Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગતિ આપીને વિજ્ઞાને નવો દૃષ્ટિકોણ આપ્યો, પણ પછી હાથ ઊંચા કરી દીધા

ગતિ આપીને વિજ્ઞાને નવો દૃષ્ટિકોણ આપ્યો, પણ પછી હાથ ઊંચા કરી દીધા

Published : 23 April, 2026 12:52 PM | Modified : 23 April, 2026 01:01 PM | IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

એ દુષ્પરિણામો કોણ નથી ભોગવતું એ પ્રશ્ન છે. પેઢી જૂની હોય કે નવી, આજે સૌ અજંપામાં જીવન જીવી રહ્યા છે. રાષ્ટ્ર સમૃદ્ધ હોય કે પછાત, બધા ભયના ઓથાર હેઠળ થથરી રહ્યા છે.

ગતિ આપીને વિજ્ઞાને નવો દૃષ્ટિકોણ આપ્યો, પણ પછી હાથ ઊંચા કરી દીધા

સત્સંગ

ગતિ આપીને વિજ્ઞાને નવો દૃષ્ટિકોણ આપ્યો, પણ પછી હાથ ઊંચા કરી દીધા


વિજ્ઞાને આપેલાં સાધનો તરફ તમે એક દૃષ્ટિપાત કરી લો. એક વાતની તમને પ્રતીતિ અચૂક થઈ જશે કે વિજ્ઞાને ‘ગતિ’ આપી છે, ‘ઝડપ’ આપી છે.
સાઇકલ, સ્કૂટર, મોટર, હેલિકૉપ્ટર, વિમાન, રૉકેટ, ઉપગ્રહ, પાટી, કાગળ, કમ્પ્યુટર, ઈ-મેઇલ, ઇન્ટરનેટ, ફોન-મોબાઇલ, ફૅક્સ, ટીવી, વિડિયો, કૅલ્ક્યુલેટર, ફ્રિજ, રોબો, ટ્રેન. આ યાદી હજી પણ લંબાઈ શકે છે અને ભાવિમાં તો આ યાદી ક્યાં પહોંચશે એની કોઈ કલ્પના જ થઈ શકતી નથી. એ લંબાયા જ કરવાની છે અને લંબાતી જ રહેશે. માણસ પણ નહીં થાકે અને વિજ્ઞાનને પણ કોઈ જાતની થકાનનો અનુભવ નહીં થાય, કારણ કે વિજ્ઞાને તમને ‘ગતિ’ આપવાની છે. ગતિ સારી, પણ વિજ્ઞાને આપેલી ગતિના કારણે દુઃખદ સ્થિતિ એ સર્જાઈ છે કે ગતિ આપવામાં તાકાતપ્રદ પુરવાર થયેલું વિજ્ઞાન ‘સમ્યક દિશા’ આપવાની બાબતમાં સાવ નપુંસક પુરવાર થયું છે. ગતિ આપીને વિજ્ઞાને સમાજને નવો દૃષ્ટિકોણ આપ્યો, પણ એ આપ્યા પછી એણે પોતાના હાથ ઊંચા કરી દીધા અને એને લીધે અનેક દુષ્પરિણામો જોવાનાં આવ્યાં.
એ દુષ્પરિણામો કોણ નથી ભોગવતું એ પ્રશ્ન છે. પેઢી જૂની હોય કે નવી, આજે સૌ અજંપામાં જીવન જીવી રહ્યા છે. રાષ્ટ્ર સમૃદ્ધ હોય કે પછાત, બધા ભયના ઓથાર હેઠળ થથરી રહ્યા છે. વાસના વકરી છે, હિંસા વધી છે, હરામખોરીએ માઝા મૂકી છે અને રોગો, બીમારીઓનું પ્રમાણ ભયજનક આંક વટાવી રહ્યું છે.
આ તમામ અનિષ્ટોથી મુક્ત થવા માટે એક જ પરિબળ પાસે આવવું પડે એમ છે અને એ પરિબળનું નામ છે ધર્મ. તમારી ‘ગતિ’ને મારક ન બનવા દઈને તારક બનાવી દે એવી ‘સમ્યક દિશા’ આપવાની આગવી ક્ષમતા ધર્મ પાસે છે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે વિજ્ઞાન જો ‘ઍક્સેલરેટર’ના સ્થાને છે તો ધર્મ ‘સ્ટીઅરિંગ વ્હીલ’ના સ્થાને છે અને એવું બને ત્યારે એ વાત પણ સમજી લેવી પડે કે ગતિ કદાચ ઓછી-વધતી હોય તો એક વાર ચાલી જાય, પણ જો સ્ટીઅરિંગ વ્હીલ ખોટી તરફ હોય તો એ ગતિનો કોઈ અર્થ નહીં સરે. જો ઝડપ ઓછી હોય તો ચાલશે, પણ એ ઝડપમાં સમ્યક દિશાનો બોધ જ ન હોય તો એ તો શું ચાલે?
સમ્યક બોધ પામવો હિતાવહ છે અને એ બોધ ધર્મ સિવાય ક્યાંયથી પણ મળવાનો નથી. ટેક્નૉલૉજી વિકાસ આપશે, પણ એ વિકાસમાંથી વિકારનો નાશ થાય એ જોવાનું કામ ધર્મ કરે છે અને એના માટે ધર્મ પાસે જવું પડે છે. વિજ્ઞાન સુરક્ષા આપે છે પણ એ સુરક્ષાનો અતિરેક હિંસાનું પરિણામ લાવી દે છે, જ્યારે ધર્મ સુરક્ષાની સાથોસાથ ખમીરનો પાઠ પણ ભણાવે છે અને અહિંસાનો ભાવ પણ સમજાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 01:01 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK