જસ્ટ વિચાર કરો કે જે ચાંદીનો ભાવ એક લાખ ચાલીસ હજાર હોય એ ગણતરીના દિવસોમાં ત્રણ લાખ ૬૦ હજાર થઈ જાય એ સામાન્ય ભાવવધારો નથી. સોનું પણ જે તેજીથી વધ્યું છે.
મેટલ ઍન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટ્સ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જિતેન્દ્ર શાહ અત્યારે ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના પ્રેસિડન્ટ હોવાની સાથે નૅશનલ ટ્રેડર્સ વેલ્ફેર બોર્ડના બોર્ડ-મેમ્બર છે અને દિલ્હીમાં મહારાષ્ટ્રને રિપ્રેઝન્ટ કરે છે
ભારતમાં સોનું અને ચાંદી માત્ર કીમતી ધાતુ નથી પરંતુ એક આમ નાગરિકના જીવન સાથે સંકળાયેલું મહત્ત્વનું પરિબળ છે. આપણા લગ્નપ્રસંગો સોના-ચાંદીથી પૂરા થતા હોય છે. આપણે ત્યાં લગભગ દરેક ઘરમાં સોના-ચાંદીના દાગીનાનું હોવું સામાન્ય છે. એની સાથે આપણે ત્યાંના લોકોનો સ્ટેટસનો નહીં પણ લાગણીનો સંબંધ છે. આ જ કારણ છે કે અત્યારે જે નાટ્યાત્મક રીતે સોના-ચાંદીના ભાવો વધ્યા છે એ અચંબિત કરનારા અને ચિંતા ઉપજાવનારા છે. યાદ રાખજો કે આ નૉર્મલ ભાવવધારો નથી, આ ઍબ્નૉર્મલ છે. એ વાત સાવ સાચી કે સોનું હંમેશાં વધ્યું છે, પરંતુ આ ઝડપે નહીં. આમાં કોઈક જુદો ખેલ ચાલી રહ્યો હોય, સટ્ટાબજાર સક્રિય થયું હોય અને એની કિંમતને કૃત્રિમ રીતે વધારવામાં આવી રહી હોય એવી સંભાવનાઓ ખૂબ જ સ્ટ્રૉન્ગ છે અને એટલે જ જરૂર છે કે હવે સરકારનો હસ્તક્ષેપ થાય. ક્યાંક આ ગાંડા હાથીને કન્ટ્રોલની જરૂર છે અને સરકારના નિયંત્રણ વિના એ નહીં અટકે.
જસ્ટ વિચાર કરો કે જે ચાંદીનો ભાવ એક લાખ ચાલીસ હજાર હોય એ ગણતરીના દિવસોમાં ત્રણ લાખ ૬૦ હજાર થઈ જાય એ સામાન્ય ભાવવધારો નથી. સોનું પણ જે તેજીથી વધ્યું છે અને દોઢ-બે મહિનામાં સીધો ૬૦ હજારનો ઉછાળો આવ્યો એ પણ ઍબ્નૉર્મલ છે. ઘણી દલીલો થઈ રહી છે કે દુનિયામાં અસ્થિરતા છે; ચીન, રશિયા સોનું-ચાંદી ખરીદીને અમેરિકન ડૉલરને પ્રભાવિત કરવા માગે છે વગેરે-વગેરે. વૉટેવર કારણ આપો, એ પછીયે ચાર-પાંચગણો વધારો થવો અસ્વાભાવિક છે અને એટલે જ સરકાર હવે આમાં હસ્તક્ષેપ કરે એ જરૂરી છે. લગભગ ચારેક વર્ષ પહેલાં નિકલ નામની ધાતુનો ભાવ આમ જ એકાએક પંદર હજારમાંથી એક મહિનામાં લાખ રૂપિયા પર પહોંચી ગયો હતો. સટ્ટાબજારની જ કમાલ હતી અને જેવું સરકારના હસ્તક્ષેપથી MCX પર એનું ટ્રેડિંગ બંધ થયું કે એના ભાવમાં નિયંત્રણ આવવાનું શરૂ થયું હતું. આ સ્થિતિમાં માત્ર કૉમનમૅન નહીં પણ સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા નાના વેપારીઓનું ઉઠમણું થઈ જશે. આ બિઝનેસ ઉધારી પર ચાલતો હોય છે. એમાં નાના વેપારીએ ઓછા ભાવમાં વ્યાજ પર લાવેલા પૈસાથી સોનું ખરીદ્યું હોય અને પછી આ ભાવ સાથે સોનું પાછું આપવાનું આવે ત્યારે તેઓ નહીં પહોંચી શકે. બહુ ખરાબ સ્થિતિ નિર્માણ થવાનું શરૂ થઈ ગયું છે.
ADVERTISEMENT
આની વચ્ચે આમ આદમીને તો એમ જ કહીશ કે ભલે રહ્યાં તમારાં સંતાનોનાં લગ્ન, અત્યારે ખેંચાઈને સોનું કે ચાંદી ખરીદવાની કોઈ જરૂર નથી. અત્યારે તેમને રોકડી રકમ આપી દો કારણ કે અત્યારે જે ભાવો છે એ સાચી રીતે વધેલા નથી એ તો સો ટકા સાચું છે અને બહુ જલદી એમાં બદલાવ આવે એવી પૂરી સંભાવના છે.


