° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


ફ્યુઝન ક્વિઝીનના ટ્રેન્ડમાં ભળી રહ્યું છે છમકારા બોલાવતું સિઝલર

09 March, 2021 02:08 PM IST | Mumbai | Pooja Sangani

ફ્યુઝન ક્વિઝીનના ટ્રેન્ડમાં ભળી રહ્યું છે છમકારા બોલાવતું સિઝલર

ફ્યુઝન ક્વિઝીનના ટ્રેન્ડમાં ભળી રહ્યું છે છમકારા બોલાવતું સિઝલર

ફ્યુઝન ક્વિઝીનના ટ્રેન્ડમાં ભળી રહ્યું છે છમકારા બોલાવતું સિઝલર

મૂળ જૅપનીઝ વાનગીમાંથી અવરતરણ પામેલી આ વાનગી અમેરિકાના માર્ગે થઈને હવે તો વિશ્વભરમાં કૉમન થઈ ગઈ છે અને બધા પોતપોતાની વાનગીને સિઝલિંગ પ્લેટ પર આગવી રીતે પેશ કરીને ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઇ ફ્યુઝનવાળી ડિશ બનાવી રહ્યા છે

થોડા સમય અગાઉ બાહુબલી થાળીનો ખૂબ ક્રેઝ હતો. રેસ્ટોરાંમાં જેણે બાહુબલી થાળી મગાવી હોય તેના તરફ સૌનું ધ્યાન જાય, કારણ કે કિચનમાંથી બે જણ ઊંચકીને વાજતેગાજતે ગ્રાહકને ટેબલ સુધી પહોંચાડવા આવે, ભારે અદબ સાથે. એટલે આસપાસ બેઠેલા ગ્રાહકોનું પણ ધ્યાન જાય કે કોણે બાહુબલી થાળી મગાવી. એવી જ બીજી એક વાનગી છે જે મગાવી હોય તો આસપાસ બધાનું ધ્યાન ખેંચે. રેસ્ટોરાંના ઍર-કન્ડિશન્ડ વાતાવરણમાં એની સ્મૉકી સુગંધ ફેલાઈ જાય અને ચારે બાજુ ધુમાડો ફેલાતો હોય એવું લાગે. હા, સાચું વિચાર્યું, આજે સિઝલરની વાત કરવાના છીએ. 
સિઝલર્સ શું છે? આમ તો અંગ્રેજીનો શબ્દ છે sizzle એટલે કે કોઈ પણ ગરમ વસ્તુ થાય પછી પાણીનો અને વરાળનો આવતો અવાજ. પાણી ઊકળવા માંડે તો કેવો ધુમાડો અને વરાળ અવાજ કરે. તળપદી ગુજરાતી ભાષામાં કહું તો છમમમ અવાજ સાથે ગરમાગરમ પીરસાય એ સિઝલર. સિઝલર અનેક જાતનાં આવે છે અને એમાં કોઈ એક વાનગી નથી, પરંતુ ઘણી વાનગીઓનો શંભુમેળો હોય છે. 
સિઝલરનું ઓરિજિન
સિઝલરનો ઉદ્ભવ જપાનની ટેપન્યાકી-સિઝલ્ડ નામની વાનગીમાંથી થયો છે અને પછી અમેરિકાના રસ્તે થઈને વિશ્વના બીજા દેશોમાં એનો પ્રવેશ થયો છે. ભારતમાં સિઝલર્સ કેવી રીતે આવ્યાં એ વિશે હોટેલ ફૉર્ચ્યુન લૅન્ડમાર્કના એક્ઝિક્યુટિવ શેફ સુરેશ ખન્ના કહે છે, ‘લગભગ ૨૦ વર્ષ પહેલાં ભારતમાં ઑથેન્ટિક સિઝલર્સ ફક્ત ફાઇવસ્ટાર હોટેલ્સમાં જ મળતાં હતાં. આપણા દેશમાં ચટાકેદાર ન હોય એવી સ્વાદ વગરની વસ્તુ ઓછી ચાલે અને
ધીમે-ધીમે ઑથેન્ટિકમાંથી ફ્યુઝન સિઝલર બનવાનું શરૂ થયું એટલે કે એમાં ઇન્ડિયન સ્વાદનો તડકો ઉમેરવામાં આવ્યો. પહેલાંના સમયમાં હું ચાર
જાતનાં સિઝલર બનાવતો હતો, જેમાં સિઝલરની બનાવવાની પદ્ધતિ બધામાં સરખી જ હતી અને એમાં ભારતીય, મેક્સિકન, ઇટાલિયન અને કૉન્ટિનેન્ટલનો સમાવેશ થતો હતો, પણ છેલ્લાં કેટલાંક વર્ષથી હું પોતે લોકોના સ્વાદ મુજબ અલગ-અલગ પ્રકારનાં કૉમ્બો સિઝલર બનાવું છું.’ 
સિઝલરમાં ફ્યુઝન
‍અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની અમદાવાદની વિઝિટ દરમ્યાન તેમના નાસ્તાનું મેન્યૂ ક્યુરેટ કરનારા શેફ સુરેશ ખન્ના ભારતીય સિઝલર વિશે કહે છે, ‘ઇન્ડિયન સિઝલરમાં વેજ બિરયાની અને કૅપ્સિકમ નાખી એટલે કે સ્ટફ કરીને સાથે રાઇતું અને મિની બેબી નાન સર્વ કરીએ. જે સાઇડમાં બાસ્કેટમાં મુકાયેલી હોય. એની સાથે દાળ મખની સર્વ કરવાની. આવી જ રીતે હું કૉન્ટિનેન્ટલ, ઇટાલિયન, તંદૂર અને થાઇ સિઝલરમાં પણ અનેક ફ્યુઝન કરી સિઝલર તૈયાર કરતો હોઉં છું.’  
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ‘કૅફે અપર ક્ર્સ્ટ’ નામની રેસ્ટોરાંનાં સિઝલર વખણાય છે. આ રેસ્ટોરાંની ખાસ ડિશ છે મિક્સ વેજ સિઝલર સિગ્નેચર. એમાં તેઓ વેજ કટલેટમાં બર્મીઝ સ્પૅગેટી સાથે સ્ટફ્ડ કૅપ્સિકમ, સ્ટફ્ડ ટમૅટો અને ફ્રેન્ચ ફ્રાયઝ પીરસે છે. કૉટેજ સ્ટિક નામના સિઝલરમાં તેઓ પનીરને બાફેલા બટાટામાં ભરીને ઉપર બ્રાઉન સૉસ સાથે ઓછા તેલમાં સાંતળેલાં શાકભાજી, ફ્રેન્ચ ફ્રાયઝ સાથે ગાર્લિક બ્રેડ સર્વ કરે છે. તેઓ સિઝલરની વિ‌વિધતામાં ઇન્ડિયન ટચ આપીને લોકોને મોજ કરાવે છે અને અહીં વર્ષમાં એક વાર સિઝલર ફેસ્ટિવલનું આયોજન પણ થાય છે. 
સિઝલરની ગોઠવણ
ઇન્ડિયન અને ગુજરાતી ટેસ્ટનાં સિઝલર વિશે ‘કૅફે અપર ક્રસ્ટ’ રેસ્ટોરાંનાં સંચાલક મોનિશા ડિસોઝા કહે છે, ‘વિદેશી વાનગીને દેશી ટચ આપીને અમે અમદાવાદમાં છેક ૧૯૯૬માં વેજ સિઝલરના મેન્યૂમાં ૧૫ પ્રકારનાં સિઝલરનો સમાવેશ કર્યો છે. અલગ-અલગ વાનગીઓને એકજૂટ કરી આયર્ન પ્લેટમાં ઍસેમ્બલ કરી લાંબા સમય સુધી ગરમ રાખવાના હેતુથી આ કન્સપ્ટ ટ્રેન્ડમાં આવ્યો હતો.’ 
‌સિઝલરમાં થતા ધુમાડા વિશે મોનિશા કહે છે, ‘ગરમાગરમ તવી પર બટર અને પાણી છાંટીને ધુમાડો કરવામાં આવે છે. તવીમાં સૌપ્રથમ નીચેના ભાગમાં મૅરિનેટ કરેલા કાંદા કે કૅપ્સિકમ ગોઠવવામાં આવે છે અને કોબિજનાં પાંદડાંથી સ્કિલેટને કવર કરવામાં આવે છે જેથી સિઝલર ખાતી વખતે સ્મૉકી ફ્લેવરનો અનુભવ થાય. ઘણી જગ્યાએ હૉટ પ્લેટમાં વચ્ચે નાની સાઇઝની બીજી હૉટ પ્લેટ મૂકીને પાણી છાંટવામાં આવે છે જેથી સિઝલિંગનો અવાજ આવે, ધુમાડો નીકળે અને લાંબા સમય સુધી સામગ્રી ગરમ રહે.’

આ રીતે ઘરે બનાવો થાઇ ‌સિઝલર : હોમ શેફ ઍડ્વોકેટ દિશા ચાવડા

સામગ્રી
૧ કપ ચોખા,
૧૦૦ ગ્રામ નૂડલ્સ,
૨ કોકોનટ મિલ્ક ટેટ્રા પૅક
ગ્રીન કરી માટે : ૧ વાટકી કોથમીર, ૫-૭ કોથમીરની ડાળખી, ૧ ડુંગળી, ૧ મોટો ટુકડો આદું, ૩-૪ કળી લસણ, ૧ ચમચી સૂકા ધાણા, ૧ લીલું મરચું, ૫-૭ કાળાં મરી, ૧ ચમચી જીરું
થોડું લેમન ગ્રાસ, થોડી લીંબુની છાલ ખમણીને, મીઠું સ્વાદ અનુસાર
રેડ કરી માટે : ૩-૪ ફ્રેશ લાલ મરચાં, ૫-૭ કોથમીરની ડાળખ, ૧ ડુંગળી, ૧ મોટો ટુકડો આદું, ૩-૪ કળી લસણ, ૧ ચમચી સૂકા ધાણા, ૫-૭ કાળાં મરી, ૧ ચમચી જીરું, થોડું લેમન ગ્રાસ, થોડી લીંબુની છાલ ખમણીને, મીઠું સ્વાદ અનુસાર
ફ્રેન્ચ ફ્રાઇઝ માટે : બે બટાટા, મીઠું સ્વાદ અનુસાર, તળવા માટે તેલ
કૉર્ન કેક માટે : ૨-૩ બાફેલા બટાટા, ૧ વાટકી બ્રેડ ક્રમ્બ્સ, ૨ ચમચી રેડ પેસ્ટ, ૧ ચમચી બેઝિલ, ૧ ચમચી સફેદ તલ, ૧૦૦ ગ્રામ પનીર, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદ અનુસાર, ૧ ચમચી રેડ પેસ્ટ
વેજિસ માટે :  ૧/૨ વાટકી વટાણા, ૪-૫ ટુકડા ફ્લાવર, ૧/૨ ગાજર, ૫-૭ નંગ ફણસી, ૧ વાટકી બ્રોકલી, ૪-૫ નંગ મશરૂમ, ૪-૫ નંગ બેબી કૉર્ન, ૧ વાટકી લાલ-લીલાં-પીળાં કૅપ્સિકમ, ૧ ડુંગળી, ૧ વાટકો કોબી, ૧ વાટકી લીલી ડુંગળી, ૧ વાટકી કૅપ્સિકમ, ૭-૮ કળી લસણ ચોપ કરેલું, ૧/૨ વાટકી તેલ, મીઠું સ્વાદ અનુસાર, થોડાં કોબીનાં પત્તાં, ૧/૨ વાટકી પાણી, ૨ ચમચી બટર
બનાવવાની રીત
ફણસી, ગાજર, ફ્લાવર અને વટાણા થોડું મીઠું નાખીને વરાળમાં બાફી લેવાં. કૅપ્સિકમ, મશરૂમ, બેબી કૉર્ન, ડુંગળી બ્રોકલી અને પનીર સમારી લેવાં.
ગ્રીન અને રેડ કરી માટેની સામગ્રીને અલગ-અલગ રીતે મિક્સરમાં ક્રશ કરીને જુદી કાઢી લેવી.
થાઇ કૉર્ન કેક માટે બાફેલા બટાટામાં ક્રશ કરેલી મકાઈ, થાઇ રેડ કરી, બ્રેડ ક્રમ્સ, બેઝિલ અને સફેદ તલ નાખીને મિક્સ કરી પૅટીસ વાળીને શેકી લેવી.
નૂડલ્સને બાફી લેવા. પૅનમાં થોડું તેલ મૂકીને એમાં લસણ, ડુંગળી, કોબી અને કૅપ્સિકમ નાખીને શેકવું. ત્યાર બાદ એમાં રેડ પેસ્ટ નાખીને થોડું શેકવું. ત્યાર બાદ એમાં મીઠું, નૂડલ્સ અને કોકોનટ મિલ્ક નાખીને લીલી ડુંગળી નાખી સરખું મિક્સ કરી લો. નૂડલ્સ તૈયાર છે.
ફરી બીજા પૅનમાં થોડું તેલ મૂકીને એમાં લસણ, ડુંગળી, કોબી અને કૅપ્સિકમ નાખી શેકવું. ત્યાર બાદ એમાં ગ્રીન પેસ્ટ નાખીને થોડું શેકવું. ત્યાર બાદ એમાં મીઠું, રાઇસ અને કોકોનટ મિલ્ક નાખી લીલી ડુંગળી નાખીને સરખું મિક્સ કરી લો. રાઇસ તૈયાર છે.
પૅનમાં તેલ મૂકી ટોફુ નાખી મીઠું અને રેડ કરી નાખીને શેકવું. પૅનમાં થોડું તેલ મૂકી લસણ નાખી કૅપ્સિકમ, મશરૂમ, બેબી કૉર્ન, ડુંગળી, બ્રોકલી નાખી મીઠું, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ અને બેઝિલ નાખી સાંતળવું.
બટાટાને ઊભા સમારી તેલમાં તળી ફ્રેન્ચ ફ્રાઇઝ રેડી કરો. બધી સામગ્રી તૈયાર થઈ જાય એટલે સિઝલર સર્વ કરવાની તૈયારી કરવી.
સિઝલરના તવાને થોડી વાર ગરમ કરી કોબીનાં પાન ગોઠવી બધી સામગ્રી વારાફરતી ગોઠવી લેવી. ત્યાર બાદ બટર અને પાણીના મિશ્રણને ચમચીથી બધી બાજુએ રેડવું જેથી સ્મૉક થશે અને આમ સિઝલર ગરમાગરમ સર્વ કરવું.

09 March, 2021 02:08 PM IST | Mumbai | Pooja Sangani

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:59 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:45 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:41 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK