Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સમાજસેવા માટે સ્ટૉક એક્સચેન્જમાં રોકાણ કરવું છે? વળતર નહીં મળે, પણ...

સમાજસેવા માટે સ્ટૉક એક્સચેન્જમાં રોકાણ કરવું છે? વળતર નહીં મળે, પણ...

Published : 03 September, 2026 03:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દાનના નામે થતી નાણાકીય ગોલમાલ, મની-લૉન્ડરિંગ, કાળાં-ધોળાંની પ્રવૃત્તિઓને ડામવા એક માર્ગ સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ સ્વરૂપે શરૂ થયો છે; પરંતુ એના સદુપયોગ માટે સક્રિયતા જણાતી નથી. આ નોખા વિચાર પર પુનઃ વિચાર કરવાની જરૂર છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


દાન એ આપણા દેશની હજારો વર્ષની સંસ્કૃતિ અને પરંપરાનો બહુ મહત્ત્વનો એક ભાગ છે. જોકે સમય સાથેના પરિવર્તનમાં દાનનાં સ્વરૂપ બદલાતાં ગયાં છે. સામાજિક હિતમાં લગભગ દરેક વ્યક્તિ પોતાના તરફથી કંઈક ને કંઈક આપવા ઇચ્છુક હોય છે, જેને તે સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવાનું કાર્ય ગણે છે. આજના સમયમાં દાનની પ્રવૃત્તિઓમાં પણ અનેક પ્રકારની બદીઓ વધતી ગઈ છે. કાળાં નાણાંને ધોળાં કરવા અપાતું દાન, મની-લૉન્ડરિંગ માટે કરાતું દાન, અપરાધલક્ષી પ્રવૃત્તિઓ માટે કરાતું દાનથી લઈને અનેક કુપાત્ર દાન પણ ભરપૂર માત્રામાં થવાં લાગ્યાં છે. અલબત્ત, જેમ સરકારી સહાય ખરેખર જરૂરતમંદ વર્ગ સુધી પહોંચે છે કે કેમ અને કેટલી પહોંચે છે એવો સવાલ રહેતો હોય છે એમ દાનની રકમ પણ ખરેખર જેમના માટે દાન અપાયું છે તેમના સુધી પહોંચે છે કે નહીં એ સવાલ દાતાઓના મનમાં રહેતો હોય છે. એને ધ્યાનમાં રાખીને ફાઇનૅન્શિયલ સેક્ટરમાં સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ (SSE)ના વિચારે જન્મ લીધો હતો અને હવે આ દિશામાં સામાજિક પ્રવૃત્તિ કરતી વિવિધ સામાજિક-ચૅરિટેબલ સંસ્થાઓ, નો પ્રૉફિટ માટે કાર્યરત સંગઠનો, નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશનો (NGO)ને એમના માટે ભંડોળ ઊભું કરવાનો નવો અને નોખો માર્ગ સોશ્યલ સ્ટૉક એક્સચેન્જે કરી આપ્યો છે જ્યાં જેના માટે દાન આવ્યું છે તેમના માટે વપરાવાની ખાતરી અને પારદર્શકતા છે. આ કન્સેપ્ટને સમજવા જેવો છે. 
લેભાગુઓથી બચવાનો ઉપાય
તમને રોજ વિવિધ NGOના ફોન આવતા હશે કે ફલાણા સામાજિક હેતુ માટે અમારું NGO કામ કરે છે તો તમે અમને દાન આપો, તમને કરકપાતમાંથી રાહત મળશે; એક લિન્ક મોકલીએ છીએ એના પર ક્લિક કરીને દાન આપી શકો છો, રસીદ તમને વૉટ્સઍપ કે ઈ-મેઇલમાં મળી જશે. ફોન કરનાર ખરેખર NGOવાળા છે કે કોઈ સાઇબર ફ્રૉડ કરનારા એ શંકાથી માંડીને જાણીતાં NGO તમારા દાનના પૈસા વેડફે છે કે એનો સદુપયોગ કરે છે એ વિશે તમને સતત શંકા-કુશંકા રહે છે. આમ વર્ષોથી થતું રહ્યું છે. જોકે એનો અર્થ એ નથી કે બધાં દાન ખોટાં છે કે સંસ્થાઓ અને NGO-ટ્રસ્ટ ખોટાં છે. આ વિષયમાં સોશ્યલ સ્ટૉક એક્સચેન્જનો માર્ગ દાન સંબંધી સવાલો કે શંકાઓને દૂર કરવામાં અને વિશ્વાસ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ નવા માર્ગની સ્થાપના નિયમનતંત્ર સેબી અને સ્ટૉક એક્સચેન્જોએ કરી છે. આ વ્યવસ્થા હેઠળ આપેલા દાનની રકમ જેમ શૅરમાં કે બૉન્ડમાં કરેલા રોકાણવાળાં ભંડોળોનો કંપનીઓ યોગ્ય ઉપયોગ કરે છે કે નહીં એ સેબી અને એક્સચેન્જો ટ્રૅક કરે છે એમ જ ટ્રૅક થાય છે. આ રોકાણ કરનારને રિટર્નમાં ડિવિડન્ડ કે વ્યાજની આવક નહીં પરંતુ તેમણે આપેલા દાન દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો સંતોષ મળે છે. અલબત્ત, કરલાભ પણ ખરો. 
આગામી સમયમાં આ વિચાર ફેલાશે અને વધુ ટ્રસ્ટ-ઑર્ગેનાઇઝેશનો આગળ આવશે. કંપનીઓ પણ તેમના કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબલિટી ફન્ડના ઉપયોગ માટે પણ આ મંચનો વધુ ઉપયોગ કરશે એવી ધારણા છે. આપણા દેશમાં સોશ્યલ સ્ટૉક એક્સચેન્જને કાર્યરત થયાને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આ એક્સચેન્જ અને એના વિચાર-ધ્યેય કે ઉદ્દેશ વિશે લોકોમાં નહીંવત્ જાણકારી છે. 
સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ શું છે?
આ પ્લૅટફૉર્મ બિનનફાલક્ષી સંસ્થાઓ અને સોશ્યલ એન્ટરપ્રાઇઝિસને દાન આપનારાઓ (ફન્ડ પ્રોવાઇડર્સ) સાથે જોડે છે. એ શૅરબજારની પારદર્શક સિસ્ટમનો ઉપયોગ કરીને ચૅરિટી ક્ષેત્રે ભંડોળ એકઠું કરવાની સુવિધા પૂરી પાડે છે અને સાથે જ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં એ માટે દાન લેનારી સંસ્થાઓને જવાબદાર ઠેરવે છે.
કઈ સંસ્થાઓ જોડાવા માટે પાત્ર
કોઈ પણ NGO અથવા નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન (NPO) (જેમ કે ટ્રસ્ટ, સોસાયટી અથવા સેક્શન 8 હેઠળની કંપની) SSE પર નોંધણી (Register) કરાવી શકે છે. એની કેટલીક ચોક્કસ શરતો મુજબ સંસ્થાનો ૩ વર્ષનો ટ્રૅક રેકૉર્ડ હોવો જોઈએ. એની પાસે તમામ જરૂરી નાણાકીય અને કાનૂની રજિસ્ટ્રેશન હોવું જોઈએ. સંસ્થાનું કામ પૂર્વનિર્ધારિત સામાજિક કલ્યાણનાં ક્ષેત્રોમાં હોવું જોઈએ. જેમ કે ગરીબી નાબૂદી, આરોગ્ય સંભાળ (Healthcare) અને શિક્ષણ, પર્યાવરણની રક્ષા અને જાતિ સમાનતા (સ્ત્રી-પુરુષ સમાન), નાણાકીય સર્વસમાવેશ (Financial Inclusion) જેવા હેતુઓ. જોકે રાજકીય કે ધાર્મિક સંસ્થાઓ, કૉર્પોરેટ ફાઉન્ડેશનો અને ટ્રેડ અસોસિએશનો આ SSE પ્લૅટફૉર્મ પર નોંધણી કરાવી શકતાં નથી.
આ પ્લૅટફૉર્મથી ફન્ડ મેળવવા માટે ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ (ZCZP) બૉન્ડ જાહેર કરવામાં આવે છે. NPO માટે SSE પર ભંડોળ એકઠું કરવા માટેનું મુખ્ય સાધન ZCZP બૉન્ડ છે. આ બૉન્ડ પર કોઈ વ્યાજ મળતું નથી અને મુદ્દલની કોઈ પરત ચુકવણી પણ થતી નથી. એમાં ન્યુનતમ રોકાણ સામાન્ય દાનકર્તા/રોકાણકાર માટે લઘુતમ અરજી રકમ ૧૦૦૦ રૂપિયા અને બૉન્ડની ન્યુનતમ ઇશ્યુ-સાઇઝ ૫૦ લાખ રૂપિયાની હોય છે. આ બૉન્ડ્સ ડીમટીરિયલાઇઝ્ડ (Demat) સ્વરૂપમાં જ ઇશ્યુ થાય છે. નૉન-ટ્રેડેબલ ZCZP બૉન્ડને સેકન્ડરી માર્કેટમાં વેચી શકાતાં નથી. ઇશ્યુ બંધ થયા પછી બૉન્ડ્સ રોકાણકારના ડીમૅટ ખાતામાં ક્રેડિટ થાય છે.
દાન આપનારાને શું ફાયદા?
સોશ્યલ સ્ટૉક એક્સચેન્જમાં નોંધાયેલી દરેક સંસ્થાએ એના નાણાકીય વ્યવહારો અને સામાજિક અસરો અંગે નિયમિતપણે માહિતી જાહેર કરવી પડે છે. સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ના નિયમો હેઠળ આનું ચોક્કસ રિપોર્ટિંગ થાય છે. વિશ્વાસપાત્રતા માટે દરેક સંસ્થાએ SSE પર લિસ્ટ થવા માટે નાણાકીય, સામાજિક અને કાનૂની સ્તરની કડક તપાસ (Due Diligence) અને ઑડિટમાંથી પસાર થવું પડે છે.
કરમુક્તિ અને સુવિધા 
રોકાણકારોને 80G હેઠળ કરમુક્તિનો લાભ મળે છે. ઉપરાંત સંસ્થા પાસેથી રિપોર્ટ મેળવવા માટે રોકાણકારે એની પાછળ પડવું પડતું નથી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના પ્લૅટફૉર્મ પર તમામ અહેવાલો સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) ફન્ડિંગ માટે મંજૂરીની બાબતમાં જો કૉર્પોરેટ કંપનીઓને એમના CSR ફન્ડનો વધુ હિસ્સો SSE દ્વારા રોકવાની છૂટ આપવામાં આવે તો નાની સંસ્થાઓને મોટું પ્રોત્સાહન મળી શકે છે.
સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ એ ભારતમાં ફિલાન્થ્રોપી (ચૅરિટી) ક્ષેત્રે એક નવી ક્રાન્તિ સમાન છે. એ માત્ર દાન મેળવવાની રીત જ નહીં, દાન આપનારને એક શૅરહોલ્ડર જેવો અધિકાર આપે છે જેથી તેઓ જોઈ શકે કે તેમનો એક-એક રૂપિયો સમાજના કયા છેવાડાની વ્યક્તિ સુધી પહોંચ્યો છે અને એનો શું પ્રભાવ પડ્યો છે. કાળાં નાણાંને અને મની મૅનિપ્યુલેશનને રોકવા માટે પણ સોશ્યલ સ્ટૉક એક્સચેન્જનો આ મંચ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે એટલે આ વિચારના પ્રચાર-પ્રસારની સાથે શિસ્તબદ્ધ અમલની જરૂર છે. 

-જયેશ ચિતલિયા


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK