બ્રોકરેજ હાઉસિસ તરફથી રિલાયન્સમાં ટાર્ગેટ પ્રાઇસ ઘટાડાઈ, શૅરમાં ૨૦૦ દિવસની મૂવિંગ-ઍવરેજ તૂટતાં ચાર્ટ પર નબળાઈના સંકેત : નબળા પરિણામ સાથે ઢીલા ગાઇડન્સિસમાં વિપ્રો ૮ ટકા ગગડી નિફ્ટી તેમ જ એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બની : ચાંદી ૩ લાખની પાર, સોનું દોઢ લાખ ભણી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- વિશ્ળેષકોના બુલિશ વ્યુ વચ્ચે ICICI બૅન્કમાં ૨.૪ ટકાની નબળાઈ
- ટ્રમ્પની ખુશી માટે MRPL દ્વારા રશિયન ફૂડની આયાત બંધ કરાઈ, શૅર ગગડ્યો
- સરકારનો ઇન્ડિગોને બાવીસ કરોડનો દંડ, કંપનીનું માર્કેટકૅપ ૭૨૮૦ કરોડ રૂપિયા વધારી દીધું
ગ્રીન લૅન્ડને હડપ કરવાના ચાળે ચડેલા ટ્રમ્પની અવનવી ધમકીના મારા વચ્ચે એશિયન બજારોએ મિશ્ર વલણમાં નવા સપ્તાહની શરૂઆત કરી છે. સાઉથ કોરિયા બુલરન જાળવી રાખતાં ૧.૩ ટકા વધી ૪૯૦૫ તો તાઇવાન ૦.૯ ટકા વધીને ૩૧,૬૩૯ના બેસ્ટ લેવલે બંધ થયું છે. થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયા અડધો ટકો અને ચાઇના સાધારણ પ્લસ હતું. સામે હૉન્ગકૉન્ગ એક ટકા, જપાન પોણો ટકો તો સિંગાપોર અડધો ટકો ઘટ્યું છે. ટ્રમ્પ સાથે ટકરાવ શરૂ થતાં યુરોપ એકથી દોઢ ટકો રનિંગમાં નીચે દેખાયું છે. લંડન ફુત્સી અડધો ટકો ડાઉન હતો. કરાચી શૅરબજાર રનિંગમાં સવા ટકો કે ૨૪૦૭ પૉઇન્ટ વધીને ૧,૮૭,૫૦૫ ચાલતું હતું. નવી ટૉપ આજકાલમાં દેખાશે એમ લાગે છે. બિટકૉઇન અડધા ટકાના ઘટાડામાં ૯૩,૦૨૫ ડૉલર રનિંગમાં જોવાયો છે. ઇન્ડસ્ટ્રિયલ મેટલ વાયદામાં ટીન પોણાઆઠ ટકા, ઝિન્ક સવાત્રણ ટકા, કૉપર સવાબે ટકા તથા ઍલ્યુમિનિયમ એક ટકો ઘટ્યા છે. વિશ્વબજારમાં કૉમેક્સ સિલ્વર નવા શિખર સાથે પાંચ ટકાની મજબૂતીમાં ૯૩ ડૉલર તો હાજર સોનું બેસ્ટ લેવલ સાથે ૧.૬ ટકા વધીને ૪૬૭૦ ડૉલર ચાલતું હતું. ક્રૂડ એક ટકો ઘટી ૬૩.૫૦ ડૉલર હતું.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૭૬ પૉઇન્ટ નરમ, ૮૩,૪૯૪ ખૂલી છેવટે ૩૨૪ પૉઇન્ટ ઘટી ૮૩,૨૪૬ તથા નિફ્ટી ૧૦૯ પૉઇન્ટની નબળાઈમાં ૨૫,૫૮૫ બંધ થયો છે. નરમ ખૂલ્યા બાદ શૅરઆંક ઉપરમાં ૮૩,૫૪૦ નજીક જઈ ત્યાંથી ૬૪૨ પૉઇન્ટ લથડી નીચામાં ૮૨,૮૯૮ દેખાયો હતો. નિફ્ટી પણ નીચામાં ૨૫,૪૯૪ થઈ ગયો હતો. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૮૭૨ શૅર સામે ૨૩૧૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૧૫ લાખ કરોડ કપાઈ ૪૬૫.૬૯ લાખ કરોડ રહ્યું છે. FMCG તથા કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૦.૪ ટકા જેવા સુધર્યા છે, ઑટો અને મેટલ બેન્ચમાર્ક પૉઝિટિવ બાયસમાં હતા. બાકી બધું લાલ હતું. ટેલિકૉમ, એનર્જી, ઑઇલ-ગૅસ, રિયલ્ટી, નિફ્ટી મીડિયા જેવાં સેક્ટોરલ એકથી બે ટકા જેવાં ડૂલ થયાં છે.
ADVERTISEMENT
ડિસેમ્બરમાં એકાએક આડેધડ ફ્લાઇટ્સ રદ કરવા બદલ સરકારે ઇન્ડિગોને બાવીસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કુલ ૨૫૦૭ ફ્લાઇટ્સ રદ કરી તથા ૧૮૫૨ ફ્લાઇટ્સના કિસ્સામાં ભારે વિલંબ કરીને દેશના ૩ લાખથી વધુ પૅસેન્જર્સને રઝળતા કરી મૂકનારી આ કંપનીની દિવસની આવક સરેરાશ ૨૨૫ કરોડ છે. આની સામે બાવીસ કરોડનો દંડ એનો એક ટકોય નથી. દંડ જેટલી આવક તો કંપની અઢી ત્રણ કલાકમાં કમાઈ લેશે. આથી જ શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે ઉપરમાં ૪૯૫૦ વટાવી ચારેક ટકા કે ૧૮૮ રૂપિયા વધી ૪૯૧૭ બંધ થયો છે. એમાં કંપનીનું માર્કેટકૅપ ૭૨૮૦ કરોડ રૂપિયા વધી ગયું છે.
રિલાયન્સમાં પરિણામ બાદ બ્રોકરેજ હાઉસ મૉર્ગન સ્ટેનલી, જેફરીઝ તથા સિટી તરફથી ટાર્ગેટ પ્રાઇસ ઘટાડવામાં આવી છે. શૅર ગઈ કાલે ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજની અંદર, ૧૪૦૩ થઈ ૩ ટકા તૂટી ૧૪૧૨ બંધ આપી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની બજારને ૨૫૮ પૉઇન્ટ નડ્યો છે. ICICI બૅન્કમાં રિઝલ્ટ બાદ CLSA તરફથી ૧૭૦૦, જેફરીઝ ૧૭૩૦, કોટકવાળાએ ૧૮૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી કર્યો છે, પણ શૅર નીચામાં ૧૩૬૦ થઈ ૨.૪ ટકા ખરડાઈ ૧૩૭૮ના બંધમાં બજારને ૨૦૩ પૉઇન્ટ ભારે પડ્યો છે. હિન્દુસ્તાન યુનિલિવર ૨.૧ ટકા, મારુતિ બે ટકા, કોટક બૅન્ક બે ટકા ઊંચકાઈ છે. સામે એટર્નલ ૨.૨ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૨.૭ ટકા, મેક્સ હેલ્થકૅર સવાબે ટકા અપોલો હૉસ્પિટલ દોઢેક ટકા ડૂલ થઈ હતી.
રેવન્યુ ગ્રોથના વસવસામાં IDBI બૅન્ક સાડાપાંચ ટકા ડાઉન
અમદાવાદી સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝ દ્વારા ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન તેમ જ શૅરદીઠ એકનું બોનસ જાહેર કરાયું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૬૪૭ બતાવી સામાન્ય ઘટાડે ૧૫૯૩ બંધ થયો છે. કંપની નવે ૨૦૧૭માં ૧૦ના શૅરદીઠ ૧૨૧ના ભાવથી કુલ ૪૦ કરોડનો NSE SME IPO લાવી હતી. આખો ઇશ્યુ ઑફર ફોર સેલનો હતો. ૨૦૧૭ની ૧ ડિસેમ્બરે લિસ્ટિંગમાં ભાવ ૧૨૨ બંધ થયો હતો. ૯ જાન્યુઆરીના રોજ ચાલુ મહિને એમાં ૧૬૯૫ની ઑલટાઇમ હાઈ બની હતી. હિમાદ્રી સ્પેશ્યલિટી કેમિકલ્સે ૭ ટકા વધારામાં કુલ ૧૨૩૦ કરોડ આવક ઉપર ૩૬ ટકા વૃદ્ધિદરથી ૧૯૨ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ગઈ કાલે ૪૮૧ વટાવી ૨.૧ ટકા ઘટી ૪૬૨ રહ્યો છે. ફેસવૅલ્યુ એકની છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની નેટવેબ ટેક્નૉલૉજિઝે અગાઉની ૩૩૫૫ કરોડની સામે આ વખતે ડિસેમ્બર ક્વૉર્ટરમાં લગભગ અઢી ગણી, ૮૧૧૫ કરોડની આવક ઉપર ૧૪૭ ટકા વધારામાં ૭૩૩ કરોડ નેટ નફો મેળવ્યો છે. ભાવ ઉપરમાં ૩૭૫૦ થઈને દોઢ ટકા વધી ૩૪૦૪ હતો. ફેસવૅલ્યુ બેની છે. ૮ ઑક્ટોબરના રોજ શૅર ૪૪૮૦ના શિખરે ગયો હતો. મિડ જુલાઈ ૨૦૨૩માં કંપની બેના શૅરદીઠ ૫૦૦ના ભાવથી ૬૩૧ કરોડનો ઇશ્યુ લાવી હતી. લાર્સન ટેક્નૉલૉજિઝે નફામાં ૬ ટકા ઘટાડા સાથે ગાઇડન્સિસ ડાઉનગ્રેડ કરતાં શૅર શુક્રવારે ૩૨૬ રૂપિયા કે ૭.૭ ટકા ગગડી ૩૯૧૯ બંધ થયા પછી ગઈ કાલે ૩૮૪૫ની અઢી વર્ષની બૉટમ બતાવી ૧.૪ ટકા ઘટી ૩૮૬૫ બંધ થયો હતો.
સરકારની ૯૧ ટકા માલિકીની યુકો બૅન્ક દ્વારા પોણાસોળ ટકાના વધારામાં ૭૩૯ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. NPAમાં ઘટાડો થયો છે. શૅર ૩૦.૩૯ થઈ નજીવો ઘટી ૨૯.૬૪ હતો. IDBI બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૨૪ ટકા ગગડી ૩૨૦૯ કરોડ થઈ છે. નફો ૧.૪ ટકા વધી ૧૯૩૫ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૯૮ બતાવી ૫.૬ ટકા ખરડાઈ ૯૯ નજીક રહ્યો છે. બેડલોન તેમ જ પ્રોવિઝનિંગમાં નોંધપાત્ર ઘટાડાના પગલે યસ બૅન્કે ૫૫ ટકા વધારામાં ૯૫૨ કરોડ નેટનફો મેળવ્યો છે. શૅર ઉપર ૨૪ જેવો થઈ ૩ ટકા ગગડી ૨૩ નીચે બંધ થયો છે.
ટ્રમ્પની ખુશી માટે MRPL તરફથી પણ રશિયન ક્રૂડની આયાત બંધ કરવાની જાહેરાત કરાઈ છે, જેમાં શૅર સવાપાંચ ટકા ગગડી ૧૪૩ થયો છે. સરકારની ૬૩.૨ ટકા માલિકીની ભેલ લિમિટેડે ૧૮૯ ટકાના વૃદ્ધિદરથી ૩૯૦ કરોડ ત્રિમાસિક નફો કર્યો છે, પરંતુ શૅર ઉપરમાં ૨૬૯ થઈ નીચામાં ૨૫૬ બતાવી એક ટકો ઘટીને ૨૬૩ બંધ થયો છે.
ભારત કોકિંગ કોલનું દમદાર લિસ્ટિંગ, ૭૭ ટકાનું રિટર્ન
ભારત કોકિંગ કોલ ૧૦ના શૅરદીઠ ૨૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૩થી શરૂ થઈ ઉપરમાં ૧૬ અને નીચામાં ૯ થયા બાદ છેલ્લે બોલાતા સાડાબારના પ્રીમિયમ સામે ગઈ કાલે ૪૫.૨૧ ખૂલી ૪૦.૬૬ બંધ થતાં ૭૬.૮ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. તો SME સેગમેન્ટમાં ડિફેઇલ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૭૪ની ઇશ્યુ પ્રાઇસ અને ૬થી શરૂ થઈ વધતું રહી છેલ્લે થયેલું ૧૭ રૂપિયાનું પ્રીમિયમના મુકાબલે ૯૫ ખૂલી ૯૦ બંધ થતાં ૨૨ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. અવના ઇલેક્ટ્રોસિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૫૯ની ઇશ્યુ પ્રાઇસ અને ૪થી શરૂ થઈ ૧૬ થયા બાદ છેલ્લે ચાલતા ૧૨ના પ્રીમિયમ સામે આજે લિસ્ટેડ થવાની છે.
નવી દિલ્હીની આર્મર સિક્યૉરિટીનો ૧૦ના શૅરદીઠ ૫૭ના ભાવનો ૨૭ કરોડનો NSE SME ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં અઢી ગણા સહિત કુલ ૧.૮ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ હાલ વધીને ૬ રૂપિયા ચાલે છે. એમેજી મીડિયા લૅબ્સ, નર્મદેશ બ્રાસ ઇન્ડ, ઇન્ડો SME લિમિટેડ તથા GRE રિન્યુ એનર્ટેકનાં લિસ્ટિંગ બુધવારે છે. હાલ એમેજીમાં ૨૪, ઇન્ડો SMEમાં ૨૫ તો GRE રિન્યુમાં ૬ પ્રીમિયમ સંભળાય છે.
શૅડોફૅક્સ ટેક્નોનો મોંઘો ૧૯૦૭ કરોડનો ઇશ્યુ આજે ખૂલશે
આજે મેઇનબોર્ડમાં બૅન્ગલોરની શૅડોફૅક્સ ટેક્નૉલૉજીઝના ૧૦ના શૅરદીઠ ૧૨૪ની અપરબૅન્ડમાં ૯૦૭ કરોડની ઑફર ફોર સેલ સહિત કુલ ૧૯૦૭ કરોડનો ઇશ્યુ કરવાની છે. કંપનીએ છેલ્લાં ૩માંથી માત્ર એક વર્ષ નફો કર્યો હોવાથી ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા રાખવો પડ્યો છે. લૉજિસ્ટિક સૉલ્યુશન પ્રોવાઇડર સેગમેન્ટમાં કાર્યરત ૨૦૧૬માં સ્થપાયેલ શૅડોફૅક્સ ટેક્નો ઈ-કૉમર્સ એક્સપ્રેસ પાર્સલ ડિલિવરી સર્વિસ પૂરી પાડે છે. અગાઉનાં બે વર્ષમાં કુલ ૧૫૪ કરોડથી વધુની નેટ લૉસ કરનારી આ કંપનીએ ગયા વર્ષે ૩૨ ટકા વધારામાં ૨૫૧૪ કરોડ આવક ઉપર પ્રથમ વાર ૬૦૬ લાખ નેટનફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૧૮૨૦ કરોડ તથા નફો ૨૧ કરોડ બતાવ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં દેવું ૪૦ કરોડથી વધીને ૧૪૭ કરોડ વટાવી ગયું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૫૭૮ કરોડ થવાની છે. છેલ્લાં ૩ વર્ષ એવરેજ ઇપીએસ માઇનસ ૫૯ પૈસા છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૧૧૨૭નો ઘણો ઊંચો પીઇ બતાવે છે. જ્યારે ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનાની કમાણી પ્રમાણે પીઇ ૧૭૦ જેવો બેસે છે. ગ્રેમાર્કેટમાં ૧૬થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૧૦ ચાલે છે.
SME સેગમેન્ટમાં તેલંગણના રંગારેડી ખાતેની ડિફેન્સ તથા ઍરોસ્પેસ એન્જિનિયરિંગ સેક્ટરમાં પ્રવૃત્ત ૨૦૧૧માં સ્થપાયેલી ડિજિલૉજિક સિસ્ટમ્સ બેના શૅરદીઠ ૧૦૪ની અપરબૅન્ડમાં ૧૧ કરોડની OFS સહિત કુલ ૮૧ કરોડ રૂપિયાનો BSE SME ઇશ્યુ આજે કરશે. ગયા વર્ષે ૩૯ ટકાના વધારામાં ૭૨૧૯ લાખની આવક ઉપર ૨૩૮ ટકાના વધારામાં ૮૧૧ લાખ નેટપ્રૉફિટ કર્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં આવક ૧૮૨૮ લાખ અને નફો ૧૬૧ લાખ થયો છે. દોઢ વર્ષમાં દેવુ ૮ કરોડથી વધીને ૨૨ કરોડ વટાવી ગયું છે. ૬ મહિનાની કમાણી મુજબ ઇશ્યુ પ્રાઇસ ૯૩.૭નો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ શરૂ થયું નથી.
સોના-ચાંદીમાં નવા શિખરની, મેટલ શૅરમાં સિલેક્ટિવ હૂંફ જોવાઈ
વિશ્વબજારમાં તેજી સાથે નવા શિખરના પગલે ઘરઆંગણે પણ સોના-ચાંદી નવી સર્વોચ્ચ સપાટીએ ગયાં છે. એના લીધે હિન્દુસ્તાન ઝિન્ક ઉપરમાં ૬૬૭ થઈ ૩.૭ ટકા વધી ૬૬૧ બંધ થઈ છે. નાલ્કો બે ટકા વધીને ૩૬૮ તથા હિન્દાલ્કો અડધો ટકો સુધરી ૯૩૯ હતી. વેદાન્તા ૬૮૮ની વિક્રમી સપાટી નોંધાવી સવા ટકાની નબળાઈમાં ૬૭૫ હતી. મેટલ ઇન્ડેક્સ ૩૯ પૉઇન્ટના નજીવા ઘટાડામાં ૩૮,૨૨૩ બંધ થયો છે. એના ૧૩માંથી ૬ શૅર પ્લસ હતા. NMDC ૧.૭ ટકા, લૉઇડ્સ મેટલ્સ બે ટકા, APL અપોલો દોઢ ટકા નરમ હતી. JSW સ્ટીલ, અદાણી એન્ટર, જિંદલ સ્ટેનલેસ અડધાથી એક ટકો ઘટી છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૭ પૉઇન્ટ ઘટ્યો છે. અત્રે વેલકૉર્પ ૬.૮ ટકા ઊંચકાઈ ૭૮૭ બંધમાં મોખરે હતી. હિન્દુસ્તાન કૉપર અઢી ટકા ઘટી ૫૪૮ રહી છે.
શુક્રવારે ૩.૩ ટકા કે ૧૨૬૫ પૉઇન્ટ વધેલો નિફ્ટી IT ઇન્ડેક્સ ગઈ કાલે ૧૦૯ પૉઇન્ટ નરમ હતો. BSEનો IT ઇન્ડેક્સ ૭૭માંથી ૫૯ શૅરના ઘટાડામાં ૦.૬ ટકા કે ૨૧૭ પૉઇન્ટ માઇનસ થયો છે. વિપ્રો ૧૪ ગણા કામકાજે ૨૪૨ની અંદર જR ૮ ટકા લથડી ૨૪૬ બંધ થતાં આ બેન્ચમાર્કને ૧૩૨ પૉઇન્ટ માર પડ્યો છે. TCS ૧.૪ ટકા ઘટી ૩૧૬૭ તો ઇન્ફોસિસ અડધો ટકો ઘટી ૧૬૮૦ હતી. ટેકમહિન્દ્ર ૧૭૩૭ની વર્ષની ટૉપ બનાવી ૨.૯ ટકાની આગેકૂચમાં ૧૭૧૮ રહી છે. ભાવ સપ્તાહમાં સવાનવ ટકા નજીક વધ્યો છે. HCL ટેક્નો એક ટકા પ્લસ હતો. લાટિમ પરિણામ પહેલાં દોઢ ટકા વધીને ૬૪૦૫ થઈ છે. નેટવર્ક પીચલ સર્વિસિસ સુધારાની ચાલમાં ૩.૩ ટકા ઊંચકાઈ ૧૪૪૪ બંધમાં IT ખાતે ઝળકી છે.
એનર્જી ઇન્ડેક્સ દોઢ ટકા તો ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૧.૩ ટકા લપસ્યો છે. એમાં રિલાયન્સનો સિંહફાળો હતો. આ ઉપરાંત ONGC ૧.૬ ટકા, ઑઇલ ઇન્ડિયા ૨.૭ ટકા, હિન્દુસ્તાન પેટ્રો ૦.૯ ટકા, MRPL ૫.૩ ટકા, એન્ટલૉપ્સ સેલન સવાછ ટકા, આઇઆરએમ એનર્જી ૩.૫ ટકા, એજિસ લૉજિસ્ટિક્સ અઢી ટકા, પેટ્રોનેટ ૧.૯ ટકા, દીપઇન્ડ. ૨.૮ ટકા બગડી છે મહાનગર ગૅસ સામા પ્રવાહે ૩.૩ ટકાની મજબૂતીમાં ૧૦૯૮ થયો છે.


