતી અને સારીએવી પ્રચલિત હતી. નક્કી કર્યા પ્રમાણે ૧૧ વર્ષની ઉંમરે રખમાનાં લગ્ન થઈ ગયાં ૧૯ વર્ષના દાદાજી ભિકાજી સાથે. રખમાનો નવરો (વર) એટલે વ્યસનોનો ભંડાર. નોકરી-ધંધામાં અલ્લાયો. મામા પર બધો મદાર. એમાં તેમને દમનો રોગ લાગુ પડ્યો. રખમાની મા જયંતીબાઈ ૧૭ વર્ષની હતી અને રખમા પોતે બે વર્ષની હતી ત્યારે પિતા જનાર્દનનું અવસાન થયું. રખમા આઠેક વર્ષની થઈ ત્યારે તેની માએ બીજાં લગ્ન કર્યાં ડૉ. સખારામ અર્જુન (૧૮૩૯-૧૮૮૫) સાથે. તેઓ હતા એ જમાનાના આગળ પડતા સમાજસુધારક. એટલે જ્ઞાતિવાચક ‘રાઉત’ અટક તેમણે છોડી દીધી હતી. ઘરમાં પુસ્તકોના ઢગલા એટલે રખમાને તો ભાવતું’તું ને વૈદે કીધું એવું થયું. જોકે માએ બીજાં લગ્ન કર્યાં એ પહેલાં જ ૧૧ વર્ષની ઉંમરે રખમાનાં લગ્ન હિન્દુ શાસ્ત્રવિધિ પ્રમાણે થઈ ગયાં હતાં, પણ પતિ-પત્ની એક દિવસ પણ સાથે રહ્યાં નહોતાં એટલે લગ્ન વખતે જ શરત મૂકેલી કે રખમાના વરે સારું ભણવું, પોતાના પગ પર ઊભા રહેવું અને પછી જ વહુને ઘરે રહેવા બોલાવવી. ઓરમાન બાપની ઇચ્છા પ્રમાણે રખમા તો ભણવામાં આગળ ને આગળ જવા લાગી, પણ તેનો નવરો તો હતો ત્યાંનો ત્યાં. રખમા ‘વયમાં આવી’ એટલે ૧૮૮૪માં સાસરાનું તેડું આવ્યું : ‘હવે અમારી વહુને અમારે ઘરે રહેવા મોકલો. સાસરાના ઘરની દુર્દશા, ગરીબી, વરનાં લખ્ખણ એ બધું જોઈને રખમાએ ચોખ્ખું સુણાવી દીધું : ‘હું સાસરે નહીં જાઉં.’ એ જમાનામાં આવું કહેવાની હિંમત ક્યાંથી આવી એ તો રામ જાણે, પણ દાદાજીએ તો સીધો અદાલતમાં કેસ માંડ્યો : લગ્નના હકના ભોગવટા માટેનો. કાયદાની ભાષામાં કહીએ તો restitution of conjugal rights માટેનો અને સાદી ભાષામાં કહીએ તો જાતીય સંબંધ માટેનો. કાયદો ઘડાયો હતો એ વખતના ગ્રેટ બ્રિટનની સામાજિક પરિસ્થિતિને કારણે. લગ્ન પછી પતિ-પત્ની સાથે રહ્યા પછી કોઈક કારણસર જો બેમાંથી એક સહજીવન અને શયનની ના પાડે તો આ કાયદા અન્વયે કેસ માંડી શકાય. ધાર્યું હોત તો દાદાજી બીજાં લગ્ન કરી શક્યા હોત, પણ પોતાની લગભગ ૨૫,૦૦૦ની મૂડી સખારામભાઉએ રખમાના નામે વિલમાં ચડાવી હતી એટલે દાદાજીની નજર રખમા કરતાંય વધુ તો તેની મિલકત પર હતી. જેવો કેસ અદાલતમાં પહોંચ્યો એટલે એ વખતના સમાજના અગ્રણીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા. સનાતની પક્ષના લોકમાન્ય ટિળક, ઝળકીકર શાસ્ત્રી જેવા આગેવાનોએ રખમાબાઈના પતિના દાવાને ટેકો આપ્યો. હિન્દુ ધર્મવિધિ પ્રમાણે લગ્ન કર્યાં છે તો રખમાએ પતિ સાથે રહેવા તો જવું જ જોઈએ એમ તેમનું કહેવું હતું. બીજી બાજુ જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે, વામનરાવ મોડક, બહેરામજી મલબારી જેવા સુધારકો રખમાબાઈતરફી ભાષણો અને લખાણો કરી રહ્યા હતા. એટલે બન્ને પક્ષ વચ્ચે સમજૂતીથી તડજોડ કરવાની હિમાયત કાશીનાથ યંબક તેલંગ જેવા મધ્યમમાર્ગીઓ કરી રહ્યા હતા. એમાં વળી અખબારોમાં આ આખા કિસ્સા વિશે ‘હિન્દુ લેડી’ના નામથી અંગ્રેજીમાં લેખો છપાવા લાગ્યા. શરૂઆતમાં ઘણાને લાગ્યું કે આ પત્રો રખમાબાઈ પોતે જ લખતાં હશે; પણ હકીકતમાં એ પત્રો તેમણે લખ્યા હોય એમ લાગતું નથી, કારણ એ વખતે અંગ્રેજીની તેમની જાણકારી એટલી નહોતી કે જાહેર પત્રો લખી શકે.
ખટલો શરૂ થયો બૉમ્બે હાઈ કોર્ટની જસ્ટિસ રૉબર્ટ હિલ પીનેની સિંગલ બેન્ચ અદાલતમાં. બન્ને પક્ષના વકીલોએ દલીલો કરી, દાખલા ટાંક્યા; પણ આ આખી વાતમાં જજસાહેબને લાગ્યું કે આમાં ખાટલે જ મોટી ખોડ છે. તેમણે કહ્યું કે restitution શબ્દનો અર્થ થાય છે અગાઉ જે, જેવું હતું એ, એવું ફરી કરી દેવું. આ કેસમાં તો વાદી અને પ્રતિવાદી વચ્ચે અગાઉ લગ્નસંબંધ બંધાયો જ નથી, માત્ર હિન્દુ ધાર્મિક વિધિથી લગ્ન થયાં છે એટલે અહીં restitutionનો સવાલ જ ઊભો થતો નથી. રખમાબાઈ તરફથી ઘણી સજ્જડ દલીલો કરવામાં આવી : પહેલું તો એ કે તેની પોતાની ઇચ્છા કે મંજૂરી વગર જ અને તે જ્યારે ‘બાળક’ હતી ત્યારે જ તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાં હતાં. પુખ્ત વયની થયા પછી પણ ક્યારેય તેણે આ લગ્નનો સ્વીકાર કર્યો નહોતો. વળી તે કહેવાતા પતિ દાદાજી સાથે એક છાપરા નીચે ક્યારેય રહી નહોતી. લગ્ન પછી પણ તે પોતાનાં મા-બાપને ઘરે જ રહેતી હતી. આ લગ્નનો ‘ભોગવટો’ કરવા તે મુદ્દલ માગતી કે ઇચ્છતી નહોતી. સ્વતંત્ર ઘર કે ઘરખર્ચ માટે જરૂરી રકમ કાયમ માટે પૂરી પાડવાની દાદાજીમાં ત્રેવડ નહોતી. વળી તેમની તબિયત, કુટેવો તથા તેમના ઘરના સંજોગો લગ્નજીવનને ટકાવી રાખવામાં મદદરૂપ થાય એવાં નહોતાં. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે તેની પોતાની (એટલે કે રખમાબાઈની) દાદાજીની પત્ની બનીને રહેવાની મુદ્દલ ઇચ્છા નહોતી અને એટલે અદાલત કે બીજું કોઈ તેને એમ કરવા ફરજ પાડી શકે નહીં. ટૂંકમાં, આ કેસના મૂળમાં જે મુદ્દો રહ્યો હતો એ આ : જ્યારે માબાપ દ્વારા દીકરીનાં લગ્ન બાળવયમાં જ કરી નાખવામાં આવ્યાં હોય ત્યારે તે છોકરી પુખ્ત વયની થાય એ પછી એ લગ્ન અને લગ્નસંબંધ માટે છોકરીની પોતાની સંમતિ કે અસંમતિ કાનૂની દૃષ્ટિએ મહત્ત્વની ગણાય કે નહીં? ૧૮૮૦માં આ રીતે વિચાર કરવો એ પણ એક અસાધારણ ઘટના ગણાય. 
પોતાના ચુકાદામાં જસ્ટિસ પીનેએ કહ્યું કે ‘વાદી અને પ્રતિવાદી બન્ને જ્યારે પુખ્ત વયનાં નહોતાં ત્યારે ધાર્મિક વિધિથી તેમનાં લગ્ન થયાં હતાં. એ વખતે રખમાબાઈની ઉંમર હતી ૧૧ વર્ષ. તેમનાં એ લગ્ન પછી ૧૧ વર્ષ વીતી ગયાં છે. એ દરમ્યાન રખમાબાઈ પુખ્ત વયની થઈ છે છતાં આજ સુધી તે બન્ને નથી ક્યારેય એક છાપરા નીચે રહ્યાં કે નથી તેમની વચ્ચે શરીર-સંબંધ બંધાયો. જ્યારે આવો સંબંધ બંધાયો જ નથી ત્યારે એ ‘ફરીથી બાંધવાની’ (restitution) માગણી કાનૂની દૃષ્ટિએ કઈ રીતે ટકી શકે? આજે રખમાબાઈ એક પુખ્ત વયની, બાવીસ વર્ષની ઉંમરની સ્વતંત્ર વ્યક્તિ છે. દાદાજીની માગણી ‘લગ્નહકના ભોગવટા’ માટે તે પોતાની સાથે એક છાપરા નીચે રહેવા જાય એવી છે. પોતાના ચુકાદામાં જજસાહેબે દાદાજીની આ માગણીને barbarous, cruel, revolting તરીકે ઓળખાવી. સાથોસાથ તેમણે એમ પણ નોંધ્યું કે શું ગ્રેટ બ્રિટનમાં કે શું હિન્દુસ્તાનમાં, આ પ્રકારનો આ પહેલો જ ખટલો છે. ગ્રેટ બ્રિટનના કાયદામાં લગ્નસંબંધ બંધાયા પછી જો બેમાંથી એક વ્યક્તિ એ સંબંધ તોડી નાખે તો તેને ફરીથી સ્થાપવાની જોગવાઈ છે, પણ લગ્નસંબંધ બંધાયો જ ન હોય એવી પરિસ્થિતિમાં ઇચ્છા વિરુદ્ધ પતિ-પત્ની બેમાંથી એકને કોઈ પ્રકારની ફરજ પાડવાની જોગવાઈ કાયદામાં નથી કારણ કે એવી ફરજ પાડવી એ વ્યક્તિસ્વાતંત્ર્યનો ઉઘાડેછોગ ભંગ કરવા બરાબર છે. જજસાહેબે રખમાબાઈની તરફેણમાં ચુકાદો આપ્યો.
આજે કોઈ કોર્ટ આવો ચુકાદો આપે તો એની નોંધ પણ ભાગ્યે જ લેવાય, પણ એ જમાનામાં આવો ચુકાદો સ્વીકારવાનું મોટા ભાગના લોકો માટે અઘરું હતું. કેટલાકે તો એને ‘હિન્દુ ધર્મવિરોધી’ કે ‘લગ્નસંસ્થાના મૂળ પર કુઠારાઘાત’ કરતો જણાવ્યો તો કોઈએ વળી કહ્યું કે હિન્દુઓની ધાર્મિક બાબતોમાં દખલ કરવાનો અદાલતને અધિકાર જ નથી. બીજી બાજુ ‘સુધારકો’એ આ ચુકાદાને વધાવી લીધો. આ ચુકાદા વિશે બન્ને પક્ષોએ અખબારોમાં ચર્ચા ચલાવી. 
બીજી બાજુ દાદાજીએ પોતાના કાયદેસરના હકની અમલબજાવણી માટે જજ પીનેના ચુકાદા સામે અપીલ કરી. ૧૮૮૬ના માર્ચ મહિનામાં આ અપીલની સુનાવણી શરૂ થઈ. એક જજને બદલે બૉમ્બે હાઈ કોર્ટના જજોની બેન્ચ પાસે ફરી કેસ ચાલ્યો. એ બેન્ચના જજોએ જસ્ટિસ પીનેની વિચારણાને અને તેમના ચુકાદાને અમાન્ય કર્યો. તેમણે કહ્યું કે ભલે ગમે એ ઉંમરે લગ્ન થયાં હોય, હિન્દુ ધર્મ પ્રમાણે એ લગ્ન વૈદ્ય જ ગણાય અને તેથી દાદાજીને ‘લગ્નના ભોગવટા’ માટે રખમાબાઈ પર કેસ માંડવાનો પૂરો અધિકાર છે. વળી તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન એ કોઈ કાનૂની કરાર નથી, એક પવિત્ર બંધન છે એટલે ‘લગ્નના ભોગવટા’ માટે છોકરીની ઇચ્છા કે અનિચ્છાનો સવાલ ઊભો થતો જ નથી. એટલે હાઈ કોર્ટની એ બેન્ચે આખો ખટલો નવેસરથી ચલાવવાનો હુકમ આપ્યો, પણ ત્યાં સુધીમાં જસ્ટિસ પીને રિટાયર થઈ ચૂક્યા હતા એટલે કેસ જસ્ટિસ એડવર્ડ ફારાન પાસે પહોંચ્યો. હવે બન્યું એવું કે જજ બનતાં પહેલાં ફારાને એક વકીલ તરીકે દાદાજીને તેમનો કેસ તૈયાર કરવામાં મદદ કરી હતી. આજે આવા સંજોગોમાં એ જજે કેસમાંથી ખસી જવું જોઈએ એવો નિયમ છે, પણ એ વખતે નહોતો. ૧૮૮૭ની શરૂઆતમાં તેમની અદાલતમાં ખટલાની સુનાવણી શરૂ થઈ અને જજ ફારાને ચુકાદો આપ્યો દાદાજીની તરફેણમાં અને રખમાબાઈને હુકમ કર્યો ‘લગ્નહકના ભોગવટા’ માટે દાદાજીને ઘરે જઈને રહેવાનો! કાયદાની ભાષામાં કહીએ તો અદાલતે A decree for restitution of conjugal rights જાહેર કરી. એ વખતના કાયદા પ્રમાણે જો રખમાબાઈ આ ચુકાદાનો અમલ ન કરે અને દાદાજીની સાથે રહેવા ન જાય તો તેની બધી માલમતા જપ્ત થાય અને તેને ૬ મહિનાની કેદની સજા થાય. રખમાબાઈ પાસે હવે બે જ રસ્તા હતા : કાં તો અદાલતના ચુકાદાને તાબે થઈને દાદાજીનું ઘર માંડવું અથવા બધી સંપત્તિ ગુમાવવી અને ૬ મહિના માટે કારાવાસ ભોગવવો. રખમાબાઈનો જવાબ કદાચ ખેવના દેસાઈની આ પંક્તિઓમાં પડઘાય છે:
હકાર ભણું ડાહી, ને દઈ દઉં નકાર
તો ‘કજિયાળી બાઈ કરે બળવો’
ક્યારે ને શું, અને કેટલું બોલાય 
એવો અણઘડ હુકમ કેમ પાળવો? 


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 01:54 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK