Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આવનારા દાયકાનું શિક્ષણ ચોપડીયું જ્ઞાન નહીં, પરંતુ ફુલટાઇમ સ્કિલ-સેન્ટ્રિક હશે

આવનારા દાયકાનું શિક્ષણ ચોપડીયું જ્ઞાન નહીં, પરંતુ ફુલટાઇમ સ્કિલ-સેન્ટ્રિક હશે

Published : 27 February, 2026 12:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માત્ર એક ટૂલ નહીં, પણ એક એવો મેન્ટર બનશે જે દરેક વિદ્યાર્થીની સમજવાની ક્ષમતા અને સ્પીડ મુજબ અભ્યાસક્રમ તૈયાર કરશે

ડૉ. વિજય મહીડા

What’s On My Mind?

ડૉ. વિજય મહીડા


૨૦૩૦-૨૦૪૦ના દાયકાના ટ્રેન્ડ્સ પર નજર નાખીએ તો સ્પષ્ટ છે કે હવે પછીનાં ૧૫ વર્ષોમાં શિક્ષણનું સ્વરૂપ ધરમૂળથી બદલાઈ જશે. આપણે વર્ષો જૂનું ચોપડીયું જ્ઞાન અને ગોખણપટ્ટીની સિસ્ટમમાંથી બહાર નીકળીને એક એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં લર્નિંગ હાઇલી પર્સનલાઇઝ્ડ, AI પાવર્ડ અને ફુલટાઇમ સ્કિલ-સેન્ટ્રિક હશે. ભવિષ્યનું એજ્યુકેશન એવા લાઇફલૉન્ગ લર્નર્સ તૈયાર કરશે જે ટેક્નૉલૉજીના બદલાતા પ્રવાહ સાથે કદમ મિલાવી શકે. શિક્ષણ દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ થશે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માત્ર એક ટૂલ નહીં, પણ એક એવો મેન્ટર બનશે જે દરેક વિદ્યાર્થીની સમજવાની ક્ષમતા અને સ્પીડ મુજબ અભ્યાસક્રમ તૈયાર કરશે. ઇતિહાસ ભણતી વખતે તમે સીધા હડપ્પન સંસ્કૃતિમાં પહોંચી જશો અને વિજ્ઞાનના પ્રયોગો લૅબને બદલે વર્ચ્યુઅલ વર્લ્ડમાં ડોકિયું કરી શકશો. VR અને AR ટેક્નૉલૉજી શિક્ષણને ફીલ કરાવશે. વર્ષના અંતે લેવાતી ત્રણ કલાકની પરીક્ષાઓ હવે ભૂતકાળ બનશે. AI દરરોજ તમારી પ્રગતિનું નિરીક્ષણ કરશે અને ડેટાના આધારે સતત ફીડબૅક આપશે.



ભણાવવાની રીત અને વિષયો હવે પ્રૅક્ટિકલ લાઇફ સાથે જોડાશે. ભણવું એટલે માત્ર થિયરી નહીં પણ ઍક્શન. વિદ્યાર્થીઓ રિયલ-વર્લ્ડ પ્રોજેક્ટ્સ કરશે, જેમ કે પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવો કે નવી ઍપ ડેવલપ કરવી. લર્નિંગ બાય ડૂઇંગ એ નવો મંત્ર હશે. આબોહવા-પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવા માટે પર્યાવરણ અને સસ્ટેનેબિલિટી અભ્યાસક્રમનો અનિવાર્ય ભાગ બની જશે. દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા એક્સપર્ટ પાસેથી શીખવું હવે સહેલું બનશે. દુનિયા પોતે જ એક મોટો ક્લાસરૂમ હશે જ્યાં કોઈ ભૌગોલિક મર્યાદા નડશે નહીં. શિક્ષણ હવે ડિગ્રી સાથે ખતમ થતો તબક્કો નથી પણ આખી જિંદગી ચાલતી પ્રોસેસ બની જશે.


શિક્ષકો હવે માત્ર માહિતી આપનારા નહીં પણ ‘કોચ’ અને ‘ગાઇડ’ હશે જે દરેક વિદ્યાર્થીને તેનાં સપનાં પૂરાં કરવામાં સાચો રસ્તો બતાવશે. જોકે આધુનિક શિક્ષણની સામે એક મોટો પડકાર એનો ખર્ચ છે. અનુમાન છે કે આવનારાં ૧૫ વર્ષમાં ઇન્ફ્લેશનને કારણે હાયર એજ્યુકેશનનો ખર્ચ બેથી ત્રણગણો વધી શકે છે. તેમ છતાં ટેક્નૉલૉજી જ આ ગુણવત્તાયુક્ત શિક્ષણને અને છેવાડાના વિસ્તારોને એક લેવલ પર લાવવાનું કામ કરશે.

- ડૉ. વિજય મહીડા


(કૉમર્સ અને મૅનેજમેન્ટમાં PhD કરી ચૂકેલા ડૉ. વિજય મહીડા ઘાટકોપરની લક્ષ્મીચંદ ગોળવાલા કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં પ્રિન્સિપાલપદે કાર્યરત છે. આ સાથે તેમણે ઘણાં ઍકૅડેમિક પુસ્તકો પણ લખ્યાં છે.)

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK