Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્વેચ્છાએ એકલા રહેવાનું જીવન Voluntary Single Life - અધૂરાપણાનો ઇનકાર

સ્વેચ્છાએ એકલા રહેવાનું જીવન Voluntary Single Life - અધૂરાપણાનો ઇનકાર

Published : 05 February, 2026 01:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય સમાજમાં Voluntary Single Life નો કન્સેપ્ટ હજી સ્વીકારાયો નથી. સ્વેચ્છાએ એકલા રહેવાની કલ્પના હજી નવી અચરજભરી છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


‘હજી લગ્ન કર્યાં નથી?’ આ પ્રશ્નમાં માત્ર જિજ્ઞાસા નથી હોતી, શંકા પણ હોય છે. આપણા સમાજમાં આજે પણ જીવનની પૂર્ણતા જાણે લગ્નમાં જ હોય એમ માનવામાં આવે છે. લગ્ન ન કર્યાં હોય તો ‘શનિ કે મંગળ હશે, કંઈક તો ખોડખાંપણ હશે’ એવી શંકા વ્યક્ત કરવામાં આવે છે. પરિચય સંમેલનોમાં નામ લખાવો, છાપાંમાં જાહેરખબર આપો, અરે હવે તો સોશ્યલ મીડિયાનોય ઉપયોગ થાય છે, મૅરેજની ઍપ પણ હોય છે; બહુ વાર ન કરો, બધું સમયસર થવું જોઈએ; વૃદ્ધાવસ્થામાં કોણ કરશે... આવી વણમાગી સલાહો આપનારાને ખબર હોતી નથી કે કેટલાકને સ્વચ્છાએ જ એકલા રહેવું હોય છે. શિક્ષણ, કારકિર્દી, લગ્ન અને પરિવારની શૃંખલામાં તેઓ બંધાવા નથી માગતા. એમ નથી કે તેઓ જવાબદારીથી ભાગે છે બલકે તેઓ કોઈ મોટી કંપનીમાં, ટ્રસ્ટમાં કે NGOમાં વધુ મોટી જવાબદારી સંભાળતા પણ હોઈ શકે. તેમનામાં ક્ષમતાનો અભાવ નથી કે નથી પલાયનવૃત્તિ. આ સ્વૈચ્છિક પસંદગીનો વિષય છે.

ભારતીય સમાજમાં Voluntary Single Life નો કન્સેપ્ટ હજી સ્વીકારાયો નથી. સ્વેચ્છાએ એકલા રહેવાની કલ્પના હજી નવી અચરજભરી છે. ‘સિંગલ’ શબ્દ આજે પણ અધૂરો ગણાય છે. જાણે જીવનનો કોઈ અધ્યાય લખાયો જ નથી. લગ્ન થયાં નથી એટલે જાણે જીવન અટકી ગયું. સામાજિક પ્રસંગોમાં પણ એકલી જતી વ્યક્તિ ચર્ચાનો વિષય બની જાય છે. એકલા રહેવું એ મજબૂરી હોતી નથી કે નથી એમાં જવાબદારીથી છટકબારી. એ વિચારપૂર્વકની પસંદગી હોઈ શકે. ન તો એમાં કોઈ નિષ્ફળ સંબંધની છાયા શોધવાની જરૂર કે ન તો એમાં હોતો પ્રતિબદ્ધતાનો અભાવ. એ સ્વતંત્ર નિર્ણય હોઈ શકે. એ આંતરિક સંતોષની અભિવ્યક્તિ હોઈ શકે. લગ્ન વગરના જીવનની માન્યતા ધીમે-ધીમે, ખાસ કરીને શહેરી અને શિક્ષિત વર્ગમાં એક નવા વિચાર તરીકે આકાર પામી રહી છે. એક નવી જીવનશૈલી વિકસિત થઈ રહી છે. સમાજમાં ધીમો પણ ચોક્કસ બદલાવ આવી રહ્યો છે.



‘હું એકલો છું, અધૂરો નહીં’, મેડિકલ ડૉક્ટર પ્રતીક (૪૦ વર્ષ) કહે છે : ‘હું લગ્નથી ડરતો નથી પણ હું એ પણ નથી માનતો કે જીવન જીવવા માટે લગ્ન જરૂરી છે.’ મેડિકલ ફીલ્ડમાં ગ્રૅજ્યુએશન, પોસ્ટ-ગ્રૅજ્યુએશન, સ્પેશ્યલાઇઝેશન કરતાં-કરતાં સામાન્ય રીતે ૧૦-૧૨ વર્ષ નીકળી જાય છે. આ વર્ષો દરમિયાન અભ્યાસ જ કેન્દ્રમાં હોય છે. ત્યાર પછી પ્રૅક્ટિસની શરૂઆત થાય છે. શાખ બંધાતાં સુધીમાં સહેજે ત્રીસીના મધ્યમાં તેઓ આવી જાય છે. ઘર-કુટુંબથી દૂર બીજા રાજ્યમાં જો અભ્યાસ- વ્યવસાય હોય તો અમુક નિર્ણયો આપોઆપ પાછા ઠેલાય છે. એ જ રીતે કોઈ મોટી કંપનીનો CEO કે અન્ય ઉચ્ચ અધિકારી બીજા રાજ્યમાં કે


દેશમાં ટ્રાન્સફર થવાની શક્યતાને જ્યારે ગણતરીમાં લે છે ત્યારે એ તેની જવાબદારીભરી સમજણ કહેવાય.

સ્વેચ્છાએ એકલા રહેવું જેટલું વ્યક્તિગત છે એટલું જ સામાજિક પડકારભર્યું પણ છે. સમાજના સ્થાપિત માળખાની સામે થવાનું છે. કુટુંબીજનો, મિત્રો, સમાજ અસ્વસ્થ થઈ જાય છે. માતાપિતાને તેમના એકલા રહેવામાં પોતાની નિષ્ફળતા લાગે છે.


કૉલેજ-પ્રોફેસર વિદ્યા (૩૮ વર્ષ)  કહે છે : ‘લગ્ન માટે મારી કરીઅરમાં હમણાં સમજૂતી કરવાની ઇચ્છા નથી. ભવિષ્યની ઘણી શક્યતાઓ છે. મિત્રો છે, કોઈની અછત નથી. એકલતા નથી. મને મારી જિંદગી ગમે છે.’

સમાજ સામે આવું સ્પષ્ટીકરણ સ્ત્રીઓ માટે વધુ પડકારજનક બની રહે છે. સ્ત્રીઓની સિંગલ લાઇફ તરફ સમાજને અણગમો હોય છે. એકલી સ્ત્રીને સ્વતંત્ર નહીં પરંતુ અપૂર્ણ માનવામાં આવે છે. સ્ત્રીઓ માટે એ આત્મસન્માનની વાત થઈ જાય છે જ્યારે સમાજ એને સલામતી અને નિયંત્રણનો પ્રશ્ન ગણે છે.

Voluntary Single Lifeને Loneliness સાથે ગૂંથવામાં આવે છે, જ્યારે બન્ને બાબત અલગ છે. એકલતા દુઃખ આપે છે, જ્યારે એકાંત શાંતિ આપે છે. સ્વેચ્છાએ એકલા રહેતા લોકોએ શાંતિ પસંદ કરી હોય છે, એકલતા નહીં. મિત્રો, કુટુંબ, સમાજથી વિખૂટા થઈને રહેવું નથી તેમને. તેઓ ફક્ત પતિ-પત્નીના સંબંધમાં બંધાવા નથી માગતાં. કામકાજના અને સામાજિક સંબંધો તો હોય છે જ, ફક્ત જીવનસાથી કેન્દ્રમાં નથી હોતા.

સંબંધોની ગુણવત્તા લગ્નની સહીથી નક્કી થતી નથી. જીવનના કેન્દ્રમાં એક જ વ્યક્તિ હોવી જરૂરી નથી. જીવન બહુકેન્દ્રિત પણ હોઈ શકે. વળી આ પસંદગી કાયમી હોવી પણ જરૂરી નથી. કોઈ વ્યક્તિ આજે એકલું રહેવાનું પસંદ કરે તો કાલે ન પણ કરે. મુદ્દો પસંદગીનો છે, પરિસ્થિતિનો નહીં. જીવન જીવવાની એક જ રીત નથી. સ્વેચ્છાએ એકલા રહેવાનો નિર્ણય એ કોઈનો વિરોધ નથી, કોઈ પરંપરા

સામેની ઘોષણા પણ નથી. એ તો એક શાંત વિચારે સ્વીકારેલી સ્થિતિ છે.

ભારતીય સમાજમાં થઈ રહેલા આવા ફેરફારને લવચીકતાથી નિહાળવો રહ્યો. સામાજિક નીતિનિયમો જીવન નિખારવા માટે હોય છે, વિખેરવા માટે નહીં. આખરે સુખની વ્યાખ્યા સમાજ નહીં વ્યક્તિ પોતે જ કરે છે.

બાય ધ વે, આ પાંચેક લેખોમાં બદલાતા સમાજના સ્વરૂપને નિરખવાનો પ્રયત્ન કર્યો. સંબંધો આપણા જીવનના કેન્દ્રમાં છે પરંતુ સંબંધોની રચના બદલાય ત્યારે એની વ્યાખ્યા કરવામાં મોડા ન પડી જઈએ. આંતરજ્ઞાતીય લગ્નો સમાજની રેખાઓને પડકારે છે. લિવ-ઇન રિલેશનશિપ વ્યક્તિની પસંદગીને કેન્દ્રમાં મૂકે છે. કમ્પૅન્યનેટ રિલેશનશિપ સંબંધની નવી ભાષા આપે છે અને ડિવૉર્સ ઘણી વાર નિષ્ફળતા નહીં પણ ઈમાનદાર સ્વીકાર બનીને સામે આવે છે. સ્વૈચ્છિક એકલા જીવનનો પરિપક્વ નિર્ણય વ્યક્તિની સામાજિક ગુણવત્તા ઓછી કરતો નથી. આ લેખમાળાનો કેન્દ્રીય વિચાર સંબંધોના બદલાતા નકશાને સમજવાનો છે. ભારતીય સમાજ એક સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યો છે. અહીં કોઈ નિર્ણય પર આવવાનો પ્રયાસ નથી. આપણી અંદર ઝાંકીને વ્યક્તિને વ્યક્તિ માત્ર તરીકે સ્વીકારતા થઈએ એ જ શ્રેષ્ઠ સમાજની પરિભાષા.

 

- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK