છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ અજિત પવારને પત્ર લખીને પૂછ્યું...
અંકિતા ક્વચત
બીડની સ્કૂલમાં મૂળભૂત સુવિધાના અભાવ વિશે ફરિયાદ કરી તો ઉકેલ માટે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક પૅનલ રચી. બીડ જિલ્લામાં આવેલા પરભણી કેસાપુરી ગામની છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પત્ર લખીને તેમની જિલ્લા પરિષદ સંચાલિત સ્કૂલમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદ્યાર્થિનીએ લખેલો પત્ર સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યાર બાદ સ્થાનિક અધિકારીઓએ આ સમસ્યાના ઉકેલ માટે ૩ સભ્યોની સમિતિની રચના કરી છે.
પરભણી કેસાપુરી ગામની વિદ્યાર્થિની અંકિતા ક્વચતે નાયબ મુખ્ય પ્રધાન અને પાલક પ્રધાનને સવાલ કર્યો હતો કે ‘શેરડીના મજૂરોનાં મારા જેવાં અન્ય બાળકોએ મોટાં સપનાં ન જોવાં જોઈએ? અમારે પણ મજૂર જ બનવાનું છે?’
ADVERTISEMENT
પત્રમાં અંકિતાએ તેની સ્કૂલના શિક્ષકોના પ્રયાસોની પ્રશંસા કરીને સાથે જ ધ્યાન દોર્યું કે પીવાનું સ્વચ્છ પાણી, ટૉઇલેટ, હાથ ધોવાની વ્યવસ્થા અને રમકડાં સહિત કોઈ મૂળભૂત સુવિધાઓ નથી.
આ સુવિધાઓ ફક્ત કાગળ પર જ છે, વિદ્યાર્થીઓને ખરેખર કંઈ મળતું નથી છતાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણવા માટે આવે છે.
આ વિડિયો વાઇરલ થતાં અનેક લોકોએ વિદ્યાર્થિનીની હિંમતને દાદ આપી હતી. આ અંગે જિલ્લા પરિષદના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ‘અમે આ બાબતની તપાસ કરવા માટે ૩ સભ્યોની સમિતિ બનાવી છે. રિપોર્ટ આવ્યા પછી અમે એ મુજબ કાર્યવાહી કરીશું.’


