નાગરિકોએ વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડ માટે ૪૫,૦૦૦થી વધુ મૅન્ગ્રોવ્ઝના નાશને રોકવા મુખ્ય પ્રધાન અને BMCને મેમોરેન્ડમ આપ્યું
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ પણ મનોરી ખાડી પર મૅન્ગ્રોવ્ઝના નિકંદનને રોકવા પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોએ લડત ચાલુ જ રાખી છે. ૧૫૦૦થી વધુ નાગરિકોએ મુખ્ય પ્રધાન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તથા અન્ય સંબંધિત અધિકારીઓને વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ માટે મોટા પાયે મૅન્ગ્રોવ્ઝનો નાશ થતો રોકવાની અરજી કરી છે.
શહેરના વેસ્ટર્ન કૉરિડોરમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો માટે પૂર, તોફાન અને સાઇક્લોન સામે મૅન્ગ્રોવ્ઝ મહત્ત્વપૂર્ણ બફર તરીકે કામ કરે છે. પ્રસ્તાવિત કોસ્ટલ રોડ મૅન્ગ્રોવ્ઝ કવરના લગભગ ૭૫ ટકા ભાગનો સફાયો કરશે એમ નાગરિકોએ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું. ૨૦ જાન્યુઆરીએ આ મેમોરેન્ડમ BMC, મુખ્ય પ્રધાન અને અન્ય અધિકારીઓને સુપરત કરવામાં આવ્યું હતું.
મનોરી ખાડી પર અંદાજે ૬૦,૦૦૦માંથી ૪૫,૬૭૫ મૅન્ગ્રોવ્ઝને દૂર કરવાની જરૂર પડશે. ૨૬.૩ કિલોમીટરના કોસ્ટલ રોડ માટે મૅન્ગ્રોવ્ઝ હટાવવાની મંજૂરી બૉમ્બે હાઈ કોર્ટે ૧૨ ડિસેમ્બરે આપી હતી. વર્સોવા-દહિસર કોસ્ટલ રોડને એક્સ્ટેન્ડ કરીને ભાઈંદર સુધી લઈ જવામાં આવશે. આ રોડ ૧૦ કિલોમીટર જેટલું અંતર ઘટાડશે.
ADVERTISEMENT
મેમોરેન્ડમમાં રજૂ કરેલા ડેટા મુજબ છેલ્લા દાયકામાં મુંબઈની દરિયાની સપાટી વાર્ષિક ૪.૫ મિલીમીટર વધી રહી છે. આ પગલું મુસાફરીનું નજીવું અંતર ઘટાડવા જતાં ભવિષ્ય માટે મોટી મુશ્કેલી વહોરવા જેવુ છે. મૅન્ગ્રોવ્ઝને બીજે વાવવાથી કોઈ લાભ નહીં થાય એમ મેમોરેન્ડમમાં જણાવાયું છે.


