શમી-આગરકરના વિવાદ પર રવિચન્દ્રન અશ્વિનનું રીઍક્શન
રવિચન્દ્રન અશ્વિન
ભારતના ચીફ સિલેક્ટર અજિત આગરકર અને અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મીડિયામાં એકબીજા માટે આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. ફિટ હોવા છતાં ભારતીય ટીમમાં સામેલ ન થવા પર શમીએ નિરાશા વ્યક્ત કરી હતી, જ્યારે ચીફ સિલેક્ટરના મતે તે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની ટૂર માટે ફિટ નહોતો.
આ વિવાદ પર ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન કહે છે, ‘હું સ્પષ્ટ કહું છું કે ભારતીય ક્રિકેટમાં બધું જ પરોક્ષ સંદેશવ્યવહાર પર આધારિત છે. હું ખરેખર ઇચ્છું છું કે એ બદલાય. પ્લેયર તરફથી, અધિકારીઓ તરફથી અને સિલેક્ટર્સ તરફથી પરિવર્તનની જરૂર છે. મેં જોયું છે કે જો કોઈ પ્લેયરને સીધી વાત કહેવામાં આવે છે તો તે ન્યુઝમાં આવે છે. તેથી પ્લેયરમાં કોઈનો સંપર્ક કરવાનો અને તેમને કહેવાનો કોઈ આત્મવિશ્વાસ નથી રહેતો કે તેઓ શું ઇચ્છે છે.’
ADVERTISEMENT
અશ્વિન વધુમાં કહે છે, ‘જ્યારે પણ એક પ્લેયર તરીકે મારી પાસે સ્પષ્ટતા નહોતી ત્યારે હું હંમેશાં થોડો હતાશ થતો હતો. મને વિચાર આવતો કે મારે આગળ શું કરવું જોઈએ? શું મારે કોઈની સાથે વાત કરવી જોઈએ? પણ જો હું વાત કરું તો શું એ લીક થઈ જશે? વિશ્વાસ હોવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો શમીને સિલેક્ટર્સ તરફથી સ્પષ્ટતા મળી હોત તો તેણે મીડિયા સામે આવું નિવેદન આપ્યું ન હોત. મને આશા છે કે બન્ને વચ્ચે ફોન-કૉલ પર સ્પષ્ટતા થાય.’

