Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ શહેર : આખેઆખો નકશો ક્યારે બદલાવી દે કહેવાય નહીં

આ શહેર : આખેઆખો નકશો ક્યારે બદલાવી દે કહેવાય નહીં

Published : 18 July, 2026 06:33 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

આખું નામ ‘બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ’. ૧૮૫૩માં બોરીબંદરથી થાણે જવા પહેલી ટ્રેન ઊપડી ત્યારે તો થોડે દૂરના કાંઠે આવેલાં નાનાં-નાનાં બંદરો પર સઢવાળાં વહાણો નાંગરતાં. એમાંના માલની ચડ-ઊતર થતી ગાડાંઓ મારફત.

બૉમ્બે પોર્ટ ટ્રસ્ટનો લોગો, દિવસ-રાત ધમધમતું જવાહરલાલ નેહરુ પોર્ટ.

બૉમ્બે પોર્ટ ટ્રસ્ટનો લોગો, દિવસ-રાત ધમધમતું જવાહરલાલ નેહરુ પોર્ટ.


આ શહેર તમારા સ્ટેશનને ઊથલાવી દે કહેવાય નહીં
એક નામ ઉપર બીજો ચહેરો ચીપકાવી દે કહેવાય નહીં.
આ ફાટક ને આ પાટાઓ, આ સિગ્નલ ને આ કૅબિનો
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે કહેવાય નહીં.
ટાવર ઊખડે, રસ્તા ઊખડે, અરધોપરધો માણસ ઊખડે 
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે કહેવાય નહીં.
કવિતાપ્રેમીઓની અને તેમના લાડકા કવિ રમેશ પારેખની માફી માગીને આજની વાત શરૂ કરીએ. શું-શું ગયું મુંબઈમાંથી? પાલખી ગઈ, ટ્રામ ગઈ, વિક્ટોરિયા ગઈ, કોલાબા સ્ટેશન ગયું, બીજું સ્ટેશન ગયું બૅલાર્ડ પિયર અને પછી તો ગાયબ થઈ ગઈ એક આખેઆખી રેલવેલાઇન! ગયાં એનાં એન્જિનો અને ગયા એના ડબ્બા. ગયા એનાં પ્લૅટફૉર્મ અને ગયાં એનાં ફાટક. હા, હજી આજે પણ ક્યાંક-ક્યાંક એ સદ્ગત રેલવેલાઇનના પાટા આસ્ફાલ્ટના રસ્તામાં ધરબાયેલા જોવા મળે ખરા જો જરા ધ્યાનથી જોઈએ તો. 
હા જી, અમને ખબર છે કે તમે કહેવાના કે મુંબઈમાં તો પહેલેથી બે જ રેલવેલાઇન હતી : ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા (GIP) અને બૉમ્બે, બરોડા અૅન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા (BBCI) એટલે કે આજની સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે. ત્રીજી લાઇન હતી જ ક્યાં? ક્યારે? તો પેલું બૅલાર્ડ પિયર સ્ટેશન યાદ છે? સ્ટીમરમાંથી ઊતરીને મુસાફરો સીધા ફ્રન્ટિયર મેલમાં બેસતા અને છેક પેશાવર સુધી પહોંચતા. પણ ફ્રન્ટિયર મેલ રોજ તો કોલાબા સ્ટેશનેથી ઊપડે. P&Oની સ્ટીમર આવવા કે જવાની હોય એ દિવસે જ બૅલાર્ડ પિયર એનું પિયર બને. એ શું ફક્ત એક ટ્રેન ખાતર GIP જેવી વેપારી કંપની આખું નવું સ્ટેશન બાંધે? ના જી, પહેલી વાત તો એ કે એ સ્ટેશન એ રેલવેકંપનીએ બાંધ્યું જ નહોતું. બીજી વાત એ કે એ સ્ટેશનેથી માત્ર એક ફ્રન્ટિયર મેલ ટ્રેન જ આવતી-જતી નહોતી. લગભગ રોજ ત્યાં ટ્રેનોનો આવરોજાવરો થતો હતો અને એટલા ખાતર બૅલાર્ડ પિયર સ્ટેશન બાંધ્યું હતું. એક આખી રેલવેલાઇન નાખી હતી. જોકે GIP કે BBCI રેલવેએ નહીં, એ નાખી હતી BPT રેલવેએ. 
આ BPT એ વળી કઈ બલાનું નામ છે? આખું નામ ‘બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ’. ૧૮૫૩માં બોરીબંદરથી થાણે જવા પહેલી ટ્રેન ઊપડી ત્યારે તો થોડે દૂરના કાંઠે આવેલાં નાનાં-નાનાં બંદરો પર સઢવાળાં વહાણો નાંગરતાં. એમાંના માલની ચડ-ઊતર થતી ગાડાંઓ મારફત. અગાઉ આપણે વાત કરી હતી કે મુંબઈમાં જે પહેલવહેલા બ્રિજ બંધાયા એનાં ચડાણ-ઉતરાણના ઢોળાવ માલ ભરેલાં ગાડાંને ધ્યાનમાં રાખીને કપરા નહીં પણ સરળ રખાયા હતા, પણ આ બંદરો પર ચડે-ઊતરે એ બધો માલ કંઈ મુંબઈનો કે મુંબઈ માટેનો તો હોય નહીં. એટલે એને બહારગામ મોકલાવવો હોય તો પહેલાં બોરીબંદર કે ગ્રાન્ટ રોડ સ્ટેશને મોકલવો પડે અને ત્યાંથી રેલરસ્તે એ માલ જાય દેશાવર. (ગ્રાન્ટ રોડ સ્ટેશનના ભાગરૂપે બાજુમાં એક મોટું ગુડ્સ યાર્ડ હતું એ આ લખનારે નજરોનજર જોયું છે, ઘણી વાર.) મુંબઈ જેમ-જેમ મોટું થતું ગયું એમ-એમ આ રીતે માલ મોકલવાનું મુશ્કેલ બનતું ગયું અને વેપારીઓની સગવડ ખાતર બે રેલવેકંપનીઓ કંઈ પોતાની લાઇન ડૉક વિસ્તાર સુધી લંબાવે નહીં. એટલે પછી નક્કી થયું કે મુંબઈની ગોદીઓમાં થતી માલની હેરફેર માટે એક આખી અલગ રેલવેલાઇનની જ જોગવાઈ કરવી. એ લાઇન છેક દરિયાકિનારા સુધી જાય. સ્ટીમરમાંથી માલ ઊતરે એ સીધો જાય ભારખાનાના ડબ્બામાં અને સીધો પહોંચે છેક ઉત્તર હિન્દુસ્તાન સુધી. એટલે એ BPTએ વાટાઘાટ શરૂ કરી બન્ને વેપારી રેલવેકંપનીઓ સાથે અને પોતાનાં ભારખાનાંની ટ્રેનો તેમના પાટા, સ્ટેશનો વગેરેનું જાળું વાપરી શકે એ વિશે કર્યા કરાર. 
આ BPT એટલે બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ. આખા હિન્દુસ્તાનનું પહેલવહેલું પોર્ટ ટ્રસ્ટ. એની સ્થાપના થઈ ૧૮૭૩માં. એનું કામ હતું નવી-નવી સગવડો ઊભી કરીને મુંબઈના બંદરને ‘આધુનિક’ બનાવવાનું. એટલે એણે દરિયો પૂરીને જમીન મેળવી, જુદા-જુદા પ્રકારનો માલ સંઘરવા અલગ-અલગ પ્રકારનાં ગોદામ બાંધ્યાં, બંદર વિસ્તારમાં નવા રસ્તા બાંધ્યા. આ ટ્રસ્ટના મોભીઓને એક વાત બરાબર સમજાઈ ગઈ : જો મુંબઈના બંદરને ધમધમતું કરવું હોય તો માલસામાન લઈ જવા માટે રેલવેની સગવડ ઊભી કર્યા વગર છૂટકો નથી. એટલે એણે શરૂ કરી BPT રેલવે. ચોક્કસ તારીખ તો મળતી નથી, પણ વીસમી સદી શરૂ થઈ એ પહેલાં આ રેલવે શરૂ થઈ ગઈ હતી. એનાં એન્જિન પણ ટ્રેનના ખાસ પ્રકારના કામને અનુકૂળ હતાં. કદમાં નાનાં, પણ ભાર ખેંચવામાં જબરાં. ઝડપ એ એની મુખ્ય જરૂરિયાત નહોતી, પણ ભારેખમ વૅગનોને લાંબા અંતર સુધી ખેંચવાની ક્ષમતા જરૂરી હતી. આ રેલવેલાઇન શરૂ થયા પછી માલસામાન ગાડાંમાં ભરવાની જરૂર રહી નહીં. બંદર પર માલ ઊતરે અને સીધો ચડે કિનારે ઊભેલી ટ્રેનનાં વૅગનોમાં. એવી જ રીતે પરદેશ મોકલવાનો સામાન બંદર સુધી આવે વૅગનોમાં અને એમાંથી સીધો ચડે સ્ટીમરમાં. મુંબઈમાં રસ્તાઓ પરનો ટ્રાફિક વધતો જતો હતો, પણ હવે રસ્તા પર આધાર રાખવાની જરૂર જ ન રહી. તેથી રસ્તાઓને પણ થોડી રાહત મળી. ૧૮૮૦માં શરૂ થયેલો પ્રિન્સિસ ડૉક (ઘણા આ ડૉકને પ્રિન્સેસ ડૉક કહે છે, પણ એ બંધાયો હતો પ્રિન્સ ઑફ વેલ્સના માનમાં જે પછીથી સાતમા એડવર્ડ બન્યા હતા). ૧૮૮૮માં બંધાયેલો વિક્ટોરિયા ડૉક અને ૧૯૧૪માં બંધાયેલો ઍલેક્ઝાન્ડર ડૉક (આજનું નામ ઇન્દિરા ડૉક) પર નાંગરતાં જહાજોમાંથી માલની ચડ-ઊતર સીધી ટ્રેનનાં વૅગનોમાં થવાની સગવડ થઈ. તેથી વેપારીઓને પૈસા અને સમયની ઘણી બચત થવા લાગી. વળી બે વિશ્વયુદ્ધો વખતે સૈનિકો, લશ્કરી વાહનો, દારૂગોળો અને લશ્કરી સરંજામની હેરફેર માટે આ ટ્રેનવ્યવસ્થા ખૂબ ઉપયોગી થઈ પડી. 
પણ આ BPT રેલવે પસાર ક્યાં-ક્યાંથી થતી? બૅલાર્ડ પિયર મૉલ સ્ટેશનથી ઊપડેલી ટ્રેન પહેલાં જતી બૅલાર્ડ એસ્ટેટ રેલવે સાઇડિંગમાં, ત્યાંથી મૅરીવેધર રોડના વિસ્તારમાં, ત્યાંથી ડૉક રેલવેના પાટા પર (અહીંના પાટા ટ્રામના પાટાની જેમ લગભગ જમીનમાં દાટેલા હતા જેથી બીજાં વાહનોની અવરજવરને બહુ નડે નહીં), ઍલેક્ઝાન્ડ્રા ડૉક, વિક્ટોરિયા ડૉક, પ્રિન્સિસ ડૉક પસાર કરીને એ ટ્રેન કર્નાક બંદર, મસ્જિદ, અને વાડીબંદરનાં સ્ટેશન વટાવીને રે રોડ, કૉટન ગ્રીન, શિવડી વગેરેને પાછળ છોડીને વડાલા ટર્મિનસ પહોંચતી. બસ, ત્યાં આગળ BPT રેલવેની હદ પૂરી થતી અને GIP રેલવેના પાટા પર BPTનાં ભારખાનાં આગળ વધતાં, પણ જો BBCI લાઇન પર ગુડ્ઝ ટ્રેન જવાની હોય તો? તો વડાલાથી આગળ વધીને આજના પરેલ-દાદર વિસ્તારમાં થઈને BBCI રેલવેના પાટે ચડી જતી. આજે પણ પરેલ-દાદર વિસ્તારમાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેના પાટા એકબીજાથી ઘણા નજીક છે. એ વખતે એ બન્ને લાઇન પરની ટ્રેનો પાટા બદલી શકે એવી સગવડ હતી. 
પણ કહે છેને કે ચડે એ પડવા માટે. દાયકાઓ સુધી ખૂબ ઉપયોગી બનેલી BPT રેલવેની પણ પડતી શરૂ થઈ. કેમ? પહેલું કારણ એ કે ધીમે-ધીમે દરિયાઈ મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લીધું. ૧૯૧૨ના ડિસેમ્બરમાં ‘ઇન્ડિયન સ્ટેટ ઍર સર્વિસ’ અને ગ્રેટ બ્રિટનની ઇમ્પીરિયલ ઍરવેઝે સાથે મળીને લંડન-કરાચી-દિલ્હીની ફ્લાઇટ શરૂ કરી. પછી બીજા રૂટ પણ શરૂ થયા. ૧૯૪૮ની ૮ જૂને એ વખતની ઍર ઇન્ડિયા ઇન્ટરનૅશનલે મુંબઈથી લંડનની ફ્લાઇટ શરૂ કરી. વચમાં તે કેરો અને જેનોઆ રોકાતી હતી. પછી તો આકાશી સફરની સગવડો વધતી ગઈ અને દરિયાઈ સફરો ઘટતી ગઈ. બીજી બાજુ માલસામાનની હેરાફરીની રીતરસમ પણ બદલાઈ. અગાઉ મોટાં-મોટાં ખોખાંઓમાં કે કોથળાઓમાં ભરીને માલ સ્ટીમરમાં ચડાવવો-ઉતારવો પડતો. આ કામ માટે BPT રેલવે પૂરેપૂરી અનુકૂળ હતી, પણ પછી જેને કન્ટેનર કહે છે એનો જમાનો આવ્યો. ગુડ્સ ટ્રેનના ડબ્બા જેટલાં મોટાં કન્ટેનરમાં ભરીને માલ મોકલવાનું શરૂ થયું. આવાં કન્ટેનરો સ્ટીમરમાંથી ઉપાડીને ટ્રેનમાં અને ટ્રેનમાંથી ઉપાડીને સ્ટીમરમાં ચડાવાય, પણ એ માટે અગાઉનાં બંદરોમાં નહોતી જરૂરી સગવડ કે નહોતી પૂરતી જગ્યા. એટલે મુંબઈના ટાપુ પર નહીં, નવી મુંબઈમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ઊભું કરવામાં આવ્યું. એનું વિધિવત્ ઉદ્ઘાટન એ વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીના હસ્તે ૧૯૮૯ની ૨૬ મેએ થયું. ટ્રેન અને સ્ટીમર વચ્ચે સીધેસીધી કન્ટેનરની આપ-લે થઈ શકે એવી અહીં સગવડ થઈ. જોકે એ પહેલાં જ બિનઉપયોગી જણાવાને કારણે ૨૦૧૪માં જ BPT રેલવેનો વીંટો વાળી દેવામાં આવ્યો હતો. આમ પણ આ રેલવેલાઇન લોકોની આંખે ઝાઝી ચડેલી નહીં એટલે એનો અભાવ પણ કોઈને ખાસ ખટક્યો નહીં. જોકે હજી આજેય એ ડૉક વિસ્તારમાં ક્યાંક-ક્યાંક આ રેલવેલાઇનના પાટા દેખાઈ આવે તો ક્યાંક રડ્યાખડ્યા ફાટકનો દરવાજો ડોકિયું કરી જાય અને જો કાન સરવા હોય તો ડૉક વિસ્તારમાંથી ઊઠતા કવિ નર્મદના શબ્દો પણ સંભળાય : ‘નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક.’


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 06:33 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK