Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જિંદગીને નવો મોડ આપતા કૅન્સરની એક નવી ઓળખ

જિંદગીને નવો મોડ આપતા કૅન્સરની એક નવી ઓળખ

Published : 13 February, 2026 11:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માણસની જિંદગીમાં સૌથી ડરામણો અને પોતાના નિક્ટના વર્તુળમાં જે ક્યારેય સાંભળવો ન પડે કે એની ચર્ચા કરવી ન પડે એવો એક શબ્દ છે કૅન્સર

મેઘા બજાજને આ પુસ્તક લખવાનું કઈ રીતે સૂઝ્યું એની વાત પણ હૃદયસ્પર્શી છે

PoV

મેઘા બજાજને આ પુસ્તક લખવાનું કઈ રીતે સૂઝ્યું એની વાત પણ હૃદયસ્પર્શી છે


તમારા ઘર પર ધાડ પાડનાર લૂંટારાને, પરીક્ષામાં સબમિટ કરવાની તમારી થીસિસ ફાડી નાખનાર હરીફને, તમારી હરવા-ફરવાની ઉંમરે તમને ઘરમાં કેદ કરી દેનાર કે તમારી જિંદગીનાં બધાં આયોજનો ખોરવી નાખનાર સમસ્યાને તમે થૅન્ક યુ કહેશો? આવા સવાલો વાંચી કદાચ તમે ગૂંચવાયા હો અથવા તો વિચારતા હો કે આ તે કેવી વાત કરે છે! આપણું આટલું નુક્સાન કરી નાખે તેનો વળી આભાર શું માનવાનો? તો ચાલો તમને કહી દઉં કે આ સવાલ મને કૅન્સરની શિકાર થયેલી કેટલીક સ્ત્રીઓ વિશે જાણીને થયો છે. મારા હાથમાં તેજસ્વી લેખિકા મેઘા બજાજનું ૨૦૦૯માં પ્રકાશિત થયેલું પુસ્તક છે જેનું શીર્ષક છે -‘થૅન્ક યુ કૅન્સર’! બ્રેસ્ટ-કૅન્સરનો શિકાર થયેલી અને તેની સામેની લડતમાં વિજયી થયેલી કેટલીક સ્ત્રીઓના સ્વાનુભવો આ પુસ્તકમાં આલેખાયા છે. અને એ દરેક સ્ત્રીની કેફિયતમાં બુલંદીથી ઊઠતો કોઈ એકસમાન સૂર હોય તો એ છે કૅન્સર પ્રત્યેની કૃતજ્ઞતાનો! કૅન્સરનો આભાર વ્યક્ત કરનારી આ બધી જ મહિલાઓને બ્રેસ્ટ-કૅન્સર થયું હતું – કોઈને માંડ ત્રેવીસ વરસની વયે તો કોઈને તેંત્રીસની વયે, કોઈને ચાલીસ-બેતાલીસની તો કોઈને પચાસની ઉંમરે!

માણસની જિંદગીમાં સૌથી ડરામણો અને પોતાના નિક્ટના વર્તુળમાં જે ક્યારેય સાંભળવો ન પડે કે એની ચર્ચા કરવી ન પડે એવો એક શબ્દ છે કૅન્સર. અને આટલી નાની ઉંમરે કે પતિ, બાળકો ને પરિવારની બધી જ્વાબદારી જે ઉંમરે નિભાવવાની હતી ત્યારે કૅન્સરનું નિદાન થતાં તેમણે કેવો આઘાત અનુભવ્યો હશે! પરંતુ આ દસેય સ્ત્રીઓએ તેમની જિંદગીના આ કડવા સત્યને હિમ્મતથી સ્વીકાર્યું. આ પડકારનો સામનો કરવા પોતાની જાતને કેવી રીતે સજ્જ કરી, પોતે એમાંથી ઊગરી જશે એવી જબરદસ્ત માનસિકતા અને શ્રદ્ધા કઈ રીતે કેળવી એની વાત ગજબની પ્રેરણાદાયક છે. એમાંની કેટલીક સ્ત્રીઓએ તો કૅન્સરના દરદીઓ માટે મિત્ર અને માર્ગદર્શક બનવાની ઉમદા પ્રવૃત્તિ પણ કરી.



મેઘા બજાજને આ પુસ્તક લખવાનું કઈ રીતે સૂઝ્યું એની વાત પણ હૃદયસ્પર્શી છે. તેમનાં મમ્મી સુનીલા બજાજને ૨૦૦૫માં અચાનક બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન થયું અને તેમના પરિવારના બધા જ સભ્યોની જિંદગીમાં જે પરિવર્તન આવ્યું તેણે સુનીલાની રિકવરીમાં મોટો ભાગ ભજવ્યો. મેઘા લખે છે કે અમને જલદી જ સમજાઈ ગયું કે આ માત્ર મમ્મીની જ લડત નથી, અમે બધાં જ એક યા બીજી રીતે એમાં સંકળાયેલાં જ છીએ. ડૉક્ટરો તેમનું કામ કરતા હતા ને અમે અમારું. રોજ રાત્રે અમે ચારેય (બન્ને બહેનો અને મમ્મી-પપ્પા) ઊંડું ધ્યાન લગાવી પ્રેમનાં શાતાદાયી શ્વેત કિરણો અને દિવ્યતાથી મમ્મીનું સમગ્ર અસ્તિત્વ છલકાઈ રહ્યું છે અને કૅન્સરના કોષો કરમાઈને મરી રહ્યા છે એવું વિઝ્યુઅલાઇઝેશન કરતાં. કોઈ નકારાત્મક વિચાર કે વ્યક્તિને મમ્મીની પાસે ફરકવા ન દેતાં. ક્યારેક એક જણ ઢીલું થઈ જાય ને રડી પડે તો તરત બાકીનાં બેય મજાક-મસ્તીભરી વાતો કરીને વાતાવરણને હળવું બનાવી દે. સારવાર દરમિયાન કીમોથેરપીથી મમ્મીના વાળ ખરી ગયા હતા. એ અરસામાં ‘ઇકબાલ’ ફિલ્મ જોવા ગયા તો અમે મજાક કરતા કે મમ્મીના ‘એક વાળ’ (એક બાલ) સાથે મૅચ થતું ટાઇટલ! ક્યારેક મમ્મીને રાત્રે ઊંઘ ન આવતી હોય તો ચારેય જણ ગપ્પાં મારતાં બેસે કે પત્તાં રમે તો ક્યારેક પપ્પાનો જૂનાં ગીતોનો ખજાનો માણે. સારવાર અને સર્જરી પણ સુખરૂપ પાર પડી ગઈ. આ દરમિયાન મેઘા મમ્મીમાં આવેલું અદ્‍ભુત પરિવર્તન નોંધે છે. અગાઉ માત્ર પરિવારજનોની જ જરૂરિયાતો અને સગવડઓનો વિચાર કર્યા કરતી સુનીલા હવે પોતાની જાતને પ્રેમ કરવા લાગી છે. પોતાના શરીરનો સાદ સાંભળતી થઈ છે. પોતાનું ધ્યાન રાખતી થઈ છે. યોગ કરે છે, નિયમિત ચાલવા જાય છે અને ફ્રૂટ સમારે ત્યારે પરિવાર ઉપરાંત પોતાને માટે પણ સમારે છે. સારવાર દરમિયાન સુનીલા પહેલી વાર પોતાને માટે શૉપિંગ કરવા ગઈ છે!


માત્ર સુનીલાની જિંદગીમાં જ નહીં, પરિવારના દરેક જણમાં આ બીમારી દરમિયાન સરસ બદલાવ આવ્યો છે. પપ્પાને સમજાયું છે કે લાગણી માત્ર અનુભવવી જ પૂરતી નથી, એને વ્યક્ત કરવી પણ જરૂરી છે. પહેલાં હંમેશાં પોતાના કામમાં જ વ્યસ્ત રહેતી મોટી બહેન હવે પરિવાર સાથે ખાસ્સો સમય વિતાવે છે. મેઘાએ હવે પોતાના અભિપ્રાયો આપવા પર ‘રૅશનિંગ’ કર્યું છે ને મમ્મી પ્રત્યેની કાળજીનું ‘અનરૅશનિંગ’ કરી દીધું છે. તેને લાગે છે કે પોતે મોટી થઈ ગઈ છે!

આ પારિવારિક બદલાવ ઉપરાંત કૅન્સરની આ સમગ્ર સફર દરમિયાન સુનીલાના જીવનમાં આમૂલ પરિવર્તન થયું. તે કહે છે કે ‘હકીકતમાં કૅન્સર એ હું કોણ છું અને કેટલું કરી શકું છું એ મને યાદ અપાવવાની ભગવાનની એક રીત જ હતી.’ ભગવાનનો સંદેશો સુનીતાએ દિલથી ઝીલ્યો. અનેક હૉસ્પિટલોમાં કૅન્સરના દરદીઓની સાથે પ્રેમ અને સહાનુભૂતિથી વાત કરી તેમને કૅન્સર સામે જીવવાની હામ બંધાવી છે. તેઓ કહે છે કૅન્સરના અનુભવે મારી પાંખોને પવન પૂરો પાડવાનું કામ કર્યું છે.


૨૦૨૫માં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના વિશ્વપ્રસિદ્ધ મેડિકલ જર્નલ લૅન્સેટમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ ભારતમાં કૅન્સરના દર પાંચ દરદીઓમાંથી ત્રણનું મૃત્યુ થાય છે. એમાં સ્ત્રીઓનો મૃત્યુદર પુરુષ દરદીઓ કરતાં વધુ છે. કૅન્સરનો શિકાર થતી સ્ત્રીઓમાંથી લગભગ ૨૭ ટકા બ્રેસ્ટ-કૅન્સરનો ભોગ બને છે. આ વાસ્તવિક છતાં ડરામણા આંકડાઓ વાંચી ધ્રૂજી જવાય છે. આ સ્થિતિમાં મેઘા બજાજનું આ પુસ્તક કૅન્સરની એક નવી ઓળખ લોકો સુધી પહોંચાડે છે. ઉપરાંત કૅન્સર સામેની લડતમાં મદદરૂપ થતા પારિવારિક માહોલ અને સાથ, નિસર્ગોપચાર, યોગ, ધ્યાન, રેકી કે પ્રાણિક હીલિંગ જેવી વૈકલ્પિક સારવારો, આહાર અને વ્યાયામ ઇત્યાદિ વિશે પણ અભ્યાસ કરીને સમાવાયેલી નક્કર માહિતી પુસ્તક ઘણું ઉપયોગી બનાવે છે. પણ સૌથી વધુ તો દરેક માનવીમાં રહેલા અદમ્ય જુસ્સાને અને સ્વજનોના સ્નેહની શક્તિને સલામ કરતું આ પુસ્તક પડકારોને પડકારવાની હિમ્મત આપે છે. 

 

- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK