Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાહેરાતો જોવી કે ગજવું હળવું કરવું?

જાહેરાતો જોવી કે ગજવું હળવું કરવું?

23 September, 2022 11:52 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

યુટ્યુબના આ વલણ સંદર્ભે આખો દિવસ વિડિયોની દુનિયામાં વિહરતા યુવાવર્ગના પ્રતિભાવો જાણીએ

જાહેરાતો જોવી કે ગજવું હળવું કરવું?

સ્પેશ્યલ સ્ટોરી

જાહેરાતો જોવી કે ગજવું હળવું કરવું?


લાખો ચૅનલ્સ અને કરોડો યુઝર્સ ધરાવતું વિડિયો પ્લૅટફૉર્મ યુટ્યુબ જાહેરખબરને લઈને નવી પૉલિસી પર કામ કરી રહ્યું છે. એમાં લગભગ સાતથી આઠ અનસ્કિપ્ડ ઍડ મૂકવાની તૈયારીઓ થઈ રહી છે જેને કારણે  જાહેરખબરથી છુટકારો મેળવવા માટે આડકતરી રીતે પ્રીમિયમ ભરવા પર દબાણ થઈ રહ્યું છે. યુટ્યુબના આ વલણ સંદર્ભે આખો દિવસ વિડિયોની દુનિયામાં વિહરતા યુવાવર્ગના પ્રતિભાવો જાણીએ

પ્રીમિયમ ભરવા માટે મજબૂર કરવા માટે દરેક સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ ઍડ-ફ્રી વર્ઝનની દુહાઈઓ આપે છે, પણ સસ્તા ડેટાના જમાનામાં મોટા ભાગે એ લોકોને આકર્ષી નથી શકતું.



સ્માર્ટફોનના યુગમાં મનોરંજનનું સૌથી હાથવગું સાધન યુટ્યુબ છે. આ પ્લૅટફૉર્મ વિશે પાકી જાણકારી મેળવવી અઘરી છે, પરંતુ અંદાજિત આંકડા અનુસાર ૪૬ કરોડ ભારતીયો નિયમિત રીતે યુટ્યુબ જુએ છે. લાખો ચૅનલો અને કરોડો યુઝર્સ હોય એવા પ્લૅટફૉર્મ પરથી ગૂગલ પોતે, વિડિયો ક્રીએટર અને જાહેરખબર દર્શાવતી કંપનીઓ તોતિંગ કમાણી કરવાનું વિચારવાનાં જ. જોકે તમે કોઈ વિડિયોનો આનંદ માણતા હો ત્યાં અચાનક જાહેરખબર આવી જાય અને એ પણ પાછી ફરજિયાત જોવી પડે ત્યારે ઇરિટેટ થઈ જવાયને? જાહેરખબરથી છુટકારો મેળવવા યુઝર્સે પ્રીમિયમ ભરી દેવું અથવા સ્કિપ ન થાય એવી પાંચ જાહેરખબર પરાણે જોઈ લેવી. તાજેતરમાં યુટ્યુબે આવી ચીમકી આપતાં યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે. પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધારવા યુટ્યુબે જાહેર કરેલી પૉલિસીથી નિરાશ થયેલા કેટલાક યુઝર્સે ટ્વિટર પર આક્રોશ ઠાલવ્યો છે. યુટ્યુબે સામે ટ્વીટ કરીને એક ઍડ છ સેકન્ડની જ હશે એવી જાણકારી આપી છે. યુટ્યુબના આ વલણ સંદર્ભે યુવાપેઢીના અભિપ્રાયો જાણીએ. 


ઘણા ઑપ્શન મળી રહેશે

સાતમા ધોરણમાં અભ્યાસ કરતા ઘાટકોપરના જૈનમ સંઘવીને હિસ્ટરી અને ક્રિકેટના વિડિયો જોવાનું તેમ જ ઑનલાઇન ગેમ રમવાનું પસંદ છે. તે કહે છે, ‘કોઈ પણ બિઝનેસમાં પૈસા બનાવવાનો હેતુ હોય એમાં કશું ખોટું નથી. જાહેરખબરના માધ્યમથી થતી ધીકતી કમાણી કોઈ બંધ ન કરે એટલે ઍડ તો આવશે. હું જે ચૅનલ જોઉં છું એમાં મોટા ભાગની ઍડ સ્કિપ કરી શકાય છે. અનસ્કિપ્ડ થાય એવી બે જાહેરખબર માંડ આવતી હશે. ઇટ્સ ઓકે ફૉર ફ્રી યુઝર્સ. ગેમ્સ રમવા માટે ૩૦ સેકન્ડની ઍડ ફરજિયાત જોવી પડે એ ક્યારેક કંટાળાજનક લાગે પણ ફ્રીમાં બધું ન મળે. ઍડ જોવાથી ગેમમાં લાઇફલાઇન મળે છે. જાહેરખબર જોવાનો કંટાળો આવે અને ઍડ પૂરી થાય ત્યાં સુધીમાં વૉટ્સઍપના મેસેજ જોઈ લઉં એવું વિચારી બહાર નીકળી જાઓ તો ફરીથી આખી ઍડ જોવી પડે છે. યુટ્યુબ દ્વારા વાપરવામાં આવતી ચાલાકીથી ફ્રી યુઝર્સને ફરક પડવાનો નથી. તેમની પાસે અઢળક ઑપ્શન છે. જાહેરખબરથી છુટકારો મેળવવા એક્સપેન્ઝિવ પ્રીમિયમ ભરવામાં મને લૉજિક દેખાતું નથી અને પેરન્ટ્સ પણ ના જ પાડશે. મારા મતે બે અનસ્કિપ્ડ ઍડ સામે ફ્રી વિડિયો ખોટી ડીલ નથી. પૈસા નથી ભરવા તો આટલું સહન કરી લેવું.’ 


પ્રીમિયમ નહીં ભરીએ

બીબીઆઇનો અભ્યાસ કરતી ગોરેગામની ​શ્રદ્ધા બાવીશાને યુટ્યુબ પર જુદી-જુદી રેસિપી, એક્સરસાઇઝ અને બ્લૉગ્સ જોવા ગમે છે. દિવસનો ત્રણ કલાક જેટલો સમય વિડિયો જોવામાં વીતાવતી આ યંગ ગર્લ કહે છે, ‘યુટ્યુબ એવું પ્લૅટફૉર્મ છે જ્યાં દુનિયાભરના વિડિયો જોઈ શકાય છે. અહીં તમારા ઇન્ટરેસ્ટના ફીલ્ડની સ્ટેપ-બાય-સ્ટેપ જાણકારી મળી રહેતાં ઈઝી થઈ જાય છે. જોકે પંદર મિનિટના વિડિયોમાં ૩૦ સેકન્ડની ઍડ્થી ઇરિટેટ થઈ જવાય. એન્જૉયમેન્ટની લિન્ક બ્રેક થઈ ગઈ એવું ફીલ થાય એમ છતાં અનસ્કિપ્ડ અથવા કમ્પલ્સરી જોવી પડતી ઍડથી છુટકારો મેળવવા પ્રીમિયમ સબસ્ક્રિપ્શનનો વિકલ્પ પસંદ ન કરું. ફ્રી ડાઉનલોડનો ઑપ્શન હોય તો કરી લઈએ. ડાઉનલોડ કરેલા વિડિયોમાં ઍડ નથી આવતી. જો એમ કરવા ન મળે તો જાહેરખબર જોઈ લેવાની. ફ્રી યુઝર્સને ધ્યાનમાં રાખી યુટ્યુબે જાહેરખબરની સંખ્યા તેમ જ ટાઇમિંગ ઓછા રાખવા જોઈએ. મેં સાંભળ્યું છે કે અમુક સાઇટ ડાઉનલોડ કરવાથી ઍડ બંધ થઈ જાય છે. આવી સાઇટ પર પ્રોસીજર ઘણી લાંબી હોય છે તેમ જ એની વિશ્વસનીયતા વિશે કહી ન શકાય તેથી વધારે ખણખોદ નથી કરી.’

પ્રીમિયમ ઓછું રાખો

મોટા ભાગના લોકો વેઇટલૉસના વિડિયો જોતા હોય છે, જ્યારે હું વેઇટ ગેઇન કઈ રીતે કરવું એ સર્ચ કરું છું. હૉલીવુડ સૉન્ગ્સ સાંભળવાનો શોખ પણ છે. વિડિયોમાં દર્શાવવામાં આવતી અનસ્કિપ્ડ ઍડ બોરિંગ તો છે, પરંતુ યુટ્યુબ પર વધુ સમય નથી વિતાવતી તેથી ચાલે. એન્ટરટેઇનમેન્ટ માટે ઓટીટી પ્લૅટફૉર્મ અને સ્પૉટિફાય મને અટ્રૅક્ટ કરે છે. આવી વાતો કરતાં સાંતાક્રુઝની બીએમએસની સ્ટુડન્ટ પ્રીતિ સુરતી કહે છે, ‘યુટ્યુબની નવી પૉલિસી વિશે જાણકારી નથી પણ માર્કેટિંગ પૉઇન્ટ ઑફ વ્યુથી જોઈએ તો રાઇટ ડિસિઝન છે. વેબ-સિરીઝ જોવા માટે ઓટીટી પ્લૅટફૉર્મ પર આપણે પ્રીમિયમ ભરીએ છીએ એવી જ રીતે યુટ્યુબમાં સબસ્ક્રિપ્શન ભરવું જોઈએ. યુઝર્સને પ્રૉબ્લેમ છે એનું કારણ આપણને આ પ્લૅટફૉર્મનો પહેલેથી ફ્રીમાં ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ છે. બીજાં પ્લૅટફૉર્મ ફ્રી ઑફર નથી કરતાં એટલે પૈસા ચૂકવીએ છીએ. જોકે પ્રીમિયમના રેટ્સ ઓછા હોય તો જ પૉકેટને પરવડે. યુટ્યુબનું પ્રીમિયમ હાઈ છે. મન્થલી ૧૦૦ રૂપિયા જેવું હોય તો હું પ્રીમિયમ ભરવા તૈયાર છું. યુટ્યુબે દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખી રેટ્સ ઓછા રાખવા જોઈએ નહીંતર યુઝર્સ અન્ય વિકલ્પો શોધી લેશે.’

નસ્કિપ્ડ ઍડથી છુટકારા માટે સબસ્ક્રિપ્શનનો વિકલ્પ હું પસંદ ન કરું. બાકી ફ્રી ડાઉનલોડનો ઑપ્શન મળતો હોય તો કરી લઈએ. જો એમ કરવા ન મળે તો જાહેરખબર જોઈ લેવાની. 
શ્રદ્ધા બાવીશા

ક્વિક ગ્રેટિફિકેશનનો જમાનો

યુટ્યુબની પૉલિસી સંદર્ભે વાત કરતાં ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન ઍક્ટર ઓજસ રાવલ કહે છે, ‘સૌથી પહેલાં તો જે પૉલિસી લાવ્યા છે એ અણધારી નહોતી. યુઝર્સે ક્યારેક ને ક્યારેક આ ફેસ કરવાનું જ હતું. ફ્રી વસ્તુ અમુક લિમિટ સુધી જ મળે. ત્યાર બાદ રેવન્યુ જનરેટ કરવા વિશે વિચારવું પડે. મારા ઘણા ફ્રેન્ડસે ઍડ ફ્રી વિડિયો જોવા માટે પ્રીમિયમ ભરી દીધું છે. ભવિષ્યમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનાં અમુક ફીચર્સનો ઉપયોગ કરવા માટે પ્રીમિયમ ભરવું પડે તો નવાઈ નહીં લાગે. એક સમય હતો જ્યારે અમે નાટકો કરતા એમાં બે ઇન્ટરવલ પડતા. ફિલ્મોમાં પણ ઇન્ટરવલ પડે છે. હવે ક્વિક ગ્રેટિફિકેશનનો જમાનો છે. કોઈની પાસે એટલો સમય નથી કે ઍડ જુએ. મારે ઍડ નથી જોવી તો હું પૈસા ભરી દઈશ. રેવન્યુ જનરેશન અને માકેટિંગ પર્પઝને ધ્યાનમાં રાખીને યુટ્યુબે આ સ્ટ્રૅટેજી અપનાવી છે.’

આગળ વાત કરતાં ઓજસભાઈ કહે છે, ‘પ્રીમિયમ કે ફ્રી એ માનસિકતાની વાત છે. ફ્રી, સેલ, ડિસ્કાઉન્ટ જેવા શબ્દો આપણને સાઇકોલૉજિકલી અસર કરે છે. આપણે એ નથી જોતા કે પ્રોડક્ટનો ભાવ વધારીને ઑફર આપવામાં આવી છે. ફ્રી યુઝર્સનો નજરિયો જુદો હોય છે. અગાઉ એક ઍડ આવતી હતી, પછી બે ઍડ આવવા લાગી. એવી રીતે હવે ૩૦ સેકન્ડની જાહેરખબરને પણ તેઓ થોડા અણગમા સાથે સ્વીકારી લેશે. જોકે મને બીજો એક વિચાર પણ આવે છે. ભૂતકાળમાં ભારતમાં ટિકટૉક બૅન કરવામાં આવ્યું ત્યારે ઇન્સ્ટાગ્રામે તક ઝડપીને રીલ્સ સ્ટાર્ટ કરી. એવી જ રીતે યુટ્યુબ યુઝર્સના અણગમાનો ફાયદો ઉઠાવીને બીજું કોઈ પ્લૅટફૉર્મ કન્ટેન્ટ કલેક્ટ કરવા લાગે તો એની પણ નવાઈ નહીં લાગે.’ 

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2022 11:52 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK