પતંજલિના ચાર સૂત્રો કરુણા, મૈત્રી, મુદિતા અને ઉપેક્ષા જીવનમાં અપનાવીને બીજાની સાથે તુલના કરવાને બદલે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવાનો માર્ગ બતાવે છે.
પ્રતીકાત્મક તસવીર
આપણી પાસે બધું જ હોવા છતાં આપણે બીજા સાથે આપણી તુલના કરીએ છીએ. તમે બીજાની ગણતરી શું કામ કરો છો? તમે તમારું જ ગણોને, વિશ્રામ તમારી મુઠ્ઠીમાં આવી જશે. તમે વિવેકથી પુરુષાર્થ કરો. જેમની પાસે જોડા નથી તેમને સાઇકલવાળા સુખી લાગે છે. પોતપોતાની અસ્મિતામાં રાજી રહો. ઈશ્વર આપવા માટે રાજી છે, પરંતુ આપણી ખોપરી ખાલી નથી.
જુઓ, પતંજલિ ઋષિએ બહુ પ્રૅક્ટિકલ ફૉર્મ્યુલા આપી છે. પતંજલિ કહે છે કે સંસારના મૂળમાં ૪ વસ્તુ છે : સુખ, દુ:ખ, પુણ્ય, પાપ. વિધાતાની સૃષ્ટિ દ્વૈતોમાં બદ્ધ છે. ભગવાન પતંજલિ કહે છે કે સુખ અને દુઃખ, પુણ્ય અને પાપનું દ્વૈત છે. મારાં યુવાન ભાઈ-બહેનો, પદમાસન લગાવીને ૩ કલાક બેસવાની જરૂર નથી. કરો તો પ્રાણાયામ આરોગ્યપ્રદ છે, પરંતુ અહીં જે ફૉર્મ્યુલા છે એમાં તો એવી કોઈ વાત નથી. પતંજલિવાળી આ ફૉર્મ્યુલાને જો સમજવામાં આવે તો આ યુવાધનને બહુ રાહત મળી શકે એમ છે. પાપ કરે તો દુઃખ અને પુણ્ય કરે તો સુખ એ સીધું ગણિત છે, પરંતુ પતંજલિ કહે છે કે ૪ બીજાં સૂત્રો પણ છે : કરુણા, મૈત્રી, મુદિતા અને ઉપેક્ષા.
જ્યાં દુઃખ જુઓ ત્યાં કરુણા કરો, સીધી વાત. બાળકો ભૂખ્યાં છે તો તેમની સાથે કરુણા કામ કરવા લાગશે. ભગવાન કરે ને ક્યાંય દુઃખ જ ન હોય, પરંતુ એ તો અસંભવ છે. ભગવાન કૃષ્ણએ ‘ગીતા’માં જાણે કે એક સિદ્ધાંતના રૂપમાં કહી દીધું છે કે ‘દુખાલયમ્’, પરંતુ એની સાથે એક વરદાનાત્મક શબ્દ પણ જોડી દીધો - ‘આશાશ્વતમ્’. આ ‘દુખાલયમ્’ છે પરંતુ દુખ પણ કાયમી નથી. આ સારી ઘોષણા છે. આપણા જેવા માટે ભગવાન પતંજલિ બહુ અદ્ભુત વાત કરે છે કે જ્યાં દુઃખ જુઓ ત્યાં કરુણા કરો અને કરુણા જાગે એટલે ક્ષમતા અનુસાર મદદ કરો અને જ્યાં સુખ જુઓ ત્યાં મૈત્રી કરો.
બીજાને સુખી જોઈને સુખી થવું બહુ મુશ્કેલ છે. પતંજલિ કહે છે, ‘જ્યાં સુખ જોવા મળે ત્યાં એની સાથે મૈત્રી કરો.’ મૈત્રી એવા અર્થમાં કે તમારો કોઈ જિગરી દોસ્ત છે અને તે પ્રથમ ક્રમે પાસ થાય તો તમે રાજી થશો કે દુઃખી થશો? મિત્ર સફળ થાય તો આપણે મુદિત થઈ જઈએ છીએ, પ્રસન્ન થઈ જઈએ છીએ. તો જ્યાં સુખ જુઓ ત્યાં મૈત્રી કરો કે આ મારો મિત્ર સફળ થાય અને મારો મિત્ર પ્રસન્ન થાય. મિત્ર સુખી થશે તો તે સામેથી આપણને મદદ કરશે. ક્યાંય પાપ જુઓ તો થપ્પડ ન મારશો. ‘ઉપેક્ષા કરો!’ ઉપેક્ષા કરવી એટલે તેને છોડી દેવો, તેનાથી દૂર થઈ જવું.
પાપીની ઉપેક્ષા નહીં, પાપની ઉપેક્ષા કરો. શરાબી ખરાબ નથી, શરાબ ખરાબ છે. પુણ્ય જુઓ તો મુદિત થઈ જાઓ. કોઈ માણસ જો પુણ્યનું કાર્ય કરે છે તો પ્રસન્ન થઈ જાઓ. આ બધાં સૂત્રો વ્યવહારમાં લાવવા જેવાં છે.
