Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મીનાકુમારીને તલાશ હતી સાચ્ચા પ્રેમની જેની શોધમાં તેણે જીવનભર વ્યર્થ પ્રયત્ન કર્યા

મીનાકુમારીને તલાશ હતી સાચ્ચા પ્રેમની જેની શોધમાં તેણે જીવનભર વ્યર્થ પ્રયત્ન કર્યા

Published : 01 February, 2026 01:47 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

મીનાકુમારીનો અવાજ નૂતન કે વૈજયંતીમાલા જેવો મીઠો નહોતો. તેના અવાજમાં નર્ગિસની નજાકત, મધુબાલાની મસ્તી કે ગીતા બાલીની ગમ્મત નહોતી પણ મીનાકુમારી છેવટે મીનાકુમારી હતી. તે થોડા ઊંચા સૂરમાં, નાકમાંથી બોલતી.

મીનાકુમારી

વો જબ યાદ આએ

મીનાકુમારી


હિસાબ કિતાબ હમસે ન પૂછ અય ઝિંદગી

તુને સિતમ નહીં ગિને, તો હમને ઝખમ નહીં ગિને



જ્યારથી કમાલ અમરોહીએ તેના પર શરતો લાદી ત્યારથી મીનાકુમારી મન મારીને ‘મૈં ચૂપ રહૂંગી’ની ભૂમિકા સાર્થક કરતી જીવતી હતી. બન્ને કેવળ કહેવા ખાતર એક ઘરમાં રહેતાં હતાં. કમાલનો સેક્રેટરી બાકરઅલી દરેક શૂટિંગમાં હાજર રહેતો. એમ કહેવાતું કે મિયાં- બીબીના ઝઘડા ઘણી વાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ત્યારે કમાલ મર્યાદા ભૂલી મીનાકુમારી પર હાથ ઉપાડી દેતા. 


૧૯૬૮માં જે દિવસે સાવનકુમાર ટાકની ફિલ્મ ‘ગોમતી કે કિનારે’નું મુરત હતું ત્યારે ગુલઝાર ત્યાં હાજર હતા. મીનાકુમારીને જોતાં તેમણે આદાબ કહ્યું. બન્ને મેકઅપ રૂમ તરફ જતાં હતાં ત્યાં હેરડ્રેસર બર્થાએ ગુલઝારને કહ્યું, ‘સૉરી, આપ ઝરા યહીં રુકીએ.’ આ સાંભળી મીનાકુમારીએ કહ્યું, ‘યે ક્યા બાત હુઇ?’ જવાબ મળ્યો, ‘બાકરસા’બને કહા હૈ કિસી ગૈર મર્દ કો અંદર ન જાને દિયા જાએ.’

સાંભળતાં જ મીનાકુમારીએ મક્કમતાથી કહ્યું, ‘ગુલઝારસા’બ, આપ મેરે સાથ આઓ.’ ત્યાં બાકરઅલી આવી પહોંચ્યો. તેણે આદાબ કહ્યું, પણ મીનાકુમારીએ જવાબ ન આપ્યો. ગુલઝાર આગળ જતાં અચકાતા હતા પણ મીનાકુમારીએ કહ્યું, ‘ક્યોં દેર કર રહે હો?’ આ સાંભળી ગુલઝાર બે ડગલાં આગળ વધ્યા ત્યારે બાકરઅલીએ તેમનો હાથ પકડીને રોક્યા.


આ જોઈ મીનાકુમારીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો, ‘તુમ ક્યા સમઝતે હો? મૈં ક્યા કોઈ વેશ્યા હૂં? ક્યા હોતા હૈ મેરે મેકઅપ રૂમ મેં જો યે પાબંદી લગાઈ હૈ? અગર કુછ હોતા હૈ તો હોગા.’ આટલું કહેતાં તેણે ગુલઝારનો હાથ પકડી પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો. આ જોઈ બાકરઅલીએ એક જોરદાર તમાચો મીનાકુમારીના ગાલ પર રસીદ કરી દીધો.

સેટ પર હાજર રહેલા સૌ ચોંકી ઊઠ્યા. મીનાકુમારી ચીસો પાડી-પાડીને રડતી હતી. ‘હું કોઈ દિવસ તેના ઘરે નહીં જાઉં. એ લોકો મને ગુલામ બનાવીને રાખશે. મારી પાછળ ગુંડાઓ લગાવી દેશે. એ લોકો કંઈ પણ કરી શકે છે.’ ગુલઝાર અને સલિલ ચૌધરી તેને શાંત રાખવાની કોશિશ કરતા હતા. પરિસ્થિતિની જાણ થતાં નર્ગિસે બૅરિસ્ટર રજની પટેલ સાથે વાત કરી  મીનાકુમારીની સિક્યૉરિટીની વ્યવસ્થા કરી.    

    આ ઘટના બાદ મીનાકુમારીએ નિશ્ચય કર્યો કે હવે તે કદી કમાલના ઘરે નહીં જાય. કમાલ અમરોહીની પુત્રી રુખસાર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એ સાંજે મીનાજી ઘરે ન આવ્યાં. અમે રાતભર પરેશાન હતાં. ખબર પડી કે તે મેહમૂદના ઘરે છે એટલે બાબા ત્યાં ગયા. વિનંતી કરી કે ઘરે પાછી આવ, લોકોને ખબર પડશે તો બદનામી થશે. પણ તે માનતાં નહોતાં. બાબાએ ત્યાં સુધી કહ્યું કે બાકરઅલીને કાઢી મૂકશે પણ તે કોઈ હિસાબે પાછાં આવવા રાજી નહોતાં. બાબાએ કહ્યું કે જો આજે ઘેર નહીં આવે તો કોઈ દિવસ તને બોલાવવા નહીં આવું. એ દિવસ બાદ બાબા કદી તેમને લેવા ન ગયા અને મીનાજી કદી ઘેર આવ્યાં નહીં.’

કમાલ અમરોહી અને મીનાકુમારીનું જોડું પહેલેથી જ ‘The Odd Couple’ જેવું હતું. તે દિગ્દર્શક, લેખક અને કવિ હોવા છતાં મીનાકુમારીની સરખામણીમાં તેમની સફળતા નજીવી હતી. તેમનો પરિવાર અમરોહામાં રહેતો હતો. કમાલ અમરોહીના ઘમંડી સ્વભાવના અનેક કિસ્સાઓ છે. એક કાર્યક્રમમાં મેહબૂબ ખાને ગવર્નર શ્રીપ્રકાશને બન્નેનો પરિચય કરાવતાં  કહ્યું, ‘આ ભારતની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી મીનાકુમારી અને આ તેમના પતિ કમાલ અમરોહી.’ કમાલનો દુભાયેલો અહંકાર તરત બોલ્યો, ‘ના, એવું નથી. હું કમાલ અમરોહી અને આ મારી પત્ની મીનાકુમારી, ભારતની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી.’

 પાછળથી કમાલે મેહબૂબ ખાનને કહ્યું, ‘તમે કદી તમારી ઓળખણ ફેમસ સરદાર અખ્તરના પતિ તરીકે આપી છે?’ એ રાતે કમાલે ઘેર આવીને મીનાકુમારી પર દાઝ ઉતારી. તેણે વાતને વાળતાં કહ્યું, ‘બોલ દિયા તો ક્યા હુઆ? તુમ છોટે હો ગએ?’ જવાબ મળ્યો, ‘મંજુ, તુમ સમઝતી નહીં, મૈં તુમ્હારા ખાવિંદ (પતિ) હૂં. ખાવિંદ કા દરઝા...,’ આ સાંભળતાં મીનાકુમારીએ અકળાઈને કહ્યું, ‘હાં, ઔર બીવી કા દરઝા નીચા રહતા હૈ.’ 

‘મુગલ-એ-આઝમ’ના ચાર ડાયલૉગ-રાઇટરમાંના એક કમાલ કહેતા કે ફિલ્મના ૭૦ ટકા સંવાદો મારા લખેલા છે. એક દિવસ સેટ પર દિલીપકુમાર સંવાદ બોલ્યા, ‘એ અકબર કી  કનીઝ... અનારકલી’ જ્યારે અસલ સંવાદ હતો ‘ઓ અકબર કી કનીઝ.’ કમાલે દિલીપકુમારને ટોકતાં કહ્યું, ‘એ નહીં, ઓ બોલો.’ બન્ને વચ્ચે દલીલ થઈ ત્યારે કમાલે તફાવત સમજાવ્યો. ‘ઓ’ તુચ્છતા બતાવે છે. ‘એ’ થોડું સન્માનજનક લાગે. દિલીપકુમારે કહ્યું, ‘હું પણ ઉર્દૂ જાણું છું. બન્નેમાં કોઈ ફરક નથી. તમારી ભૂલ થાય છે.’ કમાલે કહ્યું, ‘અગર મૈં કુછ ગલત ભી લિખતા હૂં તો વો ઉર્દૂ ડિક્શનરી મેં શામિલ હો જાતા હૈ.’

ફિલ્મ ‘રઝિયા સુલતાન’ માટે પહેલાં લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને સાઇન કરવામાં આવ્યા. તેમણે એક ધૂન બનાવી, જે કમાલે નાપસંદ કરી અને બીજી ધૂન બનાવવાનું કહ્યું. LPની જોડી પાસે ખૂબ કામ હતું એટલે તેમને મળવા એક દિવસ રેકૉર્ડિંગ સ્ટુડિયો પહોંચ્યા. ત્યાં તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું એટલે તેમનો અહમ ઘવાયો. ‘એક તો હું કોઈને મળવા જતો નથી છતાં અહીં આવ્યો. હું કોઈ પેશન્ટ નથી કે ડૉક્ટરના આવવાની રાહ જોઉં.’ કહેતાં ત્યાંથી નીકળી ગયા અને ત્યાર બાદ ખય્યામને સાઇન કર્યા.  

કમાલને છોડીને મીનાકુમારી એકલી ‘લૅન્ડમાર્ક’માં રહેવા લાગી. દિવસભર તે શૂટિંગ કરતી પણ રાતે તેની એકલતા અસહ્ય હતી. તે અનિદ્રાનો શિકાર બની. દુઃખદર્દને મિટાવવા તેણે શરાબનો સહારો લીધો. ‘દિલ એક મંદિર’, ‘બેનઝીર’, ‘ચિત્રલેખા’, ‘કાજલ’, ‘ભીગી રાત’, ‘ફૂલ ઔર પથ્થર’, ‘બહૂ બેગમ’ અને બીજી ફિલ્મોમાં તેના અભિનયની પરાકાષ્ઠા આવી પરંતુ અંગત જીવનમાં જે ખાલીપો હતો એ ઊંડે ને ઊંડે જતો હતો. પોતાની વ્યથાને મીનાકુમારી શબ્દોમાં વાચા આપીને ખાલીપો ભરવાનો મિથ્યા પ્રયત્ન કરતી.

ચાંદ તન્હા હૈ, આસમાં તન્હા

દિલ મિલા હૈ કહાં કહાં તન્હા

બૂઝ ગઈ આસ, છૂપ ગયા તારા

થરથરાતા રહા ધુંઆ તન્હા

હમસફર મિલ ગયા જો કહીં

દોનો ચલતે રહેં તન્હા–તન્હા 

મારી સાથેની મુલાકાતોમાં સંગીતકાર ખય્યામે મીનાકુમારીને યાદ કરતાં કહ્યું હતું, ‘ઉનકે લિખને કા અંદાઝ કિસી સે મિલતા નહીં થા, ખુદ કા થા. ઉનકી શાયરી મેં એક દર્દ થા, કસક થી. અમે ઘણી વાર મળતાં.’ મેં કહ્યું, ‘તમારી શાયરી રેકૉર્ડ થવી જોઈએ.’ તો કહે, ‘પર ઇસે જગજિત કૌર (ખય્યામનાં પત્ની) હી ગાએંગે.’ મેં કહ્યું, ‘ના, એ તમારા સ્વરમાં જ રેકૉર્ડ થવી જોઈએ.’ અને ખય્યામના સંગીતમાં મીનાકુમારીના સ્વરમાં સ્વરચિત શાયરીઓનું આલબમ ‘I Write, I Recite’ રેકૉર્ડ થયું. ‘તન્હા ચાંદ’ નામે મીનાકુમારીની શાયરીના એક પુસ્તકનું સંપાદન ગુલઝારે કર્યું છે.

મીનાકુમારીનો અવાજ નૂતન કે વૈજયંતીમાલા જેવો મીઠો નહોતો. તેના અવાજમાં નર્ગિસની નજાકત, મધુબાલાની મસ્તી કે ગીતા બાલીની ગમ્મત નહોતી પણ મીનાકુમારી છેવટે મીનાકુમારી હતી. તે થોડા ઊંચા સૂરમાં, નાકમાંથી બોલતી. ઉત્કટ દૃશ્યોમાં તેનો અવાજ થોડો ખેંચાતો એટલે તીણો થતો. તેની આ મર્યાદા જ તેની વિશિષ્ટતા હતી. તેનો અવાજ જીવંત લાગતો. દરેક શબ્દમાં તેના હૃદયની વ્યથા અને સ્પંદનોની પીડાનો અનુભવ થતો. તે બોલતી હોય કે ગણગણતી હોય, એક દર્દીલી છતાં ગમતી પીડાનો અહેસાસ થતો.

મીનાકુમારી સાથે અનેક પુરુષોનાં નામ જોડાયાં. એમાં ભારત ભૂષણ, પ્રદીપ કુમાર, સાવનકુમાર ટાક, ગુલઝાર અને ધર્મેન્દ્ર ઉપરાંત પાછલા દિવસોમાં એક નવોદિત યુવાન અભિનેતા રાહુલનું નામ સામેલ છે. મીનાકુમારીને તલાશ હતી સાચા પ્રેમની જેની શોધમાં તેણે જીવનભર વ્યર્થ પ્રયત્ન કર્યા. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, ‘કોઈ તમારી પાસે પ્રેમ અને આદરભાવ લઈને આવે એને કેમ નકારી શકાય? કોઈને પ્રેમ કરવો એનો અર્થ એવો નથી તેને કોઈ પાસેથી છીનવી લેવું. પ્રેમ એક લાગણી છે, અહેસાસ છે. હું પ્રેમ સિવાય બીજું કંઈ માગતી નથી.’

મીનાકુમારી અંગત મિત્રોને કહેતી, ‘હું કોઈના ઘરને ભાંગવાનું કામ કરું એવી ખરાબ નથી. હા, હું એક નબળી, દિલની દાઝેલ સ્ત્રી છું પણ એનો અર્થ એવો નહીં કે જાણીબૂઝીને  કોઈની ખુશી છીનવી લઉં.’

મીનાકુમારીને આપણે ટ્રૅજેડી ક્વીન તરીકે ઓળખીએ છીએ. હવે અંગત જીવનમાં તે આ ટાઇટલથી જ જીવતી હતી. વર્ષો પહેલાં થયેલા અકસ્માતમાં તેની ટચલી આંગળી અડધી કપાઈ ગઈ હતી જેને તે સાડીના પાલવમાં કુશળતાથી છુપાવી લેતી, પણ અસલી જીવનના જખમ ભરવા તેણે શરાબનો હાથ ઝાલ્યો. કમાલથી છૂટા પડ્યા બાદ તેનું શરાબનું સેવન એટલી હદે વધી ગયું હતું કે તેના લિવર પર અસર થઈ. ૧૯૬૮માં લંડનમાં તેનું ઑપરેશન થયું ત્યારે ડૉક્ટરોએ ચેતવણી આપી, ‘જે દિવસે મરવું હોય એ દિવસે શરાબને હાથ લગાડજે.’

મુંબઈ આવ્યા બાદ તેનું સ્વાસ્થ્ય થોડું સુધર્યું. શરાબની તલપ છોડવા તેણે પાનનો સહારો લીધો. તબિયત બહુ સાથ નહોતી આપતી પણ ફિલ્મોમાં કામ કરવાનું બંધ નહોતું કર્યું. હવે તેના પર કોઈ બંધન નહોતું તેમ છતાં પણ તે બેચેન હતી. ફરી એક વાર તેણે શરાબનું સેવન શરૂ કર્યું. નોકરચાકર મના કરતા તો તે કરગરતી, ભીખ માગતી. કોઈ તેની લાચારીની દયા ખાઈને ચોરીછૂપીથી બૉટલ આપે તો નોકરોની નજરથી બચવા બાથરૂમમાં જઈને શરાબ પીતી. આ લત તેને બરબાદી તરફ લઈ જતી હતી એ જાણવા છતાં તે નિરુપાય હતી.

આવી હાલતમાં એક દિવસ તેના પર કમાલ અમરોહીનો પત્ર આવ્યો. શું લખ્યું હતું એ પત્રમાં? એ વાત આવતા રવિવારે મીનાકુમારીના જીવનના અંતિમ અધ્યાયમાં.   

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 01:47 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK