Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આખી દુનિયાને ખુશ રાખવાનો કૉન્ટ્રૅક્ટ તમને કોણે આપ્યો છે?

આખી દુનિયાને ખુશ રાખવાનો કૉન્ટ્રૅક્ટ તમને કોણે આપ્યો છે?

Published : 24 November, 2026 12:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજાની પસંદગી-નાપસંદગીના હિસાબમાં પોતાની ખુશી અને સ્વતંત્રતા ગુમાવવાની જરૂર નથી

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


તમે ક્યારેય વિચાર કર્યો છે... આપણે આખી જિંદગીમાં કેટલો સમય બીજાને સમજાવવામાં, મનાવવામાં અને ખુશ રાખવામાં ખર્ચી નાખીએ છીએ? કોઈ આપણી વાત સાથે સંમત ન થાય તો સમજાવવા બેસી જઈએ છીએ. કોઈ આપણી ટીકા કરે તો આખો દિવસ તેના જ વિશે વિચારતા રહીએ છીએ. કોઈ આપણાથી નારાજ થાય તો તેની નારાજગી દૂર કરવા આપણા સ્વભાવ અને સિદ્ધાંતોમાં બાંધછોડ કરવા તૈયાર થઈ જઈએ છીએ. જાણે દુનિયા આખીને ખુશ રાખવાની જવાબદારી આપણા માથે જ હોય. એક સવાલ જાતને પૂછવા જેવો છે : આપણા આટલા પ્રયત્નો પછી પણ દરેક વ્યક્તિ આપણાથી ખુશ રહેશે એની કોઈ ખાતરી છે? 

આપણે એવી ગેરસમજમાં જીવીએ છીએ કે જો આપણે યોગ્ય રીતે વાત કરીશું, બધા સાથે સારું વર્તન કરીશું, કોઈનો વિરોધ નહીં કરીએ તો બધા આપણને પસંદ કરશે; પરંતુ વાસ્તવિકતા જુદી જ નીકળે છે. તમે ગમે એટલા સારા હો, તમે ગમે એટલા મદદરૂપ થતા હો, કોઈકને તો તમે નહીં જ ગમો. તેને તમારો નિર્ણય હંમેશાં ખોટો જ લાગશે. વળી કેટલાકને તો તમારું અસ્તિત્વ માત્ર ગમતું નહીં હોય. દુનિયાનો આ સ્વાભાવિક ક્રમ છે. આનું કારણ દરેક વ્યક્તિનો ઉછેર, શિક્ષણ, વિચારવાની પદ્ધતિ જુદી હોય છે. દરેકનો સ્વભાવ, પસંદગી અને તમારા પ્રત્યેની અપેક્ષાઓ જુદી હોય છે. 



હરીન્દ્ર દવેની પ્રખ્યાત પંક્તિ છે : કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. કેટલું સાચું સચોટ વાક્ય. આ જ રીતે વૉટ્સઍપ પર ફરતી એક પોસ્ટ પણ બહુ ગમે છે, ‘તમે ગમે એટલું સારું અને સાચું બોલશો; સામેવાળો તો તેની સમજવાની કક્ષા મુજબ જ સમજશે.’ હું એમાં એક ઉમેરો કરવા માગું છું કે ‘સામેવાળી વ્યક્તિ તેણે બાંધેલા પૂર્વગ્રહના ચોકઠામાં બંધાઈને જ તમારું વાક્ય સમજશે.’ ટૂંકમાં, તમારા કોઈ નિર્ણયમાં એકને કંઈ જ ખોટું નહીં લાગે તો બીજાને એ સરાસર ખોટો લાગશે. તો ત્રીજો વળી એમાં તમારો કોઈ સ્વાર્થ છુપાયો છે એવું જ માનશે એટલું જ નહીં, બીજાને એવું મનાવવાની કોશિશ પણ કરશે; ભલે પછી એ તેની માન્યતા માત્ર હોય, અને કોઈ જ પુરાવો ન હોય.


આમ દરેકને ખુશ રાખવાના પ્રયત્નમાં આપણે આપણી પોતાની ખુશી જ ગુમાવી દઈએ છીએ. બીજાની નારાજગી દૂર કરવાની ચિંતામાં પોતાની ખુશીનું સરનામું ભૂલી જઈએ છીએ. પરિવારમાં જ જોઈએ તો સંતાન પોતાની પસંદગીની કારકિર્દી નક્કી કરે તો માતા-પિતા ચિંતિત થઈ જાય છે. માતા-પિતા પોતાની માન્યતા પ્રમાણે નિર્ણય લે તો સંતાનોને એ જુનવાણી લાગે છે. મિત્રો પણ આપણી પાસેથી અપેક્ષાઓ રાખે છે. પરિણામે સંબંધોમાં પ્રેમ કરતાં અપેક્ષાઓનો બોજ વધી જાય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે લોકો તેને સમજે, પરંતુ સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયાસ કેટલા લોકો કરે છે? 

કોઈ તમારી મહેનતની નોંધ ન લે તો સંતોષ રહે છે. કોઈ તમારી સફળતાની પ્રશંસા ન કરે તો દુઃખ થાય છે. સોશ્યલ મીડિયાના સમયમાં તો આ માનસિકતા વધી ગઈ છે. કોણે તમારી પોસ્ટને લાઇક કરી? કોણે અભિનંદન આપ્યાં? કોણે પ્રતિભાવ ન આપ્યો? આવી બાબતો પણ તમારા મૂડને અસર કરવા લાગે છે. જાણે આપણી ખુશીનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં સોંપી દીધું હોય. 
અહીં એક સરળ જીવનમંત્ર જાતને જ આપી શકાય. બીજાને તેમની રીતે જીવવા દો. અને પોતાને પણ પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપો. કોઈ ટીકા કરે તો જવાબ આપવો જરૂરી નથી. દરેકને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. આગળ જોયું એ પ્રમાણે તેના શિક્ષણ, સ્વભાવ, ઉછેર, ઘરના વાતાવરણ વગેરેના આધારે જ તે અભિપ્રાય આપશે. તમારા મનમાં જે સંદર્ભો છે એની તેને ખબર જ ન હોય એવું બની શકે. તો તે આપણને સમજે એવો આગ્રહ શા માટે રાખવો? લોકો શું વિચારશે એ વિચારવાનું આપણે ક્યારે બંધ કરીશું?


આનો અર્થ એ નથી કે બીજાની ટીકા સાંભળવી જ નહીં, પોતાની ભૂલ સુધારવી જ નહીં કે કોઈ સમાધાન કરવું જ નહીં. સાચી ટીકા સ્વીકારવી અને પોતાની ભૂલ સુધારવી એ પરિપક્વતાની નિશાની છે, પરંતુ બીજાની લાઇક મેળવવા પોતાની ઓળખ કે આત્મસન્માન ગુમાવવાં એ સમજદારી નથી. 

બીજાના વર્તન પર આપણું કોઈ નિયંત્રણ નથી, પણ તેના પ્રત્યે આપણે કેવી પ્રતિક્રિયા આપી શકીએ, એ તો આપણા નિયંત્રણમાં છે જને. કોઈ સંબંધમાં તમારી ભાવનાઓની કદર ન થાય તો માત્ર સામાજિક દેખાવ માટે એ સંબંધ જાળવી રાખવાની જરૂર નથી. આ વિચાર આપણને ભગવદ્ગીતાના પેલા પ્રખ્યાત શ્ળોકની યાદ અપાવે છે : ‘કર્મણ્યે વાધિકારસ્તે, મા ફલેષુ કદાચન’. ગીતાનો આ ઉપદેશ આપણને દુનિયાના પ્રતિભાવોની અપેક્ષામાંથી બચાવે છે. સામેવાળી વ્યક્તિ કેવી પ્રતિક્રિયા આપે છે એના આધારે આપણા સુખનો નિર્ણય ન થવો જોઈએ. જીવનને બીજાની પસંદગી-નાપસંદગીના હિસાબમાં વેડફી નાખવા જેવું નથી. બીજાને સ્વતંત્રતા આપીએ, પણ આપણી સ્વતંત્રતા ગુમાવીને નહીં. 

બાય ધ વે 
તમને ‘બા રિટાયર થાય છે’ નાટક યાદ છે? આ નાટકમાં બાનો નિર્ણય માત્ર ઘરકામમાંથી નિવૃત્તિ લેવાનો નથી. પોતાની ઓળખ અને પોતાના જીવન પરનો અધિકાર પાછો મેળવવાનો નિર્ણય છે. મને બીજી એક હિન્દી ફિલ્મ ‘ક્વીન’માંનો રાનીનો અસામાન્ય ગણાય એવો નિર્ણય બહુ અસરકારક લાગ્યો. મંગેતર લગ્ન કરવાની ના પાડી દે છે. તો તેને મનાવવામાં સમય બરબાદ કરવાને બદલે રાની એકલી જ હનીમૂનના પ્રવાસે નીકળી પડે છે. અહીં બા અને રાનીની વાત જુદી છે, પણ સંદેશ એક જ છે. પોતાને પોતાની રીતે જીવવાની તક આપવી એ જ જીવનની સૌથી મોટી સમજદારી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK