Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મોદીસાહેબ, શિક્ષણમાં ખરેખર સર્જરી કરવી હોય તો આ આરક્ષણનું ઑપરેશન પણ કરી જ નાખો

મોદીસાહેબ, શિક્ષણમાં ખરેખર સર્જરી કરવી હોય તો આ આરક્ષણનું ઑપરેશન પણ કરી જ નાખો

Published : 29 July, 2026 07:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિક્ષણમાં જાતિઆધારિત અનામતને બદલે આર્થિક રીતે નબળા તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળવી જોઈએ કે નહીં? આ અભિપ્રાય લેખમાં વર્તમાન અનામત વ્યવસ્થા, સામાજિક ન્યાય, પ્રતિભા, આર્થિક અસમાનતા અને શિક્ષણમાં સમાન તક અંગે વિવિધ મુદ્દાઓ પર વિચાર રજૂ કરવામાં આવ્યો છે.

narendra modi

narendra modi


નરેન્દ્રભાઈ, પ્રણામ.
આજકાલ દેશમાં શિક્ષણપ્રણાલીમાં સુધારાની જોરદાર હવા ચાલી છે. વિદ્યાર્થીઓએ શિક્ષણના મુદ્દે આંદોલન કર્યું અને જહાં સરકાર કે વિરોધ કા માહોલ હો વહાં રાબેતા મુજબ વિપક્ષે પણ અંદર કૂદીને પોતપોતાની રાજકીય સ્કીમ ચલાવી લીધી. વચ્ચે અમુક અસામાજિક તત્ત્વોએ પણ મોકા પર ચોક્કો મારી લીધો. સરકારે પણ સમયની નાજુકતા જોઈને વિદ્યાર્થીઓની માગણીઓ ગુપચુપ સ્વીકારી લીધી અને ફેરફારોની જાહેરાતો કરી દીધી.
જો શિક્ષણમાં ખરેખર ઐતિહાસિક મેજર સર્જરી જ કરવી હોય તો લાખો વિદ્યાર્થીઓના મગજનું દહીં કરી નાખતી આ જાતિઆધારિત અનામત-વ્યવસ્થા પર એક નાનકડું પણ હિંમતભર્યું ઑપરેશન કરી જ નાખો! જુઓ સાહેબ, વાત બહુ સાદી અને સીધી છે. શિક્ષણમાં જાતિઆધારિત અનામતને બદલે માત્ર ને માત્ર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે સીટો અનામત રાખી દો. પછી ભલેને તે વિદ્યાર્થીની અટક શાહ હોય, શેખ હોય, શર્મા હોય કે સોલંકી.
૭ દાયકા પહેલાં આ સિસ્ટમ આવી ત્યારે એ સમયની જરૂરિયાત હતી. ત્યારે સામાજિક ભેદભાવ હતો અને વંચિત વર્ગ પાસે ન શિક્ષણ હતું, ન સંસાધનો. પણ સાહેબ, ૭૫ વર્ષમાં તો ગંગાજીનાં વહેણ પણ બદલાઈ ગયાં છે. આજે અનામત વર્ગના અનેક લોકો ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. તેઓ IAS-IPS છે, પ્રધાનો છે; ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર, વકીલ અને ન્યાયાધીશ પણ છે. શિક્ષણમાં મળેલી આરક્ષિત સીટોનો તેમણે સુપરહિટ લાભ લીધો છે અને આજે તેઓ આર્થિક અને સામાજિક રીતે સશક્ત છે.
હમણાં-હમણાં થયેલાં અમુક આંદોલનોમાં આપણે જોયું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટો હાથમાં રાખીને અમુક લોકો અનેક દિવસો સુધી ધામધૂમથી આંદોલનો ચલાવી શકે છે. આંદોલનકારીઓ માટે ખાવા-પીવાની અને રહેવાની સગવડો થઈ જાય છે. સામૂહિક દબાણ ઊભું કરીને પ્રધાનોનાં રાજીનામાં મગાઈ જાય છે અને સરકાર પાડી દઈશું એવી ધમકીઓ પણ આત્મવિશ્વાસથી અપાઈ જાય છે. આ બહુ સરસ વાત છે સાહેબ, દેશ આગળ વધ્યો છે અને સમાજનો વંચિત વર્ગ આજે સુપરપાવર બન્યો છે.
આ ખેલમાં મજાની વાત કઈ છે ખબર છે? આ અનામતનો સાચો લાભ આજે પણ એ અનામત વર્ગના છેવાડાના ગરીબ સુધી પહોંચવાને બદલે એ જ વર્ગના શ્રીમંત અને સક્ષમ લોકો વારંવાર લણી રહ્યા છે. એટલે કે એ જ જાતિનું એક ગરીબ બાળક મોં વિકાસીને જોતું રહી જાય છે અને એ જ જાતિના સક્ષમ બાપનો દીકરો AC ગાડીમાંથી ઊતરીને અનામતની સીટ પર બેસી જાય છે. શું તે ગરીબ બાળક સાથે તેની જ જાતિના સક્ષમ લોકોએ કરેલો ડબલ રોલ અન્યાય નથી?
હવે જરા કૅમેરાનો ઍન્ગલ બદલીએ. એક એવો ગરીબ પરિવાર જે અનામતના આ સરકારી લકી ડ્રૉમાં નથી આવતો. માતા-પિતાના સંઘર્ષને સુખમાં બદલવાના સપના સાથે દીકરો પોતાના ભણતરનો ખર્ચ કાઢવા દિવસે કામ કરે છે અને રાત્રે ઉજાગરા કરીને ભણે છે. જોકે જ્યારે કૉલેજમાં ઍડ્‍મિશનની બારીએ જાય ત્યારે તેને એવો જવાબ મળે છે કે ‘બેટા, માર્ક્સ તો તારા રૉકેટ જેવા છે, પણ તારી અટક અને જન્મનો દાખલો થોડો નબળો પડી ગયો છે!’ હવે આ બાપડો શું કરે? પોતાની માર્કશીટ ફાડી નાખે કે જન્મનો દાખલો બદલવા માટે મ્યુનિસિપાલિટીનાં ચક્કર કાપે?
અરે, રમૂજ તો જુઓ. ગરીબી પણ જાતિનું પ્રમાણપત્ર જોઈને જ ઘરમાં ઘૂસતી હોય છે. બિનઆરક્ષિત વર્ગના ગરીબ વિદ્યાર્થી માટે તો જાણે આગળ વધવાનો કોઈ સંવિધાનિક અધિકાર જ નથી. જો કોઈ ગરીબ વિદ્યાર્થી કૉલેજની બારીએ જઈને રડે કે ‘સાહેબ, પિતાજી પાસે ફીના પૈસા નથી, કંઈક સ્કૉલરશિપ મળશે?’ તો સામેથી પહેલો પ્રશ્ન પુછાય છે, ‘પહેલાં તારી જાતિ જણાવ!’ કમાલ છે સાહેબ! તમે કૉલેજમાં ભણવા માટે ઍડ્મિશન આપો છો કે લગ્ન કરાવવા માટે કુંડળીઓ મેળવો છો? સત્ય એ છે કે પેટની ભૂખ ક્યારેય અટક કે જાતિ પૂછીને નથી લાગતી. હૉસ્પિટલનું બિલ જાતિ જોઈને ઓછું નથી થતું અને કરિયાણું કે શાકભાજી ખરીદતી વખતે જાતિ પૂછીને ડિસ્કાઉન્ટ નથી અપાતું. પણ હા, સરકારી યોજનાઓ અને બૅન્કના EMIમાં જાતિ જોઈને કાસ્ટ ડિસ્કાઉન્ટ ચોક્કસ મળી જાય છે.
શિક્ષણમાં આરક્ષણની નીતિને કારણે દેશની ટૅલન્ટ નિરાશ થઈને દેશ છોડી રહી છે. સારા માર્ક્સ મેળવીને પણ જનરલ કૅટેગરીના બાળકને સારી કૉલેજ નથી મળતી અને ઓછા ગુણ ધરાવતો બાળક અનામતને લીધે IAS-IPS, પ્રોફેસર, ડૉક્ટર કે એન્જિનિયર બની જાય છે. પરિણામે જે મહેનતુ બાળકો દેશનું ભવિષ્ય બનાવી શકતાં હતાં તે પોતાના ભવિષ્ય માટે બૅગ પૅક કરીને વિદેશ ભાગી રહ્યાં છે અને ઓછી કાબેલિયત હોવા છતાં આરક્ષણના લાભાર્થીઓ સિસ્ટમમાં ગોઠવાઈ રહ્યા છે. આપણે સ્ટેજ પરથી જે બ્રેઇન ડ્રેઇન (પ્રતિભા પલાયન) રોકવાની મોટી-મોટી વાતો કરીએ છીએ એનાં મૂળિયાં તો આપણી આ એજ્યુકેશનલ રિઝર્વેશન સિસ્ટમમાં જ રોપાયેલાં છે.
જુઓ સાહેબ, હું અહીં કોઈ પણ જાતિ પ્રત્યે દ્વેષભાવના નથી રાખી રહ્યો પણ વાસ્તવિકતા રજૂ કરી રહ્યો છું. હું ભૂતકાળમાં થયેલા અન્યાયને નથી નકારતો. સામાજિક ન્યાય ચોક્કસ થવો જોઈએ, પણ જે દવા ૭ દાયકા પહેલાં કારગર હતી એ જ દવા દરદી સાજો થઈ ગયા પછી પણ જો રોજેરોજ આપ્યા જ કરીએ તો એ દવા સાઇડ ઇફેક્ટ જ કરે. આજે દેશ ડિજિટલ ઇન્ડિયા બની ગયો છે. એક ક્લિક કરો એટલે માણસનું ઇન્કમ ટૅક્સનું રિટર્ન, બૅન્ક-બૅલૅન્સ અને સંપત્તિ બહાર આવી જાય છે. તો પછી સ્કૉલરશિપ ફીમાફી અને સીટોની અનામત માત્ર ને માત્ર કુટુંબની વાસ્તવિક આર્થિક સ્થિતિ પર કેમ ન હોઈ શકે? શિક્ષણમાં અનામતનો આધાર જાતિ નહીં પણ આર્થિક સ્થિતિ હોવો જોઈએ.

અંતિમ વિચાર



જો દેશને સારા ડૉક્ટર, કુશળ એન્જિનિયર, દીર્ઘદ્રષ્ટા શિક્ષક, હોશિયાર વૈજ્ઞાનિક કે નિષ્પક્ષ ન્યાયાધીશ જોઈતા હોય તો જાતિને બદલે કાબેલિયતને મહત્ત્વ આપવું પડશે; 
શિક્ષણ-પ્રણાલીમાં મહેનત અને ક્ષમતાને સ્થાન આપવું પડશે, ફક્ત જન્મના દાખલાને નહીં.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 07:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK