આજની ભાગદોડભરી જિંદગીમાં આપણે સૌ પોતાની જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે ઘણી વાર આપણી આસપાસના લોકોની મુશ્કેલીઓ તરફ ધ્યાન જતું નથી. સમાજસેવા માટે મોટા બજેટ કે વિશાળ આયોજનની જરૂર નથી.
જતીન મારુ
જીવનમાં સફળતા મેળવવી જેટલી મહત્ત્વની છે, એટલું જ મહત્ત્વનું છે આપણી સફળતાનો લાભ સમાજ સુધી પહોંચાડવો. સમાજસેવા એ પ્રવૃત્તિ નથી, એક વિચારધારા છે. આપણે જીવનમાં જે કંઈ મેળવીએ છીએ, એમાં સમાજનો પણ મોટો ફાળો હોય છે. તેથી સમાજને કંઈક પાછું આપવું એ આપણી જવાબદારી જ નહીં, આપણું સૌભાગ્ય પણ છે. લાયન્સ ક્લબના નેજા હેઠળ અન્નદાન, મેડિકલ સહાય, આંખનાં ઑપરેશન, ડાયાલિસિસ માટે સહયોગ, શિક્ષણને પ્રોત્સાહન, ડાયાબિટીસ જાગૃતિ, આરોગ્ય તપાસ શિબિરો, પર્યાવરણનું જતન અને જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવાનો હેતુ માત્ર જરૂરિયાત પૂરી કરવાનો નથી, લોકોના જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને ખુશી લાવવાનો છે. ભૂખ્યાને ભોજન મળે, ત્યારે સમજાય છે કે અન્નદાનનું મહત્ત્વ શું છે. જરૂરિયાતમંદ દરદીને સારવાર માટે સહાય મળે, ત્યારે સમજાય છે કે સમયસર મળેલી મદદ કોઈનો જીવ બચાવી શકે છે. કોઈ બાળકને શિક્ષણની તક આપીએ ત્યારે એ બાળકનું જ નહીં, એક પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. સમાજસેવા એટલે માત્ર દાન નહીં, સંવેદના પણ!
આજની ભાગદોડભરી જિંદગીમાં આપણે સૌ પોતાની જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે ઘણી વાર આપણી આસપાસના લોકોની મુશ્કેલીઓ તરફ ધ્યાન જતું નથી. સમાજસેવા માટે મોટા બજેટ કે વિશાળ આયોજનની જરૂર નથી. મુશ્કેલીમાં મુકાયેલા પરિવારની પડખે ઊભા રહેવું એ પણ સમાજસેવાનું જ સ્વરૂપ છે. આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ આ ત્રણ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. સમાજના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય અને શિક્ષણ સૌથી મહત્ત્વના આધારસ્તંભો છે. આર્થિક મુશ્કેલીને કારણે કોઈ વ્યક્તિ સારવારથી વંચિત ન રહે અને કોઈ બાળક શિક્ષણથી દૂર ન રહે, એ માટે સમાજની દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપવું જોઈએ. પર્યાવરણનું જતન પણ આપણી સામૂહિક જવાબદારી છે. વૃક્ષારોપણ, પાણીની બચત, સ્વચ્છતા અને કુદરતી સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ જેવી બાબતો વિશે જાગૃતિ લાવવી આવનારી પેઢી માટે અત્યંત જરૂરી છે. વર્તમાન સમયમાં સમાજસેવાને વધુ વ્યાપક બનાવવા માટે યુવાનોને આ કાર્ય સાથે જોડવા પ્રોત્સાહિત કરવા જોઈએ. યુવાનો પાસે નવી વિચારધારા, ઊર્જા અને પરિવર્તન લાવવાની ક્ષમતા છે. સમાજસેવા એ કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનું કાર્ય નથી. દાતાઓનું આર્થિક યોગદાન, સ્વયંસેવકોનો સમય, ડૉક્ટરોનું જ્ઞાન, શિક્ષકોનું માર્ગદર્શન અને સામાન્ય નાગરિકોની સંવેદનશીલતા આ બધું ભેગું થાય ત્યારે જ સેવાનું કાર્ય વધુ અસરકારક બને છે. લાયન્સ ક્લબ સાથેની મારી સફરે મને શીખવ્યું છે કે જ્યારે લોકો સારા હેતુ માટે સાથે આવે છે, ત્યારે નાનાં નાનાં યોગદાન પણ મોટા પરિવર્તનનો પાયો બને છે.
ADVERTISEMENT
- જતીન મારુ
જતીન મારુ લાયન્સ ક્લબ ઑફ બૉમ્બે વિલે પાર્લે-વેસ્ટના પ્રેસિડન્ટ છે. તેઓ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેમનો ડિઝાઇનર લેડીઝ હૅન્ડબૅગ્સ, પાર્ટી પર્સ, વેડિંગ ક્લચ બનાવવાનો બિઝનેસ છે.
