આજથી શરૂ થઈ રહેલા વિક્રમ સંવત ૨૦૮૨ના નવા વર્ષમાં તમે તન, મન અને ધનથી સશક્ત બની રહો એ ભાવના સાથે મિડ-ડે આપના માટે લાવ્યું છે શારીરિક, માનસિક અને આર્થિક રીતે સુખી થવાની ગુરુકિલ્લીઓ, એ પણ એ ક્ષેત્રના દિગ્ગજો પાસેથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શારીરિક રીતે સ્વસ્થ રહેવું હોય તો ભૂલતા નહીં આ ત્રણ વાત
૧. ખાતાં શીખી લો
ADVERTISEMENT
ઍલોપથીની દૃષ્ટિએ...
આજે લોકો સ્વાસ્થ્યના મામલામાં સૌથી વધુ ગોથું ક્યાં ખાય છે એનો જવાબ મેળવીએ હજારથી વધુ રિસર્ચ પેપર પબ્લિશ કરનારા, અસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ, ઇન્ડિયન ઍકૅડેમી ઑફ ડાયાબિટીઝના કરન્ટ પ્રેસિડન્ટ અને એ સિવાય પણ સેંકડો એજ્યુકેશનલ અને ચિકિત્સકોની સંસ્થાઓ સાથે જોડાયેલા, અત્યારે મુંબઈની લીલાવતી હૉસ્પિટલ સાથે સંકળાયેલા અને અમેરિકન કૉલેજ ઑફ એન્ડોક્રિનોલૉજી દ્વારા ‘ઇન્ટરનૅશનલ ક્લિનિશિઅન ઑફ યર’નો અવૉર્ડ જીતનારા પદ્મશ્રી ડૉ. શશાંક જોશી પાસેથી. ભારતીયોના શારિરીક બંધારણ મુજબ કેટલાક ખાસ બદલાવોની વાત કરતાં ડૉ. શશાંક જોશી કહે છે, ‘રાઇટ ઈટિંગ, સાઉન્ડ સ્લીપ, રેગ્યુલર એક્સરસાઇઝ, ઍડિક્શનથી દૂર અને સ્ટ્રેસ મૅનેજમેન્ટની દિશામાં સક્રિયતા સાથે આગળ વધવું એ આજે હેલ્ધી રહેવા માટેના મહત્ત્વના પિલર્સ છે એમ કહી શકાય. ઓછું ખાઓ, સારું ખાઓ અને ધીમે-ધીમે ખાઓ. તમારા ભોજનમાં પ્રોસેસ્ડ ફૂડ અને સાકરની માત્રા ઘટાડો તો સામે પ્રોટીનની માત્રા વધારો. અમે અમારા અભ્યાસો થકી એક વાત નોટિસ કરી છે કે ભારતીયોના શારીરિક બંધારણમાં ફૅટનું સ્ટોરેજ વધારે જમા થાય છે. એ કુદરતી છે. કદાચ એનું એક કારણ એવું હશે ખેતીપ્રધાન દેશ એવા ભારતમાં દુકાળ પડવાની ઘટના વારંવાર બનતી હશે અને એ સમયે શરીરને ટકાવી રાખવા માટે ભોજનને વધુ પ્રમાણમાં ફૅટમાં કન્વર્ટ કરીને જ્યારે જરૂર પડે ત્યારે એ ફૅટથી સર્વાઇવ કરવાનું મેકૅનિઝમ પ્રાકૃતિક રીતે બન્યું હશે. આજે ભોજનની કોઈ અછત નથી ત્યારે આ વધારાની ફૅટને મૅનેજ કરવી જરૂરી છે અને એટલે જ આપણા આહારમાં વધુ માત્રામાં રહેલાં કાર્બ્સ અને ફૅટને ઘટાડવાની જરૂર છે અને પ્રોટીનની માત્રાને વધારવાની જરૂર છે. પ્રોટીનમાં પણ વિવિધ દાળ, કઠોળ જેવા પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન હેલ્થની દૃિષ્ટએ વધુ સારો પર્યાય છે.’
આયુર્વેદની દૃષ્ટિએ...
સ્વસ્થ જીવનના ત્રણ આધારસ્તંભની વાત હોય ત્યારે આયુર્વેદ પણ આહાર, નિદ્રા અને વ્યાયામને જ પહેલી પસંદગી આપે છે. આ સંદર્ભે દુનિયાભરમાં આયુર્વેદ, યોગ જેવી પરંપરાગત ઉપચાર પદ્ધતિઓના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે પુરાવાસહિત એની અકસીરતાને સાબિત કરવાની વાતને ભારોભાર સપોર્ટ કરનારા આયુષ મંત્રાલયના સચિવ, અનુભવી આયુર્વેદ ચિકિત્સક, ગ્લોબલ આયુર્વેદ ફિઝિશ્યન અવૉર્ડ અને આયુર્વેદ રત્ન અવૉર્ડના વિજેતા પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા આયુર્વેદમાં આહારના મામલે થયેલી ઝીણવટભરી વાતો વિશે જણાવતાં કહે છે, ‘ભોજન માટે આયુર્વેદ કસ્ટમાઇઝ ડાયટ આપે છે અને વ્યક્તિ વાત, પિત્ત અને કફમાંથી કયા કૉમ્બિનેશનની પ્રકૃતિ ધરાવે છે એના આધારે આહારની પસંદગી કરવાની હોય છે. એની વિગતવાર વાત કરતા પહેલા આયુર્વેદમાં જણાવાયેલા આહારને લગતા કેટલાક સામાન્ય નિયમો વિશે વાત કરીએ. સૌથી પહેલો નિયમ, ભૂખ લાગે ત્યારે અને ત્યારે જ ભોજન આરોગો. આયુર્વેદમાં ભૂખ હોય ત્યારે પણ કેટલું ભોજન લેવું એની માત્રાનું વર્ણન આવે છે. એમાં સામાન્ય નિયમ છે કે ભૂખ હોય એનું બે ભાગ જેટલું સૉલિડ ફુડ લેવું, એક ભાગ પાણી અથવા તો પ્રવાહી લેવું અને એક ભાગ ખાલી રાખવો એટલે ભૂખ હોય તો પણ ઠાંસીને-ઠાંસીને પેટ ભરવાની વાત નથી. બીજા નંબરે ચાવી-ચાવીને ખાઓ. એટલું ચાવો કે સખત ભોજન પ્રવાહી જેવું થઈ જાય. એનાથી તમારો ભોજનનો ઇન્ટેક આપમેળે જ ઓછો થઈ જશે. પહેલો કોળિયો પૂરેપૂરો ચવાઈને પેટમાં ન પહોંચે ત્યાં સુધી બીજો કોળિયો ન ખાવો. મૉડર્ન મેડિકલ સાયન્સ પણ આયુર્વેદની આ વાતને સ્વીકારે છે કે ચાવી-ચાવીને ખાવાથી બ્રેઇનમાં તૃપ્તિનો અનુભવ કરાવતું સેન્ટર ઍક્ટિવ થાય છે અને ઓવરઈટિંગથી વ્યક્તિ બચી શકે છે. ભોજન કરતી વખતે માત્ર ભોજન પર જ ફોકસ કરો અને તમારા આહારમાં ષડ રસ હોવા જોઈએ એટલે કે ગળ્યો, તૂરો, ખારો, તીખો, કડવો અને ખાટો એમ છ પ્રકારના રસયુક્ત ભોજન હોવું જોઈએ. આ આયુર્વેદમાં ભોજનના સામાન્ય નિયમો છે.’
આયુર્વેદમાં રહેલી વાત, પિત અને કફ એ ત્રણ મૂળ પ્રકૃતિ મુજબ આહારની માત્રા નક્કી કરવી એ પણ સ્વસ્થ રહેવા માટે મહત્ત્વપૂર્ણ બાબત છે. એ વિશે વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘દરેક પ્રકૃતિ મુજબ આહારની પસંદગી બદલાતી હોય છે. એક વાત ખાસ સમજવાની જરૂર છે કે આયુર્વેદમાં કોઈ પણ બાબતની સંપૂર્ણ ના ક્યારેય નથી હોતી. જેમ કે જેમની પ્રકૃતિ કફપ્રધાન છે તેમણે ચીકણી અને સ્નિગ્ધ વસ્તુઓ, ગળપણવાળી, ઘીવાળી, શીત પ્રકૃતિવાળી વસ્તુઓ ઓછી ખાવી અને સૂકી હોય એવી વસ્તુઓ આહારમાં વધુ લેવી જે ખાવાથી મોઢું સૂકું થાય. જોકે તેમણે ગળપણ બિલકુલ જ ન ખાવું કે ઠંડક પ્રદાન કરનારી વસ્તુઓને સંપૂર્ણ ત્યજી દેવી એવું નથી. આયુર્વેદ બૅલૅન્સની વાત કરે છે. એવી જ રીતે જેમની પિત્ત પ્રકૃતિ હોય તેમણે ગળપણયુક્ત આહાર વધુ લેવો અને સૂકો આહાર ઓછો લેવો. વાત પ્રકૃતિ હોય તેમણે થોડો ઑઇલી કહેવાય એવો ઘીવાળો અને સ્નિગ્ધ આહાર વધુ લેવો અને સૂકો આહાર ઓછો લેવો. ગરમ તાસીરવાળો આહાર કફ પ્રકૃતિવાળાએ વધુ લેવો પણ પિત્ત પ્રકૃતિવાળાએ એનું પ્રમાણ ઓછું રાખવું અને વાત પ્રકૃતિએ મધ્યમ પ્રમાણ રાખવું. આખી વાતનો સાર એ કે તમારી પ્રકૃતિને કોઈ આયુર્વેદ ચિકિત્સક પાસેથી જાણી-સમજી લો અને એ પછી જો તમારા ભોજનમાં આહારનું સંતુલન લાવો તો એ તમારું પાચન સુધારશે અને તમારા બીમાર પડવાના ચાન્સ ઘટાડશે.’
૨. ઊંઘતાં શીખી લો
ઍલોપથીની દૃિષ્ટએ...
હેલ્ધી લાઇફમાં ઊંઘની મહત્તા મૉડર્ન મેડિકલ સાયન્સ દ્વારા અને આયુર્વેદ દ્વારા બન્નેની દૃિષ્ટએ વર્ણવવામાં આવી છે. ડૉ. શશાંક કહે છે, ‘સાત કલાકની ઊંઘ ભારતીયોની મૂળભૂત જરૂરિયાત છે, જેના માટે આજના સમયની જરૂરિયાત છે કે ઊંઘવાના અડધો કલાક પહેલાં અને જાગ્યાના અડધો કલાક સુધી ભોજન અવૉઇડ કરવું જોઈએ. ઊંઘમાં તમે નસકોરાં તો નથી બોલાવતા એ ખાસ ચેક કરવું અને જો સ્નોરિંગની તકલીફ હોય તો સ્લીપ એક્સપર્ટ પાસેથી એને કારણે ઊંઘમાં પડતા વિક્ષેપને દૂર કરવા માટેનાં ડિવાઇસ લાવવાં જોઈએ. ઊંઘના કલાકો સાથે એની ગુણવત્તા ખૂબ વધારે મહત્ત્વની છે. આજના સમયમાં લોકોની ઊંઘ સ્ક્રીન ટાઇમને કારણે સૌથી વધુ ડિસ્ટર્બ થઈ છે. એને રોકવા માટે ડિજિટલ ડીટૉક્સ તમારી સ્લીપ હેલ્થ માટે સર્વાધિક જરૂરી છે.’
આયુર્વેદની દૃષ્ટિએ...
ઊંઘના મામલે પણ આયુર્વેદ વાત, પિત્ત, કફની પ્રકૃતિને મહત્ત્વપૂર્ણ ગણે છે અને કેટલાક સામાન્ય નિયમોને પ્રાધાન્ય આપે છે. વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘પિત્ત પ્રકૃતિ હોય તેમણે કફ પ્રકૃતિ કરતાં થોડીક વધુ નિદ્રા લેવી. લગભગ આઠથી નવ કલાકની ઊંઘ પિત્ત પ્રકૃતિની વ્યક્તિ માટે અનિવાર્ય છે. વાત પ્રકૃતિવાળાએ મધ્યમ નિદ્રા લેવી. લગભગ સાતથી આઠ કલાકની ઊંઘ તેમના માટે પૂરતી છે. કફ પ્રકૃતિની વ્યક્તિએ થોડુંક ઓછું સૂવું જોઈએ. સાત કલાકની ઊંઘ તેમના માટે પૂરતી છે. સામાન્ય રીતે સાત કલાકની ઊંઘ તો બધા જ માટે કમ્પલ્સરી છે. બીજું, સમય પર સૂવું અને સમયપર ઊઠવું એ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સૂર્યાસ્ત પછી ત્રણ કલાક બાદ સૂઈ જવું જોઈએ. બીજું, બ્રહ્મ મુહૂર્તમા જાગી જવું જોઈએ. જોકે આજકાલ બ્રહ્મ મુહૂર્તને લઈને ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. સવારે સાડાચારે જ બ્રહ્મ મુરત છે એવું નથી. સૂર્યોદય પહેલાંનો પ્રહર એટલે કે સૂર્યોદય પહેલાંના ત્રણ કલાક બ્રહ્મ મુહૂર્ત ગણાય છે. એટલે સાત વાગ્યે સૂર્યોદય થતો હોય તો છ વાગ્યાનો સમય પણ બ્રહ્મ મુહૂર્તમાં જ આવે. નિદ્રા માટે જે સ્થાન છે એ કેવું હોવું જોઈએ એનું પણ આયુર્વેદના ગ્રંથોમાં વર્ણન છે. શાંત, સાફ અને અવાજ ન હોય તેમ જ પૂરતો અંધકાર હોય એવું સ્થાન નિદ્રા માટે હોવું જોઈએ. સૂતા પહેલાં દાંત સાફ કરવા, સ્નાન કરવું જેવાં વિધાનો પણ સાઉન્ડ સ્લીપ માટે આયુર્વેદમાં નિદ્રાની પૂર્વતૈયારીઓરૂપે દેખાડવામાં આવ્યા છે.’
૩. કસરત કરતાં શીખી લો
ઍલોપથીની દૃષ્ટિએ...
ભારતીયોનું ફિઝિક અન્ય દેશના નાગરિકો કરતાં જુદું છે. એને ધ્યાનમાં રાખીને ડૉ. શશાંક જોશી કહે છે, ‘દરરોજ આઠથી દસ હજાર સ્ટેપ્સ ચાલવાં જ જોઈએ. સામાન્ય રીતે પણ આપણા શરીરમાં ફૅટ વધારે હોય છે અને પેટ પાસે વધુ ચરબી જમા થતી હોય છે એટલે ચાલવું, સૂર્યનમસ્કાર કરવા, ઍબ્ડોમિનલ મસલ્સને કસરત મળે એવી એક્સરસાઇઝ કરવી જોઈએ. કપાલભાંતિ પ્રાણાયામ ઉપયોગી છે. બીજું, સ્ટ્રેસને દૂર રાખવા માટેના પ્રયાસો કરો. ડાયાબિટીઝ બ્લડપ્રેશર, કૅન્સર એ બધા પાછળ સ્ટ્રેસ જવાબદાર છે એટલે સ્ટ્રેસ લેવું નહીં અને કોઈને સ્ટ્રેસ દેવું નહીં. સૌથી મહત્ત્વની વાત, પચાસ વર્ષ ક્રૉસ કર્યા પછી વર્ષે એક વાર ફુલ બૉડી ચેકઅપ કરાવવું. કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ હોય તો ત્રણ મહિને ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું અને જિમમાં જતાં પહેલાં ફુલ કાર્ડિઍક ટેસ્ટ કરાવીને જ એક્સરસાઇઝ શરૂ કરવી.’
આયુર્વેદની દૃષ્ટિએ...
નિયમિત વ્યાયામ સ્વસ્થ જીવન માટે મહત્ત્વનો છે એ વિશે આયુર્વેદમાં આવતા ઉલ્લેખ વિશે વૈદ્ય રાજેશ કોટેચા જણાવે છે, ‘શરીરને શ્રમ આપવો શરીરના સંચાલન માટે જરૂરી છે. જોકે અગેઇન એમાં પ્રકૃતિ મુજબ આગળ વધવાનો ઉલ્લેખ છે. જેમ કે પિત્ત પ્રકૃતિવાળાએ વાત અને કફ પ્રકૃતિ કરતાં ઓછો વ્યાયામ કરવો. કફ પ્રકૃતિવાળી વ્યક્તિએ વધુ વ્યાયામ કરવો અને વાત પ્રકૃતિવાળી વ્યક્તિએ મધ્યમ વ્યાયામ કરવો. હવે ઓછું છે કે વધારે છે એનો અંદાજ કેમ લગાવવો તો આયુર્વેદના ગ્રંથોમાં એ માટેનાં લક્ષણો આપેલાં છે. જેમ કે તમારા માથા, કપાળ અને બગલમાં પસીનો થાય એટલો વ્યાયામ દિવસ દરમ્યાન કરવો જોઈએ. આ માર્કર છે. બીજું, જો વ્યાયામ કરતાં તમારો શ્વાસ રૂંધાય કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો વ્યાયામ અટકાવવો.’
મનથી સ્વસ્થ અને અલમસ્ત રહેવાના આ છે ૩ મુખ્ય નિયમ
મેન્ટલ હેલ્થને લગતી સમસ્યાઓ હવે વૈશ્વિક પડકાર બની રહી છે ત્યારે જીવનમાં સુખ, શાંતિ અને સક્સેસનો બહુ જ મોટો આધાર આપણા સ્વસ્થ અને સંતુલિત મન પર રહેલો છે. મન આખા શરીરનું રિમોટ કન્ટ્રોલ છે ત્યારે એનું સંચાલન યોગ્ય રીતે થાય એ માટે શું કરવું એ વિશે આ વિષયને ઊંડાણથી સમજનારા અગ્રણીઓએ આપેલી ત્રણ સલાહ આજથી શરૂ થતા નવા વર્ષમાં અપનાવવા જેવી છે.
૧. કોઈ પણ જાતની સરખામણી કરવાથી દૂર રહો
આજના સમયનો સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો એ કૉમ્પિટિશન છે. સ્પર્ધા એ સ્તર પર વધી ગઈ છે કે વ્યક્તિએ સતત ભાગતા રહેવાનું છે અને ભાગતા રહેવાના કારણે તેના મનમાં સતત સ્ટ્રેસ પણ વધતું જાય છે. આને લીધે મનમાં વ્યાકુળતા વધી છે, જેને કારણે મનમાં ઉગ્રતા વધી છે અને પરિણામે મનમાં અસંતોષનો ભાવ પણ સતત ઊભરતો રહે છે. આવા સમયે મનને સંતોષ અને એકાગ્રતા મળે એ માટે શું કરવું એ વિશે જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અસિત શેઠ કહે છે, ‘અત્યારના કંઈ કરવાની તાતી જરૂર હોય તો એ કે તમે તમારી જાતને અન્ય સાથે સરખાવવાનું બંધ કરી દો. બીજા સાથેની સરખામણી રોકવા માટે કોઈ ઍન્ટિ-બાયોટિક નથી હોતી, એ માટે તમારે જ તમારી જાતને તૈયાર કરવી પડે અને એ મુજબ કેળવવી પડે. જ્યાં સુધી તમે કમ્પૅરિઝનમાં રત રહેશો ત્યાં સુધી તમે તમારી જાતને અન્યાય કરતા રહેશો અને મારું માનવું છે કે જાતને અન્યાય કરવો એનાથી મોટું કોઈ ખરાબ કૃત્ય નથી.’
આ આખી પ્રક્રિયામાંથી બહાર આવવાનો સરળ કીમિયો સમજાવતાં ડૉ. અસિત શેઠ કહે છે, ‘આપણે કૃતજ્ઞતાના પાઠ શીખીએ છીએ પણ આપણે એ જ ગ્રેટિટ્યુડ જાતની સાથે ક્યારેય દર્શાવતા નથી, જેની ખરેખર બહુ જરૂર છે. જ્યારે તમારા મનમાં કમ્પૅરિઝન આવે ત્યારે તમારે એક જ વાત પર ફોકસ કરવાનું છે; પહેલાં તમે કેવા હતા, ગયા વર્ષે તમે ક્યાં હતા અને આજે તમે ક્યાં છો, કેવા છો. જો તમે તમારી આ પ્રોગ્રેસ સાઇકલથી ખુશ હો તો તમે કમ્પૅરિઝન કરીને તમારી જાતને અન્યાય કરો છો અને ધારો કે તમે તમારી પ્રોગ્રેસ સાઇકલથી નાખુશ છો તો તમારે વધારે મહેનત કરવાની જરૂર છે એવું પુરવાર થાય છે. સિમ્પલ, બીજા સાથેની સરખામણી નહીં પણ જાતનું ઍનૅલિસિસ કરો કારણ કે એ જ સાચો રસ્તો છે.’
૨. પોતાને પ્રાયોરિટી આપો અને માફ કરતાં શીખી લો
વધતી કૉમ્પિટિશનની સાથે જો સૌથી વધારે કોઈ વાતનો ભોગ લેવાતો હોય તો એ વ્યક્તિ પોતે છે. ડૉ. અશિત શેઠ કહે છે, ‘આ વિક્રમ સંવતે દરેકેદરેક વ્યક્તિએ રેઝલ્યુશન લેવું જોઈએ કે તે પોતાના ફૂડ-ટાઇમિંગમાં, ડાયટમાં અને એક્સરસાઇઝમાં રેગ્યુલર રહેશે. આ બહુ જરૂરી છે. અજાણતાં જો કોઈ ભોગ લેવાતો હોય તો આ જ બધી વાતો છે. નૉર્મલી લોકો એવું ધારી લે કે આ બધી વાતોની અસર શરીર પર થાય છે, પણ તેઓ ભૂલી જાય છે કે શરીરની બધી અસર મન પર આવે છે અને મન તમારી આખી બૉડીનું રિમોટ કન્ટ્રોલ છે. રિમોટ કન્ટ્રોલ કામ કરતું બંધ થઈ જાય તો ટીવીથી માંડીને બધાં ઉપકરણો વાપરવાં કેવાં કષ્ટદાયી થઈ જાય! સામાન્ય લાગતી વાતમાં પણ રેગ્યુલર નહીં હોવાના કારણે વ્યક્તિ પોતે જ નાદુરસ્ત મન સાથે જીવતી થઈ જાય છે અને એ સ્ટ્રેસ ઊભું કરવાનું કામ કરે છે.’
સુખી જીવનનો મહત્ત્વનો સંદેશ છે, ફર્ગિવ અધર્સ ઍન્ડ ફર્ગિવ યૉરસેલ્ફ. ડૉ. અશિત શેઠ જૈન ધર્મના આ સિદ્ધાંતને સાઇકોલૉજી સાથે જોડીને કહે છે, ‘જો તમે બીજાને માફ કરી શકો તો જ તમે બ્લૅન્ક સ્લેટ થઈ શકો, પણ સાથોસાથ તમારે તમને પણ માફ કરતા રહેવાનું છે. ગિલ્ટ સાથે ક્યારેય જીવવું ન જોઈએ કારણ કે ગિલ્ટ મન પર ભાર બને છે અને એટલે જ કહું છું કે આ વિક્રમ સવંતે પહેલું કામ જાતને માફ કરવાનું કરશો તો સહેલાઈથી બીજાને માફ કરી શકશો. ફલાણાએ આ કર્યું, ઢીંકણાએ મારી સાથે આવું કર્યું, મને મહત્ત્વ ન આપ્યું કે બીજાને વધારે મહત્ત્વ આપ્યું એ બધાથી કોઈ લાભ નથી થવાનો. હકીકત એ જ છે કે આ વાતો તમારામાં નેગેટિવિટી ઊભી કરવાનું કામ કરશે જે તમારા પગમાં બેડી બનશે. જો આગળ જવા માગો છો તો માફી દઈ દો અને જે બન્યું એ માટે જાતને પણ માફ કરી દો. પછી જુઓ, તમને જાત હળવીફૂલ લાગશે.’
૩. મનને નિયમિત હકારાત્મકતાનું ભોજન આપતા રહો
મનમાં આવતી નકારાત્મકતા કે પછી નકારાત્મક વિચારોથી દૂર રહેવાનો બહુ સરસ રસ્તો BAPSના સંત અને જાણીતા મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીએ દેખાડ્યો છે. જ્ઞાનવત્સલ સ્વામી કહે છે, ‘રાતે સૂતાં પહેલાં સાથે પાંચ સકારાત્મક નિર્ણય લો. પછી એને ઓછામાં ઓછા પચીસ વખત મનમાં બોલો અને પછી બીજા દિવસે એનું પાલન કરો. હું તમને ગૅરન્ટી સાથે કહીશ કે જીવનમાં ક્યારેય કોઈ નેગેટિવ વિચાર તમારી આસપાસ નહીં આવે.’
સ્વામી જ્ઞાનવત્સલ જે સકારાત્મક નિર્ણય લેવાનું કહે છે એના વિશે પણ સમજાવે છે અને કહે છે, ‘નક્કી કરો કે આજે હું એક નાનું તો નાનું પણ નવું કામ શીખીશ. આજે હું જે કામ કરીશ કે એ કામ સૈદ્ધાંતિક રીતે સાચું હશે અને હું નીતિમત્તાને ફૉલો કરીશ. આજે હું ઓછીમાં ઓછી એક જરૂરિયાતવાળી વ્યક્તિને મદદ કરીશ. આજે હું ઓછામાં ઓછા એક જણના ચહેરા પર સ્માઇલ લાવીશ. આમ આ બહુ નાની વાત છે પણ આ કરવાથી જે પૉઝિટિવ એનર્જી મનમાં જન્મે છે એની અસર બહુ મોટી છે. મન નીતિમત્તા અને સિદ્ધાંતોથી બનેલું છે. જો તમે એને સાચવી રાખશો તો તમારી એક પર્સનાલિટી ઊભી થશે, તમારું એક કૅરેક્ટર ઊભું થશે જે તમે ઇચ્છશો એ દિશામાં આગળ લઈ જશે. પ્રમુખસ્વામી મહારાજે સપનામાં પણ, આચરણમાં તો નહીં જ પણ સપના સુધ્ધાંમાં ક્યારેય નીતિમત્તા અને સિદ્ધાંતો છોડ્યાં નહોતાં. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ પણ પોતાના સિદ્ધાંતો, આદર્શને આજીવન વળગેલા રહ્યા અને તમે જુઓ, આપણે તેમને આજે પણ આદર સાથે યાદ કરીએ છીએ. એટલે જીવનમાં ક્યારેય આદર્શ, નીતિમત્તા, સિદ્ધાંતો છોડવાં નહીં. એનું આચરણ જીવની જેમ કરવું. સુખી જીવનનો આ જ સંદેશ છે.’
ધનવાન બનવું હોય તો આ ત્રણ સવાલના જવાબ જાણી લો
આવનારું વર્ષ આર્થિક રીતે તમને એક ડગલું આગળ લઈ જાય અને ઇન્વેસ્ટમેન્ટ તમારો હેડેક ન બને એવું ઇચ્છતા હો તો અહીં પુછાયેલા ત્રણ સવાલોના આ ક્ષેત્રના દિગ્ગજ નિષ્ણાતોએ આપેલા જવાબ તમારું તમામ કન્ફ્યુઝન દૂર કરી દેશે.
૧. કેવું ધન વધારવું છે?
પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદના શબ્દો છે કે જે સુખ આપે એ પૈસો અને જે સંતોષ આપે એ ધન અને ધનપ્રાપ્તિ માટેની તેમની વ્યાખ્યા પણ સ્પષ્ટ છે. સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે જેના માટે નીતિમત્તા ન છોડવી પડે, જેની પ્રાપ્તિ માટે અન્ય કોઈને દુખી ન કરવા પડે કે પછી છેતરવા ન પડે એ ધન હોઈ શકે છે. જાણીતા સ્ટૉકબ્રોકર કિશન ચોકસી કહે છે, ‘વિક્રમ સવંત ૨૦૮૨ના આરંભ સમયે પૈસો નહીં પણ ધન વધે અને સુખ-સમૃદ્ધિ આવે એ માટે તમારી ક્ષમતાને ઓળખો અને એ ક્ષમતા મુજબ તમે નવાં સ્ટેપ લો. બીજાનું જોઈને ખેંચાઈને કશું પણ કરવા ગયા તો તમે કશું પ્રાપ્ત કરી પણ લેશો તો એનો આનંદ નહીં રહે.’
જાણીતા ફાઇનૅન્સ કન્સ્ટલ્ટ ગૌરવ મશરૂવાળા આ જ વાતને પોતાના શબ્દોમાં સમજાવતાં કહે છે કે સૌથી પહેલાં તો આપણે દિવાળીના પહેલા દિવસથી લઈને લાભ પાંચમ સુધીના સમયગાળાને સમજી લેવો જોઈએ. ગૌરવભાઈ ઉમેરે છે, ‘નવા વિક્રમ સંવતના લાભ પાંચમ દિવસ પહેલાંના દિવસોની વાત કરું તો સૌથી પહેલો મોટો દિવસ આવે વાક્ બારસ એટલે કે સરસ્વતી. સમજજો. સરસ્વતી નહીં હોય તો લક્ષ્મીજી નહીં આવે. બીજો દિવસ આપણે ધનતેરસ કહીએ છીએ પણ એ ધન્વંતરિ તેરસ છે. ધન્વંતરિ એટલે હેલ્થ અને હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ નહીં હોય તો પૈસાને શું કરશો? બે કરોડ ખાતામાં પડ્યા હશે પણ તમે પૅરૅલિટિક છો તો પૈસો પડ્યો રહેશે. પછી આવી કાળીચૌદશ, મતલબ કે મનનો વિકાર કાઢો. ઈર્ષ્યા, લાલચ, સ્વાર્થ, ઘૃણા નહીં કાઢો તો ગમે એટલા પૈસાવાળા હશે પણ અંદરથી તો તમે સળગતા જ રહેવાના. આ બધા પછી આવે દિવાળી એટલે કે લક્ષ્મીજીનું પૂજન. યાદ રાખજો, લક્ષ્મી માતા છે, તે રૂમઝૂમ કરતાં ઘરમાં આવવાં જોઈએ, નહીં કે પાછલા બારણેથી. લક્ષ્મીજીના પૂજન પછી તમારા મિત્રો, હરીફ મિત્રો અને તમારે ત્યાં કામ કરતા તમામ વર્કર્સને મળો અને તેમને ખુશ કરો. જો એ કરી શક્યા તો લક્ષ્મીજી તમારે ત્યાં નવા વિક્રમ સંવત સુધી કાયમી સ્થાન કરશે. એ પછી ભાઈબીજ આવે. મારે એક વાત યાદ કરાવવી છે કે પહેલાંના સમયમાં બહેન બાપીકા ધંધામાં સરખી હિસ્સેદાર ગણાતી એટલે ભાઈબીજના દિવસે ભાઈ સાસરે ગયેલી બહેનના ઘરે જતો અને આખા વર્ષની જે આવક થઈ હોય એમાંથી તેનો ભાગ તેને આપતો. ત્યાર પછી લાભ પાંચમે લાભ થાય પણ ખાલી લાભ જ મળતો રહે એવું વિચારો તો ન ચાલે. તો લક્ષ્મીજી તમારે ત્યાં નહીં આવે, હા, કદાચ પૈસો આવે.’
૨. રોકાણનો મૂળ ફન્ડા કયો?
ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય દેખાદેખીમાં ન કરવાનું હોય એવી મર્મસભર વાત સાથે ગૌરવ મશરૂવાળા કહે છે, ‘બાજુવાળા ડાયાબિટીઝનું ઇન્જેક્શન લે છે તો આપણે એ લઈએ છીએ? નહીંને, તો પછી તે જે કરે એ તેની જરૂરીયાત છે, આપણે આપણી જરૂરિયાત જોવાની અને એ મુજબ આગળ વધવાનું. તમારે આવતા વર્ષે દીકરીનાં લગ્ન કરવાનાં હોય તો ઇચ્છો ત્યારે ઇન્વેસ્ટમેન્ટ લિક્વિડ થઈ શકે એ મુજબનું પ્લાનિંગ કરવું પડે. રિટાયરમેન્ટ નજીક હોય તો એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેમાં તમારી જરૂરિયાત મુજબ મન્થલી ઇન્કમ તમને મળતી જાય અને તમારે પૈસા માટે કોઈ સામે હાથ ફેલાવવો ન પડે.’
આ જ વાતને આગળ કન્ટિન્યુ કરતાં ડી. આર. ચોકસી ફિનસર્વના મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસી કહે છે, ‘ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરતાં પહેલાં હું કોઈ પણ ઇન્વેસ્ટરને એક સલાહ અચૂક આપું કે તમે તમારાં આવતાં દસ વર્ષનું પ્લાનિંગ પહેલાં સમજી લો જેથી તમારા ઇન્વેસ્ટમેન્ટને વચ્ચે ડિસ્ટર્બ ન થવું પડે. જો એવું બને તો નૅચરલી તમારા વળતરને એની આડઅસર જોવી પડે.’
ઇન્વેસ્ટમેન્ટનો વધુ એક મહત્ત્વનો ફન્ડા સરસ દાખલા સાથે સમજાવતાં ગૌરવ મશરૂવાળા કહે છે, ‘ઘણા લોકો ચોક્કસ સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા. પછી અફસોસ કરે ત્યારે હું તેમને કહું કે એ સમય દરમ્યાન તમે તમારી જવાબદારી પૂરી કરી અને જવાબદારી પૂરી કરવી એ સોશ્યલ ઇન્વેસ્ટમેન્ટ છે તો અફસોસ ન કરો, એ પૂરી કર્યાની ખુશી માણો. કારણ કે એવા સમયે તમારી જવાબદારીમાં લીધેલી લોન પૂરી કરતા જવી કે ઉધારી ઉતારવી એ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ જ છે. હા, એમાં વળતર તરીકે તમને સંતોષ અને સ્ટ્રેસ-ફ્રી લાઇફ મળશે.’
૩. નાના ઇન્વેસ્ટર્સે શું કરવું?
કોઈ એક સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે અલગ-અલગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેથી ઇન્વેસ્ટમેન્ટ છૂટું કરવા માટેનો પણ અવકાશ રહે અને અલગ-અલગ ક્ષેત્રમાં રહેલી તેજીનો પણ લાભ મળી શકે એમ સ્પષ્ટતા સાથે જણાવીને કિશન ચોકસી આગળ કહે છે, ‘નાના ઇન્વેસ્ટર્સે સ્ટૉક માર્કેટમાં ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હંમેશાં ટાળવું જોઈએ. પ્રાઇમરી માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનો સારો ઑપ્શન છે પણ ટ્રેડિંગથી નાનો ઇન્વેસ્ટર દૂર રહે એ હિતાવહ છે કારણ કે તે સતત શૅર કે સ્ટૉક માર્કેટ પર અસર કરે એવાં પરિબળો પર ચોવીસ કલાક નજર રાખી શકતો નથી એટલે ઘણી વાર એવું બને કે તેનું કૅલ્ક્યુલેશન અવળું પડે અને તેનું ઇન્વેસ્ટમેન્ટ અટવાઈ જાય.’
આ જ વાતને ગૌરવ મશરૂવાળા પોતાના દૃષ્ટિકોણથી સમજાવતાં કહે છે, ‘પૈસા નામની ગાડીનાં ચાર પૈડાં છે. આવક-જાવક, સંપત્તિ અને લોન. જો આ ચાર પૈડાં વચ્ચે સમન્વય નહીં હોય તો તમારી ગાડી આગળ નહીં ચાલે એટલે તમારાં આ ચાર પૈડાંને વ્યવસ્થિત સમજો અને પછી ઇન્વેસ્ટમેન્ટ માટે આગળ વધો. કાં તો તમારી ગાડી તમે પોતે ચલાવો અને કાં તો ગાડી ચલાવવામાં જે એક્સપર્ટ છે તેને ડ્રાઇવિંગ સોંપો જેથી ઍક્સિડન્ટ થવાનો ભય ન રહે.’

