Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગુનો કે દુર્ઘટના ઘટે એ પહેલાં શહેર સંકેત આપે છે

ગુનો કે દુર્ઘટના ઘટે એ પહેલાં શહેર સંકેત આપે છે

Published : 13 October, 2026 12:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેન જેકબ્સની Eyes on the Streets અને જેમ્સ વિલ્સનની Broken Windowsની થિયરી ગુનો અટકાવી શકે છે. શહેરનો નકશો એક જ હોય છે, પરંતુ શહેરનો અનુભવ સ્ત્રી-પુરુષ બન્ને માટે એકસરખો હોતો નથી

ગુનો કે દુર્ઘટના ઘટે એ પહેલાં શહેર સંકેત આપે છે

PoV

ગુનો કે દુર્ઘટના ઘટે એ પહેલાં શહેર સંકેત આપે છે


શહેરની કોઈ એક ગલીમાં સ્ટ્રીટલાઇટ બંધ છે.
હોય, એ કોઈ નવી વાત નથી.
એક દિવસ પસાર થાય છે. પછી બીજો, ત્રીજો. કોઈ ફરિયાદ કરતું નથી. કોઈ મ્યુનિસિપલ ઑફિસરની નજર નહીં પડી હોય? ગલી અંધારી જ રહે છે.
ધીમે-ધીમે લોકો - ખાસ કરીને સ્ત્રીઓ - ત્યાંથી આવવા-જવાનું ટાળે છે. લોકોએ બીજો રસ્તો શોધી લીધો છે. રસ્તા પર અવરજવર ઓછી થઈ જતાં દુકાનદારોની ઘરાકી ઓછી થઈ રહી છે. તેઓ બીજે ક્યાંક જઈ રહ્યા છે. રસ્તો વધુ નિર્જન થતો જાય છે. ફુટપાથો તૂટેલી જ રહે છે, રસ્તા ખાડા-ટેકરાવાળા જ રહે છે. સરકાર પણ દુર્લક્ષ સેવે છે. એક રિપેર ન કરાયેલી સ્ટ્રીટલાઇટને કારણે ગલી ધીમે-ધીમે અવાવરું થઈ જાય છે. એનો લાભ કેટલાક લોકો ઉઠાવે જ. એક સાંજે ૩ ગુંડાઓ એક યુવતીને ત્યાં ઘસડી લાવે છે. વરસાદના પાણીથી ભરાયેલા ખાડાને કારણે એક સ્કૂટર સ્કિડ થઈ જાય છે. પાછળ બેફામ ચાલતી ટ્રકનાં પૈડાં નીચે તે કચડાઈ જાય છે.
એક માલેતુજાર નેતાનો ૧૫ વર્ષનો દીકરો તેના દોસ્તોને નવી BMW કારમાં સફર કરાવવા લઈ જાય છે. હસી-મજાકમાં સ્ટન્ટ કરવા જતાં સ્ટીઅરિંગ પર કાબૂ રહેતો નથી અને ફુટપાથ પર સૂતેલા ગરીબોને કચડી નાખે છે.  ગુનાઓ કે દુર્ઘટનાઓ બનતાં પહેલાં શહેરે સંકેતો આપ્યા નહોતા? ઊડી ગયેલી સ્ટ્રીટલાઇટ એક સંકેત હતો.
 રસ્તામાં પાણી ભરેલા ખાડા કે ડ્રાઇવરોનું ન થતું ચેકિંગ દુર્ઘટના ઘટે એ પહેલાંના સંકેતો છે. શહેર સંકેત આપે છે, પણ સૌને તો ગુનાના રિપોર્ટિંગમાં રસ છે. BMW નીચે કચડાઈને મોત થયા પછી એ ફુટપાથનો ફોટો આવે છે. સ્કૂટરસવારનું માથું ફાટી ગયા પછી ખાડાનો ફોટો આવે છે.
કોઈ ફરિયાદ કરતું નથી ત્યાં સુધી રિપોર્ટિંગ થતું નથી. કોઈ અધિકારી અવાવરું ગલીમાં ત્યાં સુધી જતો નથી જ્યાં સુધી ત્યાં કોઈ ગુનો ન થાય. સ્કૂલનું છાપરું તૂટી પડે ને વિદ્યાર્થીઓ દબાઈ જાય પછી ફન્ડ રિલીઝ થાય છે, પણ વર્ષોથી તૂટૂં-તૂટું થતી દીવાલ અને ઊભરાતી ગટરો માટે કરેલી ફરિયાદો ફાઇલોમાં બંધ જ રહે છે. શહેરના ગુનાઓના આંકડાઓ વાંચતાં પહેલાં આપણે સંકેતોને સમજવાની જરૂર છે. સાંજ પડે અંધારિયો થઈ જતો બગીચો કે તૂટેલું બસ-સ્ટૉપ કે ઊખડેલી ફુટપાથ કે ગંદું શૌચાલય આ બધી મેઇન્ટેનન્સની જ સમસ્યા નથી, આ શહેરની સાંકેતિક ભાષા છે. કેટલાકને એ સમજાય છે એટલે મનમાં મલકાય છે. ‘અહીં કોઈ જોતું નથી. ચાલો, અહીં જ આપણો અડ્ડો.’
 અહીં મને જેન જૅકબ્સ યાદ આવે છે. શહેરી સલામતી વિશે તેમણે ઘણું લખ્યું છે. Eyes on the Streets (રસ્તા પર નજર) એ તેમનો જાણીતો વિચાર હતો. સરળ ભાષામાં કહીએ તો અવરજવરથી ધબકતો જીવંત રસ્તો પોતે જ એક પ્રકારની દેખરેખ ઊભી કરે છે. એ વણલખ્યો ચોકીદાર બની જાય છે. ફુટપાથ પર લોકો ચાલતા દેખાય, બસ-સ્ટૉપ પર મુસાફરો દેખાય તો રસ્તો માત્ર રસ્તો રહેતો નથી; એક સામાજિક સ્થળ બનીને રહે છે, સલામતી આપોઆપ અનુભવાય છે. CCTV કૅમેરા એ Eyes on the Streets જ છે. ક્યારેક ખુલ્લી દુકાન, ફુટપાથ પરના ફેરિયાઓ, રસ્તા પર પડતી બારીઓ પણ શહેરને વધુ જાગૃત બનાવે છે.
આના જેવી જ ૧૯૮૨માં જ્યૉર્જ કેલિંગ અને જેમ્સ વિલ્સને રજૂ કરેલી Broken Windows થિયરી પણ રસપ્રદ છે. આ થિયરી મુખ્યત્વે શહેરના પ્લાનિંગ / આયોજન પર પ્રકાશ પાડે છે. પ્લાનિંગ કરનારાના ટેબલ પર સ્ત્રીઓ પણ હોવી જોઈએ એમ તેમનું કહેવું છે. જાહેર જગ્યામાં તૂટેલી બારી જેવી નાનીશી અવ્યવસ્થા પણ ચેતવણી છે. આવી નાની-નાની ઘટનાને સતત અવગણવામાં આવે તો પછી એ એક સામાજિક સમસ્યા બની જાય છે. 
તૂટેલી બારી સ્ત્રીને જલદી દેખાય છે. સ્ત્રી શહેરને જુદી રીતે વાંચે છે. પુરુષ માટે કોઈ રસ્તો બે સ્થળોને જોડતી કડી માત્ર હોઈ શકે, સ્ત્રી માટે એ જ રસ્તો પ્રશ્નોની હારમાળા લઈને આવે છે. પાછળ કોઈ પીછો તો નથી કરી રહ્યુંને? કઈ ફુટપાથ પર વધુ પ્રકાશ છે? કઈ બાજુ દુકાનો ખુલ્લી છે? નજીકમાં બસ-સ્ટૉપ છે કે નહીં? અર્થાત્ શહેરનો નકશો એક જ હોય છે પરંતુ શહેરનો અનુભવ સ્ત્રી-પુરુષ બન્ને માટે એકસરખો હોતો નથી.
એટલે શહેરનું પ્લાનિંગ કરવામાં સ્ત્રીની નજર ઉમેરવી જરૂરી છે એવું તેમનું કહેવું છે. ઇકૉનૉમિક્સની દૃષ્ટિએ જોઈએ તો પણ જે શહેરમાં સ્ત્રી સલામત હશે ત્યાં ધંધો-રોજગાર વધશે. તો ઇન્વેસ્ટરો આવશે. પ્રૉફિટ થશે, ઇન્ડસ્ટ્રીઝ પણ સ્થપાશે. તેથી રોજગારી / આવક વધશે અને જીવનધોરણ સુધરશે. આ બધું તૂટેલી બારી કે ઊડી ગયેલી સ્ટ્રીટલાઇટને અવગણીશું નહીં તો.

બાય ધ વે 
તમને ખબર છે આ Broken Windowsના સિદ્ધાંતે ન્યુ યૉર્ક અને અન્ય પાંચ શહેરો પર ખાસ પ્રભાવ પાડ્યો હતો. ૧૯૯૦ના દાયકામાં એનો ઉપયોગ aggressive policing / આક્રમક દેખરેખ માટે થયો, પણ આવા અભિગમની ભારે ટીકા થઈ. પછી ૧૯૯૯માં રૉબર્ટ સેમ્પસને શિકાગોની ૨૩,૦૦૦થી વધુ સ્ટ્રીટ્સનો અભ્યાસ કર્યો. એનું તારણ રસપ્રદ હતું. માત્ર ભૌતિક અવ્યવસ્થા જ ગુનાનું સીધું કારણ નથી. એના માટે Collective Efficacy (સામૂહિક જવાબદારી) પણ જરૂરી છે. પરસ્પરનો વિશ્વાસ ગુનો થતાં અટકાવે છે. દુર્ઘટના ટાળનારાં આ બે મહત્ત્વનાં પરિબળો છે. એટલે યે બમ્બઈ શહર કો હાદસોં કા શહર થતાં Eyes on the Streets બચાવી શકે છે એમ કહી શકાય કે નહીં?


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK