એક તરફ આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, પણ બીજી તરફ સામાન્ય માણસની મજબૂરી સમજવામાં રેલવેના નિયમો ઊણા ઊતરે છે
ઍડ્વોકેટ કાન્તિલાલ સંગોઈ કચ્છ રેલવે પૅસેન્જર અસોસિએશનના પ્રમુખપદે કાર્યરત છે અને રેલવે બોર્ડના ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના મેમ્બર છે.
મુંબઈ અને કચ્છ વચ્ચેનો સંબંધ માત્ર ભૌગોલિક નથી, લાગણીશીલ અને આર્થિક પણ છે. હજારો કચ્છીઓ દરરોજ આ રૂટ પર અવરજવર કરે છે. આ પ્રવાસ આજે સંઘર્ષમય બની રહ્યો છે. વર્ષોથી આ રૂટ પર દોડતી ટ્રેનોના ડબ્બા હવે જર્જરિત થઈ ગયા છે. મુસાફરોની માગણી છે કે રેલવેતંત્ર આ જૂના ડબ્બાઓને બદલીને આધુનિક કોચ લગાવે અને જો ખરેખર અમૃતકાલની વાત થતી હોય તો મુંબઈ-કચ્છ રૂટ પર અમૃત ભારત અને વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનો શરૂ કરવી હવે અનિવાર્ય છે.
મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં ટ્રેનોની ફ્રીક્વન્સી ઘણી ઓછી છે. વેકેશનમાં કે તહેવારોમાં તો સ્થિતિ બદતર બની જાય છે. અમે લાંબા સમયથી પ્રયત્નશીલ છીએ કે નવી ટ્રેનો શરૂ થાય અને હાલની ટ્રેનોના ફેરા વધારવામાં આવે જેથી સામાન્ય મુસાફરોને કન્ફર્મ ટિકિટ માટે વલખાં ન મારવાં પડે. પ્રવાસ દરમ્યાન સૌથી મોટી સમસ્યા વલસાડ-વડોદરા રૂટ વચ્ચે સર્જાય છે. રિઝર્વેશન કરાવીને બેઠેલા મુસાફરોના ડબ્બામાં સ્થાનિક પાસધારકો ઘૂસી જાય છે અને પોતાની મનમાની કરીને તેઓ ફૅમિલી સાથે મુસાફરી કરતા લોકો માટે ત્રાસરૂપ બને છે. આ બાબતે રેલવે પોલીસનું પૅટ્રોલિંગ નામમાત્રનું છે.
ADVERTISEMENT
એક તરફ આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, પણ બીજી તરફ સામાન્ય માણસની મજબૂરી સમજવામાં રેલવેના નિયમો ઊણા ઊતરે છે. ટિકિટ-બુકિંગ વખતે નામ કે સ્પેલિંગમાં સામાન્ય ભૂલ થઈ જાય તો TC દ્વારા જે રીતે દંડ વસૂલ કરવામાં આવે છે એ અન્યાયી છે. જે મુસાફરનું અંગ્રેજી નબળું છે તેનાથી ભૂલ થવી સ્વાભાવિક છે. જો ઓળખપત્ર સાચું હોય તો નાની સ્પેલિંગની ભૂલ બદલ દંડ વસૂલ કરવાને બદલે માનવીય અભિગમ અપનાવવો જોઈએ. ડબ્બામાં રેગ્યુલર સફાઈ ન થવાને કારણે મુસાફરોને દુર્ગંધ અને ગંદકી વચ્ચે સફર કરવી પડે છે. જ્યારે ભાડામાં સતત વધારો કરવામાં આવે છે ત્યારે મુસાફરોને આવી પાયાની જરૂરિયાતો માટે કેમ ઝઝૂમવું પડે? રેલવે પ્રશાસને આધુનિકીકરણના નામે માત્ર દેખાડો કરવાને બદલે પાયાના માળખાને મજબૂત બનાવવાની જરૂર છે.
કચ્છ આજે વિશ્વસ્તરે પ્રવાસનધામ તરીકે ઊભરી રહ્યું છે ત્યારે પરિવહનવ્યવસ્થા નબળી હોવી એ શરમજનક બાબત છે. જો રેલવે કનેક્ટિવિટી અને ટ્રેનોની સ્થિતિ સુધારશે તો માત્ર કચ્છી પ્રવાસીઓને જ નહીં, પ્રવાસન ઉદ્યોગને પણ મોટો વેગ મળશે. નવી ટ્રેનો અને સુધારેલી સુરક્ષાવ્યવસ્થા કચ્છના વિકાસમાં સીમાચિહનરૂપ સાબિત થઈ શકે એમ છે. આ પ્રશ્નો હવે માત્ર રજૂઆતો પૂરતા મર્યાદિત ન રહેતાં નક્કર પરિણામમાં બદલાય એ જરૂરી છે. આ માટે પ્રવાસીઓને ભેગા કરીને ભવિષ્યમાં લોકદરબારનું આયોજન થશે.
