મારા એ બન્ને મિત્રોએ મન મનાવી લીધું છે. એકલા જીવતાં શીખવું પડશે એ વાત તેમણે સ્વીકારી લીધી છે.
પ્રતીકાત્મક તસવીર
હમણાંની જ વાત છે. એક સરસમજાની સાહિત્યરસિક મિત્રોની ગોષ્ઠિ જામી હતી. જીવાતા જીવનનો ધબકાર ઝીલે એ સાચું સાહિત્ય અને આપણો નાળસંબંધ જે માતૃભાષા સાથે છે એનું જતન-સંવર્ધન કરવાની આપણી સહિયારી જવાબદારી છે એ નિષ્કર્ષ સાથે અલ્પાહાર લઈને અમે બધા જ મિત્રો છૂટા પડ્યા.
ફુટપાથ પર ઊભા હતા ત્યાં બે મિત્રોએ અંગત જીવનની કથા-વ્યથાની વાત કરીને વિચારણીય મુદ્દો છેડ્યો. બન્નેનાં સંતાનો પરદેશમાં ભણી-પરણીને ઠરીઠામ થયાં છે. ખૂબ સુખી છે અને દરેક મા-બાપને હાશકારો આપે એવું જીવન જીવી રહ્યા છે. દસકા પહેલાં લંડન અને ઑસ્ટ્રેલિયા તેમની કારકિર્દીના ઘડતર માટે મોકલ્યાં ત્યારે આ મિત્રો શારીરિક અને આર્થિક રીતે સધ્ધર હતા. બાળકોને તેમના સપનાની દુનિયાને પામવાની તમામ મોકળાશ મા-બાપ તરીકે તેમણે આપી હતી અને વ્યક્તિગત રીતે તેમને પણ એનો ભરપૂર સંતોષ અને આનંદ હતો. જોકે સમય સાથે સંજોગો અને જીવનની અપેક્ષાઓ તથા જરૂરિયાતો પણ બદલાતી હોય છે. જે વડીલોએ હોંશે-હોંશે બાળકોને વિદેશ મોકલ્યાં તેઓ હવે તેમની કમી અનુભવી રહ્યા છે. હવે આયુષ્યના સિત્તેરમા વર્ષે અવારનવાર આવતી માંદગી અને આકસ્મિક ખર્ચાઓએ તેમને એકલતા અને એકાંતના અનુભવે તેમને ઢીલા કરી નાખ્યા છે. પરદેશમાં નોકરી કરતાં દીકરો-વહુ આર્થિક સધિયારો તો પૂરો પાડે છે, પણ વ્યક્તિગત સંપર્કની હૂંફ અને સહવાસ તો ગુમાવી દીધાં છે. હવે આમાં તેઓ કરી પણ શું શકે? આનો રસ્તો પણ શું છે? આ મા-બાપની વ્યથા વાજબી છે. સંતાનો ભણીગણીને જીવનમાં બેપાંદડે થાય એ માટે લોન લઈને પરદેશ ભણાવ્યાં, ઠરીઠામ કર્યાં પણ હવે અહીં અમારું કોણ?
ADVERTISEMENT
આ સમસ્યા ઘણા પરિવારોની છે. પરદેશની નોકરી, ભણતર, આવકની લાલચે સંતાનો અહીં કાયમી વસવાટ કરવા આવતાં નથી. મા-બાપોને ત્રણ-ચાર મહિનાથી વધુ પરદેશમાં ગોઠતું નથી ત્યાં સામાજિક જીવન, સગાં-સ્નેહીઓના કે જ્ઞાતિઓના મિલન-સમારંભો નથી. દેવ-દર્શન કે વડીલોને મનપસંદ ખાણીપીણી ને મનોરંજનના મેળાવડાઓ નથી. તેમને જોઈતો સત્સંગ ત્યાં નથી. તેમને જોઈતી હૂંફ અને સહૃદયતા ત્યાં નથી. સંતાનો પ્રત્યે પારાવાર પ્રેમ હોવા છતાં વડીલો ત્યાંથી પાછા ફરે છે અને અહીં જ એકાંતને વહાલું કરીને જીવી લે છે.
મારા એ બન્ને મિત્રોએ મન મનાવી લીધું છે. એકલા જીવતાં શીખવું પડશે એ વાત તેમણે સ્વીકારી લીધી છે. ગમે એટલું અકારું અને અસહ્ય જીવન જીવવું પડે તો જીવી લઈશું એની માનસિક તૈયારી કરી લીધી છે. હિંમત અને ધીરજ ધરીને એકલવીર-એકલમસ્ત થઈને નહીં જીવીએ તો રોદણાં રડવાનો કે અરણ્યરુદન કરવાનો બીજો વિકલ્પ જડવાનો નથી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની કાવ્યપંક્તિ સાંભરે છે :
જિંદગીભર સહુ શીખે,
કેમ જીવવી જિંદગી,
શીખી પૂરું રહે ના કોઈ,
ત્યાં પૂરી થતી જિંદગી.
- પ્રા. અશ્વિન મહેતા
(ગુજરાતીના પૂર્વ પ્રાધ્યાપક, સમારંભોના મંચ સંચાલક તથા સનાતન હિન્દુ વિવાહ વિધિના ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં પ્રવક્તા)

