Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દર્શન માટે ૩ વર્ષે એક જ વાર ખૂલે છે ગર્ભગૃહનાં કપાટ

દર્શન માટે ૩ વર્ષે એક જ વાર ખૂલે છે ગર્ભગૃહનાં કપાટ

Published : 30 May, 2026 07:17 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

વિલે પાર્લે-વેસ્ટમાં આવેલા આ મંદિરમાં પુરુષોત્તમ ભગવાનનો છે અનેરો મહિમા, મુંબઈની ગીચ વસ્તી અને ભાગદોડભરી જિંદગી વચ્ચે મનને પરમ શાંતિનો અહેસાસ કરાવતા ૮૨ વર્ષ જૂના સંન્યાસ આશ્રમમાં અધિક માસમાં દૂર-દૂરથી ઊમટે છે ભક્તોની ભીડ

પુરુષોત્તમ ભગવાનને તુલસી અર્પણ કરીને પૂજા થાય છે.

પુરુષોત્તમ ભગવાનને તુલસી અર્પણ કરીને પૂજા થાય છે.


મુંબઈમાં હજારો મંદિરો આવેલાં છે, પણ વિષ્ણુ ભગવાનના અવતાર એવા પુરુષોત્તમ ભગવાન બહુ ઓછી જગ્યાએ પૂજાય છે. જોકે વિલે પાર્લે-વેસ્ટમાં આવેલા ૮૨ વર્ષ જૂના સંન્યાસ આશ્રમમાં પુરુષોત્તમ ભગવાનના વિશેષ સ્વરૂપની પૂજા થાય છે. આ આશ્રમની સૌથી ખાસ અને અનોખી વાત એ છે કે અહીં પુરુષોત્તમ ભગવાનના ગર્ભગૃહનાં કપાટ સામાન્ય દિવસોમાં બંધ રહે છે. એ ફક્ત ને ફક્ત અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દરમ્યાન જ ભક્તો માટે ખોલવામાં આવે છે. જ્યારે પણ દર ૩ વર્ષે અધિક માસ આવે છે ત્યારે આ મંદિરનો મહિમા અજોડ બની જાય છે. આ દિવસોમાં ભગવાનની એક ઝાંખી મેળવવા માટે માત્ર મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી જ નહીં; વાપી, વલસાડ, સુરત અને પુણે જેવાં જુદાં-જુદાં શહેરોમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ ખાસ અહીં દર્શન કરવા દોડી આવે છે. મુંબઈની ગીચ વસ્તી અને અતિ વ્યસ્ત દોડધામ વચ્ચે આવેલા આ પરિસરમાં મનને શાંતિ અનુભવાય છે.
મંદિરની ટૂર
સંન્યાસ આશ્રમના મુખ્ય દ્વારમાં પ્રવેશતાંની સાથે જ આધ્યાત્મિક અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. આ આશ્રમની અંદર એક પછી એક ગર્ભગૃહો અને દેવસ્થાનો આવેલાં છે.
ભગવાનનું વિરાટ સ્વરૂપ : મંદિરમાં પ્રવેશતાં જ સૌથી પહેલાં મહાભારતના યુદ્ધ દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનું જ્ઞાન આપતી વખતે જે સ્વરૂપ બતાવ્યું હતું એ વિરાટ સ્વરૂપનાં દર્શન થાય છે.
લાઇનબદ્ધ ગર્ભગૃહ : થોડા આગળ વધતાં જ ચામુંડામાતા, ખોડિયારમાતા, જગદ્ગુરુ શંકરાચાર્ય, આશ્રમના નવમા પીઠાચાર્ય મહામંડલેશ્વર શ્રી સ્વામી મહેશ્વરાનંદગિરિજી મહારાજ અને દસમા પીઠાચાર્ય મહામંડલેશ્વર શ્રી સ્વામી બ્રહ્માનંદગિરિજી મહારાજની મૂર્તિઓ આવેલી છે. તેમની સાથે જ દ્વારકાધીશ, રામદરબાર, લક્ષ્મીનારાયણ, શંકર ભગવાન-પાર્વતી માતા, રાધાકૃષ્ણ અને અંબાજી માતાના વિશેષ ગર્ભગૃહ એક જ લાઇનમાં દર્શનાર્થીઓનું મન મોહી લે છે.
પુરુષોત્તમ ભગવાન : આ બધાં દર્શન કર્યા પછી આવે છે મુખ્ય આકર્ષણ એવા પુરુષોત્તમ ભગવાન. ભગવાન વિષ્ણુના આ અવતારના મુખમંડળની ચમક એવી અલૌકિક છે કે ભક્તો ભાવવિભોર થઈ જાય છે. આ વિગ્રહની બિલકુલ નીચે પવિત્ર શાલિગ્રામ છે જ્યાં અધિક માસ દરમ્યાન દરરોજ સવારે શ્રદ્ધાળુઓ તુલસીનાં પાન અર્પણ કરે છે.
હનુમાનદાદા : આગળ જતાં હનુમાનદાદાની મૂર્તિ જોવા મળે છે. T સિરીઝના પ્રખ્યાત ગુલશનકુમારના લોકપ્રિય હનુમાન ચાલીસા આલબમમાં હનુમાનજીની જે મૂર્તિ અને મંદિર દેખાય છે એનું શૂટિંગ આ જ આશ્રમના પરિસરમાં કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સંજય દત્તની ‘વાસ્તવ’ ફિલ્મનું ‘સિંદૂર લાલ ચડાયો...’ ગીતનું શૂટિંગ પણ આ જ આશ્રમમાં થયું હતું.
અન્ય દેવી-દેવતાઓ : દાદાની બિલકુલ બાજુમાં તિરુપતિ બાલાજી અને વિઠ્ઠલ-રુક્મિણીજી બિરાજમાન છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની પણ એક વિશાળ મૂર્તિ અહીં સ્થાપિત છે. એની નજીકમાં ગણપતિબાપ્પા અને ગાયત્રીમાતાનાં નાનાં અને સુંદર મંદિરો આવેલાં છે.
દ્વાદશ જ્યોતિર્લિંગ : આ મંદિરોની બિલકુલ સામેની તરફ ભારતનાં પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગની સુંદર પ્રતિકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે જેથી ભક્તો એક જ જગ્યાએ ઊભા રહીને બારેય જ્યોતિર્લિંગનાં દર્શનનો પુણ્યલાભ લઈ શકે. અહીં દરરોજ શિવભક્તો શિવલિંગો પર જળ અને દૂધનો અભિષેક કરે છે.
શ્લોકોથી સજ્જ છત : મંદિરના મુખ્ય હૉલની છત પર પવિત્ર મંત્રો અને શ્લોકો સુંદર રીતે લખવામાં આવ્યા છે જે સમગ્ર વાતાવરણને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. અહીં દરરોજ સાંજે સાડાછ વાગ્યાથી સાત વાગ્યા દરમ્યાન આશ્રમના વિદ્વાન સંતો દ્વારા આધ્યાત્મિક પ્રવચન આપવામાં આવે છે.
રસપ્રદ ઇતિહાસ
સંન્યાસ આશ્રમનો ઇતિહાસ ઘણો જૂનો છે. આ વિશે માહિતી આપતાં આશ્રમના વહીવટકર્તા રામ પંડ્યા કહે છે, ‘આશ્રમનું મુખ્ય આધ્યાત્મિક મુખ્યાલય આજથી લગભગ ૩૬૦ વર્ષ પહેલાં ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા કનખલ ખાતે સ્થપાયું હતું, જે સુરતગિરિ બંગલા નામે જગવિખ્યાત છે. આ આશ્રમ જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દશનામી સંન્યાસી પરંપરા અનુસાર ચાલે છે.’
આ પરંપરાના નવમા પીઠાચાર્ય બ્રહ્મલીન શ્રી ૧૦૦૮ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી મહેશ્વરાનંદગિરિજી મહારાજ હતા. સ્વામીજી સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે સમગ્ર ભારતવર્ષમાં ભ્રમણ કરતા હતા. દરમ્યાન, ૧૯૪૪ની આસપાસ તેઓ મુંબઈમાં પધાર્યા. ભક્તોના આગ્રહ અને આધ્યાત્મિક ભૂખને જોઈને તેમણે ૧૯૪૫ની ૨૦ જાન્યુઆરીએ વિલે પાર્લેમાં સંન્યાસ આશ્રમની સ્થાપના કરી. શરૂઆતમાં આ એક નાનું કેન્દ્ર હતું, પરંતુ ૧૯૫૨માં પૂજ્ય સ્વામી મહેશ્વરાનંદગિરિજી મહારાજે અહીં મંદિરોનું નિર્માણ કરાવીને દેવી-દેવતાઓની શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી.
તેમના બ્રહ્મલીન થયા પછી દસમા પીઠાચાર્ય તરીકે બ્રહ્મલીન શ્રી ૧૦૦૮ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી બ્રહ્માનંદગિરિજી મહારાજ ગાદી પર આવ્યા, જેમના સમયમાં પણ ઘણાં નિર્માણકાર્યો થયાં. વર્તમાન સમયમાં આ આશ્રમ અગિયારમા પીઠાચાર્ય પરમ પૂજ્ય શ્રી ૧૦૦૮ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદગિરિજી મહારાજની પાવન અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યો છે.
ગૌશાળા અને પાઠશાળા
આર્કિટેક્ચરની વાત કરીએ તો મંદિરની દીવાલો અને સ્તંભો પર સનાતન પરંપરાના શ્લોક લખાયા છે. ગમે એવી ગરમીમાં પણ મંદિરના ગર્ભગૃહ અને સભાખંડમાં પગ મૂકતાં જ એક અનોખી શીતળતા અને શાંતિ વર્તાય છે. આશ્રમના પરિસરમાં ગૌશાળા પણ આવેલી છે. અહીં ૩૦ જેટલી ગાયોની સંભાળ રાખવામાં આવે છે. આ ગૌશાળા આશ્રમ દ્વારા જ બનાવવામાં આવેલા અલગ ટ્રસ્ટની દેખરેખ હેઠળ ચાલે છે. આ ઉપરાંત સંન્યાસ આશ્રમમાં બ્રહ્મ મહેશ્વર ભવન અને વિશ્વેશ્વર ભવન નામનાં બિલ્ડિંગ આવેલાં છે. ત્યાં સંતો અને દેશભરમાંથી પધારતા પ્રખર વક્તાઓના ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વેદ અને ઉપનિષદના અભ્યાસ માટે પાઠશાળા પણ ચાલે છે જેમાં વેદાધ્યયન કરતા બટુકો અભ્યાસ કરે છે. તેમના માટે વિશેષ પુસ્તકાલય પણ છે. આશ્રમમાં આવેલા રસોડામાં દરરોજ સરેરાશ ૭૦થી ૮૦ સંતોનો પ્રસાદ તૈયાર થાય છે.

પુરુષોત્તમ માસનું વિશેષ મહત્ત્વ
દર ૩ વર્ષે આવતા અધિક માસના અધિપતિ સ્વામી ખુદ પુરુષોત્તમ ભગવાન છે. અહીંના વિશેષ મહત્ત્વ વિશે વાત કરતાં રામભાઈ કહે છે, ‘બે વર્ષ પહેલાં જ આ મંદિરમાં ભગવાનની નવી આરસપહાણની મૂર્તિની સ્થાપના કરીને વિધિવત્ એનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં અને મંદિરને શિખરબદ્ધ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. અધિક માસ દરમ્યાન આખો મહિનો અહીં ભગવાનની વિશેષ પૂજા, મહાઅભિષેક, અર્ચના અને છપ્પનભોગનો મનોરથ થાય છે. સવાર-સાંજ દિવ્ય આરતી થાય છે. આ પવિત્ર માસ નિમિત્તે અહીં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે આ વર્ષે ૬ જૂનથી ૧૪ જૂન સુધી ચાલશે. અધિક માસ પૂરો થતાં જ વેદોચ્ચાર અને મંત્રોચ્ચાર સાથે ભગવાનનાં કપાટ ફરીથી ૩ વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.’



વર્ષભર ઉત્સવોની વણજાર
આખા વર્ષ દરમ્યાન સનાતન ધર્મના મુખ્ય તહેવારો ઉત્સાહભેર ઊજવાય છે. ભગવાન શિવ અહીં મુખ્ય દેવ હોવાથી મહાશિવરાત્રિ પર ૪ પ્રહરની વિશેષ પૂજા અને રુદ્રાભિષેક થાય છે. આસો અને ચૈત્રી નવરાત્રિમાં ચંડીપાઠ અને હવનનું આયોજન થાય છે. દશનામી સંન્યાસી પરંપરા હોવાથી શંકરાચાર્ય જયંતીનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. વિલે પાર્લેના સ્થાનિક ભક્તોની આસ્થાને કારણે અહીં જલારામ જયંતી અને ખોડિયાર જયંતી પણ ઊજવાય છે.


સંન્યાસ આશ્રમમાં પુરુષોત્તમ ભગવાન જ નહીં, મોટા ભાગનાં હિન્દુ દેવી-દેવતાઓ બિરાજમાન હોવાથી બીજા કોઈ મંદિરમાં જવાની જરૂર નહીં પડે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 07:17 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK