જી. હા, આ જે ‘જી’ છે એ બહુ ખતરનાક છે. નામ કે ઉપનામને માનવાચક બનાવવા માટે ‘જી’ લાગે છે, પણ આ જ ‘જી’ જ્યારે સાસરા પક્ષમાં લાગવા માંડે ત્યારે દીવાલ બનીને ફાંકો આપવાનું કામ કરવા માંડે અને એ જ ફાંકો સાસરિયાં અને વહુ વચ્ચે ઊભેલી અદૃશ્ય દીવાલને અકબંધ રાખે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
જી. હા, આ જે ‘જી’ છે એ બહુ ખતરનાક છે. નામ કે ઉપનામને માનવાચક બનાવવા માટે ‘જી’ લાગે છે, પણ આ જ ‘જી’ જ્યારે સાસરા પક્ષમાં લાગવા માંડે ત્યારે દીવાલ બનીને ફાંકો આપવાનું કામ કરવા માંડે છે અને એ જ ફાંકો સાસરિયાં અને વહુ વચ્ચે ઊભેલી અદૃશ્ય દીવાલને અકબંધ રાખે છે.
જીવનમાં ૩ ગમે ત્યારે વરસે અને વરસે ત્યારે ભલભલાને પરસેવો છોડાવી દે : આંસુ, સાસુ અને ચોમાસું. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે આ વાત મારી નથી, આ વાત મારા મિત્ર જિતુભાઈ દ્વારકાવાળાએ કીધી છે. ચોખવટ સારી, નઈ તો માળું બેટું પાછું કો’કને સનેપાત ઊપડે ને સોશ્યલ મીડિયા પર લાંબુંલચક ટાઇપ કરવા બેસી જાય. આ તો થઈ ચોખવટની વાત. હવે વાત કરીએ આંસુ, સાસુ ને ચોમાસુંની અને એમાંય મારે તો આંસુ અને ચોમાસું જવા દઈને વાત કરવી છે તમારાં ફેવરિટ સાસુના ટૉપિકની. ૯૦ ટકા સાસુને એમ જ લાગે છે કે આપણી ડાયરેક્ટ ભરતી સાસુ તરીકે જ થઈ છે. સાસુ-વહુના અર્થહીન ઝઘડાઓના મૂળમાં બે સ્ત્રીનો ઈગો જ હોય છે. ઈગો ટકરાય છે અને સર્જાય છે રસોડામાં શબ્દોની સુનામી.
દરેક ઘરમાં દરેક ઘટના પાછળ આ સાસુ, સસરા કે નણંદનો બીજો અવાજ (પડદા પાછળનો અવાજ) એ કજિયાનું મૂળ છે. નવી આવેલી વહુને માત્ર જાહેરમાં કહેવા ખાતર ‘અમારી દીકરી’ કહેવામાં આવે છે, બાકી એવું કશું હોતું નથી. પુત્રવધૂ શબ્દને છૂટો પાડો તો ખરેખર ‘પુત્રથી વધુ’ માન મેળવવાની હકદાર એવો અર્થ નીકળે છે, પણ એ અર્થનો અનર્થ માત્ર એકાદ-બે વરસમાં નીકળી જાય ને ‘પુત્રવધૂ’ પછી ‘વિચિત્રવધૂ’ બનીને રહી જાય છે. સાસરિયાંને વહુ ‘પપ્પાજી’ ને ‘મમ્મીજી’ કહીને બોલાવે, પણ સાચું કહું તો મને ‘પપ્પા’ ને ‘મમ્મી’ પાછળ લાગતું આ ‘જી’ ખૂબ ભ્રામક લાગે છે. આ ‘જી’ છે એ સાસરિયાં અને વહુ વચ્ચેની અદૃશ્ય બરફની દીવાલ કદી તોડવા નથી દેતો.
આ રહ્યા મારી વાતના પૂરક દાખલા.
તમારી ૨૦ વરસની દીકરી રસોઈમાં જો ભૂલ કરે તો મા તેને વહાલથી સમજાવે, પણ નવી વહુ જો રસોઈમાં ભૂલ કરે તો ‘મા-બાપના ઘરેથી શીખીને નથી આવી?’ જેવું વાક્ય જ તેને ભેટ ધરાય છે. દીકરી ટીવી જોતી મા પાસેથી રિમોટ આંચકી લે તો મા કંઈ નથી કહેતી, પણ આ જ રિમોટ વહુ જો સાસુના હાથમાંથી લે તો? ‘હા, તમારે તો તમામ ફેનફતૂર ને શોખ પૂરા કરવાં છે.’ આવા અગાઉથી તૈયાર થયેલા ડાયલૉગ વહુના માથે મારવામાં આવે છે. ખોટું હોય તો કરો ખુલાસો.
પોતાના પિતાને રોજ માથામાં વહાલથી તેલ નાખી દેતી દીકરી પોતાના સસરાનું માથું દાબતાં અચકાય છે, કારણ? ત્યારે વહુને સસરાની અંદર રહેલા પુરુષથી ડર લાગે છે. અરે, બાપ ગણ્યો છે તેનાથી ડર રાખવાનો? આ વિરોધાભાસ મને ગળે નથી ઊતરતો. તો વળી પિયરિયાંમાં મમ્મીના પગ દાબતી દીકરીને સાસુને રોજ પગે લાગવામાં પણ શરમ આવે છે. દરેક મા પોતાના દીકરાને શ્રવણ બનાવવા ઇચ્છે છે, પણ દરેક પત્ની પતિને શ્રવણ બનતાં અટકાવે છે. લગ્ન પછી પત્નીનું કહ્યું દીકરો કરવા લાગે એમાં જાણે સાસુનો ગરાહ લૂંટાઈ જાતો હોય એવું ફીલ થાય છે.
આદરણીય સન્માનનીય સાસુઓ, ભૂતકાળ રિવાઇન્ડ કરો. ૪૦ વરહ પહેલાં તમે તમારી સાસુ સાથે શું કર્યું’તું?
આંયનું આંયા જ છે, ધીરું બાપુડિયા...
જરાક નવા ફૉર્મમાં પણ આપની મરી ગયેલી સાસુ જ નવી વહુના પંડ્યમાં વેરનું વટક વાળવા આવી છે.
દસેક વરહ પહેલાં તો ઘરમાં નવી વહુને ડ્રેસ પહેરવા દેવો કે નહીં એ પાકિસ્તાનને સ્કીમમાં કાશ્મીર દીધા જેવો પેચીદો મુદ્દો હતો જે હવે સ્લીવલેસ અને જીન્સ-ટી-શર્ટ પર ઊભો છે. જોકે તોય આજકાલની ઇન્ટેલિજન્ટ વહુઓ જેવી વેકેશનમાં ફરવા જાશે કે તરત શેરીની કૉલેજિયન છોકરીઓનાં માગેલાં જીન્સ પહેરીને માથેરાન, મહાબળેશ્વર કે કાશ્મીરમાં પોતાનો જીન્સનો ઢઢો (શોખ) પૂરો કરે ને પાછું ત્યાં પાડેલા જીન્સ-ટી-શર્ટમાં પોતાના ફુગાઈ ગયેલા ખમણ જેવા બૉડીના ફોટો સાસુ-સસરાના હાથમાં ન આવે એની પણ તકેદારી રાખે છે. વહુની સ્માર્ટનેસનો સ્વીકાર કરો એ મહિલાઓ! એકબીજાને નીચા પાડવાની રેસ કરવા કરતાં સાથે મળીને ઘરને કેમ ઊંચું લાવવું એનો વિચાર કરો તો પુરુષો દસેક વર્ષ વધુ જીવશે બિચારા...!
વર-કન્યાની કુંડળી મેળવવા કરતાં સાસુ-વહુની કુંડળી મેળવો. અમારી શેરીમાં તો એક સાસુ રોજ તેની વહુને ભાંડ્યા કરે, પણ વહુ કંઈ બોલે નહીં. શેરીમાં બધાને એમ કે વહુ ખૂબ ડાહી છે ને આ સાસુ જ ‘માથા ફરેલી’ છે. છ મહિના પછી સસ્પેન્સ ખૂલ્યું કે વહુ વાતે-વાતે સાસુ સામે માત્ર ડોળા કાઢીને જીભડા કાઢતી એટલે સાસુ સળગી ઊઠતી હતી.
અત્યારનો મોટો પ્રશ્ન કયો છે ખબર છે?
સાસુઓ અઢારમી સદીમાં જીવે છે ને વહુઓ એકવીસમી સદીમાં. આ જનરેશન-ગૅપ પૂરો કરવામાં પુરુષો ભેજાગેપ થઈ જાય છે. સાસુ-વહુ અદેખાઈ કરતાં હોય ત્યારે કુટુંબ ખાઈ-પીને જલસા નથી કરતું પણ ‘ખાઈ’માં પડીને નિહાકા નાખે છે.

