‘ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ’ના શ્ળોકો ગવાય છે, પણ શું વાસ્તવિકતામાં નિવૃત્તિ પછી એક શિક્ષકની ગરિમા જળવાય છે?
નીલા મહેર ઘાટકોપરની શ્રી વી. સી. ગુરુકુલ હાઈ સ્કૂલનાં સેવાનિવૃત્ત આચાર્યા છે
આપણા દેશમાં ગુરુને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. ‘ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ’ના શ્ળોકો ગવાય છે, પણ શું વાસ્તવિકતામાં નિવૃત્તિ પછી એક શિક્ષકની ગરિમા જળવાય છે? મેં મારાં જીવનનાં ૫ાંચ વર્ષ મૅનેજમેન્ટમાં અને ૧૬ વર્ષ સરકારી અનુદાનિત શાળામાં શિક્ષક અને આચાર્યા તરીકે સેવા આપી છે. મને ગર્વ છે કે મેં ગરીબ અને પછાત વર્ગનાં બાળકોને માત્ર અક્ષરજ્ઞાનની જ નહીં પણ જીવનના સંઘર્ષો સામે અડીખમ રહેવાની તાલીમ આપી છે. ગરીબ બાળકો માટે શાળાના સમય પહેલાં બે કલાક વહેલા આવી મફત ટ્યુશન આપતા જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને. અમારી આ મહેનતનું પરિણામ એ આવ્યું કે દસમા ધોરણમાં અમે ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું. સરકારી કામકાજ હોય કે શૈક્ષણિક જવાબદારી, અમે હંમેશાં નિષ્ઠાથી નિભાવી; પરંતુ જ્યારે ૨૦૨૨માં હું નિવૃત્ત થઈ ત્યારે જે વાસ્તવિકતા સામે આવી એ હચમચાવી દેનારી હતી. ૨૦૦૫ પછી લાગુ થયેલી નવી પેન્શન પૉલિસીએ શિક્ષકોના જીવનને અંધકારમય બનાવી દીધું છે. સરકાર કહે છે કે આ પૉલિસી સારી છે, પણ જેના પર વીતે છે તેને જ ખબર પડે છે. અમે શિક્ષકો પ્રામાણિકપણે ટૅક્સ ભરીએ છીએ, કારણ કે અમારો ટૅક્સ પગારમાંથી સીધો કપાય છે. વેપારીઓની જેમ અમે ટૅક્સ બચાવી શકતા નથી. છતાં આખી જિંદગી રાષ્ટ્રનું ઘડતર કર્યા પછી નિવૃત્તિના સમયે જે રકમ મળે છે એનાથી તો ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. ૨૦૦૫ પહેલાં જે શિક્ષકો લાગ્યા તેમને છેલ્લા પગારના ૫૦ ટકા પેન્શન મળે છે, તો શું ૨૦૦૫ પછી સેવામાં જોડાવું એ ગુનો છે? સૌથી મોટી વિડંબના તો એ છે કે જે વિધાનસભ્યો માત્ર પાંચ વર્ષ માટે ચૂંટાય છે, તેમને આજીવન પૂરેપૂરું પેન્શન મળે છે, જ્યારે ૨૦-૩૦ વર્ષ સુધી સમાજનું ઘડતર કરનાર શિક્ષકને શાકભાજીની લારી ચલાવવાનો વારો આવે છે. ભારતનાં પાંચ રાજ્યો એવાં છે જે આજે પણ જૂની પેન્શન યોજના આપે છે. જો એ રાજ્યો આ કરી શકતાં હોય તો આર્થિક રીતે સધ્ધર એવું આપણું રાજ્ય કેમ નહીં? શિક્ષક પણ એ સામાજિક કાર્યકર્તા છે જે દેશનું ભવિષ્ય બનાવે છે. સવાલ માત્ર પૈસાનો નથી, આત્મસન્માનનો પણ છે. શિક્ષકોને ન્યાય ક્યારે મળશે એની રાહ જોયા સિવાય બીજો કોઈ પર્યાય નથી.


