Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > શું મુક્તપણે હરવા-ફરવાનો અધિકાર દિવ્યાંગોને નથી?

શું મુક્તપણે હરવા-ફરવાનો અધિકાર દિવ્યાંગોને નથી?

Published : 30 September, 2026 02:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાચી પ્રગતિ કોને કહેવાય? જ્યાં દરેકની સુવિધાનો વિચાર કરાય એને કે જ્યાં સમાજના અમુક વર્ગને સાવ ભૂલી જ ગયા હોઈએ એને?

નિરામય ખીમસિયા

What’s On My Mind?

નિરામય ખીમસિયા


સાચી પ્રગતિ કોને કહેવાય? જ્યાં દરેકની સુવિધાનો વિચાર કરાય એને કે જ્યાં સમાજના અમુક વર્ગને સાવ ભૂલી જ ગયા હોઈએ એને? એ વાત સાવ સાચી છે કે ભારત ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આપણે વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ઍરપોર્ટ, વિશ્વસ્તરનું સ્ટેડિયમ, હોટેલ અને પ્રવાસન-સ્થળોનું નિર્માણ કરી રહ્યા છીએ અને ભારતને વૈશ્વિક પ્રવાસન-સ્થળ તરીકે વધુ ને વધુ રજૂ કરી રહ્યા છીએ. કૉન્ગ્રેચ્યુલેશન્સ. ખરેખર બહુ જ ખુશીની વાત છે, પરંતુ સવાલ એ છે કે તમને લાગે છે કે આ પ્રગતિમાં સમાજના એક ખાસ વર્ગનો પણ વિચાર થઈ રહ્યો છે? હું વાત કરી રહ્યો છું દિવ્યાંગ સમુદાયની જે વિકાસની રેસમાં હંમેશાં પાછળ રહી જાય છે.
સુલભતા એટલે કે ઍક્સેસિબિલિટી એ દિવ્યાંગોને અપાતો કોઈ વૈભવ, વિશેષાધિકાર કે વધારાની સુવિધા નથી પરંતુ એક જરૂરિયાત છે અને જીવવાના મૂળભૂત અધિકારનો જ એક ભાગ છે. જરાક આંખ બંધ કરીને યાદ કરો દેશનાં પ્રવાસન-સ્થળોને - પછી એ ઐતિહાસિક સ્મારક હોય, કિલ્લો, સંગ્રહાલય, મંદિર, બીચ, પાર્ક, વ્યુ પૉઇન્ટ કે અન્ય કોઈ આકર્ષણ હોય. શું ત્યાં બધે જ તમે વ્હીલચૅર પણ જઈ શકે એવી વ્યવસ્થા જોઈ છે? એ હોવી જોઈએ એવું તમને ક્યારેય લાગ્યું છે? એવી જ રીતે સ્ટેડિયમ, હોટેલ, રેસ્ટોરાં, શૉપિંગ એરિયા અને અન્ય સાર્વજનિક સ્થળોને એવી રીતે ડિઝાઇન કરાયાં છે? અત્યાર સુધી બહુ જ ઓછી જગ્યાઓ છે જે આ રીતે શારીરિક રીતે પડકારો સહેતા લોકોને પણ ધ્યાનમાં રાખીને સર્જાઈ હોય. જોકે હવે જ્યારે એ દિશામાં જાગૃતિ આવી રહી છે ત્યારે એમાં  ફેરફાર કરવા જોઈએ જેથી વ્હીલચૅરનો ઉપયોગ કરતા લોકો સ્વતંત્ર રીતે પ્રવેશ કરી શકે અને હરી-ફરી શકે. આ યોગ્ય રીતે ડિઝાઇન કરેલા રૅમ્પ, લિફ્ટ અને અન્ય સુલભ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા હાંસલ કરી શકાય છે.
જરાક વિચારો કે ફુટપાથ જેવી મૂળભૂત જરૂરિયાતોમાં પણ જ્યાં લેવલમાં તફાવત હોય કે રોડ-ક્રૉસિંગ હોય ત્યાં વ્હીલચૅર-સુલભ રૅમ્પ બહુ જ ઓછી જગ્યાએ છે. કોઈ વ્હીલચૅર ઉપયોગકર્તાને માત્ર એટલા માટે પોતાની વ્હીલચૅર ઊંચકવા માટે કોઈના પર નિર્ભર રહેવું ન પડે અથવા અન્ય રસ્તો શોધવો ન પડે કે ફુટપાથ પર પગથિયાં છે કે પહોંચી ન શકાય એવી કિનારી છે.
વિકસિત દેશોમાં આ ઍક્સેસિબિલટીને સામાન્ય બાબત તરીકે જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સામેલ કરવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ વધુ સ્વતંત્રતા સાથે મુસાફરી કરી શકે છે, પ્રવાસન-સ્થળોની મુલાકાત લઈ શકે છે, રમતગમતના કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે, રેસ્ટોરાંમાં જમી શકે છે અને હોટેલમાં રોકાઈ શકે છે. દુર્ભાગ્યે ભારતમાં સંભાળ રાખનાર સાથે હોવા છતાં ઘણાં પ્રવાસન-સ્થળો અને જાહેર સ્થળોની મુલાકાત લેવી અત્યંત મુશ્કેલ બની શકે છે, કારણ કે મૂળભૂત સુલભતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાં તો ગેરહાજર હોય છે અથવા અપૂરતું હોય છે.
અહીં મુદ્દો માત્ર પ્રવેશદ્વાર પર રૅમ્પ પૂરો પાડવાનો નથી. સાચી ઍક્સેસિબિલટીનો અર્થ એ છે કે પ્રવેશ કરી શકવો, મુક્તપણે ફરી શકવું, વૉશરૂમનો ઉપયોગ કરી શકવો, વિવિધ લેવલ સુધી પહોંચી શકવું, આરામથી બેસી શકવું અને ગૌરવ તેમ જ શક્ય એટલી મહત્તમ સ્વતંત્રતા સાથે કોઈ સ્થળનો અનુભવ કરી શકવો. અમારા માટે એવો વિચાર થશે?

- નિરામય ખીમસિયા



- બૅચલર ઇન ફાઇનૅન્શિયલ માર્કેટનો અભ્યાસ કરનારો અને ઇક્વિટી તેમ જ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ટ્રેડર તરીકે સક્રિય નિરામય ખીમસિયા Travel with Niramay નામની યુટ્યુબ ચૅનલ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ટ્રાવેલ વ્લૉગર તરીકે પોતાના પ્રવાસના અદ્ભુત અનુભવો લોકો સુધી પહોંચાડે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK