Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અમે તો લૂંટારાઓ સામે લડવાના છીએ

અમે તો લૂંટારાઓ સામે લડવાના છીએ

Published : 05 April, 2026 12:29 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

હા, સરસ્વતી રાજામણિ તેમનું નામ. આ સરસ્વતી રાજામણિને અખંડ હિન્દુસ્તાનનાં સૌથી યુવા મહિલા જાસૂસ તરીકે ઇતિહાસ ઓળખે છે અને આજે પણ તેમનું નામ લેવાય ત્યારે નતમસ્તકે તેમને નમન કરે છે.

૧૬ વર્ષની ઉંમરે સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજમાં જોડાયેલાં સરસ્વતી રાજામણિ.

૧૬ વર્ષની ઉંમરે સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજમાં જોડાયેલાં સરસ્વતી રાજામણિ.


મહાત્મા ગાંધીને સ્પષ્ટપણે આવું કહી દેનારાં સરસ્વતી રાજામણિ આ દેશનાં સૌથી યુવા મહિલા જાસૂસ છે. અખંડ હિન્દુસ્તાન પર રાજ કરતા બ્રિટિશરોની છાવણીમાં ઘૂસીને તેમણે જાસૂસી કરી અને એ માહિતી આઝાદ હિન્દ ફૌજને આપી. મજાની વાત એ છે કે આ બધું તેમણે છોકરો બનીને કર્યું

પાર્ટિશન પછી પાકિસ્તાન દુશ્મન બનીને બેસી ગયું, પણ પાર્ટિશન અને આઝાદી પહેલાં બ્રિટિશરો તમારા દુશ્મન હતા અને આ બ્રિટિશરોની જાસૂસી કરવાનો વિચાર જો કોઈને રાતે ઊંઘમાં આવી જાય તો પથારી ભીની થઈ જાય. જોકે એક ભડવીર બાઈ હતી જેણે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના, બ્રિટિશરોના આતંકનો વિચાર સુધ્ધાં કર્યા વિના આ કામ કર્યું અને આઝાદ હિન્દ ફૌજના સુભાષચંદ્ર બોઝને મદદ કરવાનું કામ કર્યું.



હા, સરસ્વતી રાજામણિ તેમનું નામ. આ સરસ્વતી રાજામણિને અખંડ હિન્દુસ્તાનનાં સૌથી યુવા મહિલા જાસૂસ તરીકે ઇતિહાસ ઓળખે છે અને આજે પણ તેમનું નામ લેવાય ત્યારે નતમસ્તકે તેમને નમન કરે છે.


૧૯૨૭ની ૧૧ જાન્યુઆરીએ બર્મા (આજનું મ્યાનમાર)ના રંગૂનમાં સરસ્વતી રાજામણિનો જન્મ થયો હતો. તેમના પપ્પા રામનાથન મૂળ તામિલનાડુના તિરુચિરાપલ્લીના વતની, પણ બિઝનેસ માટે તેઓ રંગૂન સ્થાયી થયા હતા. રંગૂનમાં એ સમયે રહેતા તમામ ભારતીયોમાં તેઓ સૌથી ધનિક. રામનાથનની રંગૂનમાં સોના અને ટંગસ્ટનની ખાણો હતો. રામનાથનને ૩ દીકરા અને એક દીકરી એટલે સરસ્વતીનો પડ્યો બોલ ઝિલાય. ક્યાંય કોઈ વાતની કમી નહોતી. એમાં સરસ્વતી એકની એક દીકરી એટલે લાડકોડની બાબતમાં પણ ક્યાંય કોઈ કચાશ નહીં.


પરિવાર સંપૂર્ણપણે હિન્દુસ્તાની માનસિકતા ધરાવતો અને આઝાદીની ખેવના કરતો એટલે સ્વતંત્રતાવીરોની અવરજવર ઘરે રહ્યા કરે. રામનાથનજી પણ આઝાદીની ચળવળમાં છૂટા હાથે સહાય કરે. નાનપણથી આ માહોલમાં ઊછરેલી સરસ્વતી રાજામણિનો ૧૬ વર્ષની ઉંમરનો એક કિસ્સો જાણવા જેવો છે.

આઝાદ હિન્દ ફૌજને ફન્ડની જરૂર હતી જે માટે સુભાષચંદ્ર બોઝ બર્મા આવ્યા અને તેમણે એક જાહેર સભા સંબોધી. એ જાહેર સભામાં રાજામણિ પણ હાજર હતી. સુભાષજીને સાંભળીને રાજામણિને એ હદે આ ચળવળ અગત્યની અને મહત્ત્વની લાગી કે તેણે પોતે પહેરેલા તમામ દાગીના ઉતારીને આપી દીધા.

દાન માટે લોકોમાં ફરતા આઝાદ હિન્દ ફૌજના સૈનિકોએ સાંજે જ્યારે નેતાજીને એ બધું દેખાડ્યું ત્યારે નેતાજી આ દાગીના જોઈને તરત ઓળખી ગયા કે આ દાગીના રામનાથનજીના ઘરે તે ગયા ત્યારે તેમની દીકરીએ પહેર્યા હતા. સુભાષજીએ માન્યું કે દીકરીએ ભાવાવેશમાં આપી દીધા હશે એટલે બીજી સવારે તે રામનાથનજીના ઘરે ગયા અને તેમને દાગીના પાછા આપ્યા. રામનાથનજીનું પણ ખાનદાની લોહી. તેમણે કહ્યું કે આ દાગીના મેં તો રાજામણિને આપી દીધા હતા, એ મારાથી પાછા ન લેવાય, તમે રાજામણિને જ આપો. રાજામણિને બોલાવવામાં આવી. સુભાષબાબુએ તેની સામે દાગીના ધર્યા કે તરત રાજામણિએ કહ્યું કે આ દાગીના હું પાછા લઉં તો મારી દેશભક્તિ લાજે, એનો ઉપયોગ તમારે આઝાદ હિન્દ ફૌજને વધુ આધુનિક હથિયારો આપવા માટે કરવાનો છે.


સરસ્વતી રાજામણિને જપાનના સમ્રાટે લેફ્ટનન્ટના રૅન્ક અને મેડલથી સન્માનિત કર્યાં હતાં.

રાજામણિની સાથે એ દિવસે નિરાંતે બેઠા પછી અને રાજામણિની વાતો સાંભળ્યા પછી સુભાષજી એવા તે પ્રભાવિત થયા કે તેમણે નીકળતી વખતે રામનાથનજીને કહ્યું કે તમારી આ દીકરીનું નામ આજથી સરસ્વતી અને ૧૬ વર્ષની તે દીકરીએ જિંદગીભર પોતાના નામ રાજામણિની સાથે સરસ્વતી જોડીને ઓળખ બનાવી સરસ્વતી રાજામણિ.

માત્ર ઓળખ બનાવવાનું જ નહીં, રાજામણિએ આઝાદ હિન્દ ફૌજ માટે કામ પણ કર્યું અને એવું કામ કર્યું કે ભલભલાની આંખો ફાટી ગઈ.

એક વર્ષમાં સેનામાં જાસૂસ

બર્મા એ સમયે આઝાદ હિન્દ ફૌજ માટે સૌથી સેફ જગ્યા હતી એટલે સુભાષબાબુએ બર્માના રંગૂનને પોતાનું વડું મથક બનાવી રાખ્યું હતું. રંગૂન નિયમિત આવતા સુભાષજીનો રાજામણિ સાથેનો સંપર્ક વધ્યો અને રાજામણિની દેશભક્તિ જોઈને તેમણે રાજામણિને આઝાદ હિન્દ ફૌજની ઇન્ટેલિજન્સ વિંગમાં સામેલ થવા કહ્યું.

બન્યું એમાં એવું હતું કે એક દિવસ સરસ્વતી બધા વાળ બાંધી, એના પર ટોપી પહેરીને આવી હતી. સુભાષબાબુને મળીને તે પાછી જતી હતી એ વખતે ફૌજના કેટલાક સૈનિકોએ તેને જતા જોઈ અને વાત-વાતમાં સુભાષજીને કહ્યું કે હમણાં જે છોકરો ગયો તેની આંખોમાં તેજ છે, આપણે તેને સાથે લેવો જોઈએ. જે ગયો તે છોકરો નહીં, છોકરી છે એ જો પોતાના સૈનિકો ન પારખી શકે તો પછી બ્રિટિશરોની આંખમાં પણ ધૂળ નાખી શકાય એવું ધારીને જ સુભાષજીએ રાજામણિને સેનાની જાસૂસી વિંગમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. સરસ્વતી તો તરત જ તૈયાર થઈ ગઈ એટલું જ નહીં, એ માટે પોતાને જે કરવું પડે એ કરવાની પણ તેણે તૈયારી દર્શાવી.

બ્રિટિશ કૅમ્પમાં જઈને બ્રિટિશરો પાસેથી ટ્રેઇનિંગ લેવાની હતી અને એ માટે તેણે અન્ય ૪ છોકરીઓ સાથે વેશપલટો કરીને કાયમ માટે છોકરા બનીને રહેવાનું હતું. સરસ્વતી રાજામણિની તૈયારી હતી કે તે તમામ વાળ ઊતરાવીને ટકલુ થઈ જાય, પણ તેને માત્ર સેનાના જવાનો રાખે એ પ્રકારના વાળ રાખવાનું સૂચન કરવામાં આવ્યું અને સરસ્વતીએ એ કામ કર્યું.


સેહમત ખાન

માત્ર લુક જ ડેવલપ નહોતો કરવાનો, સ્કિલ પણ ડેવલપ કરવાની હતી એટલે સરસ્વતી રાજામણિએ આઝાદ હિન્દ ફૌજના જવાનો પાસે હથિયાર ચલાવવાની ટ્રેઇનિંગ પણ લીધી અને આ બધામાં તેના પપ્પાની પૂરેપૂરી સહમતી હતી. અરે, એક વખત તો એવું બન્યું કે ઘરે મહાત્મા ગાંધી આવ્યા. મહાત્મા ગાંધી અને સરસ્વતી રાજામણિના પપ્પા બેસીને વાત કરતા હતા અને એ જ વખતે બંગલાની પાછળના ભાગમાંથી ફાયરિંગનો અવાજ આવ્યો. ગાંધીજી સહજ રીતે ઊભા થઈને જોવા ગયા અને તેમની આંખો પહોળી થઈ ગઈ. બંગલાની પાછળના ભાગમાં સરસ્વતી બંદૂક ચલાવવાની પ્રૅક્ટિસ કરતી હતી. ગાંધીજીએ તેને પાસે બોલાવીને અહિંસા વિશે સમજાવ્યું અને સરસ્વતીએ કોઈ જાતના સંકોચ વિના બાપુને જવાબ આપ્યો, ‘અમે તો લૂંટારાઓ તરીકે આવેલા બ્રિટિશરોને મારવા માટે પ્રૅક્ટિસ કરીએ છીએ. લૂંટારા કે રાક્ષસને મારવા જોઈએ એવું આપણાં શાસ્ત્રોમાં પણ લખ્યું છે.’

અહીં એક વાત ખાસ કહેવાની રહે કે સરસ્વતી રાજામણિને પરિવાર પણ એવો મળ્યો જે સંપૂર્ણપણે આધુનિક વિચારધારામાં માનતો હતો. દીકરા-દીકરી વચ્ચે એ સમયે પણ ભેદભાવ નહોતા કરતા તો સાથોસાથ દેશની આઝાદી તેમના માટે સર્વોપરી હતી. આ જ કારણ હતું કે તેમણે ક્યાંય અને ક્યારેય દીકરીને રોકી કે ટોકી નહીં, સરસ્વતીને જે કરવું હોય એ કરવાની છૂટ આપી અને સરસ્વતી રાજામણિએ પણ પોતાને મળેલી એ આઝાદીનો સંપૂર્ણપણે સકારાત્મક ઉપયોગ કર્યો.

કટોકટીની એ ક્ષણ

બ્રિટિશ સેનાની ટ્રેઇનિંગ દરમ્યાન રાજામણિ આણિ મંડળીનો એક નિયમ હતો. દિવસ દરમ્યાન ટ્રેઇનિંગ લેવાની અને ટ્રેઇનિંગ પછીના સમયમાં બ્રિટિશ સરકારના અધિકારીઓની નજીક જઈને તેમની પાસેથી વાતો કઢાવવાની, તેમની ફાઇલમાંથી વાતો કાઢવાની. સરસ્વતી રાજામણિએ ઓછામાં ઓછી ૪ વખત એવી માહિતી કાઢી લીધી હતી જેમાં સુભાષબાબુ પર હુમલો થવાનો હતો અને રાજામણિએ આપેલી માહિતીના આધારે સુભાષબાબુ દરેક વખતે સલામત રીતે ત્યાંથી નીકળી ગયા.

અરે, એક વખત તો એવી હાલત ઊભી થઈ કે એ સાંભળતાં આજે પણ રૂંવાડેરૂંવાડું ઊભું થઈ જાય. બન્યું એમાં એવું કે સરસ્વતી રાજામણિની એક સાથી જાસૂસ બ્રિટિશરોના હાથમાં આવી ગઈ. છાવણીમાં રહેલી ફાઇલના પેપર્સ કાઢતી વખતે રંગેહાથ પકડાયેલી સાથી પાસે બીજી કોઈ કબૂલાત કરાવવાનું આવતું જ નહોતું એટલે સીધી તેને સજા જ સંભળાવવાની હતી. સજા સંભળાવવામાં આવે એના ૨૪ કલાક પહેલાં એ સાથીને છોડાવવા રાજામણિ નર્તકીનો વેશ ધારણ કરીને બ્રિટિશ કૅમ્પમાં ઘૂસી ગઈ. ડાન્સ કરતાં-કરતાં તેણે બ્રિટિશ સૈનિકોને એટલો દારૂ પીવડાવી દીધો કે પેલા લોકો બેહોશ થઈ ગયા અને રાજામણિ પોતાની સાથીને લઈને ત્યાંથી ભાગી. જોકે ભાગતી વખતે બહાર પહેરો ભરી રહેલા સૈનિકોને ખબર પડી ગઈ એટલે તેમણે રાજામણિ તથા તેમની સાથી પર ફાયરિંગ કર્યું.

આ ફાયરિંગમાં એક ગોળી સરસ્વતી રાજામણિના પગમાં વાગી હોવા છતાં તે લંગડાતાં-લંગડાતાં ભાગતી રહી એટલું જ નહીં, એ જ પેઇનફુલ અવસ્થામાં ૩ દિવસ સુધી જંગલમાં છુપાઈને રહી અને પછી સેફલી આઝાદ હિન્દ ફૌજની છાવણી સુધી પહોંચી.

બ્રિટિશરો વિરુદ્ધ જાસૂસી કરવાનો એ અંતિમ દિવસ. પોતે ઓળખાઈ ગઈ છે એ ખબર પડ્યા પછી ફરીથી ત્યાં જવાનો તો કોઈ અર્થ જ નહોતો એટલે સરસ્વતી રાજામણિ અને તેમના સાથીઓ આઝાદ હિન્દ ફૌજના સૈનિક બનીને લડત આપવામાં લાગી ગયાં. જોકે એ પછી સુભાષબાબુનું શંકાસ્પદ મોત થયું અને બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ હિન્દ ફૌજ વેરવિખેર થઈ ગઈ, જેમાં સરસ્વતી રાજામણિ અને તેમનો પરિવાર પણ એ બધાથી દૂર જવા લાગ્યો અને હિન્દુસ્તાન શિફ્ટ થયો. ભારત પાછા આવ્યા પછી સરસ્વતી રાજામણિએ એકલા હાથે નવેસરથી આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાની જહેમત ઉઠાવવાની શરૂ કરી, પણ એમાં ખાસ કંઈ સફળતા મળે એવું દેખાય એ પહેલાં જ ભારતની આઝાદી જાહેર થઈ ગઈ. આ પરિવારની દેશભક્તિ જુઓ. ભારત આઝાદ થયા પછી આ પરિવારે પોતાની તમામ મિલકત અને ખાણો દેશના હિત માટે આપી દીધી અને નવેસરથી એકલપંડે શરૂઆત કરી.

રાજામણિ અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી

એપિક ચૅનલે સરસ્વતી રાજામણિ પર એક કલાકની ડૉક્યુમેન્ટરી બનાવી, જેમાં સરસ્વતી રાજામણિએ પોતે પણ ઘણી વાતો કરી. રાજામણિએ એ જ ડૉક્યુમેન્ટરીમાં જૂના ફોટોગ્રાફ્સ પણ દુનિયા સામે મૂક્યા હતા.

આ ડૉક્યુમેન્ટરી ઉપરાંત આશુતોષ ગોવારીકરની ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘ખેલેં હમ જી જાન સે’માં સરસ્વતી રાજામણિના જીવન પરથી કૅરૅક્ટર ડેવલપ કરવામાં આવ્યું હતું એવું સરસ્વતી રાજામણિનું કહેવું હતું.


આઝાદી પછી પરિવારની તમામ સંપત્તિ દેશને અર્પણ કરી દીધા બાદ તેમણે મૃત્યુ પર્યંત ખૂબ ગરીબીમાં જીવન વિતાવ્યું.

એ પછીનું જીવન

અફસોસ સાથે કહેવું પડે કે આઝાદી પછી સરસ્વતી રાજામણિએ લાંબો સમય ખૂબ ગરીબીમાં વિતાવ્યો. તેઓ ચેન્નઈમાં એક નાની ઓરડીમાં રહેતાં. એક સમયે જેને સોનાના ગ્લાસમાં દૂધ મળતું, એક સમયે જેને ચાંદીની થાળીમાં જમવા મળતું તે લેડીએ પોતાનો આઝાદી પછીનો આખો કાર્યકાળ તકલીફ વચ્ચે સહન કર્યો. અરે, સ્વતંત્રતાસેનાની તરીકેનું પેન્શન પણ તેમને મળ્યું નહીં. એ માટે તેમણે વર્ષો સુધી લડત આપી અને એ લડતના અંતે છેક ૧૯૭૧માં તેમની પેન્શન શરૂ થઈ.

એ પેન્શન એ જ તેમની મુખ્ય આજીવિકા. આ પેન્શન પછી પણ ભારત સરકાર તરફથી તેમનું કોઈ જાતનું સન્માન કરવામાં આવ્યું નહીં. ૨૦૦પમાં તેમના વિશે ડીટેલમાં એક ન્યુઝપેપરમાં આર્ટિકલ આવ્યો અને તામિલનાડુ સરકારના ધ્યાનમાં સરસ્વતી રાજામણિ આવ્યાં. એ સમયનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ રાજામણિને ઘર અને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપી. જોકે એ પછી પણ તેમણે જીવનનિર્વાહ ચલાવવા માટે અથાગ પરિશ્રમ કરવો પડ્યો. એક સમયે તો લોકોનાં ફાટેલાં કપડાં સાંધવાનું કામ પણ કરતાં અને બે પૈસા કમાતાં. આજીવન કુંવારા રહીને દેશ માટે જીવન ન્યોછાવર કરનારાં સરસ્વતી રાજામણિનો ૨૦૧૮ની ૧૩ જાન્યુઆરીએ દેહાંત થયો.

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 12:29 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK