Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મોટી ઉંમરે ઍક્ટિવ રહેવું હોય તો શું કરવું જરૂરી છે?

મોટી ઉંમરે ઍક્ટિવ રહેવું હોય તો શું કરવું જરૂરી છે?

Published : 23 January, 2026 12:42 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

મેડિકલ સાયન્સ માને છે કે તમે શરીરનું ધ્યાન રાખો, એની માવજત કરો તો ઉંમર વધે ત્યારે સ્વસ્થ અને ઍક્ટિવ લાઇફ જીવી શકાય; પરંતુ જ્યારે ઍક્ટિવ વડીલોને પૂછ્યું કે તેમના ઍક્ટિવ જીવન પાછળનું રહસ્ય શું છે?

શહાબુદ્દીન રાઠોડ

શહાબુદ્દીન રાઠોડ


હાલમાં એક ઇન્ટરવ્યુમાં ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડે કહ્યું હતું કે અમારી પાસે ૮૭ લાખની ગાડી હોય એના કરતાં અમે પાંચ કિલોમીટર ચાલી શકીએ એને અમે સાચું સુખ ગણીએ છીએ. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મોટી ઉંમરે તે ઍક્ટિવ લાઇફ જીવે. મેડિકલ સાયન્સ માને છે કે તમે શરીરનું ધ્યાન રાખો, એની માવજત કરો તો ઉંમર વધે ત્યારે સ્વસ્થ અને ઍક્ટિવ લાઇફ જીવી શકાય; પરંતુ જ્યારે ઍક્ટિવ વડીલોને પૂછ્યું કે તેમના ઍક્ટિવ જીવન પાછળનું રહસ્ય શું છે તો તેમનો મત ઘણો જ રસપ્રદ હતો. આવો આજે જાણીએ...

પહેલું સુખ તે જાતે નર્યા એ વાતને હાલમાં હાસ્યકલાકાર પદ્‌મશ્રી શાહબુદ્દીન રાઠોડે પણ પોતાના અંદાજમાં એવી રીતે કહી કે ૮૭ વર્ષની ઉંમરે અમારી પાસે ૮૭ લાખની ગાડી હોય એના કરતાં અમે પાંચ કિલોમીટર ચાલી શકીએ એને અમે સાચું સુખ ગણીએ છીએ. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેણે મોટી ઉંમરે પણ એક ઍક્ટિવ લાઇફ જીવવી છે. એ માટે શું કરવું જોઈએ એ આજે સમજવાનો પ્રયાસ કરીએ.



જો તમને ૬૦-૭૦-૮૦ વર્ષે ઍક્ટિવ રહેવું છે તો એની તૈયારી ૩૦-૪૦-૫૦ વર્ષે કરવી પડશે. જેવું તમે તમારા શરીરનું ધ્યાન રાખશો એનું ઘડતર કરશો અને એને જેટલું મજબૂત બનાવશો એટલું એ પાછળની ઉંમરમાં તમારો સાથ આપશે. આ વાત સ્પષ્ટ કરતાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘એ ખૂબ જરૂરી છે કે તમારો બાંધો મજબૂત હોય અને એ જિનેટિકલી મજબૂત હોય તો પણ તમારે એની સાચવણી કરવી જરૂરી છે. જો જિનેટિકલી બાંધો નબળો હોય તો એની સાચવણ વધુ કરવાની જરૂર છે. થાય  છે એવું કે ૩૦-૪૦ વર્ષની ઉંમરે વ્યક્તિ ઉપર જુદી જવાબદારીઓ હોય છે એટલે વ્યક્તિ એમાં બિઝી રહે છે. અને સાથે વધુપડતો વિશ્વાસ હોય છે કે મને કંઈ થશે નહીં, હું એકદમ ઠીક છું. હકીકતે જો તમે જાગૃત હો તો ૪૦ પછી તમને એજિંગનાં ચિહ્‌નો દેખાવા લાગશે. તમારી ઍક્ટિવ લાઇફની ક્ષમતા ધીમે-ધીમે ઘટતી દેખાશે. માનસિક રીતે તમને બહાર કરતાં ઘરમાં રહેવામાં મજા આવવા લાગશે. પહેલાં જે નવ-નવ રાતના ઉજાગરા પણ શરીર સહન કરી લેતું હતું એ શરીરની એક રાતના ઉજાગરામાં હાલત ખરાબ થતી જોવા મળશે. વાળ અને સ્કિન ખરાબ થતાં જશે. બહારનું ખાવાનું પચવાનું અઘરું પડશે. આ બધાં જ ચિહ્‍નો તમને એજિંગ સૂચવે છે. એ બતાવે છે કે બદલાવનો સમય આવી ગયો છે. જો તમે આ ચિહ્‍નોને ઓળખી રહ્યા છો તો શરીર પ્રત્યે સજાગ થઈ જવું જરૂરી છે.’


સપ્લિમેન્ટ્સ

૩૦-૪૦ કે ૫૦ વર્ષની વયે એવું શું કરવું જેથી ૬૦-૭૦-૮૦ વર્ષે એક ઍક્ટિવ લાઇફ જીવી શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘બે વસ્તુ પર ખાસ ભાર આપવાનો છે. એમાંની એક છે તમારાં સપ્લિમેન્ટ. મોટા ભાગે સ્ત્રીઓ આ બાબતે જાગૃત હોય છે પણ પુરુષો આ બાબતે જાગૃત હોતા નથી. દરરોજ તમને વિટામિન, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ જેવાં જરૂરી તત્ત્વો પૂરતી માત્રામાં મળે છે કે નહીં? તમારું B12 અને વિટામિન D બન્ને પૂરતી માત્રામાં છે કે નહીં એ જોવું જરૂરી છે. એ માટે ટેસ્ટ કરાવવી જરૂરી છે. જો ઓછું હોય તો એનાં સપ્લિમેન્ટ લેવાં જરૂરી છે. મેનોપૉઝ પછી સ્ત્રીઓ કૅલ્શિયમ સપ્લિમેન્ટ લેતી થઈ જતી જોવા મળે છે, પણ પુરુષોને લાગતું નથી કે તેમને સપ્લિમેન્ટની જરૂર છે. એવું જરૂરી નથી કે તમે સપ્લિમેન્ટ જ લો. ખોરાક દ્વારા એની પૂર્તિ થઈ શકે છે, પણ અહીં શરત એ છે કે તમારો ખોરાક એકદમ શુદ્ધ હોય અને હંમેશાં હેલ્ધી ખાતા આવ્યા હો. દરેક પોષક તત્ત્વ તમને મળી રહે એવી બૅલૅન્સ્ડ ડાયટ તમે અપનાવેલી હોય તો સારું કહેવાય પણ એની સાથે-સાથે તમારું પાચન પણ એકદમ સ્વસ્થ હોવું જોઈએ. જો તમને ખોરાક વ્યવસ્થિત પચતો ન હોય તો તમને પોષણ કઈ રીતે મળે? જ્યાં સુધી તમે આ બાબતે પૂરી રીતે સ્વસ્થ ન હો ત્યાં સુધી સપ્લિમેન્ટ લેવામાં વાંધો નથી. શરત ફક્ત એ છે કે પોષક તત્ત્વોની કમી ન જ થવી જોઈએ.’


સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ

ઍક્ટિવ લાઇફ માટે બીજી જે બાબત અત્યંત જરૂરી છે એના પર ભાર આપતાં ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘હાડકાં અને શરીરનો બાંધો મજબૂત કરવા માટે સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ અત્યંત જરૂરી છે. સ્નાયુને કેળવવા માટે અને હાડકાંને મજબૂત બનાવવા માટે સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ જરૂરી છે. જિમમાં જઈને કે જિમમાં ગયા વગર બન્ને રીતે સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ થાય છે. શરૂઆત ભલે ખુદના શરીરથી કરો જેમ કે સ્ક્વૉટ, લન્જીસ, પ્લૅન્ક જેવી એક્સરસાઇઝમાં તમારા જ શરીરના વજનનો ઉપયોગ કરીને તમારા સ્નાયુ અને હાડકાંને કેળવવામાં આવે છે. આવી શરૂઆત કર્યા પછી ૫-૫ કિલોથી શરૂઆત કરવી. આમ વજન ન ઉપાડી શકો તો મશીનના વજન સરળ હોય છે. થોડો સમય જિમનું મશીન વાપરી શકો છો. પછી લાગે કે ધીમે-ધીમે તાકાત આવી ગઈ છે તો રિયલ વેઇટ્સ ઉપાડીને કસરત કરવાનું શરૂ કરો. બાંધો નબળો હોય તો વજન ઓછું અને રિપીટેશન વધુ કરો. ઉપાય અઢળક છે. બસ, તમે શરૂઆત કરો. સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગમાં એ વ્યક્તિને ઇન્જરી થવાની શક્યતા ઓછી હોય છે જે વ્યક્તિના સ્નાયુ ફ્લેક્સિબલ હોય. આમ જો તમારું એક્સરસાઇઝ રિજીમ બે દિવસ કાર્ડિયો, બે દિવસ સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ અને બે દિવસ યોગનું હોય તો નક્કી વાત છે કે તમે વૃદ્ધાવસ્થામાં ઍક્ટિવ લાઇફ જીવશો. તમને યોગ ન ગમતા હોય તો પિલાટેઝ કરો, કાર્ડિયો ન ગમતું હોય તો સ્વિમિંગ કે ડાન્સ કરો. પ્રકાર ભલે બદલાય, પણ મૂળભૂત રીતે તો આ એક્સરસાઇઝિસ એ જ છે.’

ધારો કે મોડું થઈ ગયું તો?

જો તમે ૬૦ વર્ષ સુધી પહોંચી ગયા છો અને તમને લાગે કે તમારા શરીર પર તમે ધ્યાન નથી આપ્યું અને શરીર હવે નબળું પડતું જાય છે તો પણ ગભરાશો નહીં એ વાત સ્પષ્ટ કરતાં ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘પહેલાં તમે નથી કર્યું તો હવે કરીને ફાયદો નથી એમ ન જ વિચારતા. શરીરના કેસમાં જાગ્યા ત્યાંથી સવાર સમજવું જરૂરી છે. આજની તારીખે ૬૦-૬૫ વર્ષે લોકો પહેલી વાર જીવનમાં જિમ જૉઇન કરતા દેખાય છે કારણ કે તેમને સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ કરવાનું સૂચન મળ્યું છે. ખૂબ જ જરૂરી છે કે તમે તમારા સ્નાયુ, સ્પાઇન, સાંધા અને હાડકાંને સ્વસ્થ રાખો. બસ, ધ્યાન ફક્ત એટલું રાખવાનું છે કે સ્લો અને સ્ટેડી રહેવાનું છે. કાચબાની ચાલે આગળ વધો. થોડું-થોડું કરો પણ દરરોજ કરશો તો રિઝલ્ટ મળશે. એક્સરસાઇઝ કરતાં-કરતાં ઇન્જરી આવે એનો અર્થ એમ છે કે તમે જે કરી રહ્યા છો એ શરીર માટે વધુપડતું થઈ રહ્યું છે, એ કરવાનું નથી.’

ઍક્ટિવ લાઇફ જીવતા વડીલો શું કહે છે?

મેડિકલ સાયન્સ માને છે કે શરીરનું ધ્યાન રાખીએ તો ઍક્ટિવ રહી શકાય, પરંતુ અત્યારે ભરપૂર ઍક્ટિવ લાઇફ જીવનારા વડીલો પોતાની ઍક્ટિવ લાઇફ પાછળ કોઈ જુદાં કારણો તરફ આંગળી ચીંધે છે. એ કારણો કયાં છે એ જાણીએ. 

શરીર એની મેળે ઍક્ટિવ રહેતું નથી, મનની લગામ કસવી પડે છે - પ્રતાપ દોશી, ૯૦ વર્ષ, વિલે પાર્લે

૯૦ વર્ષે પણ એક મૅગેઝિનના સંપાદનનું કામ સંભાળનારા, પોતાની રીતે બધું કામ જાતે કરી શકવાની ક્ષમતા ધરાવનારા પ્રતાપ દોશી આ ઉંમરે પણ એકદમ ઍક્ટિવ લાઇફ જીવી રહ્યા છે. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવી તકલીફ ખરી પણ એને કારણે જીવનમાં કે તેમની જીવંતતામાં કોઈ ફરક દેખાયો નથી. પોતાના વિશે વાત કરતાં પ્રતાપભાઈ કહે છે, ‘મને લાગે છે કે હું હંમેશાંથી સાદું જીવન જીવ્યો છું એ જ સીક્રેટ છે મારી ઍક્ટિવ લાઇફનું. ખાવા-પીવાનો મને શોખ ઘણો પણ પત્નીના હાથની રસોઈ જ જમી છે. દૂધ-કેળાં ખૂબ ખાધાં છે. ઘરમાં બિઝનેસ હતો પણ મેં નોકરી કરી અને નિવૃત્ત થયો ત્યારે અચાનક સંજોગો એવા બન્યા કે પરિવારનો બિઝનેસ મારે સંભાળવો પડ્યો. એટલે કામ જ્યારે છોડવાનું હતું ત્યારે પકડવું પડ્યું. નિવૃત્તિ પછી મેં બિઝનેસ સંભાળ્યો અને ચલાવ્યો એટલે જ કદાચ ૯૦ વર્ષે પણ કામ કરવામાં કોઈ તકલીફ પડતી નથી. મારું શરીર સ્વસ્થ છે. હું માનું છું કે સતત કંઈ કરવાની ઇચ્છા હોય એ તમને ઍક્ટિવ રાખે છે. મને સતત નવું-નવું કામ ગમે છે. મેં મોટી ઉંમરે લેખનકાર્ય શરૂ કર્યું. મૅગેઝિન ચલાવવાનું કામ પણ મારું મનગમતું કામ છે. જીવનમાં જ્યાં સુધી ધ્યેય છે, કરવા માટે કામ છે ત્યાં સુધી તમે ઍક્ટિવ જીવન જીવી શકો છો. જ્યારે એ નથી ત્યારે જીવન નકામું બની જાય છે. શરીર એની મેળે ઍક્ટિવ રહી નથી શકતું. મન નામની લગામ એના પર કસીને રાખવી જરૂરી છે તો એ કામ કરે છે.’

મારે જીવી જવું છે એટલે જીવન એકદમ ઍક્ટિવ છે - કેતકી મહેતા, ૮૩ વર્ષ, જુહુ

લગભગ આખી દુનિયા ફરી ચૂકનારાં ૮૩ વર્ષનાં કેતકીબહેન ટ્રાવેલિંગનો ભરપૂર શોખ ધરાવે છે. ઉંમર તેમને બિલકુલ થકવતી નથી. ઉત્સાહથી ભરપૂર જીવન જીવતાં કેતકીબા દરરોજ સાંજે ૧ કલાક ચાલવા જાય છે. જોકે આ ચાલવાનો નિયમ પણ તેમણે નિવૃત્ત થયા પછી પાળવાનું શરૂ કર્યું હતું. પોતાની ઍક્ટિવ લાઇફનું રહસ્ય જણાવતાં કેતકીબહેન કહે છે, ‘જ્યારે મને મૃત્યુ આવે ત્યારે હું ઇચ્છું છું કે લોકો એમ ન કહે કે કેતકીબહેન મૃત્યુ પામ્યાં, ઊલટું મને એવું છે કે લોકો કહે કે કેતકીબહેન જીવી ગયાં. દુનિયા ફરવાનો મોકો મળે છે, નવા-નવા લોકોને મળવાનો મોકો મળે છે એટલે સતત ધબકતું જીવન જીવું છું હું. જીવનમાં ઘણું દુઃખ જોયું એટલે ખુશ રહેવાની અને જીવી લેવાની ઇચ્છા સર્વોપરી રાખી છે. હું એવા વડીલ તરીકે જીવવા માગું છું જે વડીલ સમાજ માટે ઘણા ઉપયોગી છે. પોતાના ઘર પૂરતું જ નહીં, સમાજ અને બીજા લોકોને પણ મદદરૂપ થઈ શકાય એવું જીવન મને ગમે. મારું શરીર મને એટલે સાથ આપે છે કેમ કે મારું મન એકદમ સ્ટ્રૉન્ગ છે. આ મજબૂતી પણ જીવનનાં દુઃખોમાંથી જ બહાર આવી છે, પણ મને કોઈ અફસોસ નથી. હું યુવાન હતી ત્યારે ખૂબ ડાન્સ કરતી. નોકરી કરતી ત્યારે એકદમ ઍક્ટિવ લાઇફ જીવતી એટલે આજે રિટાયરમેન્ટનાં ૨૩ વર્ષ પછી પણ ઍક્ટિવ રહેવાની આદત પડી છે. હું લગભગ ૭૦ વર્ષની ઉંમર સુધી જુહુથી સિદ્ધિવિનાયક પગપાળા જઈ શકતી હતી. મને નખમાંય રોગ નથી, કારણ કે કોઈ લાગણીઓને મેં મનમાં ધરબી રાખી નથી. બધું વ્યક્ત કરી શકું છું. મન હળવું છે એટલે તન પણ સ્વસ્થ છે અને જીવન એકદમ ઍક્ટિવ.’ 

જ્યાં સુધી તમે વિચારશો કે નિવૃત્ત નથી થવું ત્યાં સુધી તમે પ્રવૃત્ત રહી શકશો - સરયૂ શાહ, ૮૫ વર્ષ, અંધેરી

૮૫ વર્ષનાં સરયૂબહેન છેલ્લાં ૫૪ વર્ષથી આર. એન. શેઠ વિદ્યામંદિરમાંની સ્કૂલ ચલાવે છે. આજે પણ સવારથી સાંજ સુધી સ્કૂલનાં કામોમાં વ્યસ્ત રહે છે. શારીરિક રીતે એકદમ સ્વસ્થ છે અને એકદમ ઍક્ટિવ લાઇફ ધરાવે છે. પોતાની ઍક્ટિવ લાઇફ વિશે વાત કરતાં સરયૂબહેન કહે છે, ‘મારે નિવૃત્ત થવું જ નથી એટલે નિવૃત્તિની ઉંમરનાં ૨૫ વર્ષ પછી પણ હું કામ કરું છું. ઘણા માણસો એવા છે જે ઉંમર થાય એટલે કામથી દૂર ભાગવા લાગે છે. ઘણા એવા છે જે એક જ કામ કરીને કંટાળી જાય છે, જવાબદારીથી દૂર ભાગવા લાગે છે. એ મને મારા માટે મંજૂર નહોતું. મારે કામ કરવું હતું. જે વડીલો પ્રવૃત્તિ છોડી નિવૃત્તિ તરફ આગળ વધે છે તેમની લાઇફમાંથી ઍક્ટિવિટી જતી રહે છે. મનથી જ જો તમે કંઈ કરવા નથી માગતા તો તમારું તન તમારો સાથ કેવી રીતે આપશે? બીજું એ કે મને લાગે છે કે હું સતત બાળકો વચ્ચે રહું છું. બાળકો સાથે રહેતાં-રહેતાં તમે બાળક જેવા બની જાઓ છો. બાળકો એનર્જીથી છલકાતાં હોય છે એટલે મારામાં પણ એનર્જી રહે છે. મને લાગે છે કે તમે ઍક્ટિવ ત્યાં સુધી રહી શકો છો જ્યાં સુધી તમને આ દુનિયાને કે સમાજને માટે કંઈ કરવું છે. જ્યારે તમારું મન કહે છે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે એનો પૂરેપૂરો સદુપયોગ તું કર. હું મારા વડીલ મિત્રોને હંમેશાં કહેતી હોઉં છું કે તમને જે ગમે તે અને જેવું ગમે એવું પણ કામ પસંદ કરી લો. કમાણીની જરૂર નથી પણ કામ કરવું જરૂરી છે. ઍક્ટિવ રહેવા માટે ફક્ત શરીરનું ધ્યાન નહીં, આત્માનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અંદરથી જે મજબૂત છે તે બહારથી પણ મજબૂત રહી શકશે.’ 

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2026 12:42 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK