Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > શ્રાદ્ધપક્ષ : અંધશ્રદ્ધા નહીં; સંસ્કૃતિ, વિજ્ઞાન અને સંવેદનાનો સંગમ

શ્રાદ્ધપક્ષ : અંધશ્રદ્ધા નહીં; સંસ્કૃતિ, વિજ્ઞાન અને સંવેદનાનો સંગમ

Published : 30 September, 2026 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રાદ્ધપક્ષ વર્તમાનમાં જીવીને ભૂતકાળને યાદ કરવાની અને એ સ્મૃતિઓને ભવિષ્ય માટે સાચવી રાખવાની તક પૂરી પાડે છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


જ્યારે પણ આપણી પ્રાચીન હિન્દુ પરંપરાઓ કે તહેવારોની વાત આવે છે ત્યારે ઘણી વાર એને અંધશ્રદ્ધાનું લેબલ લગાવીને નકારી કાઢવાનો ટ્રેન્ડ જોવા મળે છે. જોકે વાસ્તવિકતા એ છે કે આપણો ધર્મ, તહેવારો, પરંપરા અને રીતરિવાજો વિજ્ઞાન-આધારિત છે. આપણે આપણી પરંપરાઓ અને મૂળિયાં સાથે સતત જોડાયેલા રહીએ એ માટે જ વડીલોએ આ સુંદર વ્યવસ્થાઓ રચી છે, કારણ કે જે વૃક્ષ પોતાના મૂળથી છૂટું પડી જાય એને ધરાશાયી થતાં વાર નથી લાગતી એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.

અત્યારે શ્રાદ્ધપક્ષનો પવિત્ર સમય ચાલી રહ્યો છે. આપણે પૂર્વજોનું સ્મરણ કરીને સપરિવાર ભેગા થઈએ છીએ, કાગવાસ નાખીએ છીએ, બ્રાહ્મણોને જમાડીએ છીએ અને ગાય-કૂતરાને પણ અન્ન આપીએ છીએ. પિતૃસ્મરણ અને કાગવાસની આ પરંપરાને કેટલાક લોકો અંધશ્રદ્ધા ગણાવે છે. જોકે આને માત્ર શ્રદ્ધા કે વિધિ તરીકે જોઈએ તો પણ એના પર ગર્વ લેવા જેવો છે, કારણ કે એ કોઈ જીવને નુકસાન પહોંચાડતી નથી. ઊલટું પશુ-પક્ષીઓનું પેટ ભરે છે, જીવદયાની ભાવના જગાવે છે અને શ્રાદ્ધના નિમિત્તે આખા પરિવારને એકતાના તાંતણે બાંધે છે.



ઋતુચર્યા અને આહારવિજ્ઞાનનો મેળ


શ્રાદ્ધપક્ષની પરંપરામાં ઊંડા ઊતરીએ અને એને આરોગ્ય તેમ જ આહારશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો અનેક રસપ્રદ તથ્યો સામે આવે છે. શ્રાદ્ધપક્ષ દરમ્યાન વર્ષાઋતુ વિદાય લઈ રહી હોય છે અને ઠંડી હજી શરૂ થઈ નથી હોતી. આયુર્વેદ મુજબ આ ઋતુસંધિના ગાળામાં ગરમી અને ભેજ વધતાં શરીરમાં પિત્તનો પ્રકોપ વધે છે. એને શાંત કરવા માટે મધુર અને શીત ગુણવાળો આહાર અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. તેથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર અને દૂધપાક જેવી દૂધની વાનગીઓ પીરસવાની પરંપરા વિકસી હશે. આ મીઠી વાનગીઓને માત્ર સ્વાદ સાથે નહીં, પરંપરાગત ઋતુચર્યા અને સ્વાસ્થ્ય સાથે જોડીને જોવી જોઈએ (જોકે આજના સમયમાં ડાયાબિટીઝ ધરાવતા દરદીઓએ આ બાબતે સભાન રહીને સેવન મર્યાદિત રાખવું જરૂરી છે).

કુદરત અને સહઅસ્તિત્વની સુંદર વ્યવસ્થા


કુદરતના વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સૃષ્ટિના સંચાલનમાં મનુષ્ય એકલો નથી, અન્ય જીવોનો પણ એટલો જ મહત્ત્વનો સહભાગ છે. શ્રાદ્ધપક્ષમાં કાગડાને અન્ન આપવાની પરંપરા ધાર્મિક રીતે પિતૃઓ સાથે જોડાયેલી છે, પરંતુ ઇકોલૉજી એટલે કે કુદરતી દૃષ્ટિએ કાગડો સર્વભક્ષી હોવાથી વિવિધ કચરો અને જૈવિક અવશેષો ખાઈને પ્રકૃતિના સફાઈ-કામદાર જેવી મોટી ભૂમિકા ભજવે છે. કાગડા અને કોયલનું કુદરતી ચક્ર પણ એટલું જ રસપ્રદ છે. પ્રજનનકાળ દરમ્યાન કોયલ પોતાનાં ઈંડાં કાગડાના માળામાં મૂકે છે અને કાગડો એને પોતાનાં ઈંડાંની સાથે સેવીને બચ્ચાંને ઉછેરે છે. પક્ષીવિજ્ઞાનમાં આ ઘટના ‘બ્રૂડ પૅરાસિટિઝમ’ તરીકે ઓળખાય છે. પ્રકૃતિના આ
સફાઈ-કામદારને ઓછી મહેનતે પૌષ્ટિક આહાર મળી રહે એવો ઉમદા હેતુ કદાચ કાગવાસની પાછળ રહેલો છે. શ્રાદ્ધમાં ગાય અને કૂતરાને પણ અન્ન આપવાની પ્રથા એ જ શાશ્વત સંદેશ આપે છે કે માનવીની થાળીમાં સમગ્ર જીવસૃષ્ટિનો હિસ્સો સમાયેલો છે.

પારિવારિક સંબંધો અને સ્નેહસેતુ

ભોજનનો સાચો મહિમા થાળીમાં નહીં, પારિવારિક સંબંધોમાં રહેલો છે. આજની દોડધામભરી જિંદગીમાં જમવાનું તો બધાને સમયસર મળી રહે છે, આખા પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન માણી શકે એવો સમય ભાગ્યે જ મળે છે. શ્રાદ્ધપક્ષ એક એવો પ્રસંગ છે જે પરિવારના સભ્યોને એક છત નીચે લાવે છે, જેથી તેઓ સાથે બેસીને ભોજન કરી શકે. આ પારિવારિક મેળાપને લીધે પરસ્પર સંવાદ વધે છે, નાની-મોટી ગેરસમજણો અને મતભેદો ઓગળે છે, સંબંધો મજબૂત બને છે અને નવી પેઢીને પોતાના કુટુંબના વડીલો સાથે લાગણીથી જોડાવાની તક મળે છે.

મૂળિયાંની ઓળખ અને અતીતનું સ્મરણ

શ્રાદ્ધપક્ષ વર્તમાનમાં જીવીને ભૂતકાળને યાદ કરવાની અને એ સ્મૃતિઓને ભવિષ્ય માટે સાચવી રાખવાની તક પૂરી પાડે છે. આજે કેટલાં બાળકો જાણે છે કે તેમના પરદાદા કોણ હતા અને તેમણે પરિવાર માટે કેટલો સંઘર્ષ અને ત્યાગ કર્યો હતો? શ્રાદ્ધપક્ષ આ મૂલ્યવાન સંવાદ શરૂ કરવાનો સેતુ બને છે. ‘આપણા પરદાદા ક્યાંથી આવ્યા હતા’, ‘દાદાએ પરિવારને સ્થાયી કરવા કેટલી મહેનત કરી હતી’ કે ‘દાદીએ કેવી રીતે સમગ્ર ઘરને સાચવી રાખ્યું હતું’ જેવી વાતો નવી પેઢીને સમજાવે છે કે તેમનું અસ્તિત્વ અચાનક ઊભું થયું નથી; એની પાછળ પેઢીઓનો પરિશ્રમ છે. આમાંથી વડીલો પ્રત્યે કૃતજ્ઞતા જન્મે છે. આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જો આજે આપણે આપણા વડીલોને યાદ કરીશું તો જ આવતી કાલે આપણાં સંતાનો આપણને યાદ કરશે. શ્રાદ્ધ જેવી પરંપરા પેઢી દર પેઢી પરિવારની સ્મૃતિ, સંસ્કાર અને વારસાની કડી જીવંત રાખવાનું કામ કરે છે. આજે આપણે સ્મૃતિની સાંકળમાં જે કડી ઉમેરીશું એ જ કડી કાલે આપણી યાદોને સંતાનો સુધી પહોંચાડશે.

પરંપરા અને વિજ્ઞાન, વિરોધી નહીં પણ પૂરક છે

ઘણી વાર આપણે પરંપરા અને વિજ્ઞાનને એકબીજાના વિરોધી માની બેસીએ છીએ, જાણે બન્નેમાંથી એક જ પસંદ કરવાનું હોય! હકીકતમાં વિજ્ઞાન અને પરંપરા બન્ને જીવન માટે અનિવાર્ય છે. તેથી સમય અને તર્ક પ્રમાણે પરંપરાઓમાં જરૂરી સુધારાઓ પણ થવા જોઈએ. પરંપરા ખાબોચિયામાં ભરાયેલા બંધિયાર પાણી જેવી જડ નહીં, નદીના નિર્મળ અને ખળખળ વહેતા પાણી જેવી જીવંત હોવી જોઈએ. આજે વ્યસ્તતાને કારણે ઘરમાં દૂધપાક ન બનાવી શકીએ તો બહારથી લાવીને પણ કાર્ય કરી શકાય, પરંતુ કાગવાસ અને જીવદયા જેવી ભાવના અકબંધ રહેવી જોઈએ. જ્યાં પરંપરામાં આરોગ્ય, કુટુંબભાવના, પર્યાવરણ અને કૃતજ્ઞતા વણાયેલાં હોય ત્યાં એને માત્ર અંધશ્રદ્ધા ગણીને છોડી દેવી એ પોતાનાં જ મૂળિયાં કાપવા સમાન છે.

અંતિમ વિચાર 
ભાદરવાનો શ્રાદ્ધપક્ષ આપણને શીખવે છે કે ભોજન માત્ર પોતાના સ્વાદ માટે નથી, પરિવાર માત્ર લોહીના સંબંધો પૂરતો મર્યાદિત નથી, પૂર્વજો માત્ર ભૂતકાળ નથી અને પરંપરા એ કેવળ અંધશ્રદ્ધા નથી. ઘરમાં જ્યારે શ્રાદ્ધનું ભોજન બને, પરિવાર એકત્ર થાય અને આંગણે કાગડો ‘કા... કા...’ કરતો આવે ત્યારે એને માત્ર ઔપચારિક ધાર્મિક વિધિ ન ગણતાં એમાં રહેલી પૂર્વજોની સ્મૃતિ, પારિવારિક સ્નેહ, અન્ન વહેંચવાનો સંદેશ અને નિસર્ગ પ્રત્યેની ઊંડી સંવેદનાનો સ્વીકાર કરવો જોઈએ; કારણ કે જે સમાજ પોતાનાં મૂળિયાંને સાચવી જાણે છે એની ડાળીઓ હંમેશાં હરીભરી રહે છે.

- રાજેશ ચાવડા

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK