Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જાહેરમાં ગંદકી કરવાની આદત છે? તો તગડો દંડ ભરવા તૈયાર રહેજો

જાહેરમાં ગંદકી કરવાની આદત છે? તો તગડો દંડ ભરવા તૈયાર રહેજો

Published : 06 February, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાયદાઓનું પાલન થાય છે કે નહીં એ મૉનિટર કરવા BMC પાસે ઘણા માણસોની ફોજ હોવી જોઈએ અથવા CCTV કૅમેરા કે એવી કોઈ ટેક્નિકલ જોગવાઈની મદદ લઈ શકાય

ફાઇલ તસવીર

PoV

ફાઇલ તસવીર


નાનપણમાં બાળકોને સ્કૂલમાં શીખવવામાં આવે છે કે ક્યાંય પણ ચાલીને જતા હો તો ફુટપાથ પર ચાલવાનું, રસ્તા પર નહીં. મોટા થયા પછી પણ તેમનામાંના જવાબદાર નાગરિકો ફુટપાથ પર ચાલવાનો એ પાઠ ભૂલતા નથી, પરંતુ મુંબઈમાં પહેલો સવાલ તો એ છે કે શું બધા જ વિસ્તારોમાં ફુટપાથ છે? અને હોય તો પણ એના પર ઊગી નીકળેલાં ઝૂંપડાં કે અડ્ડો જમાવીને ગોઠવાયેલા ભાજીવાળીના ટોપલા પછી ચાલવા માટે જગ્યા બચી છે? અને ધારો કે આવા એન્ક્રોચમેન્ટથી ફુટપાથ બચી ગઈ છે તો પણ તમે એ ફુટપાથ પર બિન્દાસ ચાલી શકો છો? ના. એના ઉપરના ખાડાખબડાનું શું? સવારે પોતાના શ્વાનને નિત્યક્ર્મ કરાવવા લઈ ગયેલા શ્વાનસ્વામીઓનું શું?

મારા ઘરેથી હું ૧૦ મિનિટ ચાલીને ગ્રોસરી લેવા જાઉં ત્યારે ફુટપાથ પર ચાલતી વખતે સતત સજાગ રહેવું પડે છે કેમ કે સવાર-સવારમાં શ્વાનસાહેબ જ્યાં-ત્યાં ચિતરામણ કરીને ગયા હોય છે. એમાં બિચારા એ પ્રાણીનો શું વાંક? કરોડો રૂપિયાના ઘરોના માલિકો શ્વાન પાળવાનો શોખ અને શેખી ધરાવે છે પણ સવારે તેમના પ્રિય ટૉમી કે રૉકીને કુદરતનો કૉલ આવે ત્યારે એને લઈને ફુટપાથ ભણી દોટ મૂકવાની હોય છે. એ વખતે પૉલિથિન બૅગ કે અન્ય કોઈ થેલી જેવી ચીજ સાથે રાખવાનું અને શ્વાનના પૂ-કર્મ સમયે એનો ઉપયોગ કરવાનું તેમને કેમ યાદ નથી રહેતું? કારણ કે જાહેર સ્થળોમાં આ કામ કરવામાં કોઈ નિયમનો કે શિસ્તનો ભંગ થાય છે એનો તેમને ખ્યાલ જ નથી આવતો.



પેલા ટોકરા લઈને બેઠેલા ભાજીવાળા કે ફ્રૂટવાળા પણ કદાચ આવું જ અજ્ઞાન ધરાવતા હશે. ફુટપાથ પર એ લોકો એવો પથારો કરીને બેસે છે કે ત્યાંથી ચાલવાનું અશક્ય બને છે. એટલે જ્યારે-જ્યારે ફુટપાથ પર ચાલવાની શિસ્ત પાળવા જાઉં ત્યારે એક પ્રકારની તાણ અનુભવાય છે. કેટલીયે વાર વિચાર આવે કે એ ચિતરામણ અને એન્ક્રોચમેન્ટના ફોટો પાડી BMCની સાઇટ પર પોસ્ટ કરી દઉં કાં છાપામાં મોકલી દઉં, પણ એ પગલું આજ સુધી ભરી શકાયું નથી.


જોકે બે દિવસ પહેલાં BMCના ચોખ્ખાઈ અને આરોગ્ય વિશેના નિયમોના કડક અમલ વિશેના સમાચાર વાંચ્યા ત્યારે ખરેખર નિરાંત અનુભવી. આમ તો એ કાયદાઓ ૨૦૨૫માં બનેલા છે પણ અમલી બન્યા છે આ મહિનાની ત્રીજી તારીખથી. આ કાયદાઓ મુજબ જાહેરમાં કચરો બાળવો, પેશાબ કરવો, પાળેલાં પ્રાણીઓને શૌચ કરાવવું, ખુલ્લામાં નહાવું કે કપડાં ધોવાં વગેરે જેવી અનેક પ્રવૃત્તિ કરનારને ભારે દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. શ્વાન જાહેરમાં શૌચકર્મ કરશે તો એના માલિકને એક હજાર રૂપિયાનો દંડ થશે. આ સમાચાર વાંચીને નિરાંત થઈ કે ચાલો દંડના ડરથી પણ ફુટપાથો ચીતરાતી બચશે. માત્ર પ્રાણીઓ જ નહીં, માનવીઓને પણ જાહેર સ્થળમાં ગંદકી કરવા બદલ, વાસણ કે કપડાં ધોવા બદલ, સૂકો અને ભીનો કચરો અલગ-અલગ ન આપવા બદલ દંડ ભરવો પડશે અને તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે એમ સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટનો અખત્યાર સંભાળતા વધારાના મ્યુનિસિપલ કમિશનર ડૉ. અશ્વિની જોશીએ કહ્યું છે. સ્વચ્છતા અને આરોગ્યવિરોધી બીજી પણ અનેક પ્રવૃત્તિઓની BMCએ એક યાદી તૈયાર કરી છે જે એ કરનાર કે નિયમ નહીં પાળનારને દંડપાત્ર બનાવી શકે છે.

આ બધું વાંચતાં સવાલ થયો કે આ કાયદાઓનું પાલન થાય છે કે નહીં એ મૉનિટર કરવા BMC પાસે ઘણા માણસોની ફોજ હોવી જોઈએ અથવા CCTV કૅમેરા કે એવી કોઈ ટેક્નિકલ જોગવાઈની મદદ લઈ શકાય. અને બીજો એક રસ્તો છે આપણા જેવા સામાન્ય નાગરિકોએ વધુ અલર્ટ રહેવું પડે. આવી સ્વચ્છતા અને સ્વાસ્થ્યવિરોધી પ્રવૃત્તિ જ્યાં-જ્યાં દેખાય એના પુરાવાઓ ફોનમાં ઝડપી સંબંધિત સત્તાધીશોને પહોંચાડી શકાય.


આ નિયમો વિશે વાંચતી વખતે થયું કે ઘરની બહાર ગંદકી કરનાર માટે સ્થાનિક સરકાર આવા નિયમો કે કાનૂનો બનાવી શકે છે પણ ઘરમાં આવી ગંદકી કરનારાઓનું શું? સંયુક્ત કુટુંબમાં એક વ્યક્તિ ચોખ્ખાઈની આગ્રહી હોય પણ બાકીના સભ્યો બેફામ અને જ્યાં-ત્યાં કચરો કરવાના કે ગંદકી કરવાના આદી હોય તો પેલી લઘુમતીમાં છે તે સ્વચ્છતાપ્રેમી વ્યક્તિનો જીવ તો કકળવાનો જ. ઘરના સભ્યો મળીને પોતાના ઘરની સાફસફાઈ વિશે પણ આવા કોઈ નિયમો બનાવી શકે તો કેવું સારું.

હમણાં એક સંબંધીને ત્યાં જવાનું થયું. તેમના ઘરમાં ત્રણ વર્ષનો એક નાનકડો પૌત્ર હતો પણ ઘર તદ્દન સાફસૂથરું અને વ્યવસ્થિત હતું. એ ત્રણ વર્ષનો છોકરો એક રમકડાની ગાડીથી રમતો હતો. બૉક્સમાંથી એ ફોલ્ડિંગ ગાડીના બધા પાર્ટ્‍સ કાઢી એને જોડી તેણે ગાડી બનાવી અને રમવા લાગ્યો. રમી લીધું ત્યારે ગાડીના બધા જ પાર્ટ્સ પેલા બૉક્સમાં મૂકીને તેની દાદીને આપી દીધું. પછી બીજા એક રમકડાથી થોડી વાર રમ્યો અને એ પણ પાછું જગ્યાએ મૂકી દીધું. આટલા નાના છોકરાની આ ચોકસાઈ જોઈને હું દંગ રહી ગઈ. ત્યારે તેની દાદી મને એક કબાટ પાસે લઈ ગઈ. તેમાં એ બાળકનાં તમામ રમકડાં, પઝલ્સ, ગેમ્સ વગેરે ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખ્યાં હતાં. પેલા બાળકની મમ્મીએ એ વ્યવસ્થા ઊભી કરી હતી. તે પ્રોફેશનલ છે એટલે આખો વખત ઘરમાં ન હોય, પરંતુ એ છોકરાનું જે વર્તન મને ઇમ્પ્રેસ કરી ગયું એ તેની મમ્મીની તાલીમ છે. આટલું નાનું બાળક ઘરમાં હોવા છતાં એ સંબંધીના ઘરની સ્વચ્છતાનું કારણ મને સમજાઈ ગયું.

 

- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK